થોમસ આલ્વા એડીસનના જીવનનો આ પ્રસંગ તમે નહિ સંભાળ્યો હોય…

એકવખત એક મુસાફર ટ્રેનમાં પોતાની સીટ પર બેઠા બેઠા એક ધર્મગ્રંથ વાંચી રહ્યો હતો. આ મુસાફરની બરાબર સામે બેઠેલો માણસ ઘણા સમયથી પોતાની સામે બેઠેલા માણસને ધ્યાનપૂર્વક ધર્મગ્રંથ વાંચતા જોઇ રહ્યો હતો.

એમનાથી ના રહેવાયું એટલે એમણે સામે બેઠેલી વ્યક્તિને કહ્યુ, ” ભાઇ, હું જોઉં છું કે તમે ક્યારના આ પુસ્તક વાંચી રહ્યા છો ? ” ધર્મગ્રંથ વાંચી રહેલા માણસે વિનમ્રતાથી માથુ હલાવીને હા માં જવાબ આપ્યો. પ્રશ્ન પુછનારે બીજો પ્રશ્ન પુછ્યો, “આ ધર્મગ્રંથ કેટલા વર્ષો પહેલા લખાયેલો હશે ? ” સામેવાળાએ ટુંકમાં ઉત્તર આપ્યો, “હજારો વર્ષ પહેલા.” અને ફરીથી વાંચવાનું ચાલુ કર્યુ.

પ્રશ્ન પુછનારે કહ્યુ, “હજારો વર્ષ પહેલા લખાયેલા આ થોથા શું કામમાં આવવાના છે ? તમે જાણો છો આજે વિજ્ઞાન કેટલું આગળ વધી ગયુ છે ? અને તમારા જેવા માણસો હજુ આવા જુના થોથા પકડીને વાંચ્યા રાખે છે. દિવસે અને દિવસે નવી નવી શોધો થઇ રહી છે. તમારી કલ્પનામાં ના આવે એવા અદભૂત કાર્યો વિજ્ઞાન દ્વારા થઇ રહ્યા છે. આવા જુના ધાર્મિક ચોપડાઓ વાંચવા કરતા થોડું વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરો અને એને લગતા પુસ્તકો વાંચો.”

સામેની સીટ પર બેઠેલી વ્યક્તિ ધ્યાનપૂર્વક આ ભાઇની વાત સાંભળી રહી હતી. પોતાની વાતને ધ્યાનથી સાંભળતા જોયા એટલે વાત કરવાનો એનો ઉત્સાહ વધ્યો. હવે તો ડબ્બામાં બેઠેલ અન્ય વ્યક્તિઓ પણ આ મહાનુભાવની વાત સાંભળવા ઉત્સુક હતા. એમણે પોતાની વાત આગળ વધારતા કહ્યુ, “હું વિજ્ઞાનનો પ્રોફેસર છું. કોલેજના વિદ્યાર્થીઓને ઘણા વર્ષથી વિજ્ઞાન ભણાવું છું. વિજ્ઞાન મારા લોહીના બુંદે બુંદમાં વણાઇ ગયુ છે. તમારા જેવા લોકોને વિજ્ઞાનને બદલે આવા બીનજરૂરી ધાર્મીક પુસ્તકોમાં રસ લેતા જોઉં ત્યારે મારુ લોહી બળી જાય છે.”

વાત વાતમાં લાસ્ટ સ્ટેશન આવી ગયું. ધાર્મીક પુસ્તક વાંચી રહેલા ભાઇએ પુસ્તકને બંધ કરીને પોતાની બેગમાં મુક્યુ. વિજ્ઞાનના પ્રોફેસરે નીચે ઉતરતી વખતે ધાર્મિક ગ્રંથ વાંચી રહેલ વ્યક્તિને એનું નામ પુછ્યુ. એટલે એમણે મધુર સ્મિત આપીને કહ્યુ, “મહાશય, મારુ નામ થોમસ આલ્વા એડીસન છે.”જવાબ સાંભળીને અત્યાર સુધી વિજ્ઞાનની વાતો કરનારા પ્રોફેસરનું મોઢુ સીવાઇ ગયુ કારણકે દુનિયાને સૌથી વધુ વૈજ્ઞાનિક શોધોની ભેટ આપનાર મહાન વૈજ્ઞાનીકને એ વિજ્ઞાન સમજાવવાનો પ્રયાસ કરતો હતો.

થોમસ આલ્વા એડીસને એ વિજ્ઞાનના પ્રોફેસરને કહ્યુ, “ભાઇ, વૈજ્ઞાનિક શોધો કરતી વખતે મળતી નિષ્ફળતા સામે ટકી રહેવાનું બળ મને આ ધાર્મિક ગ્રંથમાંથી જ મળે છે. એ ક્યારે લખાયેલા છે એ મહત્વનું નથી પણ કેવું પ્રેરક કામ કરે છે એ મહત્વનું છે.

એક તો ક્યારેય કોઇને સામાન્ય ન સમજવા અને બીજુ કે થોડીઘણી સમજ આવી જાય એટલે ધાર્મિકગ્રંથોની ટીકા કરવાનું કામ ન કરવું નહીતર વિદ્વતા દેખાડવાની આતુરતા આપણી મુર્ખામી સાબિત કરી દેશે.

લેખન : શૈલેશભાઈ સગપરીયા

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી