રાજકોટની આ છોકરી એ પોતાની જીંદગીને લખેલો એક અદભૂત પત્ર – વાંચીને દીલ ખુશ થઇ જશે….

વ્હાલી જિંદગી,
જયારથી મે આ દુનિયામાં પ્રવેશ કર્યો ત્યારથી તું મારી સાથે છે. પરંતુ તને પત્ર લખવાનો વારો પહેલીવાર આવ્યો. એટલે તને પૂછી જ લઉં છું કે હંમેશા મજામાં રહેનારી તું કેમ છે આજે? મારી સાથે સતત સંકેતોમાં વાતો કરનારી તું મારા આ પ્રશ્નનો ઉત્તર પણ ચોક્કસથી આપજે.

હું જ્યારે અહીંયા આવી ત્યારે તે મને એક વાતનું એશ્યોરન્સ આપેલું કે તું મારા સુખમાં અને દુઃખમાં હંમેશા મારી આંગળી ઝાલીશ. અને તું એ વાતને નિભાવે પણ છે. આમ કરીને તું છેલ્લા શ્વાસ સુધી મારા રોમેરોમમાં પ્રાણ પૂરતી રહેવાની છો. કયારેક વિચાર આવે કે આ બધાનું ઋણ હું કઈ રીતે ઉતારી શકીશ?

તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે યાર.. આજ સુધી એવું કદીયે બન્યું છે કે મેં તારાથી કંઈ છુપાવ્યું હોય? તું બધું મૂંગે મોંએ જુએ છે. તું ક્યારેક મને ‘કિસ’ કરે છે , તો તું જ ક્યારેક મને ‘થપ્પડ’ પણ મારે છે. ક્યારેક એવું પણ બને કે તું મને આ બધું ‘બોનાન્ઝા’ કરીને પણ આપે, એઝ અ સરપ્રાઇઝ.. ટૂંકમાં, હું જયારે જે ‘ડિઝર્વ’ કરું છું એ બધું જ તું મને આપે છે. અને આ માટે મને તારા પર ગર્વ છે.

તું મને ત્રણેય કાળમાં જવાનો મોકો આપે છે. ભૂતકાળમાં ડોકીયું કરીને વર્તમાનની ભૂલો સુધારવાની પ્રેરણા તું આપે છે. અને ભવિષ્યને આશાસ્પદ બનાવવાની હિંમત પણ તું જ આપે છે. ક્યારેક એવું પણ લાગે કે મેં આમ કર્યું હોત કે આમ ન કર્યું હોત તો પરિસ્થિતિ જુદી જ હોત. આ વિચારવાની શક્તિ પણ તને જ આભારી છે હો!

તે અમારામાં ધબકારા ‘ઇંસ્ટોલ’ કર્યા છે એટલે અમને સતત ‘રિફ્રેશ’ કરવામાં ને કરવામાં તું અડધી થઈ ગઇ હોઈશ, ખરું? ક્યારેક તું પણ અમારી જેમ તારામાં ઊંડા શ્વાસોચ્છવાસ લેતી હોય તો ‘રિલેકસ્ડ’ રહી શકે. જો, આજે તો ઉલટું બન્યું. આજે હું તને સલાહ આપું છું કારણકે આજે હું તને લખી રહી છું એટલે ‘એક્સાઈટેડ’ છું.

પ્રિય જિંદગી, તે મને લાઇફનાં આટલાં બધા ‘મેમરેબલ’ એપિસોડ્ઝ આપ્યા છે તો હું તને છોડીને જવા નથી માંગતી. મારે તારી સાથે હજી ઘણીબધી પળો વિતાવવી છે.મારે તારી પાસેથી હજુ ઘણુંબધું શીખવાનું છે. અને ખરું કહું તો હું તને પ્રેમ કરું છું. ચલને, આપણે બેય પરણી જ જઇએ. માત્ર ‘ફ્રેન્ડઝ’ ક્યાં સુધી રહીશું? આમ કરીશું તો આપણે એકબીજાને વધારે સારી રીતે સમજી શકીશું એમ હું માનું છું કારણકે હું તારી વધારે નજીક આવીશ તો અત્યારે છું એના કરતા બમણી ‘જીવંત’ બની જઈશ. અને આ સંગત ‘ઇટરનલ’ હોવી જોઈએ એવું કુદરતે પણ સમજવું જોઈએ ને?

અરે, એક વાત તો કહે કે હું તારા માટે નિયમો બનાવું છું કે તું મને તારા નિયમોમાં જકડી રાખે છે? સવાલ પેચિદો છે ને? પણ મને આજસુધી નથી સમજાઈ શક્યું કે હું ખરેખર મુક્ત છું કે તે મને મુક્ત બનાવી છે?

તું ક્યારેક નદીનાં વહેણ સર્જે છે તો ક્યારેક એ જ નદીને સૂક્કીભઠ્ઠ રણ જેવી બનાવી દે છે. તું સરસ ભાત રચે છે તો એ જ ભાતને વિખેરી પણ નાખે છે. બધું જ તારા હાથમાં છે. હું તને દોષી નથી માનતી. તું તો મારી કંટ્રોલર છે અને આમ પણ આપણા પર કોઈનો કન્ટ્રોલ તો હોવો જોઈએ ને? પણ એક વાત તો છે તારી અદામાં.. યુ આર સિમ્પલી અનપ્રેડીકટેબલ. તારી આગાહી નથી થઇ શકતી એમાં જ ખરેખર મજા છે.

તે જ આપેલા લેન્સથી હું બધું જ નિરખી રહી છું. એવું નથી કે હું ફક્ત તને પ્રેમ જ કરું છું. જયારે જયારે કોઈ સાચા વ્યક્તિને અન્યાય થાય ત્યારે ત્યારે મને તારા પર ગુસ્સો પણ આવે જ છે. જો તું જ અમારા બધા પર કાબૂ ધરાવતી હોય તો તું પડેલા અવળા પાસાને સવળા કેમ નહિ કરતી હોય એવો પણ વિચાર આવે. હું ક્યારેક તારી ઈર્ષ્યા પણ કરું છું કે તું અમારી ઉંમર વધારે છે પણ તું તો ‘ફોરેવર યંગ’ રહેવા જ સર્જાઈ છે.

જો તું ન હોત તો હું ન હોત અને તો પછી પૃથ્વી પરની બધી જ રમતો અટકી જાત ને? તને ક્યારેય એવું ‘ફીલ’ નથી થયું કે આપણે ‘ઇંટરડીપેન્ડેન્ટ’ છીએ? ચલ, એ વાત જવા દે. પણ તું ક્યારેય મને એવા અભિમાનમાં ન રાચવા દેતી કે ‘તું’ મારા થકી છે. કારણકે જો એમ થાય તો આપણે ફરીથી સરખું ‘કમ્યુનિકેશન’ કરી જ નહિ શકીએ.

તે તો મને લોન્ચ કરી છે. તો મને પણ તારા તમામ ઋણો ઉતારવાનો પૂરતો સમય આપજે. કારણકે આજે જયારે હું મારી જાતનું નિરીક્ષણ કરું છું તો લાગે છે કે મેં એક ગભરું,નિર્દોષ છોકરીથી મજબૂત છોકરી સુધીની ટ્રીપ કરી છે. આ ટ્રીપ તારા વગર અશક્ય જ રહી હોત. આ દુનિયામાં હું આવી ત્યારે કોરી પાટી લઈને આવી હતી. આજે તો મેં એમાં તારા થકી ખૂબ ચિતરામણા કર્યા છે. અને જયારે મૃત્યુ નજીક આવશે ત્યારે ઈશ્વરને આપવા માટે એક યાદગાર ‘ડ્રાફ્ટ’ તૈયાર થઇ જશે.

તારો ખૂબ ખૂબ આભાર કે તે મને ‘સંતાકૂકડી’ રમતા શિખવાડી. આમ જ આ રમત રમાડતા રમાડતા મને તું અચાનક જ કયાંક મળી આવે એવું મારું સ્વપ્ન છે. હા, ખ્યાલ છે કે તું મારા જેવી જ દેખાતી હોઈશ. કેમકે હું તારી જ પ્રતિકૃતિ છું ને! છતાંય આપણો સંબંધ ખૂબ વધારે ગાઢ બને એ માટે મારે તને જોવી છે. તું મારી સાથે ‘શેક હેન્ડ’ કરીશ ને?

તે મને અનેક કેચ આપવાની કોશિશ કરી. એમાંથી કેટલાક મારાથી છૂટી ગયા તો કેટલાકને હું પકડી શકી. તું મારા માટે આટલુ બધું કરતી હોય તો મારે પણ તારા માટે કંઈક ખાસ કરવું છે. મને મળવા આવીશ ને?

લિ.
તારા પ્રત્યક્ષ આગમનની રાહમાં,
તારી ખુશાલી.

આપ સૌ ને આ પત્ર કેવો લાગ્યો ? કોમેન્ટ માં અચૂક જણાવજો !!!

ટીપ્પણી