બધું ખતમ થઈ ગયું હોય ત્યારે પણ ધારીએ તો ઘણું કરી શકાય

ચાયનાના જિઆંગ્સુ પ્રાંતના રુગાઉ શહેરની લીઉ યી નામની યુવતીએ 2015માં 21 વર્ષની ઉંમરે આત્મકથા લખી. ‘વિંગ્સ ઑફ લાઈફ’ નામની એ આત્મકથામાં 1 લાખ, 30 હજાર શબ્દો છે. વાસ્તવમાં તેણે 1 લાખ, 50 હજાર શબ્દો લખ્યા હતા, પણ એડિટિંગ પછી 20 હજાર શબ્દો કપાઈ ગયા એટલે 1 લાખ, 30 હજાર શબ્દોની આત્મકથા બની હતી.

આ વાત વાંચીને કોઈને બહુ નવાઈ ન લાગે. કદાચ એટલું આશ્ચર્ય થાય કે માત્ર 21 વર્ષની ઉંમર કંઈ આત્મકથા લખવાની ન કહેવાય. પરંતુ લીઉ યીના કિસ્સામાં નવાઈજનક વાત એ છે કે તે સેરિબ્રલ પાલ્સી રોગથી પીડાય છે. મસલ ફ્રીઝીંગ ડિસઓર્ડરને કારણે તેના શરીર પર તેનો કાબૂ જ નથી. તેના શરીરના તમામ સ્નાયુઓ કામ કરતા બંધ થઈ ગયા છે. તે માત્ર તેના ડાબા હાથની એક આંગળી જ હલાવી શકે છે. તે આંગળીની મદદથી તેણે દોઢ લાખ શબ્દોની આત્મકથા લખી છે!

‘વિંગ્સ ઑફ લાઈફ’ શીર્ષક હેઠળ લખેલી આત્મકથામાં લીઉ યીએ તેના જીવનના સંઘર્ષની વાત કરી છે. મસલ ફ્રીઝિંગ ડિસઓર્ડરને કારણે લીઉના શરીરના સ્નાયુઓ ધીમેધીમે કામ કરતા બંધ થઈ ગયા. લીઉ પરવશ બનતી ગઈ. અને છેવટે તે સંપૂર્ણપણે પથારીવશ થઈ ગઈ. લીઉએ ખૂબ જ મનોયાતનામાંથી પસાર થવું પડ્યું. એક તબક્કે તેને લાગ્યું કે તેના જીવનનો અંત આવી ગયો છે. પરંતુ પછી તેણે વાસ્તવિકતા સ્વીકારી લીધી.

લીઉને થયું કે આ સ્થિતિમાં પણ પોતે કંઈક તો કરી જ શકશે. તેને વિચાર આવ્યો કે મારે લખવું જોઈએ. એમાંથી તેને આત્મકથા લખવાનો વિચાર સૂઝ્યો. તેણે પોતાના માનસિક-શારીરિક સંઘર્ષની વાતો એક આંગળીની મદદથી કમ્પ્યુટર પર ઊતારી. શારીરિક મર્યાદા છતાં તેના પ્રચંડ આત્મવિશ્વાસને કારણે તે દોઢ લાખ શબ્દોની આત્મકથા લખી શકી.

લીઉની આ સિદ્ધિને કારણે રોગાઉ શહેરના રાઈટર્સ એસોસિએશને તેને સભ્ય બનાવી. લીઉ વિશે સ્થાનિક અખબારોમાં ખૂબ લખાયું.

લીઉના શરીરના તમામ સ્નાયુઓ કામ કરતા બંધ થઈ ગયા હતા એ સ્થિતિમાં પણ તેણે વિચાર્યું કે મારી એક આંગળી તો હજી કામ કરે છે! લીઉએ સાબિત કરી બતાવ્યું કે બધું ખતમ થઈ ગયું હોય ત્યારે પણ માણસ ધારે તો ચમત્કાર સર્જી શકે છે.

લેખક – આશુ પટેલ
આશુ પટેલની કૃતિઓ કૉકટેલ ઝિંદગી મેગેઝિનમાં આવે છે. આ મેગેઝિન વાંચવા અહીં ક્લિક કરો.

picture courtesy: EuroPics(CEN)

ટીપ્પણી