ચાલો કરીએ ગુજરાતમાં આવેલ એશિયાઇ સિંહોનાં ઘરનો પ્રવાસ…

જ્યાં પ્રકૃતિના યૌવનનો આરંભ છે, જ્યાં કુદરતના યૌવનની કલગી છે, જ્યાં સમગ્ર સૃષ્ટિની ચેતનાનો ફૂવારો છે. તેમજ જ્યાં કુદરતે પણ મન મૂકીને સૌદર્ય વરસાવ્યું છે. એવા ગીર અભયારણ્યનો ચાલો પ્રવાસ કરીએ. જ્યાં સાંજ- બપોર ને સવારનો રંગ એક જ છે. તો ચાલો એવા અદભૂત સૌન્દર્યને માણીએ.

સમગ્ર વિશ્વમાં સિંહ કુદરતી વાતાવરણમાં અને કુદરતી અવસ્થામાં વિહરતા બે જ જગ્યાએ જોવા મળે છે. એક, આપણું ગિર અભયારણ્ય અને બીજું આફ્રિકા.

જૂનાગઢ જિલ્લાનાં બે અતિ મહત્ત્વના પ્રવાસન સ્થળમાં એક ગરવો ગિરનાર અને બીજું રાષ્ટ્રીય સિંહ અભયારણ્ય. જૂનાગઢથી દક્ષિણ-પૂર્વમાં લગભગ ૬૨ કિલોમીટર દૂર આવેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય ‘સાસણ-ગીર’ તરીકે પણ ઓળખાય છે. ગીર અભયારણ્ય પર ગુજરાતના પર્યટન ઉદ્યોગનો મદાર છે. તેમ કહીએ તો અતિશયોક્તિ નહીં જ ગણાય. તો ચાલો આજે મારી કલામે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગણાતા સાસણ ફરવા જઈએ.

“ગીરનું જંગલ” એ “સાસણ-ગીર” તરીકે ઓળખાય છે. જે ગુજરાતનાં જૂનાગઢ જીલ્લામાં આવેલું જંગલ અને વન્ય અભ્યારણ છે…..તે કુલ 1412 ચો.કી.મીનાં વિસ્તારમાં ફેલાયેલ છે. જેમાંથી 258 ચો.કી.મીનો વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થાન પામ્યો છે….તેમજ બાકીનો વિસ્તાર અભ્યારણ વિસ્તાર છે. જે સમગ્ર ભારતનું એકમાત્ર એશિયાઇ સિંહોનું એકમાત્ર ઘર છે. જ્યાં આપણે સિંહોને એકદમ નજીકથી મુક્ત રીતે વિહરતા માણી શકીએ છીએ.

સોરઠી સિંહો અહીં મુક્ત રીતે વિહરી શકે તે માટે આખા વિસ્તારને માનવ રહેઠાણથી મુક્ત કરાયો છે. ત્યાં નાના નાના નેસડાઓનું નિવાસ પણ છે.
આ જંગલ વિસ્તારમાં કનકાઇ માતા અને બાણેશ્વરી માતાનાં મંદિર પણ આવેલા છે. જ્યાં ભાવિકોને દર્શનાર્થ અર્થે પ્રવેશ મળી શકે છે.

દેવળીયા:

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં પ્રવાસીઓ માટે કોઈ ક્ષેત્ર અંકિત નથી. પણ પ્રાણીઓને માનવ અસ્તિત્વથી થતાં ત્રાસથી બચાવવા દેવળીયા પાસે એક પરિચય ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે.


અભયારણ્યની અંદર ૪.૧૨ કિલોમીટરમાં બનાવાયેલા દેવળિયા પાર્કમાં ૧૫ જેટલા સિંહને ખુલ્લા મુકાયા છે. તદુપરાંત ચિત્તલ, નીલગાય, જંગલી ભેંસ જેવાં પશુ પણ છે. દેવળિયા પાર્કમાં પ્રવાસીઓને અમુક ફી લઇ સરકારી બસમાં સિંહદર્શન કરાવાય છે. નાનો વિસ્તાર હોવાથી અહીંયાં સાવજ અચૂક જોવા મળી જાય છે, જ્યારે બાકીના અભયારણ્ય વિસ્તારમાં વનખાતાની પરવાનગી લઇ સંવનન કાળના ચાર મહિનાને બાદ કરતાં બાકીના દિવસોમાં લાયન સફારીની મજા લઇ શકાય છે.

સિંહ સદન:

સાસણમાં આવેલા વનવિભાગના મુખ્ય મથક સિંહ સદનમાંથી ગીરમાં ફરવાની તમામ પ્રકારની માહિતી મળી રહે છે. સવારના ચાર કલાક અને બપોર પછી ચાર કલાક માટે મર્યાદિત સંખ્યામાં જ અભયારણ્યમાં ફરવા જવાની મંજૂરી મળે છે.

તેમજ વનવિભાગની સફારી જીપ દ્વારા અને પ્રવાસીઓ પોતાનાં વાહનોમાં પણ અભયારણ્યના ચોક્કસ રૂટ પર ફરી એશિયાઈ સિંહોને કુદરતી વાતાવરણમાં વિહરતા જોઇ શકે છે. સાસણ ખાતે વનવિભાગની મુખ્ય ઓફિસેથી અભયારણ્યમાં જવાની મંજૂરી મળે છે. તેઓ દરેક વાહન સાથે એક ગાઇડ મોકલે છે.જેની નક્કી કરેલી ફી આપવાની હોય છે. તેમજ આ જંગલ વિસ્તારમાં વાહનમાંથી નીચે ઊતરવાની અને મુખ્ય રૂટ છોડી અંદર જંગલમાં પ્રવેશ કરવાની મંજૂરી નથી.

ગીર અભ્યારણમાં હિરણ, શેત્રુંજી, ધાતરડી, મછુન્દ્રી, શિંગોડા, ઘોડાવરી અને રાવલ સહિત સાત નદીઓ અને અસંખ્ય નાના મોટા ઝરણાઓ વહી રહ્યા છે. ગીરને જોવા માટે અલગ અલગ છ રૂટ નક્કી કરાયા છે. જેમાનાં બે રૂટ પરથી જવાથી કમલેશ્વર ડેમ જોવા મળે છે. એ રૂટ પર જવાથી ડેમમાં ઉછેરવામાં આવતા સેંકડો મગર જોવાનો પણ લહાવો મળે છે.

ખરેખર, કુદરતની કાયાને માણવી એ પણ એક લ્હાવો છે જિંદગીનો. કુદરતને માનવી ક્યારે નાથી નથી શકવાનો કે પામી નથી શકવાનો પરંતુ મનભરીને માણી જરૂર શકે છે.

ક્યાં બિંદૂ!
ને
ક્યા સિંધુ!

લેખન : તૃપ્તિ ત્રિવેદી 

હેય….મિત્રો કેવો લાગ્યો પ્રવાસ મારી કલમે? શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી