ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા… જયારે વ્યક્તિ પાસેથી બધું છીનવાઈ જાય…

⛵ લીલા અને લીલાવંતી ⛵

દરિયા કિનારે આવેલા મંદિરના ઓટલા પર બેસી ગોવિંદ નજર સામેના દ્રશ્યને તાકી-તાકીને જોઈ રહ્યો હતો. હજી બે મહિના અગાવ જે વહાણ પોતાનું હતું તેના પર આજે અજાણ્યા લોકો કામ કરી રહ્યા હતા. નવો માલિક તેના ખલાસીને ઈસારાથી કામનો નિર્દેશ કરી રહ્યો હતો. ગોવિંદ પુરી રીતે ભાંગી ગયો. પોતાનું માનીતું વહાણ આજે બીજાની માલિકીનું બની ગયું હતું. જેને છોડતા જીવ પણ ન ચાલે તે માનીતા વહાણને તેણે મક્કમ મને, બે મહિના અગાવ વેંચી નાખ્યું હતું.

આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. વિધાતાની રમતનું એક પ્યાદું હોય તેમ રમત પછી જ્યાં ત્યાં ભટકી રહ્યો. એકાએક મન પર બોજો વધી ગયો હોય તેમ મુંઝાપો થવા લાગ્યો. ઉંચા ઊછળી રહેલા મોજાની પછડાટને કારણે બાજુમાં આવેલા બીજા કેટલાય વહાણ ‘લીલાવંતી’ને અથડાતા હતા, તે સાથે જાણે ગોવિંદના હ્રદય પર પણ ઘા પડતા હોય તેમ અંતર ઘવાતું રહ્યું.

“બાબુજી… કાંઈ હોય તો આપો, બે દિવસથી ભૂખ્યો છું.. આ દરિયોદેવ તમને વધારે બરકત આપશે” દસ બાર વર્ષનો એક છોકરો ગોવિંદ સામે હાથ ફેલાવીને ભીખ માંગી રહ્યો હતો. ફાટેલા-તુટેલા કપડે ઊભેલો છોકરાના ચહેરા તરફ જોતા ગોવિંદ ચોંક્યો! તેની આંખોના ખૂણા ફરી ભીના થઈ આવ્યા. તે નિર્દોષ છોકરાની એક આંખ કુદરતે કાયમને માટે છીનવી લીધી હતી. ઈશ્વરની ક્રુરતા પર તેને ફરી ગુસ્સો ચઢી આવ્યો. હૈયામાં અંગારા સળગી ઉઠ્યા. દયાના ભાવ એક સામટા ધસી આવ્યા.તે ભીખારી જેવા છોકરાની આંખ જોતાજ તેના ન રૂઝાયેલા ઘા પર એકાએક લોહી ધસી આવ્યું હોય તેમ પીડા ઉપડી આવી! ખિસ્સામાં પડેલી એક ફાટેલી નોટ તે છોકરાના હાથમાં તેણે મૂકી દીધી.

“લે બેટા, આનાથી વધારે તો કાંઈ નથી મારી પાહેં” આંખના ખૂણે બાઝેલા આંસુના બે બુંદ કોઈ જોઈ ન જાય તે રીતે આંગળીથી લુંછી નાખ્યા. છોકરો જરા ખુશ થતા રવાના થયો અને ગોવિંદ પણ ભયાનક ભૂતકાળમાં સરી પડ્યો…

“હાંભળો છો?” ગોવિંદની પત્ની લીલા તેને પ્રેમથી આવકારી રહી હતી.

“હા, શું છે? કહે..” પોતાના કામમાં મશગૂલ ગોવિંદે હોકારો આપતા કહ્યું. પોતાના વહાણના ફાટેલા જાળ સીવી રહેલા ગોવિંદે તે સાથે લીલાને પણ કામ સોંપી દીધું. “લે, આંઈથી પકડતો જરા!”

“મારે તમીને એક ન ગમે ઈવી વાત કે’વી છે. કહું?” ગોવિંદે પકડાવેલા જાળના છેડાને હાથમાં પકડતા લીલાએ જરા ગભરાતા ગભરાતા પુછી નાખ્યું.

“હા, કે તને તો પુરો હક છે.” ગોવિંદ જરા મસ્તીના મૂડમાં હસતા હસતા ઉત્તર આપ્યો.

“મારુ કે’વું છે કે હવે તમે દરિયાનો ધંધો મૂકી દો તો? આપણે થોડું કમાઈશું અને શાંતિથી ખાઈશું.. તમે કાંઠે કાંઈ પણ નાનો ધંધો કરી લો. આ વહાણને વેંચી દો અને તેના રૂપિયાથી કાંઠે ધંધો શરૂ કરો તો? તમે દરિયામાં જતા રેવ છો ત્યારે મારૂ મન ગભરાય છે. કાલ હવારે તમને કાંઈ થઈ ગયું તો?” લીલાએ અંતરથી અમંગળ વેદના ઠાલવી.

“અરે! ગાંડી. ખારવાનો દીકરો દરિયામાં ન જાય તો થઈ રહેની! અને આટલા બધા મા’ણા દરિયામાં જાય છે, હું આટલા વરહથી દરિયામાં જાંઉ છું તેમા કાંઈ ન થીયું અને હવે શું થવાનું છે? અને આમય નસીબે જો એવું કાંઈ લખ્યું હશે તો તેને હું કે તું થોડા રોકી રાખવાના છે!” ગોવિંદે દ્રઢ મનોબળ સાથે, લીલાનો હાથ દબાવતા ઉત્તર આપ્યો. થોડીવાર પછી તેણે ફરી કહ્યું.”ખારવાની દીકરી થઈને આમ ઢીલું વિચારે છે! અરે, તું ખારવણ છે ખારવણ. પતિને દરિયામાં મોકલતા પેટનું પાણી પણ ન હલવું જોઈએ. આ કિનારે ઉભેલાં આપણા વહાણનું નામ તારા નામ પરથી જ તો ‘લીલાવંતી’ રાખ્યું છે. મને હતું કે, ઘરમાં હોય તો લીલા મારૂ ધ્યાન રાખશે અને તોફાની દરિયામાં ભીડ પડે ત્યારે લીલાવંતી મારૂ રખોપું કરશે. પછી મારે કોનો ડર? અરે, તમે બેઈ તો મારી આંખ્યું છો. તમીને જોઈ પછી જ મારી આંખો ઠરે છે” તેણે ઉમળકાભેર લીલાને કહી નાખ્યું.

“પણ..” લીલા હજી વધું કાંઈ દલીલ કરે ત્યાં વચ્ચે જ તેણે તેને રોકી લીધી.

“હવે પણ ને બણ જવા દે ને!! લે, આ બધું મૂકી દે. હું જરા વા’ણે આંટો મારી આવું” લીલા છણકો કરતા જતી રહી. ગોવિંદ મૂછમાં હસતો હસતો દરિયા કિનારા તરફ જતો રહ્યો.

હાલ માછીમારીની સીઝન બંધ હોવાથી કિનારે વહાણોની હારમાળા ખડકાઈ હતી. ઢગલાબંધ વહાણો એકબીજાને અડોઅડ પડ્યા હતા. એક સાથે સેંકડો વહાણો પર ફરકી રહેલા વાયરાનો મીઠો ગુંજારવ ખારવાના દિલમાં થનગનાટ પૈદા કરી રહ્યો હતો. જ્યાં ત્યાં દોરડા કિનારે બાંધ્યા હતા. કોઈક વહાણમાં માલીકો દેખરેખ માટે આંટાફેરા મારી રહ્ય હતા. ગોવિંદે પણ પોતાના લીલાવંતી વહાણમાં પગ મૂક્યો એટલે વહાણ પ્રત્યેનો ભાવ આંખમાં સ્પષ્ટ દેખાય આવ્યો. તેણે વહાણના મોરાને નમન કરી આસપાસ નજર ફેરવીઃ ‘કાંઈ પણ વાંધા જેવું નથી ને? વહાણ બરાબર બાંધેલું તો છે ને?’

“ગોવિંદ….એ…ગોવિંદ” દૂરથી કોઈ બરાડા પાડી તેને હાકલ કરતું, દોડતું તેના તરફ આવી રહ્યું હતું.

તેની આંખો ચમકી, શું થયું? આશંકા સાથે તે ઝડપથી પોતાના વહાણમાંથી કિનારા તરફ ભાગ્યો.

“કાં ભાઈ. શું થયું?” ધડકતા હૈયે તેણે પૂછ્યું.

“લીલાભાભી….લીલાભાભીને ઓલા ગાડીવાળાએ પછાડી… એક્સીડન કરી નાખ્યું છે..જલ્દી હાલો..લોહી બહું નીકળે છે. આંખ્યુમાં પણ લાગ્યું સે. જટ કરો” સાંભળતાજ ગોવિંદના હાંજા ગગડી ગયા. તેણે મૂઠી વાળીને દોડ મૂકી. ગભરયેલા હૈયે તે હાંફતો હાંફતો ઘટનાસ્થળે પહોંચ્યો. તેનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. લોહીના ખાબોચીયા વચ્ચે લીલાનું ઈજાગ્રસ્ત શરીર પડ્યું હતું. લોકોના ટોળા રોક્કળ મચાવી રહ્યા હતા. લોકોની મદદથી ઝપાટાબંધ લીલાના ઘાયલ શરીરને દવાખાને ખસેડાયું. લોકોના ટોળા પણ સરકારી દવાખાને ભેગા થયા. લીલા ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. લીલાની જે આંખો ગોવિંદને સુખ આપતી તે આંખો પર જોરદાર ઘા લાગ્યો હતો. લીલાનો સંપૂર્ણ ચહેરો લોહીથી ખરડાયેલો હતો. લોકોમાં ફફડાટ ફેલાયો.

“ઓહ માં.. આંખો તો બેય ફૂટી ગઈ છે”

“નહી બચે હવે…બીચારો ગોવિંદ”

ત્યાં ત્રીજાએ હકારાત્મક અભિગમ અપનાવ્યોઃ

“એવું હું કામ બોલો સો. બધું હારૂ થાયે, દરિયાદેવ ઉપર ભરોશો રાખો..મોટા પેટવાળો કાંઈ નહીં થાવા દેઈ”

“સાહેબ મારી લીલાને બચાવી લો…”વધુ કાંઈ બોલે ત્યાં તો ગોવિંદના ગળે ડુમો ભરાઈ આવ્યો. ડબડબી ઉઠેલી આંખોમાં ઝળઝળીયાં તરી આવ્યા. ડુસકે ડુસકે રડતો તે ફસડાઈ પડ્યો.

“જો, ભાઈ. ખૂબ જ ગંભીર અકસ્માત છે. હું પૂરી કોશિસ કરીશ. આંખો પર પણ ખૂબ વાગ્યું છે. કદાચ તે ન પણ જોઈ શકે! બધું જ હવે ભગવાનના હાથમાં છે. તમે કાઉન્ટર પર મળી લો એટલે અમે ટ્રીટમેન્ટ ચાલુ કર્યે” ડોક્ટર સાહેબ કહેતા ઓપરેશન રૂમમાં જતાં રહ્યા.

એકલો અટૂલો ગોવિંદ પુરી રીતે ભાંગી પડ્યો. “ડિપોઝીટ તરીકે તમારે પાંચ લાખ રૂપિયા મૂકવા પડશે. ચાર-પાંચ મોટા ઓપરેશન કદાચ કરવા પડે તેવી સંભાવના હાલ દેખાઈ છે. તમે જલ્દી નિર્ણય લો અને જણાવો.” કાઉન્ટર પર બેઠેલા ભાઈએ ગોવિંદને સૂચના આપી.

‘આટલા બધા રૂપિયા એકસાથે લાવવા તો ખૂબ કઠીન છે. કોની પાસે જવું?’ તેનું મગજ ચકરાવે ચઢી ગયું. આંખોએ અંધારા વ્યાપી જતા લાગ્યા. રહી રહીને ડોક્ટર સાહેબના પેલા શબ્દો તેના દિમાગમાં ઘા પર ઘા કરી રહ્યા.

‘આંખો પર પણ ખૂબ વાગ્યું છે, કદાચ હવે તે ન પણ જોઈ શકે.’ વિચાર શક્તિ શૂન્ય બની ગઈ. મગજની નસો જાણે હમણાં ફાટી જશે તેમ લાગ્યું. લીલા તને કાંઈ નહીં થાય. તારી આંખો હતી એવી થાઈ જશે. તને હું પાછી દેખતી કરી દઈશ. તેણે મનોમન એક નિર્ણય કરી નાખ્યો.

આંટાફેરા મારતી નર્સ અને કમ્પાઉન્ડરને ટકરાતા તેણે સીધી દોડ મૂકી. ટોળે વળેલા લોકો ગોવિંદની હિલચાલ જોતા રહ્યા. બેચેન હૈયે તે પોતાના ઘરેથી સીધો પહોંચ્યો ભાણજી ટંડેલના ઘરે. બે-ચાર ખલાસી સાથે મગજમારી કરી રહેલા ભાણજી ટંડેલ અચાનક ગોવિંદને આવેલો જોઈ ઝબકી ગયા.

“કાં, ગોવિંદ. આમ ઉતાવરમાં? શું થયું? બધું બરાબર તો છે ને?” હજી થોડીવાર પહેલા બનેલી ઘટનાથી ભાણજી ટંડેલ બીલકૂલ અજાણ હતા. ચાર મોટી-મોટી બોટના તે માલિક હતા. હજી થોડા દિવસ અગાઉ જ તેણે ગોવિંદની બોટ લીલાવંતીને ખરીદવા માટે માંગણી મૂકી હતી. ગોવિંદે કહેલુંઃ “લીલા અને લીલાવંતી તો મારી બે આંખો છે. શું આંખો વગર જીવવાની મજા આવે?”

પણ આજે સમય અલગ હતો. સંજોગ જુદા હતા. “બોલ શું વાત છે?” ભાણજી ટંડેલે જરા ઉંચા અવાજમાં પુછ્યું. “મારે લીલાવંતી વહાણ વેંચી દેવું છે. હમણાં જ રોકડા રૂપિયા જોઈએ છે” બોલતા પણ હ્રદય ચીરાતું હોય તેમ દર્દ ઉપડી આવ્યું!

“કાં, ભાઈ આમ અચાનક શું થયું! બાકી તારી મરજી. મેં તો ત્યારે પણ કીધું હતું. બોલ કેટલા જોઈએ છે તારે?”

“પાંચ લાખ અત્યારે જ રોકડા.” ગોવિંદ માંડ માંડ બોલી શક્યો.

“કાગળીયા લાવ્યો છે?” ભાણજી ટંડેલ અકડાયને, અડગતાથી પૂછ્યું.

“હાં”

સામે મુકેલી મજબૂત તિજોરીમાંથી તેણે પાંચ લાખ રૂપિયાની થેલી ભરીને ગોવિંદ તરફ હાથ લંબાવ્યો. “આ..લે. લાવ કાગળીયા, અને આજથી ઈ લીલાવંતી વા’ણ મારૂ થયું.. ઈ તરફ, ફરકતો પણ નહી હવે”

ધ્રુજતા ધ્રુજતા ગોવિંદે હાથ લાંબો કર્યો. આંચકા સાથે ભાણજી ટંડેલે વહાણના કાગળીયા આંચકી લીધા.

અધ્ધર શ્વાસે તે દવાખાને પહોંચ્યો. શૂન્યમનસ્ક ચહેરે બેઠેલા લોકોએ ગોવિંદને જોતાજ સફાળા ઊભા થઈ તેમના તરફ નજર માંડી. દરેકની આંખોમાં વેદના ભરી હતી. તે સીધો કાઉન્ટર તરક જઈ રકમ જમા કરાવી. ઓપરેશન શરૂ થઈ ગયું! તે આખો દિવસ ગોવિંદ માટે એક વર્ષ કરતા પણ લાંબો હોય તેમ મહા મુશ્કેલીએ વીત્યો. એક પછી એક ઓપરેશન થતા રહ્યાં. ડોક્ટરોના આશ્વાસન સીવાઈ ગોવિંદને બીજું કાંઈ મળતું ન હતું. આઈ.સી.યુ. રૂમના દરવાજામાં લાગેલા કાચમાંથી તે રહી રહીને લીલાનો એક અણસાર મેળવવા વ્યર્થ ફાફા માળતો રહ્યો.

બીજા દિવસે સવારે અચાનક દવાખાનામાં અફરાતફરી અને કોલાહલ વધી ગયો. માહોલ તંગ અને ગંભીર જણાયો. નર્સ અને ડોક્ટરો બેચેન બની અંદરોઅંદર(અરસપરસ) ગુસપુસ કરી રહ્યા.

“ગોવિંદભાઈ!” ગોવિંદ તરફ આવી રહેલા ત્રણ ડોક્ટરમાંથી એકે વ્યગ્રતા સાથે અને નિરાશ ચહેરે કહી રહ્યોઃ “સોરી, તમારી પત્નીને અમે ન બચાવી શક્યા. અમે અમારી રીતે બધી જ મહેનત કરી પરંતુ ઈશ્વરની મરજી આગળ અમારૂ કાંઈ ન ચાલે ભાઈ. વેરી સોરી ડેડબોડી આપ લઈ જઈ શકો. અમને માફ કરી દેશો”

ગોવિંદ પર જાણે આભ તૂટી પડ્યું! હ્રદય ક્ષણભર એકાદ ધબકાર ચૂકી ગયું. પગ નીચેની જમીન જાણે ખસી ગઈ હોય તેમ પગ લથડી પડ્યાં. શબ્દો ગળામાંથી નીકળી જ ન શક્યા. રૂંધાયેલા કંઠમાંથી દર્દિલો ચિત્કાર સરી પડ્યો. “લીલા…” તે સાથે જ તે દવાખાનાની સફેદ ફર્સ પર ફસડાઈ પડ્યો.

દૂર થોડો કોલાહલ થયો એટલે અચાનક માનસપટ પર ચાલી રહેલી ભૂતકાળની કડવી યાદો પર પડદો પડી ગયો. તેને અચાનક ભાન થયું! કડવી યાદોના ઘુંટળા તેણે આંખો બંધ કરી તે સાથે આંસુ બની સરી પડ્યાં. તેની બંને આંખો હોવા છતા પણ ન હતી તેવી અંતરમાં અનુભૂતિ થઈ આવી. જેને તે પોતાની આંખો ગણતો તે લીલા અને લીલાવંતી તેની પાસે ન હતી. વિધાતાએ કરેલી ક્રુર મજાક પર તેને ક્રોધ ચઢી આવ્યો. ભગ્ન હ્રદયે તેણે કિનારે લાંગરેલા ‘લીલાવંતી’ વહાણ પર નજર ફેરવી પણ વહાણનું નામ મોરામાંથી ગાયબ હતું. ઉછળતા દરિયા તરફ ક્ષણભર નજર અટકી અને તેણે ઘર તરફનો રસ્તો પકડ્યો.

લેખક- વિષ્ણુ ભાલીયા

ખુબ દર્દનાક વાર્તા, શેર કરો તમારા મિત્રો સાથે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી