ખાટીયા લાઈવ ઢોકળા/ સ્ટીમ ઢોકળા બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસિપીના ફોટા અને વિડીયો જોઇને…..

ખાટીયા લાઈવ ઢોકળા/ સ્ટીમ ઢોકળા

ઢોકળા- ખમણ- હાંડવો એ એક એવો નાસ્તો છે, જે ગુજરાતીઓના ઘરે ઓછામાં ઓછું મહિનામાં રિપીટ બનતું હશે… ઢોકળા પણ વિવિધ પ્રકારના બનતા હોય છે… તેમાંના આજે બધા ગુજરાતીના મોસ્ટ ફેવરિટ ખાટીયા લાઈવ ઢોકળા બનાવીશું.

ખા ટીયા ઢોકળા બનાવવા માટે જોઈતી સામગ્રી:

ખીરું બનાવવા માટે:

  • ૧ કપ ચણા દાળ,
  • ૧ કપ ચોખા,
  • છાસ પલાળવા માટે.

૧ પ્લેટ ઢોકળા માટે:

  • ૧ પ્લેટ પૂરતું ખીરું,
  • ૧ નાની ચમચી હળદર,
  • મીઠું જરૂર મુજબ,
  • ૧ નાની ચમચી સોડા,
  • ૧ ચમચી લાલ મરચું પાવડર (છાંટવા).

લાઈવ સ્ટીમ ઢોકળા બનાવવાની રીત:

સૌ પ્રથમ આગલી રાતે એક તપેલામાં ચણા દાળ અને ચોખા સરખા ભાગે લઈ ધોઈ લેવા પછી તેમાં ખાટી છાસ રેડી પલાળી દેવા.

બીજે દિવસે સવારે પલાળવા માં જે છાસ લીધેલી તે નિતારી લેવી અને પછી તે દાળ ચોખા ને મિક્સર જારમાં લઈ લેવા, પછી તેમાં થોડી છાસ ઉમેરી સ્મૂથ પીસી લેવું.આવી રીતે બધા દાળ ચોખા ને ધીમે ધીમે કરીને પીસી લેવા. પછી તે ખીરા વાળા તપેલાને તડકે અથવા અંધારી જગ્યાએ આથો આવવા મૂકી દેવું. સાંજ પડે એટલે સરસ આથો આવી ગયો હશે…

પછી ઢોકળીયા ની એક પ્લેટ માં સમાય એટલું ખીરું બીજા વાસણમાં લેવું.પછી તેમાં હળદર , મીઠું ને ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.પછી ઢોકળીયા ની ગ્રીસ કરેલી પ્લેટ માં બનાવેલું મિક્સર તરત જ રેડી દેવું,પછી ઉપર લાલ મરચું પાવડર ભભરાવો.અહીં તમે પલાળેલી ચણાની દાળ પણ ઉમેરી શકો છો પણ મેં નથી ઉમેરી. થોડીવારમાં ઢોકળા તૈયાર..૧૦-૧૫ મિનિટ પછી ચપ્પા વડે ચેક કરી લેવું, જો ચપ્પુ ક્લીન આવે તો તૈયાર ઢોકળા પછી બહાર કાઢી ને ઠંડા થવા દેવા.પછી કાપા પાડી લેવા.તો તૈયાર છે સ્પંજી ખાટીયા ઢોકળા…પછી ગરમ ઢોકળા ને તેલ અને લસણની ચટણી જોડે સર્વે કરવા.

નોંધ:

– હંમેશા ઢોકળાની પ્લેટમાં સમાય એટલા ખીરાનું જ સોડા, હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરવું, જો એક સાથે મિક્સ કરી દઈશું તો છેલ્લી પ્લેટ કરતી વખતે ઢોકળા સરસ ફુલશે નહિ એટલે એક એક પ્લેટ પૂરતું દર વખતે મિક્સ કરવું… એટલે મિક્સ કરી તરત પ્લેટને ઢોકળિયામાં મૂકી દેવી.

– ખાવાના સોડા પર થોડા લીંબુના ટીપા પાડી સોડા ને એક્ટિવેટ કરી શકો છો.
મેં અહીં લીંબુના ટીપા નથી પડેલા કેમ કે આથો સરસ આવેલ હોવાથી અને ખીરું પણ ખાટું હોવાથી મિક્સ કરશુ એટલે આપો આપ સોડા એક્ટિવેટ થઈ જશે.

– ઢોકલાને વધારી ચા જોડે પણ સર્વ કરી શકાય…

વિડીયો જોવા કરો કિલક :

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી