લેડીઝ પર્સ એટલે ઘટોત્કચનું પેટ

ઋષિકેશથી મસૂરી વાયા દહેરાદૂન જતાં રસ્તામાં મારા મોબાઈલની બેટરી બેસી ગઈ. બીજો મોબાઈલ મારી બાજુમાં જ ધબકતો હતો એટલે રાહત હતી. આમ પણ હું અગમચેતી બ્રાહ્મણ ખરોને એટલે મસૂરીના મારા હોટેલ સ્ટેની રિસીટ લઈને અમને મળવા આવનાર વ્યક્તિને મેં અમારા બન્નેના ફોન નંબર્સ આપેલ હતા. મારા ડેડ ફોન પર ‘આઉટ ઓફ કવરેજ એરિયા’ સાંભળીને કંટાળેલ મિસ્ટર સૈનીએ મારી બાજુના ફોનમાં રીંગ વગાડી.

આમ પણ ઘણા લોકોની જેમ મારો પણ જમણી બાજુનો કાન નબળો છે, અને બેટરહાફ ઝોલે ચડેલ. ‘ઘટોત્કચના પેટ’માં પડેલા મોબાઈલની રીંગ કોણ સાંભળે?! મને પણ ચિંતા હતી કે દેહરાદૂન નજીક આવતું જાય છે પણ મિસ્ટર સૈની ફોન કાં ન કરે? મને થયું લાવ, બીજા ફોનથી સામો ફોન કરું.

અનાયાસે મારો ડાબો કાન ચમક્યો. મને ક્યાંક ઊંડાણમાં રીંગ વગડતી સંભળાઈ. અવાજ ‘ઘટોત્કચના પેટ’માંથી જ આવતો’તો. ‘પેટ’ ખોલી અંદર હાથ નાખ્યો ત્યાં રીંગ બંધ થઇ ગઈ. તરત જ પાછી રીંગ વગડી એટલે ફરી અંદર હાથ નાખી ફોન શોધ્યો પણ મળે તો ને! કોણ જાણે કયા ખાનામાંથી કે અંદર પેટાળમાંથી ક્યાય સુધી અદ્રશ્ય અવાજ આવતો રહ્યો. ચશ્મા, પેન, ચાવીનો જુડો, ક્રોસીન, ‘મૂવ’ની ટ્યૂબ, નેઈલ કટર, ચોળાયેલી નોટો અને પરચુરણ….જે હાથમાં આવ્યું એ ઊલેચી ઊલેચીને ને સીટ ઊપર મૂકતા ગયા….

છેલ્લે ફોન ‘મળ્યો’ ત્યાં ફરી રીંગ બંધ! સાત મિસ કોલ જોઈને સામો ફોન કર્યો અને સીટ ઊપર પડેલી દોઢ કિલોની જુદી જુદી વસ્તુઓ પાછી ‘ઘટોત્કચના પેટ’માં પધરાવી રાહતનો શ્વાસ લીધો.

લેડીઝ પર્સમાં એક સાથે છ સેફટી પીનની શું જરૂર પડે? ત્રણ મહિના પહેલાં ખાદી ગ્રામમાંથી ખરીદેલ નેપકિનનું બિલ સાચવવાની શું જરૂર? ઠોંઠા જેવી બોલપેન, પર્સની અંદર પર્સ, પંદર ચાંદલા, ચાંદીનું જુનું મંગળસૂત્ર અને બે ‘ખોટાં’ કડાં, વીસ દિ’ પહેલાં રિપેર કરવા મૂકેલી ઘડિયાળ, જીમની ભરેલી ફીની રિસીટ અને એક-બે બક્કલ-બોરિયાં ભર્યા હોય. મારું એવું અનુમાન છે કે કેટલીક પર્સમાં તો કે.લાલની જેમ જે માગો તે મળી આવે! કોઈ આડા દિવસે તમે ઓચિંતો છાપો મારો તો ‘ઘટોત્કચના પેટ’માંથી ભાગ્યે જ પૂરા સો રૂપિયા નીકળે! હા, અપવાદ હોઈ શકે.

કેટલીક પર્સની અંદરનું કપડું ફાટે પછી જ ‘આ પર્સ બહુ વાપરી’ કરીને ઉદારતાપૂર્વક કામવાળીને ડોનેટ થાય. દિવાળીમાં જેમ ઘર વરસે એક વાર સાફ થાય એમ અમુક પર્સ માંડ વરસે એક વાર ખાલી કરી સાફ થતી હશે. કેટલાકના કબાટો વપરાયા વિનાની પર્સથી ભર્યા હશે. એક મેરેજ એનીવર્સરીની પાર્ટીમાં એક ગેમ એવી રમાડી’તી કે કોના ‘પાકિટ’માં સૌથી વધુ રૂપિયા છે અને કોની પર્સમાં સૌથી વધુ વસ્તુઓ છે એમને હોસ્ટ તરફથી ઇનામ! જેને ઇનામ મળ્યું એની પર્સમાંથી ચાવી-પૈસા સિવાય ‘જીવન જરૂરિયાતની’ નાની મોટી 22 વસ્તુઓ નિકળી’તી!

આપણે ગમે તેટલી હાંસી ઉડાવીયે, આખરે લેડીઝ પર્સમાં ગૃહિણીની સમજદારી, જવાબદારી અને ખાનદાની ભરેલી હોય છે જે માપવા કે પામવા માટે એક સ્ત્રીનો અવતાર લેવો પડે, સાહેબ!

લેખક : અનુપમ બુચ

આપ સૌ ને આ લેખ કેવો લાગ્યો ? અચૂક જણાવજો !!

ટીપ્પણી