દરરોજ ખૂબ મોટી માત્રામાં આવી ઈમેજીસ ફોરવર્ડ થતી હોવાના કારણે દરરોજ 10માંથી 3 ભારતીયોના ફોન ભરાઈ જાય છેઃ ગૂગલ રિસર્ચ

આપણા દરેકના વોટ્સએપમાં એક ફેમીલી કે ફ્રેન્ડસ ગ્રુપ હોય છે જેમાં ગુડમોર્નિંગના મેસેજનો વાટકી વ્યવહાર થતો હોય છે.
કાકા,મામા,માસી.ફોઈ,ભાભી, પડોશી વાળા અંકલ જેવા મેમ્બરો ધરાવતા આ ગ્રુપમાં દરરોજ ગુડમોર્નિંગ, ગુડનાઈટ, મોટીવેશનલ ઈમેજીસ, વીડીયો વગેરેનો સતત મારો થતો જ રહેતો હોય છે. એમાંય જો ભૂલેચૂકો કોઈ તહેવાર આવી ગયો તો તો મોબાઈલ મેમરીનું આવી જ બન્યું સમજો. એ પછીના કેટલાક દિવસ તો આવા નકામા મેસેજ ડિલીટ કરી મોબાઈલ ખાલી કરવામાં જાય.

તમને નવાઈ લાગશે કે આ વખતે ન્યૂ યર પર ભારતમાં લોકોએ 2 હજાર કરોડ જેટલા ઈમેજીસ ફોરવર્ડ્સ કરેલા. આખી દુનિયામાં ન્યૂ યર પર જેટલા મેસેજ કરવામાં આવ્યા હતા તેના 26.7 ટકા તો ખાલી ભારતમાં જ થયેલા. એક અનુમાન પ્રમાણે ભારતમાં દરરોજ 1400 કરોડ વોટ્સએપ મેસેજ મોકલવામાં આવે છે, જેમાંથી 700 કરોડ તો ખાલી ગુડમોર્નિંગ મેસેજના જ હોય છે. શું તમને દરરોજ ઉઠીને આવા મેસેજ ફોરવર્ડ કરવાની ટેવ છે?

ગૂગલ રિસર્ચર અનુસાર ઈંટરનેટ ભારતીયોના ગુડ મોર્નિંગ મેસેજથી ભરાવા માંડ્યું છે. અને ભારતમાં આ ટ્રેન્ડનો અતિરેક થતો હોવાના કારણે ફોરવર્ડેડ મેસેજથી દરરોજ દસમાંથી 3 ભારતીયોના સ્માર્ટફોનનો સ્ટોરેજ ભરાઈ જાય છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર સિલિકોન વેલીની ગૂગલની ઓફિસમાં રિસર્ચર્સ એ તપાસવાની કોશિશ કરી રહ્યા હતા કે આખરે ભારતમાં લોકોના સ્માર્ટફોનની મેમરી કેમ આટલી જલ્દી ફુલ થઈ જાય છે. તેમને જે જવાબ મળ્યો તે બહુ હેરાન કરી દે તેવો છે. તેમના અનુસાર ભારતમાં હાલમાં લાખો ઈંટરનેટ યૂઝર્સ વધી રહ્યા છે.

દરરોજ હજારો લોકો પહેલીવાર ઈંટરનેટ સાથે જોડાય છે. અને આ તમામ લોકો એક જેવું ઓનલાઈન બિહેવીયર કરે છે. મતલબ કે તેઓ રોજ સવારે ઉત્સાહિત થઈને પોતાના સબંધી-મિત્રો-પાડોશીઓ-સહકર્મીઓ વગેરેને શુભકામનાના મેસેજ મોકલવા માંડે છે. તેના કારણે છેલ્લા 5 વર્ષોમાં ગૂગલ પર ફૂલો, કોફી, પંખીઓ અને તેના જેવી ઈમેજ વાળા ગુડમોર્નિંગ ઈમેજીસ સર્ચ કરનારા ભારતીયોની સંખ્યા પણ 10 ગણી વધી છે.

પિનરેસ્ટ નામની વેબસાઈટે તો આવા મેસેજ માટે એક આખો સેક્શન જ અલગ કરી દીધો છે. સર્ચ કરી, ડાઉનલોડ કરીને મોકલવામાં આવતા આ પ્રકારના મેસેજીસને લીધે જ ભારતીયોના સ્માર્ટફોનની મેમરી ભરાઈ જાય છે.

પણ ફીકર નોટ. ગૂગલ આ માટે એક સોલ્યૂશન લઈને આવ્યું છે. ગૂગલે આવા વણજોઈતા ફોરવર્ડ મેસેજ ડિલીટ કરવા માટે ફાઈલ્સ ગો એપ નામની એપ વિકસાવી છે. આ એપ આર્ટિફીશીયલ ઈંટેલિજન્સ પર કામ કરે છે. અને ગુડમોર્નિંગ, ગુડનાઈટ, હેપ્પી ન્યૂ યર પ્રકારના મેસેજીસને જાતે જ શોધીને તમને બતાવે છે જેથી તમે એક સાથે આવા મેસેજનો સફાયો કરી શકો. સ્વાભાવિક રીતે. ભારતમાં આ એપનું ખુલ્લા દિલે સ્વાગત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 1 કરોડ કરતા વધુ ભારતીયો આ એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે.

લેખન સંકલન : લજ્જા પંડ્યા

દરરોજ આવી અનેક માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી