Love you Beta – ગુજરાતી યુવકની સત્ય કહાની

2009ના વર્ષની આ વાત છે. બીએપીએસ સંસ્થા દ્વારા ગઢડા ખાતે યુવાનોની એક શિબીર હતી. આ શિબીરમાં મારુ એક લેકચર હતું જેમાં મેં યુવાનોને સ્પર્ધાત્મક પરિક્ષા દ્વારા કારકીર્દી ઘડતરની બાબતમાં માહિતગાર કરેલા. લેકચર પુરુ થયા પછી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો ભૂજનો એક છોકરો મળવા માટે આવ્યો. એમણે સ્પર્ધાત્મક પરિક્ષા આપવાની ઇચ્છા હતી. મેં મારા નંબર આપ્યા અને ભવિષ્યમાં આ બાબતે કોઇ મદદની જરુર હોય તો કોલ કરવા માટે કહ્યુ.

થોડા દિવસો પછી આ છોકરાએ ફેસબુક પર મને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી. અમારી વચ્ચે ફેસબુક પર વાત થઇ. વાત દરમિયાન જ મને ખબર પડી કે ભૂકંપ વખતે આ છોકરાના પિતાજી અવસાન પામ્યા છે. પરિવારમાં આ છોકરો અને એના મમ્મી બે જ વ્યક્તિ હતા. સ્વાભાવિક છે કે પિતાજીની છત્રછાયા ન હોય એટલે એકલતા કોરી ખાય. મેં નક્કી કર્યુ કે આ છોકરાને એના સપનાઓ પુરા કરવા માટે મારાથી શક્ય બને એ તમામ મદદ કરીશ.

જ્યારે 26મી જાન્યુઆરી આવી ત્યારે મેં એ છોકરાના મોબાઇલ પર સવારે એક મેસેજ કર્યો.

“My dear son. Never think that you are alon. I m always with you.”
-Papa

આ સંદેશાની છોકરા પર ખુબ ઉંડી અસર થઇ. એમણે મને કહ્યુ કે ‘આજે 10 વર્ષ પછી મને મારા પપ્પા મળ્યા હોય એવું લાગે છે. તમે પિતા તરીકે તમારા આ દિકરા પાસે શું અપેક્ષા રાખો ?’ મેં કહ્યુ , “દિકરાએ ગઢડા શિબીર વખતે કહેલુ કે મારે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને ઉચ્ચ અધિકારી બનવું છે. પિતા તરીકે હું ઇચ્છું કે મારો દિકરો આ પરિક્ષા પાસ કરે અને ઉચ્ચ અધિકારી બને.” છોકરાએ મને વચન આપ્યુ કે હું દિલથી મહેનત કરીશ અને ઉચ્ચ અધિકારી બનીશ.

છોકરાએ કોલેજ પુરી કર્યા પછી યુપીએસસીની પરીક્ષાની તૈયારી માટે દિલ્હી જવાનું નક્કી કર્યુ. આ છોકરો એના મમ્મીથી ક્યારેય જુદો પડેલો નહી. પરિવારમાં માત્ર બે જ સભ્ય હતા.

જો દિકરો દિલ્હી જાય તો મા ઘરે સાવ એકલી થઇ જાય. આમ છતા દિકરાને ઉચ્ચ અધિકારી બનાવવા માએ હૈયા પર પથ્થર રાખીને પણ દિકરાને દિલ્હી જવાની મંજૂરી આપી. પરિવારની આર્થિક પરિસ્થિતી પણ સાવ સામાન્ય. કારણકે કોઇ વિશેષ મિલકત હતી નહી. બીએસપીસ સંસ્થા તરફથી આપવામાં આવેલું એક રૂમ રસોડાનું નાનું મકાન એની મિલ્કત અને પિતાજીના અવસાન બાદ મળેલી થોડી સહાય અને પાર્ટ ટાઇમ નોકરી કરીને કરેલી બચત એ એની બેલેન્સ હતી.

આજીવિકાનું એક માત્ર સાધન એવી આ બચત રકમ પણ છોકરાની માએ છોકરાને આપી દિધી એને તો રકમ સાચવી રાખવા કરતા દિકરાની કારકીર્દીમાં વધુ રસ હતો. પરીક્ષાની તૈયારીમાં લાગેલો દિકરો હાલમાં એની મમ્મીને કોઇ આર્થિક મદદ ન કરી શકતો હોય એ સ્વાભાવિક છે. માને દિકરા પાસે આવી કોઇ અપેક્ષા પણ નથી એ તો દિકરાની ટેકણ લાકડી બનીને ઉભી છે.

છોકરાએ પણ દિલ્હીમાં રહીને દિલ લગાવીને યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ ચાલું કરી દીધી. દિવસ રાત ઉંધુ ઘાલીને મહેનત કરે. એને એક જ સપનું છે કે મારે ઉચ્ચ અધિકારી બનવું છે. પોતે જે તૈયારી કરે છે એ બરોબર છે કે કેમ એની ચકાસણી કરવા માટે એણે યુપીએસસી દ્વારા લેવાતી સીઆરપીએફની આસીસ્ટન્ટ કમાન્ડરની પરિક્ષા પાસ કરી પણ નોકરી ન સ્વિકારી કારણકે એનું ધ્યેય તો યુપીએસસીની સીવીલ સર્વિસ પાસ કરવાનું હતું.

આ છોકરાનું અંગ્રેજી ખુબ નબળું હતું. એ મારી સાથે વાત કરતો ત્યારે આ ફરીયાદ કરતો. જો કે આજે આ છોકરાએ અંગ્રેજીમાં ખુબ સારી પકકડ મેળવી લીધી છે. યુપીએસસીની પરિક્ષાના ત્રણ સ્ટેજ પૈકી પ્રિલીમીનરી પરીક્ષાનું પ્રથમ સ્ટેજ આ છોકરાએ પાસ કરી લીધું છે. જે છોકરો અંગ્રેજીથી ડરતો હતો એ છોકરાએ યુપીએસસીની મેઇન પરીક્ષાના પેપર અંગ્રેજીમાં જ લખ્યા છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરો એકદિવસ જરુરથી એની મંજીલ સુધી પહોંચશે.

ભૂજના પ્રમુખસ્વામી નગરમાં રહેતા આ છોકરાનું નામ છે જીજ્ઞેશ ગૌસ્વામી અને એના મમ્મીનું નામ છે હેમલતાબેન ગૌસ્વામી. જીજ્ઞેશ અત્યારે યુપીએસસીની પરીક્ષાના આગળના તબકકાની તૈયારી કરી રહ્યો છે.

વિપરીત પરિસ્થિતીઓની સામે હારી જવાને બદલે પડકારોને પણ પડકારીને આપ બળે પોતાનો માર્ગ કંડારનાર જીજ્ઞેશને ખુબ ખુબ શુભેચ્છાઓ.

Love you Beta

લેખક – શૈલેષ સગપરીયા સાહેબ (રાજકોટ)

ટીપ્પણી