લ્યો, ગણપતિ દાદાએ તમારા માટે જ લખેલો પત્ર વાંચી લ્યો, વિચારી લ્યો – સાંઈરામ દવે

ગણપતિ દાદા નો પત્ર

લ્યો,ગણપતિ દાદાનો હાથોહાથ આવેલો પત્ર વાંચી લ્યો, વિચારી લ્યો.

ચારે બાજુ ગણપતિ ઉત્સવનો માહોલ જામેલો છે. ગઈ સાલ ગણપતિ વિસર્જનનો એક અઘરો પ્રસંગ મને યાદ છે. એક જણાએ રાજકોટની નદીમાં પચ્ચાસ જેટલા ગણપતિ પધરાવ્યા. મેં પૂછ્યું કે, ઓં હો હો ભાઈ અટલા બધા ગણપતિના ભગત છો? ઈ ભાઈ કે ના સાહેબ, એમાં એવું છે ને કે મેં સો મૂર્તિ બનાવી હતી, એમાંથી પચ્ચાસ જ વેચાણી એટલે વધેલી પચ્ચાસ મેં જ પધરાવી દીધી, (કેવું નગ્ન સત્ય છે કે ઈશ્વરે માણસને બનાવ્યો ને માણસ હવે ઈશ્વરને બનાવે છે, જેણે આપણું સર્જન કરીને આપણને માર્કેટમાં મોકલ્યા આપણે તે ઈશ્વરના નામ ઉપર પણ માર્કેટ બનાવી લીધી છે) (હસો નહી તો મારા સમ) વેલ, પોઈન્ટ ઉપર આવું તો ગણપતિદાદાનો એક વેદનાભર્યો પત્ર મારા ઉપર આવ્યો છે, એમની વાત જો તમારા સુધી ન પહોચાડું તો નગુણો ગણાઇશ. આ પત્રમાં કદાચ હસવા જેવું કઈ નઈ મળે, પણ કૈક સમજવા જેવું મળશે એ શ્રધ્ધા સાથે ગણપતિદાદાનો પત્ર અક્ષરશ: –

હે મારા પ્રિય ગણપતિપ્રેમી ભક્તો,

ખુબ દુઃખ સાથે આ પત્ર લખવા બેઠો છું. તમારા સુધી કો’ક તો પહોચાડશે જ એવી આશા સાથે. તમે લોકો છેલ્લા ઘણાં વર્ષોથી ગણપતિઉત્સવ ઉજવો છો એનાથી હું આમ તો રાજી છું, પણ છેલ્લા દસ વરસના ઓવરડોઝથી મારું કાળજું બળે છે. માટે જ આ પત્ર લખવા પ્રેરાયો છું. તમને યાદ તો છે ને ઈ.સ ૧૪મી સદીમાં સંત મોર્યો ગોસાવીએ પુના પાસે મોરગાવમાં મારું પ્રથમ મંદિર ‘મોર્યેશ્વર’ બનાવ્યું, ત્યારથી લોકો ગણપતિબાપા મોર્યને બદલે ‘મોરિયા’ બોલતા થ્યા, તમે ભૂલી ગયા કે મુઘલો સામે હિન્દુત્વને એકઠું કરવા ઈ.સ  ૧૭૪૯માં શિવાજી મહારાજે મારી કુળદેવતા તરીકે સ્થાયી પુજા શરૂ કરાવી. તમને યાદ જ હશે કે ઈ.સ  ૧૮૯૩માં બાળગંગાધર તિલકે મુંબઈના ‘ગિરગાવ’ માં સાર્વજનિક ગણેશઉત્સવથી અંગ્રેજો સામે ભારત સંગઠિત કરવા આ ઉત્સવને ગરિમા બક્ષી,

મારા આ ઉત્સવ સાથે ભારતને એક કરી અને જગાડવાના કામના શ્રી ગણેશ, તિલકજીએ માંડ્યા’તા પણ તમે લોકોએ તો હવે મારો તમાશો કરી નાખ્યો છે. અરે યાર, શેરીએ શેરીએ ગણપતિ….? દરેક સોસાયટીના જુદા, ૧૪ માળના એપાર્ટમેન્ટમાં વળી દરેક માળે મારી પધરામણી ? અને એ પણ એકબીજાને બતાવી દેવા, સ્પર્ધા કરવા ? તમે લોકો તો મારા નામે ‘શક્તિ પ્રદર્શન કરવા લાગ્યા છો. આ ઉત્સવથી ભારતનું ભલું થાય એમ હતું એટલે આજ સુધી મે આ બધું ચાલવા દીધું છે. આ ગણપતિઉત્સવો સોસાયટીઓની ડેકોરેશન – જમણવારની હરીફાઈઓ માટે હરગીજ નથી. પોલીટીકલ પાર્ટીઓ કે જેમને ખુરશી સિવાય બીજા એકપણ દેવતા સાથે લેવાદેવા નથી. એ લોકો મારા ઉત્સવો શું કામ ઉજવી રહ્યા છે ? આઈ એમ હર્ટ….! પ્લીઝ, મારા વ્હાલા ભક્તો સંપતિનો આ વ્યય મારાંથી જોવાતો નથી.

મુંબઈમાં ગણપતિ દરમ્યાન અગરબતીની દુકાનમાં લાઈન, મીઠાઈમાં લાઈન, ફૂલવાળને ત્યાં લાઈન…..! અરે, યાર આ બધું શું જરૂરી છે ? માર્કેટની ડિમાન્ડને પહોચી વળવા નકલી દૂધ કે માવાની મીઠાઈઓ ડેરીવાળા પબ્લિકને બટકાવે છે ને પબ્લિક મને પધરાવે છે. હવે મારે ઈ ડુપ્લિકેટ લાડુ ખાયને આર્શીવાદ કોને આપવા અને શ્રાપ કોને આપવા કહો મને ?

શ્રદ્ધાના આ અતિરેકથી હું ફ્રસ્ટ્રેટ છું એક ગામ કે શહેરમાં પસાસ કે સો ગણપતિ ઉજવાય એના કરતા આખું ગામ કે શહેર ભેગા મળીને ‘એક ગણપતિ’ ઉજવે તો મારો સંત મોર્ય ગોસવીનો, ને બાળગંગાધર તિલકનો આત્મો રાજી થાય. ત્યાં પણ ડિસ્કાને ફિલ્મની પાર્ટીઓ નહિ રાષ્ટ્રભક્તિનું ગાન થાય તો જ …! વ્હાલા ગણેશભક્તો દુઃખ ન લગાડતા, પણ હું તમારું એન્ટરટેઈનમેન્ટ નથી, હું તમારા દરેક શુભકાર્યની શરૂઆતનો નિમિત છું. તમે મારા ઉત્સવોથી મને જ ગોટે ચડાવી દીધો છે. મે મોટું પેટ રાખ્યું જેથી હું દરેક ભગતની વાતને અને સુખ દુઃખને ‘સાગરપેટો’ બની સાચવી શકું. તો તમે તો મોટા પેટનું કારણ ભૂખ સમજી ટનના મોઢે મને લાડવા દાબવા માંડ્યા. મે મોટા કાન રાખ્યા જેથી હું દરેક ભક્તની ઝીણીમાં ઝીણી વાત પણ સાંભળી શકું. તો તમે લોકો તો ચાલીસ હજાર વોટની DJ સીસ્ટમ લગાડીને મારા કાન પકવવા લાગ્યા છો. મે ઝીણી આંખો રાખી જેથી હું ઝીણા ભ્રષ્ટાચાર કે અનિષ્ટને પણ જોઈ શકું. તમે એ ભ્રષ્ટાચારીઓ પાસેથી જ ફાળો ઉઘરાવીને મારી આરતી ઉતરાવો છો.

નવરાત્રી તો તમે વાગોડી નાખી. હવે ગણેશઉત્સવને ડાન્સ ડિસ્કો પાર્ટી ન બનોવો તો સારું. માતાજીએ તમને માફ પણ કર્યા હશે પણ મને ગુસ્સો આવશે ને તો સુંઢ ભેગા સાગમટે પાડી દઈશ ઇટ્સ વોર્નિંગ. જેમ દૂધ પીધું’ તું એમ તમારું લોહી પિતા વાર નહિ લાગે. કઈક તો વીચાર કરો ચિક્કાર ડ્રીંક કરીને મારી યાત્રામાં ડિસ્કો કરવા આવતા તમને શરમ નથી આવતી ? (ગણપતિબાપા મોર્યા કરતા ગણપતિબાપા નો –રિયા બોલો …!)

કરોડોમાં મારા ઘરેણાની હરાજી કરી લેવાથી હું પ્રસન્ન થઇ જાવ એમ ? હું કોઈ પોલીટીશિયન છું કે લાખોની મેદની જોઈ ને હરખઘેલો થઈ જાવ ? અરે મારા ચરણે એક લાખ ભલે નો આવે પણ એક-આદો ભક્ત દિલમાં શ્રધા અને આંખમાં આંસુ લઈને આવશે ને તો એ હું રાજી થઇ જઈશ ..! લાડુના ઢગલા મારી સામે કરીને અન્નનો બગાડ કરવા કરતા ઝુંપડપટ્ટીના કોઈ ભૂખ્યા બાળકને જમાડી દયો. એટલે મને પહોચી જાશે. મારા નામે આ દેખાડો બંધ કરો વહાલા ભક્તો..! જે દરિયાયે અનેક ઔષધીઓ અને સંપતિ તમને આપી એમાજ મને પધરાવી પર્યાવરણનો કચ્ચરઘાણ વાળતા સહેજ પણ વિચાર નથી કરતા ?

આ ગણપતિઉત્સવે છેલ્લી એક વાત મારી માનસો ? મારા નામે દાન કરવાની નક્કી કરેલી રકમ ભેગી કરી કોઈ ગરીબના છોકરા –છોકરીને ભણાવી દયો મારા અંતર રાજી થશે આ સંપત્તિનો દુર્વ્યય બંધ કરો. ભારતમાં જન્મેલો પ્રત્યેક નાગરિક આ ગણપતિ ઉત્સવે ભારતને વફાદાર રહેવાની સોગંદ લ્યે તો જ આવતા વખતે આવીશ..! બાકી મારા નામે છુટા પડવાનું – છેતરવાનું અને દેવી–દેવતાઓને ઈમોશનલી બ્લેકમેલિંગ કરવાનું બંધ કરો.

તમારો જ ગણપતિ

(સાંઈરામ દવે – હસો નહિ તો મારા સમ)

https://goo.gl/ctx4Gs

     https://goo.gl/niGXnh

 

આ પુસ્તક ઘેર બેઠા મેળવવા ઉપર આપેલા ફોટા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અથવા 08000057004 પર WHATSAPP કરો.

www.dealdil.com પર મુકેલા પુસ્તકો માંથી કોઈપણ પુસ્તકો મેળવવા માટે તેની ઈમેજ (ફોટો) અમને ઉપર આપેલા Whatsapp નંબર પર મોકલો સાથે આપનું પૂરું નામ, સરનામું પીનકોડ સાથે અને મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલાવી આપો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે.

ટીપ્પણી