લીલી તુવેરથી ભરેલા રીંગણ-બટેટાનું શાક- રોટલા ને રોટલી સાથે જમવામાં ટેસ્ટી લાગશે તો ટ્રાય જરૂર કરજો

લીલી તુવેરથી ભરેલા રીંગણ-બટેટાનું શાક

ભરેલા શાક માં ઘણી બધી વેરાયટી બનતી હોય છે. બધા ના મસાલા માં કાંઈક અલગ હોય છે. શિયાળા માં રોટલા જોડે ખૂબ જ મજા આવે એવા શાક ની રેસિપી લઇ ને આવી છું. જેમાં સ્ટફિંગ લીલી તુવેર અને બીજા મસાલા થી કરેલું છે. લીલી તુવેર ની સિઝન લગભગ પૂરી થવાની તૈયારી માં છે ને તુવેર મળતી બંધ થાય પેલા ચોક્કસ થી બનાવો આ સ્વાદિષ્ટ ભરેલાં રીંગણ- બટેટા નું શાક.

સામગ્રી:-

પૂર્વ તૈયારી

1 કપ લીલી તુવેર ના દાણા + 2 લીલા મરચાં ,
(બંનેને ચીલી કટર માં ક્રશ કરી લો.)

1 ચમચી સૂકું ટોપરા નું છીણ,
1 ચમચો તલ,
1/2 કપ સિંગદાણા,
8-10 લસણ ની કળી,
( ટોપરા નું છીણ, સિંગદાણા અને તલ 1-2 માટે કડાઈ માં શેકી લો અને ઠંડુ પડે પછી લસણ ઉમેરી ને મિક્સર માં ક્રશ કરી લો ),

સ્ટફિંગ માટે ની સામગ્રી:-

1 કપ લીલી તુવેર અને મરચાં નું છીણ,
1 કપ ટોપરા, સિંગદાણા , લસણ અને તલ નું ક્રશ કરેલું મિશ્રણ,
1/2 કપ સેવ,
2 ચમચા ઝીણી સમારેલી કોથમીર,
2 ચમચી લાલ મરચું,
3 ચમચી ધાણાજીરુ,
1/2 ચમચી હળદર,
ચપટી હિંગ,
1/2 ચમચી આમચૂર પાવડર,
1/4 ચમચી ગરમ મસાલો,
મીઠું સ્વાદઅનુસાર.

રીત : 

એક બાઉલ માં સ્ટફિંગ ની બધી સામગ્રી લો અને બરાબર મિકસ કરો.


શાક માટેની બીજી સામગ્રી : 

5-7 નાના રીંગણ ( તમે ઈચ્છો તો રવૈયા પણ લઈ શકો),
5-7 નાના બટેટા,
2 મોટા લીલા મરચાં,
3 ચમચા તેલ,
2 ચમચા લીલું લસણ ઝીણું સમારેલું,
1/2 ચમચી જીરુ,
ચપટી હિંગ.

રીત-

સૌ પ્રથમ રીંગણાં , બટેટા અને મરચાંને ધોઈને સાફ કરી લો.

રીંગણ અને બટેટા ન બંને બાજુ થી વિરુધ્ધ દિશા માં અડધા કટ કરો.

એટલે આપણે તેમાં બંને બાજુ સ્ટફિંગ કરી શકીએ અને શાક વધુ સ્વાદિષ્ટ લાગે . (ફોટો માં બતાવ્યા મુજબ) અને હવે મરચાં ને વચ્ચે થી કટ કરો.ત્યારબાદ ઉપર બનાવેલો સ્ટફિંગ નો મસાલો રીંગણ, બટેટા અને મરચાં માં ભરી લો.

હવે પ્રેશરકુકરમાં તેલ મુકો તેમાં જીરુ, લીલું લસણ અને હિંગ ઉમેરો. 1-2 મિનિટ માટે સાંતળો અને પ્રથમ બટેટા મુકો અને 1 મિનિટ માટે હળવા હાથે સાંતળો, પછી રીંગણ અને મરચાં એક એક કરી ને કુકર માં મુકો.

કુકર ની સાઈડ માંથી 1 કપ પાણી ઉમેરો . અને ત્યારબાદ વધેલો સ્ટફિંગ નો મસાલો રીંગણ ઉપર ઉમેરી દો. અને કુકર નું ઢાંકણ બંધ કરી ને 1 સીટી વાગે ત્યાં સુધી થવા દો.ગેસ બંધ કરી દો.

એક કડાઈમાં 1 કપ પાણી લો. પાણી ઊકળે એટલે તેમાં કુકરનું શાક ધીરે ધીરે ઉમેરીને 5 મિનિટ માટે ઢાંકી ને તેલ છુટું પડે ત્યાં સુધી પકાવો.

કોથમીર થી ગાર્નિશ કરી ને રોટલા ,રોટલી કે ભાખરી જોડે સર્વ કરો.

નોંધ:- જો કુકર માં એક સાથે પાણી ઉમેરી દો પણ ચાલે . પરંતુ એના કરતાં બહાર કડાઈ માં રસો કરો તો વધુ સારી રીતે મિક્સ થાય છે. શાક કડાઈ માં બનાવો તો પણ ચાલે. બટેટા હોવાથી કુકર માં જલ્દી અને સારું થાય છે
સ્ટફિંગ નો મસાલો એકદમ ચઢીયાતો જ રાખવો કેમકે બીજું કાંઈ ઉપરથી ઉમેરવાનું નથી . રસો વધુ કે ઓછો ઈચ્છા મુજબ રાખી શકો. તુવેર અધકચરી જ ક્રશ કરવાની છે. લસણ પણ વધુ કે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી