લફરું – શું એક પુરુષ અને સ્ત્રી વચ્ચેનો સંબંધ એટલે લફરું જ કહેવાય?

“શું એક પુરુષ અને સ્ત્રી વચ્ચેનો સંબંધ એટલે લફરું જ કહેવાય? શું કોઈ સ્ત્રી અને પુરુષ એક સારા મિત્ર ન હોઈ શકે?” થોડા સમસ્ય પહેલા જ અઠયાવીશ વર્ષે વિધવા થયેલી આકાંક્ષા એ પોતાના મોટા ભાઈ રોહનને પૂછતા કહ્યું.

“હોઈ શકે, પણ એક વિધવા અને એક બાળકની માતાનાં આવા મિત્રતા નાં સંબંધ ને લોકો લફરું જ કહેશે. પોતાનું નહિ તો પરિવારના નામનું વિચાર, બે વર્ષના તારા ધ્રુમીલનું વિચાર, લોકો તારા અને આશુતોષનાં સંબંધનાં કારણે કેવું કેવું બોલશે એ ખ્યાલ પણ છે તને…?” રોહને પણ સામે વળતો જવાબ આપ્યો.

આકાંક્ષાનાં પતિ અખિલેશનું થોડા મહિનાઓ પહેલાજ મૃત્યુ થયું હતું. પડોશમાં જ રહેતા એક જ જ્ઞાતિનાં આકાંક્ષા અને અખિલેશનાં પ્રેમનાં કારણે બંને પરિવારો રાજી ખુશીથી સંબંધી બન્યા હતાં. બાળપણથી ભેગા જ ઉછરેલા આકાંક્ષા અને અખિલેશ ક્યારે પ્રેમમાં પડ્યા એ એમને ખ્યાલ પણ ન હતો. બાળપણમાં સાથે ઘરઘોટલાં રમતા આકાંક્ષા અને અખિલેશ સાથે સ્કૂલ જતા અને યુવાન થયા ત્યારે સાથે કોલેજ જતાં. એકબીજાની એવી કોઈ પણ વાત કે ઘટના ન હતી જે બંને જાણતા ન હોય.

કોલેજનું ફર્સ્ટયર અડધું પૂરું થતાં સુધીમાં બંને પાસે વિજાતીય મિત્રો અને પ્રપોસલ્સની લાંબી લાઈન લાગી ગઈ હતી. પણ, એ બંને તો જાણે બાળપણથી જ વચને બંધાયેલા હોય તેમ કોઈમાં આકર્ષિત ન થયા. એજ સમયમાં આશુતોષ બંનેના સંપર્કમાં આવ્યો. બે વર્ષ સુધી આકાંક્ષા અને અખિલેશ ને સતત સાથે જોઇને આશુતોષ એ જ અખિલેશને ભાન કરાવ્યું હતું કે એ બંને પ્રેમમાં છે. પ્રથમ તો એ વાત સાંભળીને અખિલેશને હસવું આવ્યું હતું પણ જ્યારે શાંતિથી વિચાર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આશુતોષની વાત સાચી હતી. કોલેજના ત્રીજા વર્ષમાં પહોચતા જ આશુતોષની પ્રેરણા અને ગાઈડન્સથી અખિલેશ એ વેલેન્ટાઈન ડેની સાંજે આકાંક્ષાને પ્રપોઝ કર્યું. ચુલબુલી નટખટ પોતાના બિન્દાસ્ત અને મજાકિયા સ્વભાવથી જાણીતી આકાંક્ષા એ બે મહિનાઓ સુધી રાહ જોવડાવીને અખિલેશનું પ્રપોઝલ સ્વીકાર્યું હતું.

કોલેજ પૂરી થયા બાદ ફેમીલી બિઝનેસમાં સેટલ થયેલા અખિલેશ એ પોતાના ઘરે વાત કરી અને થોડાજ સમયમાં સગાઇ અને લગ્ન ગોઠવાઈ ગયા. જેનું પૂરું શ્રેય આશુતોષને આપવામાં આવ્યું. સંપૂર્ણ રીતે સુખી એ દાંપત્યજીવનમાં અચાનક કાળનો દિવસ આવ્યો. જાણે વાવાઝોડા એ આવીને કોઈ પંખીનો માળો વીખેરી નાખ્યો હોય તેમ અકાળે અખિલેશની મૃત્યુથી એ માળો વિખરાઈ ગયો. અખિલેશની મૃત્યુથી ડગાઈ ગયેલી આકાંક્ષા માટે જીવાવવાનું એક માત્ર કારણ ધ્રુમીલ હતો.

બહારથી ખુશ દેખાતી આકાંક્ષાની અંદર ચાલી રહેલા દુઃખના વેદનાનાં અને એકાંતનાં વંટોળ ને આશુતોષ ઓળખી ગયો. આકાંક્ષા ને કંપની આપવા સપોર્ટ કરવાં એ અવાર નવાર તેને મળતો ઘરે આવતો ઘણી વખત ધ્રુમીલ ને ફેરવવાના બહાને આકાંક્ષાને બહાર લઇ જતો, જેથી આકાંક્ષા સાચા અર્થમાં ખુશ રહેવા લાગી હસવા લાગી. આશુતોષનું લગ્ન જીવન પણ ડામાડોળ થવા લાગ્યું હતું. તેની પત્ની માયા છેલા દોઢ વર્ષથી તેની મમ્મીના ઘરે હતી, વાત છૂટાછેડા સુધી પહોચી ગઈ હતી એવામાં આકાંક્ષા સાથે સમય વીતાવીને આશુતોષ પણ ફ્રેશ થઇ જતો. પણ પરિવારની અને સમાજની દૃષ્ટિએ આ સંબંધ યોગ્ય ન લગતા આજે રોહને આકાંક્ષા ને એ સંબંધ તોડવા ટકોર કરી.

“લોકોનું વિચારીને હું ગુંગળામણમાં નહિ જીવું, આશુતોષ માત્ર મારોજ નહિ પણ સ્વ. અખિલેશનો પણ સારો મિત્ર હતો. એના વિષે જેવું તેવું વિચારવું એ અખિલેશની મિત્રતા ને ગાળ આપવા સમાન છે. કદાચ મારા આ સંબંધનાં કારણે તમને શરમ આવતી હોય કે સમાજની વાતો સંભાળવી પડતી હોય તો હું એકલી રહીશ પણ આશુતોષ સાથે મિત્રતા નહિ તોડું.” આકાંક્ષા એ પણ રોહનને ચોખ્ખું સંભળાવી દીધું. અંતે અખિલેશનાં પિતા એ વચ્ચે પાડીને ભાઈ બહેનનો ઝગડો શાંત કર્યો અને પોતાને કે બીજા પરિવારનાં સભ્યોને આ બંનેની મિત્રતાથી કોઈ વાંધો નથી એ જણાવીને આકાંક્ષા ને શાંત પાડી દીધી.

રોહનનાં ગયા પછી આકાંક્ષા ગુસ્સામાં પોતના રૂમમાં ચાલી ગઈ. બાથ લઈને આરામ ખુરશી પર બેઠેલી આકાંક્ષા ને આશુતોષ સાથે ગાળેલો સમય યાદ આવવા લાગ્યો. આશુતોષનાં આવવાથી પોતાને થતી ખુશી, એની સાથે વાતો કરવાથી મળતો આનંદ અને પોતા પણ લાગણીનો અનુભવ, ક્યારેક અનાયાસે આશુતોષનો સ્પર્શ થવાથી મનમાં થતું રોમાંચ, “શું હતું આ? શું આશુતોષ પણ આવું જ અનુભવતો હશે? શું એ પણ સ્પર્શથી રોમાંચ અનુભવતો હશે? શું એ પણ ફોન પર વાતો કે વોટ્સએપ પર ચેટીંગ પૂરી કરીને થયેલી વાતો ને વાગોળતો હશે?” જેવા વિચારો આકાંક્ષાનાં મનમાં વંટોળ સર્જવા લાગ્યા. તેને ભાન થયું કે પોતે ધીરે ધીરે આશુતોષ તરફ ખેચાઈ રહી છે. માટે તેણે નક્કી કર્યું કે એ હવે આશુતોષને મળવાનું કે વધુ વાતો કરવાનું ટાળશે.

સતત ચાર દિવસ સુધી આકાંક્ષા એ આશુતોષ ને ઇગ્નોર કર્યો, પણ પાંચમાં દિવસે તેની અંદર રહેલી મિત્ર જંખનાં જાગૃત થઇ. આકાંક્ષાનાં આવા વ્યવહારથી બેબાકળા થયેલા આશુતોષે તેના પર સવાલો નો મારો શરુ કર્યો, જેના જવાબમાં આકાંક્ષા એ પોતાના મનમાં ચાલી રહેલા વંટોળ વિષે જણાવ્યું.

“આ બધું માત્ર તું જ નહિ હું પણ અનુભવી રહ્યો છું. આ ચાર દિવસ મારા માટે ખૂબજ અસહ્ય રહ્યા છે. જેનું કારણ છે આપણા બંનેની અંદર રહેલી એકલતા. આપણે બંને યુવાન છીએ, આપણે બંને અત્યારે એક ઓછપ, એક એકાંત અનુભવી રહ્યા છીએ, લાગણીઓની સાથે આપણા બંનેની ફીઝીકલ નીડ્સ પણ છે, માનસિક સંતોષની સાથે શારીરિક સંતોષ પણ જરૂરી છે, જો તું ધારે તો આપણે આપનીએ જરૂરીયાત એ ઓછપ એ એકાંતને દૂર કરી શકીએ છીએ.” ફોન પર આશુતોષની આટલી વાત સાંભળતા જ આકાંક્ષા એ કોલ કટ કરી દીધો. તેને રોહને કરેલી વાતો યાદ આવવા લાગી.

પંદર દિવસ સુધી સતત આશુતોષનાં આકાંક્ષા ને સમજાવ્યા બાદ આકાંક્ષા આશુતોષને એકાંતમાં મળવા માટે રાજી થઇ. લાગણી, સમાજ, રોહનની વાતો, ની સામે આકાંક્ષાની સ્ત્રી સહજ ઈચ્છાઓ જીતી ગઈ. આશુતોષ એ હોટેલમાં રૂમ બૂક કર્યો અને બંને એ મળવાનું નક્કી કર્યું. ચાર દિવસ પછી નક્કી થયેલા દિવસે આકાંક્ષા મહામહેનતે મનને મનાવીને રૂમમાં પહોંચી. આશુતોષ થોડો ચિંતામાં દેખાઈ રહ્યો હતો. બેડની બાજુમાં રહેલી ખુરશી પર બેઠેલા આશુતોષની બાજુમાં બેસીને આકાંક્ષા એ ચિંતાનું કારણ પૂછ્યું.

“આઈ એમ સોરી આકાંક્ષા, પણ આપણું આ લફરું વધુ લાંબુ નહિ ચાલી શકે, માયા પાછી આવી રહી છે.” આશુતોષ એ દબાયેલા અવાજે કહ્યું. લફરું શબ્દ સાંભળતા જ જાણે આકાંક્ષાનાં કાનમાં ગરમા ગરમ તેલ રેડાયું હોય એવી પીડા થવા લાગી. તેને સમજાયું કે જેને પોતે એક ક્લીન રીલેશનશીપ સમજી રહી હતી એ આશુતોષ માટે પણ લફરું જ હતું.

“ઓકે ધેન ગૂડ બાય.” કહીને આકાંક્ષા ઊભી થઇ ગઈ.

“પણ અત્યારમાં શા માટે? માયા ને આવતાં હજી એકાદ મહિનો લાગી જશે ત્યાં સુધી આપણે સાથે રહી શકીએ છીએ..?” આશુતોષ એ આકાંક્ષા ને રોકવાનો પ્રયાસ કરતા કહ્યું.

“ના આશુતોષ, આપણો સંબંધ હકીકતમાં લફરું જ બનવા જઈ રહ્યું હતું, જે હું સહન નહિ કરી શકું, એન્ડ થેંક યુ શરૂઆતમાં જ મને સત્યનું ભાન કરાવવા માટે, કદાચ ફરીથી સુખની ચરમસીમાએ પહોચ્યા બાદ આ વાત સ્વીકારવી મારા માટે વધુ અઘરી બની જાત. હું વધુ દુઃખી થવા નથી ઈચ્છતી.”

“તો શું આપણું રીલેશન અહી જ પૂરું થઇ જશે?”

“આપણું રીલેશન શરુ જ ક્યા થયું હતું આશુતોષ, જે શ્રી થયું હતું એ આકર્ષણ હતું, જંખનાઓ હતી, “લફરું” હતું, રીલેશનશીપ તો હવે શરુ થશે, માયાનાં આવી ગયા બાદ, એક સાચી મિત્રતાની રીલેશનશીપ, જેમાં જંખનાઓ નહિ માત્ર લાગણીઓની હૂંફ હશે. મારા ઘરના દરવાજા હંમેશા તારા અને માયા માટે ખુલ્લા રહેશે, અખિલેશ એ શરુ કરેલી એ મિત્રતા હું કઈ રીતે તોડી શકું? ગૂડ બાય.” કહીને પોતાનાં વિચારેલા આવા પગલાંનાં કારણે જાતને દોષ દેતી આકાંક્ષા રૂમમાંથી બહાર ચાલી ગઈ અને ટેક્ષીમાં બેસવાની સાથે જ સૌ પ્રથમ તેણે આશુતોષનો નંબર વોટ્સએપમાં બ્લોક કરી નાખ્યો.

લેખક : A J Maker

દરરોજ અવનવી વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી