ચાલતી ટ્રેઇને જોયેલું લીલુછમ્મ અને માણેલું લાલઘમ્મ ભારત..!

સાચો પ્રવાસ પગપાળા થાય એને જ કહેવાય, સાચુ ફર્યા એ જે-તે જગ્યાએ પગછુંદણ કરીને એક એક શેરીએ અને ગલીએ રખડો તો જ કહેવાય અને એવી જ રીતે જો સાચુ ભારત જોવું હોય તો ઉપર હવામાં ઉડીને નહી પણ બસ કે ટ્રેઈનમાં ફરો તો જ સાચા ભારતનાં દર્શન થાય. અને એમાંય ટ્રેઇનનાં કમ્પાર્ટમેન્ટની સાઇડ લોઅર સીટ એ મારી ફેવરીટ સીટ. હવામાં ઉડાઉડ કરવાનાં પૈસા તો હવે આવ્યાં. બાકી આ નાચણીયાએ ભારતનાં પંદર કરતાં વધારે રાજ્યો ટ્રેઇનમાં સફર કરીને જ જોયાં છે. રેલ્વે ટિકીટ રિઝર્વેશન ફોર્મમાં તમારે જોઇતી હોય એ સીટ માટે તમે ચોઇસ આપી શકો તેવું એક બોક્સ પણ પણ હોય છે. આ વખતે પોંડીચેરી જતા તો અનાયાસે એ સીટ જ મળેલી પણ મે તો અનેક વાર આવી જ રીતે સાઇડ લોઅર સીટ રેલ્વે પાસે માંગી છે અને રેલ્વેએ એ સીટ આપી પણ છે. અમથીય ઇન્ડિયન રેલ્વે એ ભારતીયો માટે તો એક સેવા જ છે!

આમ તો જો કે વર્ષારાણીએ અત્યારે આખાં ભારતને એનાં ભાવથી ભીંજવી દીધું છે એટલે ગુજરાત સહીત જ્યાં જ્યાંથી અમે પસાર થયાં એ તમામ રાજ્યો મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ બધે જ લીલોતરીનું રાજ. અનેક જગ્યાએ કાળા ડીબાંગ વાદળો, અંધારુ ઘોર, અંધારેલુ આકાશ, ક્યાંક ધોધમાર તો ક્યાંક બુંદાબાંદી, રસ્તામાં આવતી તમામ નદીઓમાં વહેતા બે કાઠા, લહલહાતા ખેતરો, દૂર સુધી જોતાં ઝાંખાપાંખા દ્રશ્યો, ક્યારેક ટપક ટપક તો ક્યારેક ખળભળાટ અવાજ, સુર્યનારાયણની ફુલ ડે લિવ – આ બધું ટ્રેઇનની બહાર અને ટ્રેઇનની અંદર તો ઘડીકમાં ગરમાગરમ ચાની ચુસ્કી તો વળી વચ્ચે વચ્ચે તિખો મરી પાઉડર છાંટેલા ઉના ઉના ટોમેટો સુપનાં સબડકા. ક્યારેક આ સિઝનનાં બ્રાંડ એમ્બેસેડર એવાં થેપલા અને સુક્કી ભાજીનાં મોટા મોટા કોળીયા તો વળી બે વાર જમીયે એની વચ્ચે ચટાકેદાર ચાટમસાલો ભભરાવેલી ને “હજી વધારે હજી વધારે” એમ કહીને ત્રણ વાર ઉપરથી નખાવેલ તિખી લીલી મરચી ને ચડીયાતુ લીંબુ નિચોવડાવીને ખટ-તિખી કરેલ ચાટ. ટ્રેઇનની બહાર રિયલ હિન્દુસ્તાન અને અંદર તો પરફેક્ટ ભારત!!

ભારતની ઓફીશીયલ ત્રણ રુતુ અને એ ત્રણે રુતુમાં ભારતનાં અલગ રંગ તો અલગ રુપ, અલગ ચહેરા તો અલગ મહોરા, અલગ સાજ તો અલગ સજ્જા અને તમામ રુતુમાં વળી એની અલગ મોજ અને અલગ મજા. ભારતને જોવું હોય તો પ્રવાસીની જેમ નિકળી જવું પડે, જાણવું હોય તો અલગારીની જેમ રખડવું પડે અને જો માણવું હોય તો બાવાની જેમ ભમવુ પડે. ટ્રેઇનની સીટમાં બેસીને ટગર ટગર જોયા રાખવુ પડે. કાળા ડીબાંગ વાદળાઓ જેમ ચોમાસામાં ઉતરી આવે એમ આંખ ઉપર ઉંઘનાં વાદળા ઘેરાણા હોય અને તો પણ ભારતને ભરપુર ભરી પીવુ હોય તો ટ્રેઇનનાં કમ્પાર્ટમેન્ટનાં દરવાજે ઉભા રહીને તપસ્યા કરવી પડે. (અલબત સાવચેતી અને સાવધાની રાખીને) ખબર નહી ક્યારે એકાદ ખૂબસુરત દ્રશ્ય નજર સામે આવી જાય ને કેમેરામાં ક્લિક થઇ જાય! કેમ કે દરેક સિઝનમાં હિન્દુસ્તાન અલગ હોય છે તો દરેક રુતુમાં હિન્દુસ્તાને નવાં વાઘા પહેર્યા હોય છે. અને દરેક વખતે એ તમને નવાં નવાં રૂપરંગમાં જ જોવા મળે. એવી રીતે કે જેમ પોતાની મા પણ દિકરાને હમેશા નવી જ લાગતી હોય છે. મા ક્યારેય જૂની થતી નથી. એનાં હરએક નવાં નવાં સ્વરૂપ નજર સામે તા-ઉમ્ર આવ્યાં જ કરે છે એમ!!

હિન્દુસ્તાન, ભારત કે ઇંડિયા – જે કોઇપણ નામથી બોલાવો તે. એ પણ આપણી સૌની મા જ છે ને!

હેપ્પી ઇન્ડેપેન્ડેન્સ ડે ટુ ઓલ ઇન એડવાન્સ.

લેખક : ચેતન જેઠવા 

ટીપ્પણી