ભીની આંખે ચહેરા પર સ્મિત લાવી આપતી 24 કેરેટ સોનાની ફિલ્મ ! – આજે જ જોઈ લેજો…!!

ભીની આંખે ચહેરા પર સ્મિત લાવી આપતી 24 કેરેટ સોનાની ફિલ્મ ! સૌથી પહેલાં તો પેટમાં લાંબો ટાઢો શેરડો કે આહ, આ ગુજરાતી ફિલ્મ છે. ઘણાં ઘણાં લાંબા સમય પછી જોઈ હોય એવી ક્યુટ સ્વીટ ગુજરાતી ફિલ્મ. જો પ્રેમમાં છો તો આ ફિલ્મ તમારા માટે છે, જો પ્રેમના અર્થ બાબતે કન્ફ્યુઝ છો તો આ ફિલ્મ તમારા માટે છે, કોઈને પ્રેમ કરો છો પણ વ્યક્ત થવા બાબતે અવઢવમાં છો તો પણ આ ફિલ્મ તમારા માટે છે અને જો પ્રેમમાં અટવાયેલા છો તો પણ આ ફિલ્મ તમારા માટે છે !

અંતરા, આદિત્ય અને સાગર આ ત્રણેયની આસપાસ ગુંથાયેલી આ ફિલ્મમાં એવી અનેક ક્ષણો છે જ્યાં તમને તમારી જીંદગીના સરવાળા બાદબાકીના ગણિત સમજાઈ જશે.

પ્રેમ એક એવો કોયડો છે જેનો ઉકેલ વ્યક્તિએ વ્યક્તિએ સમયે સમયે અને સંજોગો સંજોગોએ બદલાતો રહે છે. ‘હા હું પ્રેમમાં છું !’ એ વાત જેટલી ઝડપે સમજતા વાર લાગે છે એનાથી પણ વધારે સમય એ વાત સ્વીકારતા લાગે છે કે ‘હા, ખરેખર હું પ્રેમમાં છું !’ પ્રેમમાં હોવાની આખી ક્ષણ એટલી અદભૂત હોય છે ત્યારે આખી દુનિયાને જોવાનો એક નવો જ દ્રષ્ટીકોણ ઉભો થાય છે.

મેઘધનૂષનો આઠમો રંગ જોઈ શકાય છે, ઝાકળના ટીપામાં પણ વાંછટ અનુભવાય છે, સાંજની લાલીમા આખોમાં અંજાતી જાય, કોફીના મગની કિનારીઓની આસપાસ ફરતી ગોળ ગોળ આંગળીઓમાં સપનાઓની ભાત દોરાતી જાય, મેગીની વરાળમાં એનો ચહેરો ચીતરાતો દેખાય, માથા સુધી ઓઢેલી શાલમાં પર એનો ચહેરો ને સ્મિત બંધ આંખે ઝીલાતો રહે, ઘડીએ ઘડીએ વ્હોટસઅપ ચેક કરતા રહીએ કેમકે એનો મેસેજ આવ્યાનો મીઠો વહેમ મનમાં ઘુમરાયા કરે, એનું લાસ્ટસીન અને સ્ટેટસ વારંવાર જોઈએ અને દરેક વખતે કશા કારણ વગરની સ્માઈલ આવી જાય છે.

તો પણ આપણે તો સતત મનમાં મુંઝાયા કરીએ છીએ કે ખરેખર આ પ્રેમ છે કે પછી નોટ રીયલી લાઈક લવ ટાઈપનું કન્ફ્યુઝન…આ બધી લાગણીઓ ફિલ્મ લવની ભવાઈમાં ઝીલાઈ છે.

Aarohi Patel. વાઉ ! ફિલ્મમાં જ્યારે મલ્હાર ઠાકર અને પ્રતીક ગાંધી જેવા બે મોટા સ્ટાર હોય ત્યારે એક હિરોઈન માટે ઓડિયન્સ તરફથી એક એવી લાગણી હોવી બહું સ્વાભાવિક છે બિચારીના ભાગે એક બે રોમેન્ટિક સોંગ, એક ગ્લિસરીન સોંગ અને એક પાર્ટી સોંગ હશે અને એક્ટિંગના નામે ‘’ મેં તુમસે પ્યાર કરતી હું…બટ નોટ લાઈક ઘેટ જૈસા તુમ સોચતે હો.’’ જેવો એક ડાયલોગ હશે. પણ અહીં આરોહીએ કમ્માલ કરી છે.

ઈચ એન્ડ એવરી ફ્રેમમાં આરોહીની નેચરલ એક્ટિંગ ભલભલાને નખ ચાવતી કરી મુકે છે. ( બાય ધ વે મલ્હાર એટલા માટે ફિલ્મમાં નખ નથી ચાવતો). અંતરાનું કિરદાર જે પ્રમાણે હતું એમાં લાઉડ થઈ જવાના એટલા બધા ચાન્સિસ હતા કે બીજી કોઈ હિરોઈન હોત તો ઓડિયન્સ હાથ જોડીને કહેત કે મેડમ માફ કરો…પણ અહીં આરોહી ઓડિયન્સનું દિલ જીતી લે છે. મલ્હાર અને પ્રતીક બંને સાથે આરોહી સ્ક્રીન પર જોવી ગમે છે અને વારંવાર ગમશે. પ્રેમજીની પવન આટલી જલદી મોટી થઈ ગઈ એનો હરખ ( ગુસ્સો તો પથ્થર ઉપાડીને મારવા ઘા કરે એવો જ છે).

પોતાની બીજી ફિલ્મ હોવાં છતાં આરોહી સ્ક્રીન પર જે રીતે અડ્ડો જમાવીને બેઠી છે એ જોઈને કોઈપણ એના પ્રેમમાં પડી જાય. કાજોલે એના એક ઈન્ટવ્યુ એવું કહેલું કે, હું માનું છું કે કોઈપણ અભિનેત્રી પરદા પર રડતી જોવી ગમે એટલે એ હિરોઈન બધી કસોટીમાંથી પસાર થઈ ગઈ સમજો. આરોહીને સ્ક્રીન પર રડતી જોવી ગમે છે. ( આને ડિમાન્ડ ન સમજવી)

Pratik Gandhi. આંખ બંધ કરીને વિચારીએ તો સમજાય કે આદિત્યનો કિરદાર કોઈ બીજા અભિનેતાએ નિભાવ્યો હોત તો કેવું લાગત ? તો જવાબ મળે કે આદિત્ય દમ વગરનો, લૂઝર અને ડમ દેખાત. પ્રતીક ગાંધીના પોતાના વ્યક્તિત્વનો અને અવાજનો લાભ અહીં આદિત્યના કિરદારને મળ્યો છે. ફિલ્મ જોતી વખતે એક તબક્કે ઓડિયન્સ માત્ર અને માત્ર આદિત્યની જ તરફદારી કરવા લાગે છે. ફિલ્મ જોતી વખતે વારંવાર એ ફિલિંગ્સ થઈ આવે કે, ઓવવવવવ….

આદિત્ય ઈઝ રીયલી સ્વીટ એન્ડ એ બધું જ ડિઝર્વ કરે છે. મને લાગે છે કે એક એકટર તરીકે પરદા પર આવી ઓવવવવ મોમેન્ટ ઉભી કરવી અને તમારા હાવભાવમાં ક્યૂટનેસ લાવવી એ લોઢાના ચણા ચાવવા જેવી અઘરી વાત છે. પ્રતીક ગાંધીએ આ સરળતાથી કરી બતાવ્યું છે. ત્યાં સુધી કે એ અંતરા સાથે ફ્લર્ટ કરતો હોય ત્યારે પણ તમને થઈ આવે કે યાર આ આદિત્યને તો બિચારાને સરખું ફ્લર્ટ કરતાં પણ નથી આવડતું એટલું સ્વીટલી બિહેવ કરે છે. પોતાની બોડીલેંગ્વેઝથી પ્રતિક ગાંધીએ આદિત્યના કિરદારને બહુ સ્પેશિયલ બનાવી દીધું છે. એન્ડ યેસ, એને શરમાતા બહુ સરસ આવડે છે. પ્રતીક ગાંધી સાઈલેન્ટ એક્ટીંગ કરીને મેદાન મારી જાય છે.

Malhar Thakarr. લવની ભવાઈ કરવી એ મલ્હારે પોતાની કરિયરના લીઘેલા સૌથી મોટા સમજદાર ડિસીઝનમાંનો એક ડિસીઝન. મલ્હાર માત્ર ઠઠ્ઠામશ્કરી અને ધમ્માલ જ કરી જાણે છે એવું માનનારા લોકો માટે આ ફિલ્મ બહુ મોટી સરપ્રાઈઝ છે. અહીં મલ્હારે સાગરના કિરદારમાં જે ઈમોશનલ સાઈડ બતાવી છે એ કાબીલેદાદ છે.

આ એકટરનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એની આંખો છે. એની પાસે એ આંખો છે જે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં એક પણ હીરો પાસે નથી. એન્ડ યેસ, ડિરેક્ટર આ ફિલ્મમાં મલ્હાર પાસે આંખોથી ઘણું બધું કામ કરાવી શકયા છે. ઈન્ટરવલ પછીનો મલ્હાર એ ગુજરાતી ઓડિયન્સ માટે બહું મોટું સરપ્રાઈઝ પેકેજ છે.

એક જ ફ્રેમમાં મલ્હાર અને પ્રતિકને સાથે જોવા એ એક લ્હાવો છે. આપણે ભલે બીગ સ્માઈલ સાથે એવો દેખોડો કરીએ કે ના ભાઈ, ધેર ઈઝ નથીંગ લાઈક કોમ્પિટીશન કે ધેર ઈઝ નથીંગ લાઈઝ કંપેરીઝન પણ સત્ય એ છે કે એ હંમેશા હોય જ છે. એને સ્વીકારી શકવાની તાકાત કે નિખાલસતા બહુ ઓછા લોકોમાં હોય છે.

તો યેસ, મલ્હાર અને પ્રતીકના અભિનયની સરખામણી કરવાનું મન વાંરવાર ફિલ્મમાં થશે તો તમે ફાવશો નહીં જ. એ બંનેને પોતપોતાના કિરદારમાં એવો તો જીવ રેડી દીધો છે કે છેક સુધી નક્કી નહીં કરી શકો કે આમાંથી સૌથી સારો કોણ ? ફિલ્મ પૂરી થયા પછી સમજાશે કે યાર, બંનેની પોતપોતાની માસ્ટરી અને પ્લસ પોઈન્ટ છે, બંને એબ્સોલ્યુટલી સુપર્બ એક્ટર છે.

આ સિવાય ફિલ્મમાં Maulik Jagdish Nayak ટાઈમીંગ બાબતે મૌલિકની તોલે કોઈ ન આવે. ઉપરવાળો જ્યારે સાવ જ નવરો બેઠો હશે ત્યારે ટેલેન્ટ ખાંડી ખાંડીને આ નાયકમાં ભરી છે. સ્ક્રીન પર એની માત્ર હાજરી હોવાથી ઓડિયન્સના ચહેરા પર સ્માઈલ આવી જાય છે. સીમ્પલી લખાયેલો નાનકડો ડાયલોગ પણ જ્યારે મૌલિક પોતાની સ્ટાઈલમાં બોલે ત્યારે એ પંચલાઈન થઈ જાય છે.

આ એક્ટરની આ ખાસીયત અને ઓળખ એ અનેક સીમાડાઓ, મર્યાદાઓ અને લેન્થથી પર છે. મૌલિકનો કેમેરે ઓડિયન્સના દિલો દિમાગ પર ફરતો રહે છે અને સૌના ચહેરા પર સ્માઈલ રમતી રહે છે.

આ સિવાય Aarti Patel, Nisarg Trivedi, Roopa Divatia, Prashant Bhimani, ડાયના રાવલ દરેક અભિનેતા અને અભિનેત્રીઓને આ વાર્તમાં વણાતા જોવાની પોતીકી મજા છે. જે છે એ આયાસ વિના ઉભી થતી સુંદરતા છે.

Saandeep Patel આઈ લવ યુ સર. તમારે આ ફિલ્મથી કશું સાબિત કરવાનું હતું જ નહીં કેમકે યુ આર ધ સંદિપ પટેલ. ટ્રેઈલરમાં જે મેજીક દેખાયો હતો એનાથી સો ગણું મેજીક પરદા પર ધબકતું દેખાય છે. તમે જે પ્રામાણિકતા સાથે આ ફિલ્મને સંભાળી અને જે સરળતાથી વાર્તાને કહી શક્યા એના માટે ખોબલે ખોબલા અભિનંદન.

Nehal Bakshiઅને Mitai Shukla તમને બંનેને એક વાર્તા બહુ સુંદર રીતે સફળતાપૂર્વક કહી શકવા માટે અભિનંદન. સચીન – જીગરનું મ્યુઝિક, સોંગ્સ, કોશ્ચ્યુમ્સ, સીનેમેટોગ્રાફી દરેક પાસા બહું જ સુંદર અને પ્રશંસનીય.
આ એક ગુજરાતી ફિલ્મ છે એના કરતાં એમ કહીશ કે આ એક ફિલ્મ છે. જે જે રીતે કહેવાવી જોઈએ એનાથી પણ વધારે સુંદરરીતે કહેવાઈ છે. કોઈ હિન્દી ફિલ્મ સાથે સરખાવવા કરતા તમારા મનમાં આવેલા ઉમળકા સાથે સરખાવશો તો વધારે સમજી શકશો.

મોડું ન કરો..જલદી જોઈ આવો…લવની ભવાઈ….એક સુંદર વાર્તા અને તેના પાત્રો તમારી રાહ જુએ છે.

રીવ્યુ બાય – રામ મોરી

ટીપ્પણી