લવ સ્ટોરી ઇન સૌરાષ્ટ્ર – SAURASHTRA JANTA EXPRESS – EPISODE 5

ચૌદ દિવસનાં ગેપ પછી આજે ‘સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ’ ને સિગ્નલ મળી જ ગયું. એટલે આમ આપણે વાત કરવાની હતી સૌરાષ્ટ્રમાં આકાર લેતી લવ સ્ટોરીઝની! કાઠિયાવાડમાં ‘પ્રેમ’ ને ‘લફરું’ જ કહેવાય છે! સૌરાષ્ટ્રમાં અટક પહેલા બોલાય-લખાય અને નામ પછી એટલે જ સૌથી પહેલા પુછાતો સવાલ: ‘તમે કેવા?’ સાલું કોઈ જ્ઞાતિ પુછીને પ્રેમમાં પડે? પણ કમનસીબે વ્યક્તિમાં પણ જ્ઞાતિ અને ધર્મને જોતા આપણે નાનપણથી જ આ સંસ્કારમાં ઘડાઈ ગયા છીએ! નામની પાછળ ભાઈ લગાડવાનાં બદલે અહીં અટકની પાછળ ‘ભાઈ’ લગાડી સંબોધવામાં આવે છે. સૌરાષ્ટ્રની શાળાઓનાં હાજરી પત્રક જોયા છે? સાલું અટક પહેલા અને નામ પછી, જાણે રગેરગમાં જ્ઞાતિવાદ! ક્યારેક તો સાહેબ લવ પછી બ્રેક અપ થઇ ગયું તો ઓટોમેટિક રીતે પાછો પેલો ‘ભાઈ’ બની જાય! આવા ‘ભાઈ’ પાછા કિલોનાં ભાવે ફરતા જોવા મળે!

સો, બેઝિકલી સૌરાષ્ટ્રમાં પ્રેમ થાય એટલે વડીલોને મોઢામાં અરિઠા ચાલ્યા ગયા હોય એવું કડવું લાગે છે! પ્રેમ પણ પાછો છોકરીઓને પાણીપુરીની ચોઈસની માફક કરવો હોય, કોઈને ગળી ચટણી વધારે નાંખવી હોય (વી આર ‘૩ એએમ ફ્રેન્ડસ’ યુ નો!) તો કોઈને ડુંગળી-લસણ વગર હો! (આપણે જસ્ટ ફ્રેન્ડસ!), તો મોટાભાગનાં જુવાનિયાઓને ભાગે બસ ખાલી પુરી જ આવવાની હોય! લાગણી કે હોર્મોન્સ ને કંઈ વિસ્તારો ન હોય, અને એવો પણ ક્યાં કાયદો છે કે પ્રેમ તો બ્રાન્ડેડ કોફી ચેઈનમાં બેસીને જ થાય!

એ તો બોર્ડની એક્ઝામનાં ચાર પેપર પુરતુ પાસે નંબર આવી જવાથી પણ થઇ જાય, એક રિક્ષા કે બસમાં સ્કુલ-કોલેજ આવવામાં થઇ જાય, અને ક્યારેક લંચ બોક્સ એક્સચેન્જ કરવામાં પણ….હજુ એક દાયકા પહેલા જ સ્લેમ બુક ભરવામાં જ ઘણાનાં સેટિંગ પડી જતા! ફેવરિટ પર્સન કે બેસ્ટ ફ્રેન્ડની કોલમ લખવામાં નામ નીચે અન્ડરલાઈન કરી લાલ પેન થી થોડી ડિઝાઈન પડાતી એટલે સામે વાળી ‘પાર્ટી’ બધું કહ્યા વગર સમજી જતી!

કેટલાક ગુટખા કે માવો ખાતા હોય એ ‘ઓલી’ નાં એક ઈશારે બંધ કરી દે! ઉનાળાની રાત્રે એનાં ઘર બાજુ જ ભલે ઓફ સાઈડનો યોર્કર હોય છતાં લેગ સાઈડમાં લોફટેડ શોટ વાગે જેથી બોલ લેવા જઈ શકાય! પાણીની બોટલ કે બરફની પ્લેટ માંગવામાં – ઉપરનાં માળે થી જાણીજોઇને દોરી પર થી ટોવેલ પડી જાય જેથી નીચે લેવા જઈ શકાય! – રસપાત્રા કે ‘ખાટા ઢોકળા’ બને તો એક વાડકી તો લઈને ‘એનાં’ ઘરે આપવા જવા દોડ લગાવવી જ પડતી! પણ આમ કાઠિયાવાડી પપ્પાઓ પાછા અમરીશ પુરી હો, દુર થી દેખાય અને છોકરીઓ દુપટ્ટો સરખો કરી ઘરમાં અંદર જતી રહે, રવિવારે જૂનાગઢમાં તો ભૂતનાથનાં મંદિરે રીતસર ‘વિન્ડો શોપિંગ’ ની અદામાં નજરો મળતી જોવા મળે! સોમવારે કેટલાક તો પરાણે ધાર્મિક બનીને એક લોટી દુધ ચઢાવવા આવે જેથી ‘ધાર્મિક-સુશિલ ઈમેજ પાડવા સાથે સેટિંગ પણ પડી જાય!’

પણ સાહેબ, કાઠિયાવાડી છોકરીઓ દમદાર અને માનસિક રીતે પહોંચી વળે એવી. કેટલાક ‘માવડિયા’ અને ‘માવા’ડિયા બંનેને પહોંચી વળે પણ સૌરાષ્ટ્રમાં છોકરાઓનો એટલો ઈગો અને અભિમાન કે આમ અંદર થી છોકરીઓ થી સખત ઇન્સિક્યોરિટી થી પીડાય એટલે જ સતત છોકરીઓને દાબમાં રાખવાનું સદીઓ જુનું ચલણ હજુ પણ માર્કેટમાં ચાલે છે!

છોકરીઓ ગ્રેજ્યુએટ થાય, પણ માસ્ટર્સ કરવાનું આવે એટલે બહાર ભણવા દેવામાં ‘મંજુરી’ લેવી પડે જાણે કોઈ ISIS માં ભરતી થવા જવાનું હોય! છોકરીઓને પહેલે થી જ બહુ આગળ ન આવવા દેવાની કોઈ સાઝિશ હોય એમ એનો કોન્ફિડેન્સ તોડી નાખવામાં આવે છે એટલે કાર ડ્રાઈવિંગ થી જોબ, કરિયર થી પોતાની આઇડેન્ટિટી સુધી એ પતિ પર એવી તો આશ્રિત થઇ જાય કે ‘નિર્ણયશક્તિ’ શબ્દ જ મજાક બની ગયો હોય!

જો કે ઓવરઓલ જોઈએ તો સૌરાષ્ટ્રમાં લવ ન થાય પણ ડાયરેક્ટ લગ્ન જ થઇ જાય છે, છેલ્લા થોડા સમય થી ૨-૫% પરિસ્થિતિ સુધરી હશે બાકી તો ભાઈ-બહેન સાથે જતા હોય તો પણ લોકો સામે જોયે રાખે એવી હાલત! આજકાલ માઈગ્રેશન પ્રોસેસ થી અહીં કે બહાર છોકરાઓ રહી આવીને સૌરાષ્ટ્ર જઈને થોડું બોલ્ડ બન્યા છે પણ હાલત હજુ હાથ પકડવા સુધી જ બરકરાર છે! પ્રેમ કરતા રોમિયોગીરી વધુ છે, એટલે જે લોકો જેન્યુઈન છે એ પણ દંડાયા છે! સરખું ભણ્યા વગર જ ફક્ત સીનસપાટા કરવામાં જ કેટલાય કુટાઈ ગયા, કેટલીય જેન્યુઈન લવસ્ટોરીઝ બાળમરણ પામતી હશે! લવ કરવા માટે કે બે ઘડી શાંતિ થી બેસવા માટે ન ગાર્ડન કે કાફેમાં જગ્યા છે કે ન તો લોકોનાં માઈન્ડસેટ માં! બધે એક કરડાકી વાળો ‘ગ્લુમી’, નિરાશ માહૌલ છે. સ્માર્ટફોનની ચેટમાં છોકરીઓ ખિલે છે પણ પાંચ ઇંચની સ્ક્રિન બહાર ખાસ કંઈ ઉકાળી શકાતું નથી. (ક્રમશ: )

લેખક : ભાવિન અધ્યારૂ

ટીપ્પણી