શહીદદિન પર શહીદોનું સ્પીરીટ સમજીએ…..

264718

આઝાદીના ૬૭ વર્ષ વીતી ગયા અને દર ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરી ના દિવસે આપણે ધ્વજવંદન કરીએ છીએ અને એક-બે દેશભક્તિ ના ગીત ગણગણીને આપણા વ્યસ્ત જીવનમાં ખોવાઈ જઈએ છીએ. આજ કાલ તો ઘણા તે દિવસને રજાનો દિવસ ગણી આરામ ફરમાવે છે. પરંતુ આપણી આઝાદી માટે કેટલાયે ક્રાંતિકારીઓએ શહાદત વહોરી લીધી છે.  આજે ૨૩મી માર્ચ, શહીદદિન ! ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ યાદ આવે જ ! આજે, આપણે આવા જ એક ક્રાંતિકારીને યાદ કરીશું. એમનું “અમર સ્પીરીટ” અને “દેશ ઝુનુન” આપણા મરેલા, થાકેલા, હતાશ થયેલા, હું ભલોને મારી દુનિયા ભલી એવા સવાર્થથી ભરેલા મનમાં થોડી પણ ક્રાંતિની ચિનગારી જન્માવે તો આ લેખ સફળ !
                                    
કોર્ટરૂમ ખચોખચ ભરેલો છે, મોટાભાગે ખાલી રહેતા રૂમમાં આજે જનમેદની ઉમટી આવી છે. રૂમની બહાર પણ લાઈન લાગી છે. બધા કંઈક ગણગણી રહ્યા છે.
વ્યક્તિ-૧ :  શું એ સાચું છે કે તે હજી માત્ર તરુણ છે?
વ્યક્તિ-૨ :  હા,સાંભળ્યું છે કે તે ૧૪-૧૫ વર્ષનો માંડ છે.
વ્યક્તિ-૩ : અરે ના! એ તો પાક્કો પહેલવાન દેખાય છે.મેં જોયો છે એને. મને તો યુવાન લાગે છે, પણ આવો પહેલવાન ગાંધીજીના રસ્તે ક્યાંથી? ત્યાં જ જજ સાહેબ આવે છે અને …
જજ : ઓર્ડર….ઓર્ડર.. કાર્યવાહી શરૂ કરો, ગુનેગાર ને હાજર કરો.
ત્યાં તો સામેના દરવાજેથી બે પોલીસકર્મી એક ૧૫ વર્ષનાં તરુણને પકડીને લાવે છે. જેને જોવા લોકો આજે ધંધો બંધ રાખીને આવ્યા હતા તે તરુણ, વીર, પૌરુષનો પર્યાય આવી રહ્યો હતો. એની આંખોમાં નીડરતા ચમકતી હતી અને તે આવીને કઠહરામાં ઉભો રહે છે.
જજ : નામ શું છે તારું?
 જજ આટલું બોલ્યા ત્યાં તો બેઠેલા બધાનાં કાન સરવા થઇ ગયા કે શું હશે આનું નામ? કોણ છે એ? ધન્ય છે એની જનેતા, કોણ છે એના પિતા? એટલામાં ગર્જના થાય છે…….
તરુણ     : “આઝાદ”
જજ        : તારા બાપનું નામ?
આઝાદ  : “સ્વતંત્રતા”
જજ        : રહેઠાણ કયું છે તારું?
આઝાદ  : કેદખાનું, jail.
અને એ આઝાદ જજના પ્રશ્નો પર અટ્ટહાસ્ય કરવાં લાગે છે.
જજ       :  આ ઘમંડી છોકરાને ૧૫ કોરડા ફટકારો. હવે હું જોઉં છું કે તારું સ્વતંત્રતા નું ભૂત ક્યાં સુધી રહે છે?
આઝાદ :  જે થાય તે કરી લો જજ સાહેબ, મને તો દેશભક્તિ નો નશો ચડ્યો છે. તમારા કોરડા ની અસર હવે  નહિ થાય. ૫-૧૦  કોરડા વધારી દેવા હોય તો વધારી દો. અને હાં, એક વાત ગાંઠ વળી લ્યો કે આજે આ ચંદ્રશેખર હાથમાં આવ્યો છે પણ આજે  પ્રતિજ્ઞા  કરુ છું કે હું આઝાદ છું અને મરતા સુધી આઝાદ જ રહીશ.
 એને કોરડા ફટકારવાના શરુ થાય છે. એક – એક કોરડે આઝાદના હોઠો પર એક જ નામ “ભારત માતા કી જય”અને  “વંદે માતરમ”.
                                    
ટૂંક પરિચય:
નામ  : પંડિત ચંદ્રશેખર તિવારી                       
જન્મ : ૨૩ જુલાઈ, ૧૯૦૬. ભાવરા, અલીરાજપુર.
માતા  :  જાગરાની દેવી
શહીદ: ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧. અલ્ફ્રેડ પાર્ક, અલ્લાહબાદ.
પિતા  : પંડિત સીતારામ તિવારી
૧૯૨૨ માં જયારે અસહકાર આંદોલન બંધ થયું ત્યારે આઝાદે અહિંસા નો રસ્તો છોડ્યો અને રામ પ્રસાદ બિસ્મીલની HRA(Hindustan Republican Association) માં જોડાયા. કાકોરી ટ્રેન લૂંટ પછી બિસ્મીલજીને ફાંસી થઇ અને પછી HRA ને HSRA(Hindustan Socialist Republican Association) કરી. ભગતસિંહ સાથે સોંડર્સ હત્યામાં પણ સામેલ હતા.
                                    
૧૯૩૧ ની ૨૭ ફેબ્રુઆરી ના દિવસે અલ્ફ્રેડ પાર્ક માં અંગ્રેજોએ તેમને ઘેરી લીધા. આઝાદે તેમના સાથી ને છટકવામાં મદદ કરી અને તેઓ અંગ્રેજો સાથે લડ્યા. પોતાના અચૂક નિશાનાથી ત્રણને ઠાર માર્યા. અંતમાં જયારે કોઈ રસ્તો ન હતો ત્યારે તેમણે જાતે જ શહિદી વહોરી લીધી અને પ્રતિજ્ઞા પ્રમાણેઆઝાદ જ રહ્યા.
                                    
આજે પણ જો આંખ બંધ કરી શાંતીથી બેસશો તો જરૂર એ શબ્દો સંભળાશે…..
                                    
” હું આઝાદ છું અને આઝાદ જ રહીશ “
                                    
લેખક : કૃષ્ણસિંહ પરમાર (ગાંધીનગર)
બ્લોગ : http://krushnasinhparmar.blogspot.in/
                                    

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!