લાલનપાલન – અચૂક વાંચોઃ કહાની હર ઘર કી

- Advertisement -

‘જરા જો તો બેટા, લાલો કેમ રડે છે?’
‘મમ્મી, કેટલી વાર કીધું તમને, એને લાલો નહીં કહો. એનું નામ સાગર છે.’
‘હા બેન, સાગર છે તે મને ખબર છે, પણ મારી જીભે લાલો ચડી ગયું છે. હવેથી યાદ રાખીને સાગર કહીશ બસ? તું પહેલાં જો પણ એ કેમ રડે છે તે. ખાધું પણ ને ઊંઘ પણ ખાસ્સી કાઢી. હવે શું જોઈએ એને?’
‘એમ કંઈ ખબર ન પડે આપણને. ડૉક્ટરે કહ્યું છે કે, રડે એટલે કંઈક તો થયું જ હોય, તો જ રડે. વધારે રડે તો ચિંતા કરવાની. બેસી નહીં રહેવાનું.’
‘હા બેન હા, કોણ ના પાડે છે ચિંતા કરવાની પણ પહેલાં જઈને એને જો તો ખરી. જા, મારી સાથે ચર્ચા પછી કરજે.’

સાગરના જન્મના થોડા દિવસો બાદ જ, ઘરમાંથી બાળકના આગમનની ખુશી ધીરે ધીરે વિદાય લઈ રહી હતી. સાસુ ને વહુની પરસ્પર ગેરસમજ કે એકબીજા પ્રત્યેની લાગણીશુન્યતા અથવા તો એકબીજા વચ્ચે અહમના ટકરાવમાં બાળકનું ભવિષ્ય કે ઘરની શાંતિ જોખમાતી હતી તે કદાચ કોઈના ધ્યાનમાં આવતું નહોતું. સવારથી રાત સુધીમાં ફક્ત સાગરના બહાને જ કેટલીય નાની મોટી ચડભડ બન્ને વચ્ચે થઈ જતી. નીલાબેન અસલના ઘરગથ્થુ ઈલાજોમાં આસ્થા રાખતાં અને મેઘલ ડૉક્ટરને પૂછ્યા વગર પાણી નહોતી પીતી. હવે આમાં મેળ ક્યાંથી પડે ?

નીલાબેને તો ચોખ્ખા ઘીનો ડબ્બો મગાવી રાખવા સાથે જાતજાતનાં વસાણાં, સૂકા મેવા, કોપરાં ને કાટલાંનું લિસ્ટ તૈયાર જ રાખેલું. ગ્રાઈપ વોટર ને જાતજાતના ઘસારા ને આખો દિવસ જાતજાતનાં ચાટણની વર્ષોની મહેચ્છા તો એમને હતી પણ વહુની ચોખ્ખી ના સામે એમણે નમતું જોખીને આખો ઑર્ડર જ કૅન્સલ કરી દીધો. વહુ કંઈ ખાતી નથી તે ચિંતામાં રોજના બળતા જીવ પર ધીરે ધીરે સાગરની કિલકારીઓએ મલમ ચોપડવા માંડ્યો. સાગરનાં ભોળા ને મીઠડા સ્મિત પર ઓવારી જતાં, સમય જતાં એમણે માની લીધું કે જમાના પ્રમાણે ખોરાક બદલવો પડે. હવે શરીરને ત્રાસ પડે એવાં કામ જ જ્યારે ઓછાં થઈ ગયાં હોય ત્યારે આ બધું ચરબી વધારવામાં મદદ કરવા સિવાય કંઈ કામ નથી આવતું. સાદો પણ પૌષ્ટિક ખોરાક બહુ થઈ ગયો. મૂળ વાત કે, માના દૂધ પર રહે ત્યાં સુધી સાગરની તબિયત ન બગડે એવો ખોરાક લેવાનો. એમ તો, જમવામાં આદુ-ફુદીનાની ચટણીની વહુ ના નહોતી કહેતી તે મોટી રાહત હતી.
PC: babycenter.com

‘આજની છોકરી નાજુક ને આજની છોકરી તો કંઈ સાંભળે નહીં’ જેવાં રોજિંદા ટોણા સાંભળવામાંથી મેઘલને પણ રાહત મળી હતી.
જો કે, નીલાબેનના મગજમાં એક વાત કેમેય ઉતરતી નહીં. સાગરને નવડાવવા પહેલાં તેલનું માલિશ કરવાની ડૉક્ટરે કેમ ના કહી હશે? રોજના તેલમાલિશથી તો બાળકની ચામડી સુંવાળી થવા સાથે વધારાની રૂંવાટી પણ નીકળી જાય, વળી શરીરને હળવી કસરત મળતાં નાહીને એ બે ત્રણ કલાક શાંતિથી સૂઈ પણ રહે. હવે મેઘલના મતે, બાળકના શરીર પર જો જોર આપ્યા વગર પાણીનું પોતું કરીને પાઉડર છાંટવામાં જ બધું આવી જતું હોય તો પછી નીલાબેને કંઈ બોલવાનું રહેતું જ નહીં!

‘બેટા, સાગરને આખો દિવસ પોટલાની જેમ બાંધી રાખવામાં એનો વિકાસ બરાબર ન થાય. થોડો સમય એને ઘોડીયાની બહાર કાઢી પથારીમાં ખુલ્લો મૂકી હાથ પગ ઉલાળવા દે. વળી આ ડાયપર પણ ચોવીસ કલાક પહેરાવી રાખે તે સારું નહીં. ઈન્ફેક્શન થઈ જાય. સૂતો હોય કે ઘરની બહાર જઈએ ત્યારે ઠીક છે, બાકી તો, દર બે બે કલાકે કપડાં બદલાવી નાંખવાના.’
‘મમ્મી, એને હવામાંની ધૂળ ને જર્મ્સ લાગી જાય. હાથ ખુલ્લા રહે તો આંગળાં મોંમાં નાંખવાની ખોટી ટેવ પડી જાય. ડાયપર તો કંપનીવાળા જ કહે છે કે, બાળકની નાજુક ત્વચા માટે જ બનાવીએ છીએ.’

હે ભગવાન! આ છોકરીને કોણ સમજાવે? નીલાબેને માથે હાથ દીધો. ત્રણ ચાર કલાક સુધી ભલે ડાયપર ભીનું ન લાગે પણ અંદર બે ત્રણ કિલોનું વજન ભરવાનો પણ શો અર્થ? નીલાબેને તો મેઘલની વાતને સાંભળી ન હોય એમ ઘોડિયામાં રમતા સાગરને પથારીમાં સૂવડાવી એને બંધનમુક્ત કર્યો. મેઘલ અરે અરે! બોલતી રહી પણ નીલાબેને હળવાં કપડાં પહેરાવીને સાગરને રાહત આપી. મુક્તિ મળતાં જ હાથ પગ ઉલાળવાની મજા પડતાં સાગરનો અવાજ આખા ઘરમાં ગુંજી ઊઠ્યો. મેઘલે હસતાં હસતાં કાન પકડી આભારની નજરે મમ્મી તરફ જોયું.

લેખકઃ કલ્પના દેસાઈ

ટીપ્પણી