ખૂબ વ્યસ્ત રહેતાં પેરેન્ટ્સે શીખ લેવા જેવી

“જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે હું આમ કટ્સ કરી નાખું હાથમાં” ?

એક સુંદર, માખણના પીંડ જેવી છોકરીએ આવીને કહ્યું, “આંટી હેરકટ અને વેક્સીંગ કરવું છે. કરી આપશો?” ખૂબ વ્યસ્ત હોવાના લીધે મેં થોડીવાર રાહ જોવા કહ્યું એટલે એણે બહાર જઈને એના પપ્પાને જતાં રહેવા કહ્યું. કોલ કરીશ એટલે આવજો લેવા એવું કહેતાં એના પપ્પા એને મૂકીને જતા રહ્યા. એ હિંદીભાષી હતી પણ ગુજરાતમાં જ વર્ષોથી રહેતી હશે એટલે ગુજરાતી પણ સારું બોલતી હતી એમ લાગ્યું.

આગળની ક્લાયન્ટની ટ્રીટમેન્ટ પતાવીને મેં એ છોકરીને હેરકટ માટે બોલાવી. વોટર સ્પ્રે કરતાં કરતાં મેં વાતચીત ચાલુ કરી. કોઈ પણ ક્લાયન્ટ ને એના વ્યવસાય અને રહેણીકરણી વિશે પૂછવું એ મારી આદત અને મારા વ્યવસાય નો એક ભાગ છે. જેથી એ મુજબ હું એને લુક સજેસ્ટ કરી શકું અને આપી શકું

એની સ્ટડીઝ પૂરી થઈ ગઈ હતી અને એક ટ્યુશન ક્લાસમાં એડમીનીસ્ટ્રેશન નું કામ હતું. મને વાત પરથી વીસેક વર્ષની લાગી. એની રસના બેબી કટની ફરમાઈશ મને બહુ જ વિચિત્ર લાગી એટલે મેં એને સમજાવી કે તું જે કામ કરે છે એમાં એ લુક
ના સારો લાગે. એ સમજી ગઈ. એની વાત પરથી ઘરમાં લાડકી હશે એટલે આમ હશે એવું લાગતું હતું.

હેરકટ પતાવીને મેં વેક્સીંગ માટે એને બોલાવી. અને જેવો એનો હાથ મારા હાથમાં લીધો કે તરત મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ, ” આ શું..!” એના બંને હાથમાં કાંડાથી કોણી સુધી અસંખ્ય બ્લેડથી કટ કર્યાના નિશાન હતાં.

એ જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ અને બીજી મિનિટે સ્વસ્થ થઈને એને પૂછ્યું, “બેટે યે ક્યું કીયા?” ત્યાં સુધીમાં વિચારો અને ધારણાઓનું ઘોડાપૂર મારા મનમાં ઊમટી ચૂક્યું હતું. બોયફ્રેન્ડે છોડી દીધી હશે..! ઘરમાં જીદ પૂરી કરવા આમ કરતી હશે..!
પણ જવાબમાં ગુસ્સાના લીધે આમ કરતી હોવાનું ખબર પડી.

એટલે મેં અને પ્રિયંકાએ એને અમારી રીતે સમજાવવાનું શરૂ કર્યું. ” તને ગુસ્સો આવે તો ઘરની બહાર ખુલ્લી જગ્યાએ નીકળી જવાનું. અથવા ઘરની બે ચાર વસ્તુઓ તોડી નાંખ પણ પોતાની જાતને શું કરવા નુકશાન કરે છે? લવ યોરસેલ્ફ.”

અમે જે સમજ્યા હતા એને ધ્યાનમાં રાખીને પ્રિયંકાએ તો એવું પણ કહ્યું કે ,”જેના પર અથવા જેના લીધે આ બધું થયું હોય એને જઈને ધોઈ નાંખ. આ બધું તેં કર્યું પણ લોકો તને સવાલો પૂછશે અને કેટકેટલાને તું જવાબ આપતી ફરીશ? ભગવાને આટલું સુંદર રુપ આપ્યું છે એને બીજાનાં લીધે શું કરવા બગાડવું?”

“હું ત્રીસ વર્ષની છું. ચોથા ધોરણમાં હતી ત્યારે મારી સ્કૂલનાં બે ટીચરે મારી સાથે અડપલાં કરવાનું ચાલુ કર્યું.”?

આઘાત અને ગુસ્સાથી પાર્લર હાજર બધાં એ સાંભળીને સ્તબ્ધ થઈ ગયાં. “એ જ સર પાસે મારું ટ્યુશન પણ હતું. મમ્મી પપ્પા બંને ટીચીંગ ક્ષેત્રમાં જ છે હાલ પણ. એ બંને વ્યસ્ત હતાં એટલે મારું ટયુશન એ સર પાસે રખાવ્યું હતું. જયારે હું અને નાનો ભાઈ ઘરે એકલાં હોઈએ ત્યારે સર એમ કહેતાં કે ભાઈ એકલો છે તો હું જ ત્યાં આવું છું. પછી ઘરે આવીને એ જ હરકતો અને પછી આગળ….” હૃદય કંપી અને આત્મા હચમચી ગયો આટલું સાંભળીને. એની સામે સ્વસ્થ રહેવાનો દેખાવ કરવો પણ અઘરો થઈ ગયો. ગળામાં ડૂમો બાઝી ગયો.

☆આ પોસ્ટ લખવાનું મૂળ કારણ ખૂબ વ્યસ્ત રહેતાં અને છોકરાઓને એકલાં મૂકી દેતાં પેરેન્ટ્સને સચેત કરવાનું જ છે

મેં પરાણે સ્વસ્થ થઈને એને પૂછ્યું, ” તેં તારી મમ્મી પપ્પાને કેમ ના કહ્યું?” એનો જવાબ, “મમ્મી પણ એ જ સ્કૂલમાં ટીચર હતી એટલે શું કરી શકે..!” ?

“પપ્પાએ કેસ કર્યો. પણ એક સર ગુજરી ગયા અને બીજાએ પૈસા ખવડાવીને કેસ દબાવી દીધો. ત્યાં સુધીમાં હું દસમા ધોરણમાં આવી ગઈ હતી અને ડીપ્રેશનનો શિકાર બની ગઈ હતી. મારે કોઈ જ ફ્રેન્ડ નથી એટલે ગુસ્સો આવે કે વિચારે ચડી જઉં તો કટ્સ કરી નાખું. આ બધાં કટ્સ હમણાંના જ છે.! એના લીધે પપ્પાએ જોબ છોડી દીધી અને ટ્યુશન ક્લાસમાં ભણાવવાનું ચાલુ કર્યું અને હું પણ એ જ ક્લાસમાં જોબ કરું છું.”

સ્કૂલનું નામ પૂછતાં એનાથી મોટો ધક્કો લાગ્યો. નજીકનાં વિસ્તારની એક સારું નામ ધરાવતી સ્કૂલમાં જ એ ભણતી. આ માનવામાં જ નહોતું આવતું પણ સત્ય તો સત્ય જ છે. મિત્રો મોટી અને સારું નામ ધરાવતી સ્કૂલમાં મૂકી દેવાથી આપણી જવાબદારી પૂરી નથી થઈ જતી એ આ વાંચીને સમજજો પ્લીઝ.

મારા અને પ્રિયંકાના મનમાં એક સરખાં વિચારો ના આવે એવું તો બને જ નહી. બંનેએ કહ્યું કે, “તને ગુસ્સો આવે કે વિચારો આવે કે તારે તારું હૃદય ઠાલવવું હોય તો આ અમારા નંબર. ક્યારે પણ કોલ કરી શકે છે અને પાર્લર પર આવી શકે છે. પણ તારી જાતને હવે ક્યારેય હર્ટ ના કરતી. આજથી અમે તારા ફ્રેન્ડ. અરધી રાતે પણ કોલ કરીશ તો અમને કોઈ જ વાંધો નથી”

એના મોઢા પર આવેલી સ્માઈલથી દિલને કંઈક સારું કર્યું એ સંતોષથી ઠંડક થઈ ગઈ. એના ગયા પછી પ્રિયંકાએ કહ્યું, “હવે તો આને આમાંથી બહાર કાઢે જ છૂટકો. એને હસતી કરીને એના મગજમાં આ ડર બેસેલો છે એને હવા કરી દઈશું”

યસ…?આખા દિવસનો થાક અમારા સંકલ્પ અને એની સ્માઈલથી ઊતરી ગયો ?

લેખક – સેજલ પટેલ

ટીપ્પણી