નાની નાની લઘુકથાઓ-પ્રસંગકથાઓ : ત્રીજા નંબર ની તમને ગમશે જ…

નવી શરૂઆત

પ્રભાત કોર્યુ. પંખીના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠયુ.

નીલમ બહેને નાહી ધોઇ નવા કપડાં પહેરી પુજાની તૈયારી કરવા લાગ્યા. વિકાસભાઇ હજુ હિંચકા પર વિચાર મગ્ન બેઠા હતા. તેની પાસે બેસીને નીલમબહેન બોલ્યા,

“એ જી, હેપ્પી દિવાલી.” નિલમબેને વિકાસભાઇને વીશ કર્યુ પણ જાણે તે કોઇ ઉંડા વિચારમાં ધ્યાનમગ્ન બેસી ગયા હોય તેવુ નિલમબેનને થયુ. “શુ થયુ છે? આજે તહેવારના દિવસે આમ ઉદાસ કેમ બેઠા છો? આજે દિવાળીનો તહેવાર છે. લક્ષ્મીપુજા નથી કરવી?”

“હમ્મમમ હેપ્પી દિવાલી ટુ યુ. નિલમ હું ઉદાસ નથી બેઠો. આજે મારી આઁખ ઉઘડી છે. સત્યનો એહસાસ થતા હું તેના પર ચિંતન કરી રહ્યો હતો.” “હું કાંઇ સમજી નહી. શું કહેવા માંગો છો તમે? જરા વિસ્તારથી સમજાવો મને.”
“નિલમ જીવનના આટલા વર્ષોમાં દર વર્ષે આપણા ઘરમાં લક્ષ્મીપુજા થતી આવે છે, સાચુ કહુ તો આટલા વર્ષો બસ આપણે મનને મનાવવા ખાતર જ લક્ષ્મીજીની પુજા કરી છે. પુજાનો સાચો અર્થ ભુલી કાગળની પુજા પાછળ જીવન વેડફી નાખ્યુ તે આજે મને સમજાયુ. તિજોરીમાં છલકાતા કાગળના થપ્પા, ધંધાની બરકત, સમજુ પરિવાર છતાંય સદા મને કાંઇક ખુટતુ હોય તેવુ મને લાગતુ હતુ. પરમકૃપાળુ પરમાત્માએએ ઘણીવાર મને સાદ આપ્યો, પરંતુ ન જાણે કેમ મારા કાન મે સદાય બંધ જ રાખ્યા?

પરમ દિવસે બા ને જ્યારે દવાખાને એડમિટ કર્યા ત્યારે દવાખાનામાં લોકોના દુ:ખ, દર્દ જોઇ અંતરમાં સળવળાટ થઇ ઉઠયો. વર્ષો પછી મંદિરે ગયો બા માટે પ્રાર્થના કરવા ત્યારે ત્યાં બહાર બેઠેલા ભુખ્યા લોકોને જોઇ મનમાં ઝળઝળાટ થઇ ગયો. નાના ભુલકાઓ કે જેમને રમવા અને ભણવાની ઉંમર છે તેવા સાક્ષાત ઇશ્વર સમાન બાળકો અર્ધખુલ્લા શરિરે ભીખ માંગી રહ્યા હતા. આ બધુ જોઇ મને સત્યનો રસ્તો દેખાવા લાગ્યો. પરિવારની શાંતિ, ખોટા સુખ પાછળ કાગળને જ સર્વસ્વ માનીને હુ ખોટા રસ્તે દોડી રહ્યો હતો પરંતુ આજે મને બધુ સાચુ સમજાઇ ગયુ છે.

હવે નવા વર્ષની નવી પરોઢે હુ નવી શરૂઆત કરવા માંગુ છુ. મારા સર્જનકર્તા પરમપિતાએ મને સોંપેલી ફરજ નિષ્ઠાપુર્વક નિભાવવા માટે તૈયાર થઇ ગયો છુ. મારી અર્ધાગિની કદાચ આ રસ્તે ચાલતા તમને બધાને વસ્તુકિય કે પૈસાનુ ઓછુ સુખ આપી શકીશ. પરંતુ પરિવાર નામે પુણ્યનુ ભાથુ જરૂર આપીશ. આજથી નહી પણ અત્યારથી જ હવે હુ રોજ કોઇક કમભાગી, દુ:ખીના જીવનમાં દિવાળીનો ઝળહળાટ પ્રકટાવીશ. મારી ધંધાની અને જીવનની દોડમાંથી થોડો સમય બીજા માટે આપીશ. શ્વાસના ધમણથી ચાલતા આ મશીનથી કોઇકના જીવનનો દીવો પ્રકટાવીશ. નીલમ મારા કર્તવ્યમાં તુ મારો સાથ આપીશ ને.” “વિકાસ, તમારા વિચારો ને સતસત વંદન આજે તમે મારી પણ આઁખ ઉઘાડી નાખી. હુ પણ તમારા આ સત્ય સંકલ્પમાં તમને જરૂર સાથ આપીશ.”

શુકનિયાળ

તે દોડી રહ્યો હતો. હાંફ શ્વાસ સાથે વધી રહી હતી. શરીરમાં હતુ તેટલુ જોર લગાડી ભાગી રહ્યો હતો. સુધબુધ ભાન ભુલાઇ ગયુ હતુ. હાથમાં રહેલો થેલો કયાંય પડી ગયો.

એકાએક રિક્ષા આવી તેમાં ચડી ગયો. આજે સવારે તે ખુબ જ ખુશ હતો. આજે તેને પ્રમોશન લેટર મળવાનો હતો. તેની ખુશીમાં રાત્રે ઉંઘ પણ નહોતી આવી. તે હમેંશાથી તેર તારીખને શુકનિયાળ માનતો હતો. તેને જોબ પણ તેર તારીખે જ મળી હતી. લગ્નતિથિ પણ તેર તારીખે જ હતી. આજે પણ તેરમી નવેમ્બર હતી. આજે દસ વર્ષની જોબ પછી તેને પ્રમોશન મળવાનુ હતુ. તે ખુશખુશાલ ઘરેથી નીકળ્યો હતો. પ્રમોશન તો મળી ગયુ પરંતુ મોબાઇલની એક રીંગે તેના હોશ ઉડાવી દીધા. કોઇને કહ્યા વિના ઓફિસે છોડી ભાગી નીકળ્યો. માત્ર વીસ મિનિટના અંતરે તેની ઓફિસ હતી પરંતુ આજે એક એક સેકન્ડ ભારે થઇ રહી હતી.

શુ થયુ હશે? તેના ધબકારા વધી ગયા હતા, “પપ્પા, મમ્મીને શોટ લાગ્યો છે” તેની નાની દીકરીના શબ્દો હજુ કાનમાં ગુંજી રહ્યા હતા. રીક્ષા ઉભી રહેતા તે કુદીને હાથમાં રહેલી સોની નોટ આપીને ભાગ્યો. લિફટ હોવા છતાંય સીડીના પગથિયા દોડી દોડી અથડાતા કુટાતા ચડવા લાગ્યો. ત્રીજા માટે 312 ફલેટ નંબર પર આસપાસના બધા લોકો એકઠા થઇ ગયા હતા. તેની પત્ની ઝંખનાને આસપાસના લોકો સાથે ખુબ જ સારા સંબંધ હતા. ભીડ જોઇ તેના મોતિયા મરી ગયા. જેમ તેમ કરીને તે રસ્તો કરતો ઘરમાં ગયો તો તેની વહાલસોયી પત્ની ઝંખના સોફા પર બેઠી હતી. “હાર્દિક, આવી ગયા તમે? કયારનો ફોન લગાડતી હતી.” ફોન શોધવા ખિસ્સા તપાસ્યા તો ફોન તો ઓફિસે જ રહી ગયો હતો.

“આર. યુ ઓ.કે?”

“હા, થેન્ક ગોડ આજે હુ બચી ગઇ. મશીન ચાલુ કરતા જોરદારનો શોક વાગ્યો અને ત્યાં જ લાઇટ જતી રહી અને હુ બચી ગઇ. તે ખુબ જ ખુશ થઇ ગયો. આજે તેર તારીખ હતી તેનો શુકનિયાળ દિવસ!!!!!!!!!!!!!!!!!

પાપ

નાની નાની માંજરી આંખો, ગોળમટોળ ચહેરો. સુંદર ગાલ. હસતી ત્યારે તેમાં પડતા ખંજનો. તે કોઇની વિષ્ટા ન હતી. ઇશ્વરનો આર્શીવાદ હતી એ તો કંચન. કંચન એટલે શુધ્ધ સોનુ. જેના એક સ્મિતથી બધા દુ:ખ અને તકલીફો ભુલાઇ જતી.

નાનકડી કંચનને બે વર્ષ પહેલા નોકરીથી પરત આવતા રાજડા રોડ પાસેની કચરાપેટીમાંથી પ્રજ્ઞા ઉઠાવી લાવી હતી. દસ વર્ષના લગ્ન બાદ તેનો ખોળો ભરાય ગયો હતો. હજારો માનતા અને બાધા તેની આ રીતે ફળી હતી.

કંચનના આગમનથી જીંદગી જીવવા લાગતી હતી. તેની સાથેનો ઉજાગરો પણ તેને ખુબ જ મીઠો લાગતો હતો. બે વર્ષમાં તેની સાચી માં બની ગઇ હતી.

“લોકો નો જીવ કેવી રીતે ચાલતો હશે આવા ફુલને વિષ્ટાની ટોપલીમાં ફેકી દેંતા? તને ખબર છે અજય, કેટલી બધી કીડીઓ ચડવા લાગી હતી કંચનને??? બાપ રે ભગવાનનો પાડ માન કે હુ સમયસર આવી ગઇ. નહિ તો શુ થાત?” વાત કરતા કરતા જ કમકમાટી આવી જતા દોડીને કંચનને વળગી ગઇ.

“બધા તારા જેવા લાગણીશીલ નથી હોતા આ દુનિયામાં. આવી જ છે સ્વાર્થી દુનિયા. હુ અને મારું એની આગળ કોઇ શબ્દો જ નથી કોઇના શબ્દકોષમાં.”

“ફટ છે આ દુનિયાને જ્યાં લોહીના સંબંધમાં પણ સ્વાર્થ છે.”

“અરે વાહ કંચનને આજે મે નીરખીને જોઇ. હુબહુ દીપા જેવી લાગે છે?” “કોણ દીપા?” “અરે લી તારા પતિની સેક્રેટરી જે રોજ બપોરે તુ ઘરે ન હોય ત્યારે મિટિગ માટે આવે છે તે” હજારો મણ નો ભાર માથે મુકીને પાડોશી સંધ્યાબેન તો જતા રહ્યા. ઝબલુ દેવાના બહાને આવીને એક કડાકો મુકી ગયા. પ્રજ્ઞા ચાર વર્ષ જુની યાદમાં સરી ગઇ.

“હે પ્રજ્ઞા મીટ માય ન્યુ સેકરેટરી દીપા.” “હાય” “મેમ, હુ અહી નજીક જ રાજડા રોડ પર રહુ છુ. કયારેક આવજો ઘરે.” દીપાને એકવાર જોઇ હતી. બાકી નોકરીની દોડધામ વચ્ચે સામાજીક સંબંધો ભુલાય જાય છે અને ક્યારેય બીજી વાર તેને મળવા જવાયુ ન હતુ પરંતુ અજય વારંવાર તેની વાત કરતો રહેતો. આજે તાળો મળવા લાગ્યો. કંચનને તે ધારી ધારીને જોવા લાગી. ચાર વર્ષ પહેલા જોયેલો ચહેરો તાજો બની ગયો. એ જ નાક નક્શી અને નમુનો.

અજયની પરછાય પણ સ્પષ્ટ દેખાય આવતી હતી. ચિત્ર સ્પષ્ટ બનવા લાગી ગયુ. તે પોતાના રૂમમાં જઇને થેલો ભરવા લાગી. એકાએક આ ઘર પરાયુ લાગવા લાગ્યુ. તેને થેલામાં કંચનની વસ્તુઓ પણ ભરી લીધી. તે માસુમ જીવનો તો કોઇ દોષ ન હતો. જેનો દોષ છે તે ભોગવશે તે વિચારે હમેશ માટે ઘર છોડીને કંચનને લઇને જતી રહી.

લેખક : ભાવીષા ગોકાણી 

આપ સૌ ને આ ત્રણ માંથી સૌથી વધુ કઈ ગમી ? કોમેન્ટ માં જણાવજો !!

ટીપ્પણી