લુણ નું ઋણ – ઈશ્વર નો ન્યાય આને જ કહેશું ને ?? Must Read

બબ્બે હૃદયરોગના હુમલા આવ્યા પછી ડોક્ટરની સલાહ મુજબ તનસુખ શેઠે પોતાની દિનચર્યા તદ્દન બદલી નાખી, સવાર સાંજ ફેક્ટરીનો વહીવટ મૂકી દઈ શાંત અને એકાંતમય પ્રભુજીવન ગાળતા તનસુખ શેઠ પોતાના બેડરૂમમાં બેઠા બેઠા “ગીતા રહસ્ય” વાંચતા હતા.

દરમ્યાન પુત્ર રોહન રૂમમાં પ્રવેશી પપ્પા પાસે બેસતાં બોલ્યો,” પપ્પા, આવતીકાલથી હરિચરણને નોકરીમાંથી છૂટો કર્યો છે, તેથી હવે એ ફેકટરીએ કે ઘેર પણ આવશે નહીં ”

તનસુખશેઠનો એકમાત્ર વારસદાર પુત્ર રોહન તાજોજ લંડનથી MBA નું ભણી પોતાની સાથે ભણતી યુરોપિયન યુવતી મારીયા સાથે પિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરી દેશમાં આવ્યો હતો અને ફેક્ટરીનો પુરેપુરો વહીવટ સાંભળી લીધો હતો.

” શું કહ્યું ? હરિચરણને નોકરીમાંથી છૂટો કર્યો ? શા માટે ?” એક જબ્બર આઘાત સાથે આંચકો અનુભવતા તનસુખ શેઠના હાથમાંથી પુસ્તક પડી ગયું, ” હા પપ્પા,ચાલીશ-ચાલીશવર્ષ સુધી આપણે ત્યાં કામ કર્યું, જમાનો બદલાયો છે, રોજ નવી નવી ટેક્નોલોજી આવતી જાય છે, એટલે હવે “પાટી-પેન” યુગમાં ભણેલા માણસોનું કામ નથી હવેતો કોમ્પ્યુટર અને લેપટોપ ના જમાનામાં આવા જુનવાણી માણસો ન ચાલે એ ઉપરાંત પણ મારિયાનો ભાઈ ડેવિડ ઘણા સમય થી યુરોપમાં બેકાર બેઠો છે MBA ભણેલો છે,વળી યુવાન અને તરવરીયો હોવાથી મેં એને અહીં સેટ કરવા વિચાર્યું છે, એના વિઝા અને PR ની કાર્યવાહી ચાલેજ છે.

“ઓહો,, સાળા સાહેબને સાચવવા નિર્દોષ અને વફાદાર હરિચરણનો ભોગ લીધો એમ ને ?” ગળગળા અવાજે તનસુખ શેઠ બોલ્યા
“એવું નથી પપ્પા,પણ મેં જોયું છે કે અહીં ભારતમાં જેમ નોકરીના વર્ષો, અને પગાર વધે તેમ કર્મચારીની કાર્યક્ષમતા ઘટે છે “આમ પણ ક્યાં અર્ધી સદીની ઉપર પહોંચેલો હરિચરણ અને ક્યાં એથી અડધી ઉંમરનો ડેવિડ, કાર્યક્ષમતામાં તો ફેર પડેજ ને ?” પોતાનો બચાવ કરતા રોહન બોલ્યો
” પાટીપેન યુગ”માં ભણેલા હવે અત્યારે ન ચાલે તો હું ક્યાં કોમ્પ્યુટરયુગમાં જન્મ્યો છું, કે ભણ્યો છું ?

તું જે ઉદ્યોગનો બની બેઠેલો માલિક છો એ ઉદ્યોગની શરૂઆત 20 ફૂટના એરિયામાં નાના મકાનની અંદર માત્ર લસણની ચટણી બનાવવાના ગૃહ ઉદ્યોગથી કરીને આવી વિશાલ ફેક્ટરીસુધી પહોંચાડનાર તારા બાપદાદા ક્યાં કોમ્પ્યુટર યુગમાં ભણ્યા હતા ?વ્યથિત તનસુખ રાયે આગળ ચલવ્યું
“મેં વહીવટ છોડી દીધાનું પહેલું માઠું પરિણામ આવ્યું, અને હવે આગળ શું દુર્દશા થાય છે એજ જોવાનું રહ્યું,રોહન તે ઘણું ખોટું કર્યું છે, એક ગરીબ નિરાધાર બ્રાહ્મણના નિસાસા તારું ધનોતપનોત કાઢી નાખશે”

રોહનનો પારો છટક્યો, ગુસ્સાથી બોલ્યો “પપ્પા મને ભલે કદાચ તમારી જેટલો અનુભવ નહીં હોય,પણ હવે એ તમારો અનુભવ પણ આ યુગમાં બુઢ્ઢો થઇ ગયો છે હું વિદેશ જઈને ધંધાનો વિકાસ અને પ્રગતિ વિષે ભણી આવ્યો છું ધંધો કેમ ચલાવવો અને વિકસાવવો એ તમારા કરતા હું વધુ જાણું છું.ધધામાં લાગણીવેડા ન હોય પપ્પા, રોહનના તીખાં વચન સાંભળતા તનસુખ શેઠની આંખમાં પાણી આવી ગયા અને ગુસ્સાથી બોલ્યા
” રોહન, તારી પ્રગતિ પાછળ જેટલો મારો પૈસો જવાબદાર છે, એટલોજ હરિચરણનો સહકાર જવાબદાર છે તે તું શું જાણે ?

જો આ જોઈ લે એમ કહેતાંજ તનસુખ શેઠે પોતાનું શર્ટ ઊંચુ કરી પીઠ ઉપર રહેલા ધાધર અને ખરજવાના ડાઘ બતાડતાં કહ્યું,” તું લંડન ની યુનિવર્સીટીના જે વર્ગમાં ભણ્યો છે,તે આખી યુનિવર્સીટી આ પીઠ ઉપર મેં વર્ષો સુધી ઊંચકી છે વિશ, વિશવર્ષ સુધી લસણની ગુણ ઉપાડી ઉપાડી, તેની ગરમી અને શણ ના કોથળાની ગરમીથી થયેલ આ ખરજવાના ધાબા છે,તું તો તૈયાર માલે આજે વાતાનુકૂલ ચેંબરમાં બેસી ગયો છે ધધો કેમ થાય અને વિકસાવાય એની તને શું ખબર પડે ?

અભિમાન રૂપી રાવણે તારામાં પરકાયા પ્રવેશ કર્યો છે અને એટલેજ તું આમ બોલે છે,પણ તું મારા શબ્દો યાદ રાખજે કે એક દિવસ એજ હરિચરણ પાસે રોટલીના ટુકડામાટે તું બે હાથ જોડીને કરગરતો ઉભવાનો છે આ મારુ બ્રહ્મ વાક્ય છે. ખરેખર વિનાશકાળે વિપરીત બુદ્ધિ એ આનું નામ
તનસુખશેઠના આકરા તેવર અને શબ્દોથી ધૂંધવાએલ રોહન ખડની બહાર નીકળતા બબડ્યો, ” ઉહહ ,,, શું હું આ બ્રાહ્મણ હરિચરણ પાસે રોટલીના ટુકડા માટે લાચારી કરીશ ? ક્યાં હું અને ક્યાં હરિચરણ ? પપ્પાની બુદ્ધિ બગડી ગઈ છે સાઠે બુદ્ધિ નાઠે તે આનું નામ.

રોહનના ઉદ્ધતવર્તનથી દુઃખી થયેલ તનસુખશેઠ તકિયા ઉપર માથું દઈ રડવા લાગ્યા આખી રાત મૂંઝારો અનુભવતા તનસુખ શેઠ પડખા ઘસતા રહ્યા અને પોતે શરૂ કરેલી ઉદ્યોગ યાત્રા,અને વેઠેલી કષ્ટી નજરે તરવા લાગી બીજે દિવસે સવારે હરિચરણ આવ્યો,તનસુખ શેઠને બિછાને એમના પગપાસે બેસી ચરણસ્પર્શ કરતા બોલ્યો ” શેઠ, હું આપનો આજીવન ઋણી છું, મને ગરીબને આપે ચાલીશ ચાલીશ વર્ષસુધી આશરો તો આપ્યો પણ B.com સુધી ભણાવી આખી ઓફિસ,અને ઘરની જવાબદારી ભર્યો વહીવટ સોંપી મારા ઉપર વિશ્વાસ મુકયો અને લગ્ન પણ કરાવી જીવનમાં મને ઠરીઠામ કર્યો તે બદલ આપનો આભારી છું, આવતી કાલે હું મારા પરિવાર સહિત વતનની વાટ પકડી દ્વારકા જાઉં છું,તેથી આપના આશીર્વાદ લેવા આવ્યો છું આપ આશીર્વાદ આપો ”

ચોધાર આંસુએ રડતા તનસુખ શેઠ હરિચરણને બન્ને હાથે છાતી સરસો ચાંપી ધ્રુસકે ધ્રુસકે રડતા બોલ્યા “હરિ, ભગવાને સાચીજ રીતે તને હરિ સ્વરૂપે મારે ત્યાં મોકલ્યો હતો,ઋણી તો તારો હું છું, જો ભગવાને મને તારી ભેટ ન આપી હોત તો આજે કદાચ હું આ સ્થિતિએ ન પહોંચ્યો હોત તે તન,અને મનથી મારી,મારા પરિવારની,અને મારા ધંધાની મદદ કરી છે એ હું જીવન પર્યન્ત નહીં ભૂલું, રોહનના આ નિર્ણયથી મને ઘણો આઘાત લાગ્યો છે પણ તું જુવે છે એ રીતે હું પણ લાચાર બની બેઠો છું,ડૂસકે ડૂસકે રડતા તનસુખ શેઠને હૃદયમાં મુંજારો વધી ગયો, છાતીમાંદુઃખાવો ઉપડ્યો, લોહીનું દબાણ ઝડપથી વધી ગયું, અને શેઠ અચાનકજ હરિચરણના ખોળામાં માથું ઢાળી ગયા.મોઢામાંથી પાણીનો કોગળો છૂટી પડ્યો અને તનસુખશેઠ કાયમ માટે આંખ મીંચી ગયા.

પંદરથી પંચાવન વર્ષસુધી જેને માનસપુત્ર તરીકે પાળી,પોષીને મોટો કર્યો, એજ હરિચરણનાં ખોળામાં શેઠે અંતિમ શ્વાસ લીધા.અને ઘડીભરમાં શેઠ તનસુખરાય હરિચરણ થી હરિશરણ પહોંચી ગયા.

યુવાન તનસુખના લગ્ન મનોરમા નામની યુવતી સાથે થયા હતા આઠ આઠ વર્ષના ગૃહસ્થાશ્રમ પછી પણ સંતાન યોગ પ્રાપ્ત ન થતા તેઓ મનોમન દુઃખી હતા એવામાં કોઈ સંતનો સમાગમ થતાં સંતે સલાહ આપી કે ” દ્વારકા સ્થિત દ્વારિકાધીશના દર્શન કરી અને માનતા રાખવાથી મનવાંચ્છીત ફળ અવશ્ય મળશે”

તનસુખ અને મનોરમા દ્વારિકાધીશને શરણે પહોંચ્યા,ભાવપૂર્વક પૂજા કરી શેઠે “પુત્રરત્ન “ની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી અને તેમ થયાથી ભુજ થી દ્વારકા પગે ચાલીને દર્શન કરી જવાની કઠોર માનતા લીધી સમયાંતરે મનોરમાંને સારા દિવસો રહ્યા અને પુત્ર રોહનનો જન્મ થયો,તનસુખે લીધેલી માનતા તો પુરી કરીજ પણ ત્યાર પછીથી દરવર્ષે પુત્રના જન્મદિને શેઠ શેઠાણી બન્ને અચૂકપણે દ્વારકા દર્શને જતા હતા.

એક વાર પાંચવર્ષના રાહુલને લઈ તેના જન્મદિન નિમિત્તે તનસુખ-મનોરમા દ્વારકાધીશના દર્શને આવ્યા,પૂજા -અર્ચના કરી બન્ને મંદિરપરિસરમાં બેઠા હતા એવામાં તનસુખની નજર એક 15 વર્ષીય તરવરિયા કિશોર ઉપર પડી, જે શ્રદ્ધા,અને ભાવપૂર્વક ભગવાનની મૂર્તિને ફૂલ-હારથી શુશોભિત કરતો હતો.મંદિરના ગર્ભગૃહ બહાર આવતા તનસુખે એને ઈશારો કરી પોતાની પાસે બોલવી બેસાર્યો, ,શેઠ-શેઠાણીના ચરણસ્પર્શ કરી એમની બાજુમાં બેસતાજ તનસુખે પૂછ્યું

” બેટા તારું નામ શું છે,અને તું કોણ છે ?”

“સાહેબ,મારુ નામ હરિચરણ છે, અને બ્રાહ્મણ છું,મારા પિતાજી જામનગર સ્ટેટના રાજજ્યોતિષિ હતા,એમનું તથા મારી માતાનું અવસાન થતા હું મંદિર બહાર ફૂલ, હાર-તોરા વહેંચું છું અને ફુરસદે ભગવાનની સેવા કરવાનો પણ લાભ લઉં છું,મારા પરિવારમાં બીજું કોઈ નથી ”
સ્વચ્છ આકાશ જેવી નિર્મળઆંખ,ચહેરા ઉપરની નિર્દોષ માસુમિયત,વિનય-વિવેકી વાણી અને વર્તન જોઈ તનસુખ પ્રભાવિત થયો તેણે આગળ પૂછ્યું, ” વાહ ,તારું નામ તો સરસ છે કોણે પાડ્યું ?”

નિર્દોષ કિશોરે જવાબ દીધો, “મારુ નામ મારા પિતાજીએ પાડ્યું છે, તેણે મારા જન્માક્ષર જોઈને કહ્યું હતું કે એક દિવસ હું ખુબજ મોટો માણસ બનીશ અને અનેક ભૂખ્યા લોકોના પેટ ઠારી દિન-દુખીયાની સેવા કરીશ ”
શેઠ-શેઠાણી માર્મિક રીતે મુંછમાં હસ્યા,

કિશોરના કપાળ ઉપરનું તેજ, આંખોમાં છલકતી નિર્દોષતા,ચહેરાઉપરનું ભોળપણ જોઈ તનસુખ બાળકમાં રહેલ હિર પારખી ગયો અને કહ્યું “તારે મારી જોડે આવવું છે?, હું તને મારી જોડે કચ્છ લઈ જઈશ અને ત્યાં તને આગળ ભણાવીશ તારે અમારી સાથેજ રહેવાનું,પરચુરણ ઘરકામ કરવાનું અને આ મારા નાના બાબાનું ધ્યાન રાખવાનું, બદલામાં હું તને પગાર પણ આપીશ”

પોતાનું ભવિષ્ય અને જીવન સુધરી જશે એ વિચારે બાળક હરિચરણ તૈયાર થઇ ગયો.બસ ત્યારથી 15 વર્ષીય હરિચરણ શેઠ તનસુખરાય સાથે રહ્યો

વર્ષો પહેલા,ભુજ થી માનકુવા જવાને રસ્તે 20 ફૂટની નાની જગ્યામાં તનસુખશેઠના પિતાજીએ લસણની ચટણી બનાવી વેચવાનો ગૃહ ઉદ્યોગ નાનેપાયે શરૂ કરેલો, ધીમે ધીમે કચ્છ ઉપરાંત સમસ્ત ગુજરાતમાં એ ચટણીનું વહેંચાણ વધીને આસમાને પહોંચ્યુંઅને આખા ગુજરાત તો ઠીક પણ વિદેશ વસતા ગુજરાતીઓમા પણ એ અતિપ્રિય બની ગઇ,લસણની જથ્થાબંધ ખરીદી કરવી, લસણની ગુણ ગોડાઉનમાં સારવી,તૈયાર થયેલ ચટણીના પેકીંગનું બજારમાં વહેચાણ કરવું, આ બધી જવાબદારી માત્ર 18 વર્ષની ઉંમરે અભ્યાસ કરતા કરતા તનસુખશેઠે નિભાવી ધન્ધો જમાવ્યો હતો,

એ દરમ્યાનમાં તનસુખ શેઠના બચપણના ગોઠિયા પરમ મિત્ર ડો,ભગીરથ ત્રિવેદી અમેરિકાથી થોડા સમય માટે વતન કચ્છમાં આવ્યા ડો, ભગીરથ ત્રિવેદી US ની પ્રખ્યાત દવા શંશોધન લેબોરેટરીમા “શંશોધન નિષ્ણાત ” (Research Expert) તરીકે વર્ષોથી કામ કરતા હતા.તેણે એવી સલાહ આપીકે,

લસણના પાઉડરની માંગ યુરોપના દેશોમાં ઘણી છે, એ પાઉડરથી ગોળી અને કેપ્સુલસ બનાવી હાર્ટના દર્દીઓને દવા તરીકે અપાય છે ઉપરાંત લસણના અર્કમાંથી ઈન્જેકશન બને છે જે હૃદયરોગ, સાંધાના દુખાવા,અને પ્રસૂતાને અપાતી દવા તરીકે વપરાય છે. એક સંશોધન મુજબ પશ્ચિમના બધાદેશોમાં આની જબ્બર માંગ છે.

જો એ આ સાહસ હાથ ધરવા તૈયાર હોય તો પોતે દરેક પ્રકારની મદદ કરવા તૈયાર છે યુવાન તનસુખને મિત્રની વાત ગળે ઉતરી, બાપદાદાના સમયથી મુન્દ્રામાં રહેલ પોતાનું ફાર્મ હાઉસ વહેંચી, તનસુખે એ મૂડીનું રોકાણ ધંધામાં કર્યું, વિદેશથી મશીનરીઓ મંગાવી, પોતે જાતે દિલ્હીની ફૂડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં બે મહિના રોકાઈ અને દરેક પ્રોસેસનો જાત અભ્યાસ કરી એક નવું સાહસ શરૂ કર્યું જોત જોતામાં નાની ઓરડીમાં શરૂ થયેલ ગૃહઉદ્યોગ એક વિશાળ મલ્ટી નેશનલ ઇન્ડસ્ટ્રીમાં ફેરવાઈ ગયો.

દરમ્યાનમાં રાહુલ મોટો થતો ગયો તનસુખે વિચાર્યું કે તેને એક માત્ર સંતાન હોય, ભવિષ્યમાં આ કારખાનાનો વહીવટ એ સાંભળી શકે એવી ઉચ્ચ ડિગ્રી અપાવવી અને તે ગણતરીથી 12 ધોરણ થી મુંબઈ સેન્ટ ઝેવિયર્સ માં ભણવા મૂકી દીધો અને ત્યાંથી પાસ થયા બાદ MBA ના અભ્યાસ માટે લંડન મોકલ્યો આમ નાની ઉંમરથી ઘરથી દૂરરહેવાને કારણે પિતાજીએ કરેલ કઠોર પરિશ્રમ અને ધંધાના વિકાસથી એ માહિતગાર ન હોતો

આ બાજુ હરિચરણ એક આજ્ઞાકિંત પુત્રની જેમ પુરી વફાદારીથી તનસુખને ધન્ધાના વિકાસ અને કારોભાર માં મદદ કરતા કરતા B.com પાસ થઇ ગયો અને વહીવટ અને સંચાલન માં સક્રિય રહી તનસુખને મદદ કરતો રહ્યો, દિવસો, મહિનાઓ અને વર્ષો વીતતા ગયા અને પ્રૌઢ તનસુખ હવે તનસુખ શેઠ થી શહેરમાં જાણીતા થયા.

લસણનો પાવડર અને અર્ક તથા સીરપ બનાવી વિદેશમાં નિકાસ થવા લાગી, બઝારમાં તનસુખ શેઠનું લસણ પાવડર ક્ષેત્રે એકચક્રીય શાશન સ્થપાઈ ચૂક્યું હતું ,20 ફૂટની જગ્યામાં શરૂ કરેલ લસણની ચટણી નો ગૃહ ઉદ્યોગ જોતજોતામાં આજે બે એકરના વિસ્તારમાં “ગારલીક પાવડર ઇન્ડટ્રીઝ “ના રૂપમાં ફેરવાઈ ગઈ .

આ બાજુ રોહન MBA નો અભ્યાસ પૂરો કરી,ઘણાવર્ષો સુધી લંડન ની કોઈ કમ્પનીમાં અનુભવ મેળવી, એમની સાથેજ અભ્યાસ કરતી યુરોપિયન યુવતી મારિયા સાથે લગ્ન કરી સ્વદેશ પરત ફર્યો,અને તનસુખ શેઠની નાદુરસ્ત તબિયતને કારણે એને નિવૃત કરી પોતે ફેક્ટરી નો પૂરો વહીવટ સંભાળી લીધો

પોતાના પિતાને ગુમાવ્યા જેટલા દુઃખ સાથે અંતે હરિચરણે કર્મભૂમિ કચ્છને અલબીદા કરી પરિવાર સાથે દ્વારકા જવા નીકળી પડ્યો, પોતાના બહોળા અનુભવ ખંતીલા સ્વભાવ અને જ્ઞાનને કારણે ત્યાં તે સિમેન્ટ ફેક્ટરીમાં નોકરી કરવા લાગ્યો,સાથોસાથ દ્વારકાધીશજીની સેવા પહેલાની જેમ જ ચાલુ કરી હરિચરણ નો એકનો એક પુત્ર શિવાંગ પણ હવે M.D. ની પદવી લઇ ડોક્ટર થઇ ગયો હતો પિતાએ વેઠેલી કષ્ટી, જીવન ના કડવા અનુભવો સાથેનો સંઘર્ષ,અને વારસાગત મળેલી સેવા વૃત્તિને કારણે શિવાંગે લગ્ન ન કરી દીન-દુખીયાઓની સેવા કરવાનો નીર્ધાર કર્યો અને એ માટે એક NGO ટ્રસ્ટમા જોડાયો.

સમયનો પ્રવાહ સતત વહેતો ચાલ્યો રોહને પોતાના સાળા ડેવિડને પણ બોલાવી પોતાનીજ ફેકટરીમાં ગોઠવી દીધો દિવસો, મહિનાઓ, અને વર્ષો વીતવા લાગ્યા હવે તો તનસુખ શેઠ અને હરિચરણ એક ભૂતકાળ બની ગયા,એક માત્ર નિશાની જો રહી હોય તો એ ઓફિસમાં લગાવેલી તનસુખ શેઠ ની તસ્વીર પોતે ભાખેલા ભવિષ્ય કથન ની જાણે રાહ જોવા બેઠા હોય એમ તસ્વીર રૂપે તનસુખ શેઠ ઓફિસની દીવાલ ઉપર જડાઈ ગયા હતા

તારીખ 26 જાન્યુઆરી,2001,
પ્રજાસત્તાક દિન ની ઉજવણીનો હર્ષોલ્લાસ કચ્છી માડુઓ માં સવારથી જ દેખાતો હતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, અને તમામ શહેરીજનો અદમ્ય ઉત્સાહથી ત્રિરંગાને વધાવવા નીકળી પડ્યા હતા
બરાબર સવારના 8/46 મિનિટ પર ઘડિયાળનો કાંઠો થઁભી ગયો,

કાળનો કોપ ઉતર્યો હોય એમ કચ્છની ધરા ધણધણી ઉઠી વિનાશનું તાંડવ શરૂ થયું અને ભંયકર ભૂ-કંપ આવ્યો, જોતજોતામાં પત્તાના મહેલની જેમ એક એક મકાન,અને ગઢના કાંગરાઓ ખરવા લાગ્યા રમણીય કચ્છ ભંયકર ભુતાલય બની ગયું મકાન ની નીચે હજારો ની સંખ્યામાં નગરજનો દબાયા,લોકોની ઘરવખરી,અને સામાન ચારેબાજુ વેરવિખેર હાલતમાં થઇ ગયો,જોતજોતામાં શહેરમાં માનવ લાશોના ઢગ ખડકાયા રાજ્ય સરકાર ઉંઘતી ઝડપાઇ ગઈ, દેશ વિદેશથી રાહત રૂપે ફૂડપેકેટ્સ, અને પાણીના પાઉચ પહોંચતા થયાચારે બાજુ અફરાતફડી મચીગઈ, જીવ બચાવવા લોકો જાય તો પણ ક્યાં જાય ?

માત્ર કચ્છ નહીં, ગુજરાત પણ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિદેશમાં લોકો ચિંતામાં મુકાઈ ગયા અને અરેરાટી પ્રસરી ગઈ.વીજળીવેગે આ ખબર સમગ્ર દેશમાં ફેલાઈ જતાં અનેક સેવાભાવી સંસ્થાઓ,સામાજિક કાર્યકરો, ધાર્મિક ચેરીટેબલ ટ્રસ્ટ ઉપરાંત વિવિધ NGO ના ધાડા કચ્છની વેરાન ધરતી ઉપર ઉતરી પડ્યા,

વર્તમાન પત્રો અને ટીવી માં ભંયકર અને બિહામણા દ્રશ્યો જોઈ,હરિચરણનું હૃદય દ્રવી ઉઠ્યું, જે ભૂમિને પોતાની કર્મ ભૂમિ બનાવી, જ્યાં પોતે જીવનના પ્રગતિ સાધી, અને જે ધરતીનું લુણ હજુ પોતાના લોહીમાં છે, એ ભૂમિના પોતાના ભાઈઓની મુશ્કેલી સહન ન થતા પોતે ઘેર ઘેર ફરી, યથાશક્તિ સરસામાન અને ખાદય પેકેટ્સ ઉપરાંત જરૂરી દવાઓનો ટ્રક ભરી પોતે પુત્ર શિવાંગ સાથે NGO સાથે કર્મભૂમિ નું ઋણ ચૂકવવા નીકળી પડ્યા, N.G.O. નો પ્રમુખ શિવાંગ,પિતા હરિચરણ,અને અન્ય 40 સભ્યો અસરગ્રસ્તોની સેવા-સુશ્રુષામાં ડૂબી ગયા,

રાહતના રસોડા ઉપરાંત વૈદયકીય સારવાર વિભાગમાં ભુખ્યા, બીમાર અને,અસરગ્રસ્ત અબાલ વૃદ્ધોની કતાર જામવા લાગી, પિતા-પુત્રને આ જરૂરિયાતમંદના ચહેરાપર ઈશ્વરના દર્શન થતા હતા તેથી આદર, અને પ્રેમથી ભૂખ્યા લોકોને પીરસી ગરમ ગરમ રસોઈ જમાડતા હતા

આજે ભૂકંપનો ચોથો દિવસ હતો સવારે નિયમ મુજબ 11.00 વાગ્યે રસોડું શરૂ થયું ભૂખે ટળવળતા સેંકડો માણસ ની કતાર જામી હતી, પિતા-પુત્ર એ બધાને પ્રેમથી જમાડતા હતા. એવામાં એક રૂખડ જેવો દેખાતો,શરીર ઉપર મેલું ફાટેલું શર્ટ, અને શાલ વીંટાળેલી, વધેલી દાઢી, અને વાળ વાળો એક ઈસમ ભોજન ની લાઈનમાં આગળ હાથ લંબાવી ઉભો હતો તેને હરિચરણ સામે જોયું, અને તુરતજ ભોજન લીધા વિના કતાર છોડી જવા લાગ્યો, હરિચરણનું ધ્યાન પડતા તે દોડીને પેલા ઈસમ પાસે પહોંચ્યો અને ભૂખ્યા હોવા છતાં ભોજન લીધા વિના નીકળી જવાનું કારણ પૂછ્યું

પેલા ઈસમે શરીર ઉપરની ફાટેલી શાલથી પોતાનો ચહેરો ઢાંકવા પ્રયાસ કર્યો, અને આખરે એ ભાંગી પડ્યો
ધ્રુસકે, ધ્રુસકે રડતા તેને હરિચરણ ને પૂછ્યું, ” તમે જ તો હરિચરણ ? ગારલીક પાવડર ઇન્ડસ્ટ્રીઝ ના એક્સમયના હિસાબનીશ ?”
હરિચરણ આશ્ચર્યથી અંજાઈ ગયો,અને પૂછ્યું કે આટલા વર્ષો પછી પણ મને અહીં ઓળખી જનાર તમે કોણ છો?

પેલો ઈસમ હરિચરણના પગ પકડી મોં ફાટ રુદન સાથે બોલ્યો, “ભાઈ,હરિચરણ મને માફ કરો, હું તે ફેકટરીના માલિક તનસુખશેઠ નો પુત્ર રોહન છું. ભૂકંપના દિવસે હું ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગલેવા સવારે ઘેરથી નીકળી પડ્યો હતો, પાછળથી ભૂકંપ આવતા આપણું કારખાનું ધૂળ,અને સિમેન્ટના ઢેફાંમાં ફેરવાઈ ગયું, પત્ની મારિયા, અને તેનો ભાઈ ડેવિડ, એ તૂટીપડેલી ઇમારતના કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામ્યા,હું ઘર બહાર હોવાથી હું બચી શક્યો કોઈ આશરો ન રહ્યો અને ખાવા-પીવાના પણ સાંસા પડી ગયા તેથી હું અને મારા જેવા બીજા ઘણા આવા રાહત કેમ્પ માં દિવસો ગાળીએ છીએ”

આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેતા રોહનને પોતાના પિતા તનસુખ શેઠના શબ્દો યાદ આવ્યા” યાદ રાખજે
કે એક દિવસ એજ હરિચરણ પાસે રોટલીના ટુકડામાટે તું બે હાથ જોડીને કરગરતો ઉભવાનો છે આ મારુ બ્રહ્મવાક્ય છે ”
તુરતજ હરિચરણે બન્ને હાથે તેને ઉભો કરી છાતી સરસો ચાંપી પોતે પણ રડવા લાગ્યો અને કહ્યું, “ભાઈ માફ કરવાનો સવાલ જ નથી, મારા અન્ન-જળ ખૂટ્યા હશે, તેથી હું વતન પાછો ફર્યો મારા લોહીમાં હજુ તનસુખશેઠનું લુણ દોડે છે તું મારો નાનો ભાઈ છે,એટલું કહેતાંજ હરિચરણે પુત્ર શિવાંગને બોલાવ્યો અને રાહુલને પોતાને ઉતારે લઈ જઈ, સ્નાન કરાવી, અને બદલવા માટેના વસ્ત્રો આપવાની સૂચના આપી.

ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડતાં હરિચરણે કેમ્પ ઉપાડ્યો ત્યારે રોહનને પોતાની સાથે પોતાને ઘેર દ્વારકા લઈ ગયો,અને ત્યાંની સિમેન્ટ કંપનીમાં માં મદદનીશ મેનેજર તરીકે નોકરી અપાવી. હરિચરણે આટલા વર્ષે પણ લુણ નું ઋણ ચુક્વ્યાનો સંતોષ અનુભવ્યો.

લેખક : વ્યોમેશ ઝાલા

આપ સૌ ને આ લેખ કેવો લાગ્યો ? પ્રતિભાવ આવકાર્ય !!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block