લાસ્ટ ચાન્સ – વ્યથા એક બીજા થી અલગ થતા પતિ-પત્નીની….

લાસ્ટ ચાન્સ….
( વ્યથા એક બીજા થી અલગ થતા પતિ – પત્ની ની…)

“મિ. તરૂણ તમે હજુ એકવાર વિચારી લ્યો કે તમે જે ડિવોર્સનો નિર્ણય લીધો છે એ ફાઇનલ જ છે ને ?” – વકીલે ચંદ્રકાંતે છેલ્લીવાર પૂછ્યું.
“હા ! સાહેબ મેં જે નિર્ણય કર્યો છે, એના પર હું મક્કમ છું “

“મિસિસ.દીક્ષિતા શું તમે પણ ડિવોર્સ માટે અંતિમ નિર્ણય લઈ લીધો છે?”- વકીલ ચંદ્રકાંતે દીક્ષિતા સમક્ષ જોઈને પૂછ્યું

“જી ! સાહેબ”, – દીક્ષિતાએ એકદમ ટૂંકો જવાબ આપ્યો,પરંતુ તેનાં મનમાં કંઇક બીજું ચાલી રહ્યું હોય તેવું વકીલ ચંદ્રકાંતને લાગ્યું.
“સારૂ ! છતાંપણ હું તમને બંનેવ ને બે દિવસ આપું છું , કદાચ જો તમારો વિચાર કે નિર્ણય ફરે તો જણાવજો નહીંતર બે દિવસ પછી હું આ ડિવોર્સ પેપર કોર્ટમાં જમા કરાવી દઈશ”.

“ ઓકે ! તો તમે બંનેવ હવે જઇ શકો છો”

તરુણ અને દીક્ષિતા પોતે પતિ પત્ની હોવા છતાં તેઓ એકબીજા સાથે આંખોથી આંખો મેળવી શકે તેટલી હિમંત હવે તરૂણ કે દીક્ષિતામાં સહેજ પણ બચી હતી નહીં, અને બંનેવ એકબીજાથી પોતાની નજર મેળવ્યા વગર જ ત્યાંથી નજર ઝુકાવીને ચાલ્યા ગયાં.

એવું તો તરૂણ અને દીક્ષિતા વચ્ચે શુ બન્યું હશે ? એવી તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હશે કે તરૂણ અને દીક્ષિતા બંનેવ એકબીજાથી છુટા પડવું વધારે યોગ્ય લાગ્યું ????

***********************************************

તરૂણ એક ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતો હતો.દીક્ષિતા અને તરૂણએ આજથી 28 વર્ષ પહેલાં પોત -પોતાની અને બનેવના પરિવારજનો ની રાજી ખુશીથી લગ્ન કર્યા હતાં. તરૂણ અને દીક્ષિતા એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં અને રાજીખુશી થી જીવન જીવતા હતાં.તરૂણ અને દીક્ષિતાને સંતાનોમાં એક પુત્ર આરવ અને એક પુત્રી દિપાલી હતાં

ધીમે-ધીમે જેમ જેમ સમય પાસર થતો ગયો તેમ-તેમ તરૂણ અને દીક્ષિતા વચ્ચે નાની બાબતોમાં મતભેદો થવા લાગ્યા અને ઝગડા થવા લાગ્યા.અંતે આ નાના-નાના મતભેદો મનભેદમાં પરિણમ્યા અને દરરોજની આ માથાકૂટથી છુટકારો કેવી રીતે મેળવવો તે વિશે વિચારવા લાગ્યાં.

એક દિવસ તરૂણ અને દીક્ષિતા વચ્ચે કોઈક બાબતને લીધે જોરદાર ઝગડો થયો.

“તરૂણ ! હું હવે કંટાળી ગઈ છું રોજે રોજની આ માથાકૂટથી”
“તો તને શું લાગે છે ? મને મજા આવતી હશે? હું પણ આ દરરોજની ઝંઝટ માંથી અને ખાસ તારાથી છુટકારો મેળવવા માંગુ છું”
“હા ! તો અહીં હું પણ તારી સાથે રહેવા નહીં માંગતી”

“સારું ! તો તને ક્યાં કોઈએ સમ આપ્યા છે કે તું મારી સાથે રહે જ એમ ?”
“બસ ! તરૂણ હવે નહીં, હવે મારી સહનશક્તિની હદ આવી ગઈ છે હવે હું આ બધું સહન નહીં કરી શકુ… માટે મારે હવે તારાથી ડિવોર્સ જોઈએ છે.”

આ સાંભળી તરૂણને વિચાર આવ્યો કે શું આ સિવાય કોઈ રસ્તો નહીં હોય અને પોતાને એવું લાગ્યું જાણે કે પોતે કોઈ એક ખરાબ સ્વપન જોઈ રહ્યો હોય

“સારૂ ! આ તારો અંતિમ નિર્ણય છે ?”
“હા ! બસ હવે નહીં…….
“સારૂ ! આપણે તો ડિવોર્સ લઈ લેશું પણ આપણા સંતાનોનું શુ થાશે પછી એનો તે વિચાર કર્યો?”
“આપણા સંતાનોના ભવિષ્યની ચિંતા તો મને પણ છે પરંતુ આ ભોગે નહીં”
“ દિક્ષુ ! આ બાબતે એકવાર વિચાર કરજે અને પછી તારો અંતિમ નિર્ણય લેજે”

આટલુ કહી તરૂણ પોતાની જોબ પર જતો રહ્યો.અને સાંજે તે જ્યારે ઘરે પરત ફર્યો, ફ્રેશ થઈ સાંજનું જમવાનું પતાવી ને દીક્ષિતા પાસે બેઠો અને પૂછ્યું..

“દિક્ષુ ! તો તે શું નક્કી કર્યું?”
“મેં …..????” દીક્ષિતા આટલુ બોલી અટકી પડી.
“હા ! હું જ્યારે ઓફિસે ગયો હતો ત્યારે મેં તને કહ્યું હતું કે તારે જે નિર્ણય લેવો હોય તે લે જે અને મને સાંજે જણાવજે”
“ તરૂણ ! તને એવું નહીં લાગતું કે આપણા બનેવના અંગત ઝગડાને કારણે આપણે જાણતા-અજાણતાં આપણા બાળકોના ભવિષ્યને દાવ પર લગાડી રહ્યાં હોય એવું …..?????”
“ હા ! મને પણ એવું લાગ્યું એટલે જ મેં તને વિચારવા માટે સમય આપ્યો હતો”
“ તો હવે શું કરવાનું?”

“એક કામ કરીએ આપણે બનેવને એકબીજા સાથે ચાલે તેમ છે જ નહીં પરંતુ જ્યાં સુધી આપણા બાળકો ભણતર પૂરું ના કરી લે ત્યાં સુધી આપણે સાથે રહેવું જોઈએ”

દીક્ષિતાને પણ તરૂણનો આ નિર્ણય યોગ્ય લાગ્યો અને તેઓ એ પોતપોતાના મનને મનાવી પોતાના બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે આવો નિર્ણય લીધો….અને પછી બસ માત્ર કહેવા ખાતર બને એકબીજાની સાથે રહેવા લાગ્યાં.

આજે આ ઘટના ના પુરા 28 વર્ષ થઈ ચૂકયા હતાં.આરવ પોતાનું એન્જીનીયરીંગ પૂર્ણ કરી એક કંપનીમાં સારી એવી જોબ મળી ગઈ અને દિપાલી એ ફેશન ડિઝાઈનર નો કોર્ષ પૂર્ણ કરીને એને પણ સારી એવી જોબ મળી ગઈ હતી……

તરૂણ અને દીક્ષિતા બંનેવ હાલમાં એકબીજાથી દૂર અલગ -અલગ રહેતા હતાં , તરૂણ વકીલની ઓફિસે થી પરત પોતાના ઘરે પાછો ફર્યો અને તેના મનમાં એક અજીબ પ્રકારની વેદના થઈ રહી હતી કારણ કે હવે માત્ર બે જ દિવસમાં તેના દીક્ષિતા સાથે ડિવોર્સ થવાના હતાં…..તરૂણ જ્યાર થી દીક્ષિતાથી દૂર રહેવા લાગ્યો હતો ત્યારથી ધીમે-ધીમે તેને દીક્ષિતાનું એક પત્ની તરીકેનું મહત્વ સમજાય રહ્યું હતું.એકલતા અને જીવનનાં ખાલીપા એ તરૂણને ઘણુંબધું શીખવી દીધું હતું….પરંતુ હવે શું થઈ શકે પોતે દીક્ષિતાને કરેલ વાયદા પ્રમાણે તેઓને હવે એકબીજાથી અલગ થવાનું છે તે તો ચોક્કક હતું જ તે…..આટલું વિચારતા વિચારતા તરૂણ ક્યારે ઊંઘી ગયો એનો ખુદ તરૂણને પણ ખ્યાલ ન રહ્યો.

બીજી બાજુ દીક્ષિતાની હાલત પણ કંઈક આવી જ હતી એને પણ તરૂણથી દૂર થવું હતું નહીં પરંતુ હવે વાત સ્વાભિમાનની હતી એટલે તે સમાધાન માટે એકપણ ડગલું આગળ વધી નહીં.

આમને આમ વકીલે આપેલ બે દિવસની મુદ્દત માંથી એકદિવસ તો ક્યાં જતો રહ્યો.તે તરૂણ કે દીક્ષિતા બનેવ માંથી કોઈને ખ્યાલ રહ્યો જ નહીં. આજે વકીલ ચંદ્રકાંતે આપેલ મુદ્દતનો છેલ્લો દિવસ હતો અને આજે તરૂણ અને દીક્ષિતએ પોત-પોતાનો ફાઇનલ નિર્ણય વકીલને જણાવવાના હતા.આથી વકીલ ચંદ્રકાંતે વારાફરતી બનેવને ફોન કરીને પૂછ્યું.

એમણે પહેલા દીક્ષિતાને ફોન કર્યો.
“હેલો ! મિસિસ. દીક્ષિતા હું વકીલ ચંદ્રકાંત વાત કરી રહ્યો છું”
“હા ! સાહેબ બોલો”
“તમને આપેલ બે દિવસના વાયદા મુજબ આજે તમારે મને તમારો ડિવોર્શ અંગેનો અંતિમ નિર્ણય જણાવવાનો છે”

“હા ! સાહેબ હું મારા નિર્ણય તમને અગાવ પણ જણાવી ચુકી છું, એ જ મારો અંતિમ અને પાક્કો નિર્ણય છે”- પોતાનું મન ન માનતું હોવાં છતાંપણ હૃદયપર પથ્થર રાખીને પોતે વકીલ ચંદ્રકાંતને પોતાનો ડિવોર્સ અંગે અંતિમ નિર્ણય જણાવી દીધો…..અને ફોનનું રિસીવર મૂકી દીક્ષિતા જાણે પોતાનાથી કોઈ એકદમ નજીકનું દૂર થઈ થઈ રહ્યું હોય તેવી વેદના સાથે એક ઊંડો નિસાસો નાખી નાના બાળકની પેઠે ધ્રુસકે -ધ્રુસકે રડવા લાગી.

ત્યારબાદ વકીલ ચંદ્રકાંતે તરૂણને ફોન કર્યો અને તેને પૂછ્યું…
““હેલો ! મિ.તરૂણ હું વકીલ ચંદ્રકાંત વાત કરી રહ્યો છું”
“હા ! સાહેબ બોલો”

“તમને આપેલ બે દિવસના વાયદા મુજબ આજે તમારે મને તમારો ડિવોર્શ અંગેનો અંતિમ નિર્ણય જણાવવાનો છે”

“હા ! સાહેબ પણ પહેલા તમે મને એ જણાવો કે તમે મારી પત્ની દીક્ષિતાને ફોન કરી તેણે શું નિર્ણય લિધો એના વિશે પૂછ્યું? શું કહ્યું તેણે….??? આવા અનેક પ્રશ્નો એકસાથે એક જ શ્વાસે જ વકીલને પૂછી લીધાં, પછી વકીલે દીક્ષિતા એ લીધેલ અંતિમ નિર્ણય તરૂણને જણાવ્યો.
“ઓકે ! સાહેબ તો મારો નિર્ણય પણ ફરશે નહીં ….પણ શું ખરેખર દીક્ષિતા મારાથી દૂર થવા માંગે છે…?

“હા ! મિ.તરૂણ….એમનાં નિર્ણય પરથી તો એવું જ લાગે છે”
“ ઓકે ! તો તમે મારી એક વાત સાંભળો” ….આટલું કહીને તરૂણે વકીલ સાહેબને ફોન પર જ કંઈક વાત જણાવી અને પછી ફોન મૂકી દીધો.

દીક્ષિતાનો અંતિમ નિર્ણય સાંભળીને તરૂણ અવાક બની ગયો અને જાણે તેનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એવું લાગ્યુ,કોઈ એક ધારદાર ચપ્પાથી એકસાથે ઘણાંબધા ઘા એકસાથે લાગ્યા હોય તેટલી વેદના તરૂણ ને થઈ.પોતાના મનમાં એક પ્રશ્ન ઉદ્દભવ્યો કે શું ખરેખર દીક્ષિતાને એકવાર પણ મારો વિચાર નહીં આવ્યો હોય….? મારું શું થશે ડિવોર્શ પછી ?

તરૂણ આ બધું વિચારતા વિચારતા એકદમ વિચારોની વમળોમાં ખોવાઈ ગયો અને પોતે દીક્ષિતા સાથે વિતાવેલ અમૂલ્ય પળો યાદ કરવાં લાગ્યો…પરંતુ હજુ પણ પોતે કે પોતાનું મન એકબીજાથી કાયમીક માટે દૂર થવાનું છે તે માનવા માટે તૈયાર જ ન હતું.

આથી તરૂણે ફોન ઉઠાવ્યો દીક્ષિતાના ઘરનાં લેન્ડલાઈનમાં કોલ કર્યો પરંતુ કોઈએ ફોન ન ઉઠાવ્યો ….જ્યારે બીજી બાજુ દીક્ષિતા પણ જણાતી હતી કે આ ફોન સો ટકા તરૂણ નો જ હશે…પરંતુ હવે વાત કરી શકે કે બોલી શકે એટલી પણ હિમંત બચી હતી નહીં આથી પોતે ફોન ના ઉઠાવ્યો.

તરૂણ એક પછી એક એમ ઘણાં ફોન કર્યા પરંતુ દીક્ષિતા સાથે વાત કરવાના તરૂણના બધા જ પ્રયત્નો વ્યર્થ ગયાં અને મનોમન વિચારવા લાગ્યો કે એક સમયે જેને પોતાના જીવ કરતા વિશેષ પ્રેમ કર્યો એજ વ્યકિત આજે પોતાની સાથે એક સેકન્ડ કે એક મિનિટ વાત કરવા તૈયાર નથી….આથી તરૂણને લાગ્યું કે આવા જીવનનો શું અર્થ …?? …આવું બધું વિચારતાં – વિચારતાં એકાએક તરૂણને પરસેવો થવાં લાગ્યું , છાતીમાં અસહ્ય એવો જોરદાર દુખાવો થવાં લાગ્યો,અને ચક્કર આવવા લાગ્યાં, શ્વાસ લેવામાં તકલીફ પાડવા લાગી……..અચાનક 20 મિનિટ બાદ …વિરહ ની વેદનામાં તરફડીયા મારી રહેલા તરૂણને દીક્ષિતા છોડીને જાય એ પહેલાં તો તેનો પોતાનો જીવ જ તેને છોડીને જતો રહ્યો…અને તરૂણના નિષ્પ્રાણ શરીર પોતાના હોલની જમીન પર પડેલ હતો….વિરહની વેદનામાં તરફડીયા મારતા એક પ્રેમી પંખીડાનું પ્રાણ પંખેરું ઉડી ગયું.

બીજે દિવસે દીક્ષિતા વકીલ ચંદ્રકાંતની ઓફિસે પહોંચી ગઈ કારણ કે આજે તરૂણ અને દીક્ષિતાનાં ડિવોર્સે પેપર કોર્ટમાં જમાં કરવાના હતાં

“ મિસિસ. દીક્ષિતા તમારે ડિવોર્સ લેવાં જ છે ? પાક્કું ?”
“ હા ! પાક્કું ”
“કોના થી તમે ડિવોર્શ લેશો ?”
“સાહેબ ! તમે પૂછવા શું માંગો છો?”
“ હા ! હું એમ પૂછવા માંગુ છું કે કોની સાથે તમે ડિવોર્સ લેવા માંગો છો?”
“તમને બધી ખબર તો છે….તરૂણ સાથે ….બીજા કોની સાથે હોય..?”
“પણ ! તમે મને આવો પ્રશ્ન શાં માટે પૂછ્યો?”
“મિસિસ. દીક્ષિતા જે વ્યકિત જીવતો હોય તેની સાથે જ ડિવોર્શ લઇ કે આપી શકાય”
“તમે કહેવા શું માંગો છો ?”

“ હું એજ કહેવા માગું છું કે તમારા વિરહની વેદના તરૂણનું નાજુક હૃદય સહન ના કરી શક્યું અને તમે તેને છોડીને જાવ એ પહેલાં જ તેને હાર્ટએટેક આવવાથી તેનો જીવ જ તેને છોડીને જતો રહ્યો”

“આટલું સાંભળતાં જ દીક્ષિતાના મનમાં ખુબજ દુઃખ થયું અને મનમાં વિચાર આવ્યો કે કાલે પોતે તરૂણનો ફોન ઉપાડીને પોત પોતાની ભૂલો સુધારીને એકબીજાને સમજવાની અને એકબીજાની માફી માંગવાનો જે છેલ્લી તક જે મળી હતી એ કદાચ ઓળખીને જો વાત કરી હોત તો કદાચ તરૂણ અત્યારે પોતાની આસપાસ હોત”

આટલુ સાંભળતા જ દીક્ષિતા ઓફિસની બહાર જવા લાગી કારણ કે તે તરૂણના ઘરે જવા માંગતી હતી….પરંતુ જેવી દીક્ષિતા પાછી ફરી બે ડગલાં આગળ વધી …તરત જ વકીલે દીક્ષિતાને અટકાવી ને કહ્યું….
“ગઈકાલે જ્યારે મારી તમારી સાથે તરૂણના ડિવોર્સ બાબતે વાત થઈ ત્યારબાદ મારી તરૂણ સાથે વાત થઈ હતી તેણે મને જણાવ્યું કે….
“સાહેબ ! દીક્ષિતા એ જે કંઈ પણ નિર્ણય લીધો હોય પણ મને એના નિર્ણય સામે કઇ તકલીફ નથી પરંતુ હું તેનો પતિ છું …તો તેનાં પતિે સાથે એકવાર પણ સમાધાન ની વાત ના કરી શકે …? આટલું બોલી તરૂણ ફોન પર રડવા લાગ્યો……થોડીવાર પછી તરૂણ સ્વસ્થ થઈને બોલ્યો સાહેબ વાંધો નહી દીક્ષિતાનો જે નિર્ણય હોય તે તમે એક કામ કરો આપણાં શહેરમાં મારી જે જમીન છે જેના દસ્તાવેજ અને અન્ય કાગળિયા તમારી પાસે પડ્યા છે તે બધી જમીન હું દીક્ષિતાના નામે કરવા માગું છું…કારણકે હું એવું નહીં ઇચ્છતો કે ડિવોર્સ પછી દીક્ષિતા કે મારા બાળકો હેરાન થાય.વકીલ ચંદ્રકાંતે બધી જ જમીન તરૂણના કહેવા પ્રમાણે દીક્ષિતાના નામે કરી દીધી…..” ….આટલું બોલી વકીલે દસ્તાવેજના કાગળ અને ફાઇલ દીક્ષિતા તરફ કરી.

આટલું સાંભળતાની સાથે જ દીક્ષિતા એક ચીસ પાડીને રડવા લાગી….પરંતુ હવે તેની પાસે રડવા સિવાય કંઈ રહયું હતું નહીં અને પોતાના માટે આજ દિવસ સુઘીનો તરૂણનો આટલો અવિરત અને અપાર પ્રેમ જોઈ પોતે એકદમ હતાશ અને દુઃખી થઈ ગઈ…અને તને થયું કે તે દિવસે રાતે તેને તરૂણ સાથે વાત કરવાનો જે LAST CHANCE મળ્યો હતો તે ચુકી ગઈ એ કદાચ તેના જીવનની સૌથી પહેલી અને છેલ્લી ભૂલ હશે…….

ત્યારબાદ દીક્ષિતા હરહંમેશ માટે પોતાના પુત્ર આરવ સાથે જ રહેવા લાગી હાલ દીક્ષિતા પાસે તરૂણે આપેલા અવિરત અને અપાર પ્રેમ અને યાદો, પોતાના થી અલગ અલગ રહેવા છતાં તરૂણની કેર લેવાની જીદ, પોતે હશે નહીં તો તેની પત્ની અને બાળકોનું શુ થાશે તેની એકમાત્ર ચિંતાથી પોતાની લાખો કરોડો રૂપિયાની જમીન એક પણ સેકન્ડ નો વિચાર કર્યા વગર જ પોતાની પત્નીનાં નામે કરી દીધી, વગેરે જેવી યાદો સાથે તે બસ હવે પોતાના બાળકોના માટે જીવી રહી હોય તેવી રીતે જીવી રહી હતી અને તેમના શાંતિપૂર્વક લગ્ન કરવા માંગતી હતી…..કદાચ આ જોઈ પોતાનો પતિ તરૂણ ખુશ થાય અને પોતાને માફ કરી દે……….!!!

મિત્રો પતિ-પત્ની વચ્ચે મતભેદો તો ચાલ્યા કરે પરંતુ જયારે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે પોતાની જાતને તરૂણ કે દીક્ષિતાની જગ્યા પર મૂકી જોજો કદાચ એ લોકો દ્વારા જેવી ભુલ થઈ તેવી ભૂલ જણાતાં અજાણતા તમારાથી તો નથી થઈ રહીને તે વિચારશો તો ક્યારે પણ એકબીજા થી દુર થવાનો વારો નહીં આવે….

લેખક : મકવાણા રાહુલ એચ

મિત્રો આ સ્ટોરી માટેના પ્રતીભાવો ચોક્કસ જણાવજો, જો આ સ્ટોરી ગમે તો લાઈક,કૉમેન્ટ કે શેર જરૂર કરજો.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block