પારંપરિક લગ્નમાં ફસાયેલી એકતા ! – પ્રદીપ પ્રજાપતિ લિખિત સમજવા જેવી વાત !!!

એકતાના સસરા ઘણી વાર દારૂ પી ને ઘરે આવતાં અને આ દારૂની લત એકતાના પતિ સચિનને પણ હતી ! એક દિવસ એકતા ઘરે એકલી હતી અને એના સસરા નશામાં આવ્યા અને એકતાને લાફો મારી દીધો ! એકતા મર્યાદાને ધ્યાનમાં રાખીને કંઈ જ ન બોલી અને એના રૂમના જઇને રડવા લાગી ! એકતાએ મોબાઈલ લીધો અને ફેસબુક પર અવિનાશને મેસેજ કર્યો ! અવિનાશ અને એકતા એકબીજાને પ્રેમ કરતાં હતાં, પણ પરિવારના દબાણના લીધે બંનેના લગ્ન નહોતા થઈ શક્યા ! અવિનાશે એકતાનો મેસેજ જોયો પણ કંઈ જ રીપ્લાય ન આપ્યો, કારણ કે અવિનાશને ખ્યાલ હતો કે એકતાના લગ્ન થઈ ગયા છે એટલે એકતા પર એનો કોઈ જ અધિકાર નથી ! એકતાએ મેસેજમાં ફક્ત હાય લખ્યું હતું પણ અવિનાશનો કોઈ જ રીપ્લાય ન આવ્યો અને એકતા રડતાં રડતાં સુઈ ગઈ !

વહેલી સવારે એકતાનો પતિ સચિન ઘરે આવ્યો અને એકતાએ ગઈકાલે બનેલી ઘટના વિશે સચિનને કહ્યું ! સચિને ગુસ્સામાં જવાબ આપતાં કહ્યું, “એકતા એ તારા સસરા છે, એ જે પણ કરવાનું કહે એ તારે ચુપચાપ કરવાનું !” એકતા બોલી, “જે પણ એટલે ?” સચિન બોલ્યો, “જે પણ એટલે તું સમજે જ છે !” આટલું કહીને એકતાનો પતિ રૂમની બહાર ચાલ્યો ગયો ! એકતાના સાસુ નહોતા અને આ જ કારણે એકતાના સસરાને મોકળું મેદાન મળી ગયું હતું. સવારે ડાઇનિંગ ટેબલ પર સચિન અને એકતાના સસરા નાસ્તો કરવા બેઠાં. એકતા એના સસરાને ચા આપી અને એકતાના સસરા સચિન સાથે કંઈક વાત કરતાં હતાં અને એટલામાં ચા ઠંડી થઈ ગઈ !

એકતાના સસરાએ ગુસ્સામાં એકતાને કહ્યું, “એ છોકરી આ ચા છે કે પાણી ?” એકતા બોલી, “સોરી પપ્પા હું ચા ગરમ કરીને લઈ આવું !” એકતાના સસરાએ કહ્યું, “સાથે તારું મગજ પણ ગરમ કરી લે !” આટલું સાંભળતા જ એકતાએ ઉગ્રતા પૂર્વક જવાબ આપ્યો, “પપ્પા તમે સચિન સાથે વાત કરતાં હતાં એટલે ચા ઠંડી થઈ ગઈ !” ત્યારે એકતાનો પતિ ઉભો થયો અને એકતાને લાફો માર્યો અને ગુસ્સામાં બોલ્યો, “પપ્પા સાથે જીભ લડાવે છે ? તારામાં બુદ્ધિ જ નથી !” એકતા રડતી રડતી એના રૂમના ગઈ. એકતાના મનમાં એક જ વિચાર હતો કે “મેં આવા વ્યક્તિ સાથે કેમ લગ્ન કર્યા ?” એકતાએ એના પપ્પાને ફૉન કર્યો અને રડતાં રડતાં કહ્યું, “પપ્પા, મારા સસરા મારા પર હાથ ઉઠાવે છે અને ઘણી વાર ન બોલવાનું પણ બોલી જાય છે !” એકતાના પપ્પાએ જવાબ આપતાં કહ્યું, “એકતા તું કંઈ નાની નથી રહી, તું હવે તારા સાસરિયામાં છે અને તારા સસરા કંઈ પણ કહે એ તારે સહન કરવું જ પડશે !” એકતાએ કહ્યું, “પણ પપ્પા, આ યોગ્ય ન કહેવાય ને ?” એકતાના પપ્પાએ કહ્યું, “બેટા સમાજમાં આપણી આબરૂનો સવાલ છે એટલે !” આટલું કહીને એકતાના પપ્પાએ ફૉન કાપી નાખ્યો અને એકતા વધારે નિરાશ થઈ ગઈ !

એકતાએ ઘરનું કામ શરું કર્યું અને પોતાની જિંદગીને સામાન્ય રાખવાનો પ્રયાસ કર્યો ! એકતા બેડરૂમની સફાઈ કરતી હતી ત્યારે સચિન આવ્યો અને કહ્યું, “એક ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે તો હું લેટ આવીશ” અને સચિન જતો રહ્યો ! સાંજ થઈ ગઈ હતી અને એકતાએ બહારથી પીઝા ઓર્ડર કર્યો અને એક ખૂણામાં જઈને ફટાફટ ખાવા લાગી, કારણ કે એકતાને ડર હતો કે સચિન કે એના સસરા આવી જશે તો ખાવા નહિ દે ! રાતના બાર વાગ્યા હતા અને ડૉર બેલ વાગી !એકતા ઉભી થઈને દરવાજો ખોલવા ગઈ અને જોયું તો એકતાના સસરા નશાની હાલતમાં આવ્યા હતાં ! એકતાના સસરા અંદર આવ્યા અને નશાની હાલતમાં ગાળો બોલવાનું શરું કર્યું ! એકતાએ ગાળો બોલવાની ના પાડી તો પણ એ ગાળો બોલવા જ લાગ્યા ! એકતા આ બધુ અવગણીને એના રૂમમાં જવા લાગી પણ એના સસરાએ એકતાનો હાથ પકડ્યો ! એકતાને ગુસ્સો આવ્યો અને સસરાને એક લાફો માર્યો અને ત્યારે જ સચિન આવ્યો ! આ બધુ જોઇને સચિનને પોતાનો પટ્ટો ઉતાર્યો અને એકતાને મારવા લાગ્યો ! એકતા ભાગી અને પોતાના રૂમમાં જતી રહી !

એકતાએ અવિનાશને આ બધી વાત મેસેજમાં કહી અને અવિનાશે એક નંબર મેસેજ કર્યો અને એકતાએ એ નંબર પર કૉલ કર્યો ! અવિનાશ ફૉન ઉપાડ્યો અને બોલ્યો, “એકતા શું થયું ?” એકતા રડતાં રડતાં બોલતી હતી અને એકતાએ બધી જ વાત અવિનાશને કહી દીધી ! અવિનાશે કહ્યું, “તું જ્યાં છે, એ જગ્યાનું મને સરનામું આપ !” એકતાએ સરનામું આપ્યું અને અવિનાશનો મેસેજ આવ્યો, “એકતા બેગ બેગ પેક કરીને તૈયાર રહેજે !” એકતાએ કપડાં પેક કરવાનું શરું કર્યું ! બરાબર બે કલાક બાદ એકતા પર અવિનાશનો ફૉન આવ્યો અને અવિનાશએ કહ્યું, “રસોડાના દરવાજેથી બેગ લઇને બહાર આવ !” એકતા બેગ લઇને બહાર જાય છે અને ત્યાં અવિનાશ ઉભો હોય છે, અવિનાશે કંઈ જ બોલ્યા વગર એકતા પાસેથી બેગ લીધુ અને એકતાને કારમાં બેસાડી ! રસ્તામાં અવિનાશે એકતાને કહ્યું, “એકતા, તારી સાથે જે પણ થયું છે એ બધી જ વાત પોલીસને કહીશ !” એકતા બોલી, “પોલીસ ? પણ કેમ ?” અવિનાશએ કહ્યું, “તો હવે એજ એકમાત્ર રસ્તો છે !”

અવિનાશ અને એકતા પોલીસ સ્ટેશને પહોંચ્યા. અવિનાશની પોલીસમાં ઓળખાણ હતી ! એકતાએ વુમન સેલના અધિકારીને બધી જ વાત કહી અને એમણે સચિન અને એકતાના સસરાના વિરુદ્ધમાં ફરિયાદ લખી ! મહિલા સેલના અધિકારીએ સવારે કાર્યવાહી થશે એવું કહ્યું ! એકતા બોલી, “અવિનાશ હવે હું ક્યાં જઇશ ? મેં હજી મમ્મી કે પપ્પાને વાત પણ નથી કરી !” અવિનાશે કહ્યું, “ચિંતા ના કર એકતા, અહીં નજીકમાં મારી બહેનનું ઘર છે, આપણે ત્યાં જ રોકાઈ જઈશું !” અવિનાશ એકતાને એની બહેનના ઘરે લઈ ગયો અને બધી વાત પણ કરી અને અવિનાશની બહેને એક બેડરૂમ પણ આપ્યો ! અવિનાશ અને એકતા બંને એ બેડરૂમમાં ગયા અને અવિનાશે એકતાને કહ્યું, “એકતા મને પહેલેથી જ ખ્યાલ હતો કે સચિન આવું કરશે જ, કારણ કે એના તો કેટલાય અફેર ચાલતાં હતા !” એકતા કંઈ જ ન બોલી અને બેડ પર રડતાં રડતાં સુઈ ગઈ !

સવાર પડી અને અવિનાશ અને એકતા ઉઠ્યા ! બંને તૈયાર થયા અને અવિનાશ એકતાને એના મમ્મી પપ્પા પાસે લઈ ગયો અને બધી વાત કરી ! એકતાના મમ્મી બોલ્યા, “એકતા આટલું બધુ થઈ ગયું અને તું હવે કહે છે ?” એકતાએ રડતાં રડતાં જવાબ આપ્યો, “મમ્મી એક વાર પપ્પાને તો પૂછ, એમને બધી ખબર હતી તો તમને કેમ ન કીધું ?” એકતાના મમ્મી અને પપ્પા એકબીજાથી બોલતાં હતા ત્યારે અવિનાશ બોલ્યો, “આપણે પહેલાં પોલીસ સ્ટેશને જવું જોઇએ !” અવિનાશ એકતા અને એના મમ્મી પપ્પાને લઇને પોલીસ સ્ટેશને ગયો અને ત્યાં એકતાનો પતિ સચિન અને એકતાના સસરા ત્યાં જ ઉભા હતાં ! એકતાને જોઇને સચિન બોલ્યો, “ઇસ્પેક્ટર સાહેબ, આ જ છોકરીએ મારા ઘરમાં ચોરી કરી છે !” આટલું કહેતા જ અવિનાશ બોલ્યો, “ઓહ….એવું ! ઇસ્પેક્ટર સાહેબ આ જ છે સચિન, એકતાનો પતિ !” અને પોલીસે સચિન અને એકતાના સસરાની ધરપકડ કરી ! એકતાએ પપ્પાને કહ્યું,”પપ્પા હવે તો હું અવિનાશ સાથે જ લગ્ન કરીશ !” આમ, સાચા પ્રેમની પાછી જીત થઈ !

લેખક : પ્રદિપ પ્રજાપતિ

આપ સૌ ને આ વાત કેવી લાગી ? અભીપ્રાય આવકાર્ય !!!

ટીપ્પણી