કિંમત મંગલસૂત્રની – દરેક પતિ પત્નીએ વાંચવા જેવી અને સમજવા જેવી વાર્તા…

કિંમત મંગલસૂત્રની

કેટલાં નાદાન હોય છે બેજુબાન દિલોના સબંધ,
કેટલાંક સમજી નથી શકતાં…
કેટલાંક સમજ નથી આવતાં…
– વૈભવ મોરી

દરવાજો ખોલતાંની સાથે જ પ્રિયા ગુસ્સેથી બોલી ઉઠી “જીત તમે લાવ્યા મારા માટે મંગલસુત્ર”
“પ્રિયા તને કેટલી વાર કહ્યું છે, મારી સૅલરી એટલી વધારે નથી કે તને સોનાનું મંગલસુત્ર લાવી આપું, જીતે થોડાં શાંત સ્વભાવે જવાબ આપ્યો.


“એ હું કંઈ જાણું ના, મારા સપનાં હું તમારી આ નાની અમથી નોકરી નીચે દફન કરવાં નથી માંગતી” પ્રિયાનો ગુસ્સો સાતમાં આસમાને હોવાથી અવાજ માં કર્કશ હતો.
આટલું સાંભળી જીત જેટલી ઝડપે ધરમાં આવ્યા એટલી જ ઝડપે ધરની બહાર નિકળી જતા રહ્યાં.

 

વાત જાણે એમ હતી કે પ્રિયા નાનપણ થી એક ગરીબ પરિવારમાં ઉછરી હતી. પહેરવા માટે કપડાં સુધ્ધાં મળતાં ન હતાં છતાં પરિવારની એક જ લાડકી દીકરી હોવાથી થોડીધણી મહેનત મજુરી કરી જેમતેમ મોટી કરી હતી. પ્રિયા દેખાવડી હતી. અને પ્રિયા ધણાં જોયેલાં સ્વપ્ન થી વંચિત હતી. છતાં ધરની પરિસ્થિતિ ની જાણ હતી અને પ્રિયા સમજદાર હતી. તેથી જીદ વગર ગરીબી માં જ જીવન પસાર કરી લીધું હતું.

પણ, પ્રિયા એ બાળપણમાં જોયેલાં સપનાં એનો ભાવી પતિ પૂરો કરે એવાં સ્વપ્ન દરરોજ જોતી હતી. કોણ સપનાં ન જોય? આ મનુષ્ય રૂપી જીવ જ સપનાં જોઈ શકે છે અને પૂરાં કરી શકે છે. પણ બધાંનાં સપનાં કદી સાકાર થાય એ જરુરી નથી.

આ તરફ જીતે પણ પોતાના પિતાની છત્રછાયા બાળપણમાં જ ગુમાવી દીધી હતી. એટલે અભ્યાસને પણ પડતો મુકી માતાનું અને પોતાનું જીવન ગુજારવા માટે નોકરી કરવાં લાગી જવું પડ્યું. જીતની માતા તો તેના પિતાનાં ગુજરી ગયાં બાદ એકદમ સુન્ન હતી ન બોલી શકવાની કે ચાલી શકવાની હિંમત એમનાંમાં ન હતી. જીત એટલો સક્ષમ ન હતો કે પોતાની માં ની સારવાર કોઈ સારી હૉસ્પીટલમાં કરાવી શકે. અને ન તો એ નોકર-ચાકર ધરમાં રાખી શકે માંની સેવા-ચાકરી કરવાં માટે. એટલે સવાર સાંજ ધરનાં કામ થી લઈને રસોઈ પણ જાતે જ બનાવી નોકરી ઉપર જતો અને સાથે સાથે બિમાર માતાની કોઈ પણ અપેક્ષા વિના મદદ કરતો. ક્યારેક ચાર દિવાલો વચ્ચે રડી પણ લેતો. કુદરત પણ ગજબની રમત રમે થોડાં જ સમય બાદ તેની માતા પણ મૃત્યું પામી. બાળપણમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ધરની તમામ જવાબદારી પોતાનાં માથે ઉપાડી લીધી, અને માતા નો પ્રેમ પામવો હતો પણ ખુદા એ માતાને પણ જીવતાંજીવતાં મારી નાંખી, એટલે જીત બાળપણથી જ માતા-પિતા બંન્ને ના પ્રેમથી વંચિત હતો.
પણ હા, જીત સ્વભાવે એકદમ સારો કહેવાય એવો વ્યક્તિ હતો. ખુબ જ શાંત, શાંત પાણી ઉંડા હોય પણ જીત એવો ન હતો. હાસ્ય કોઈદિવસ ન છલકાતું છતાં એમ વિચારતો કે જે થવાનું હતું એને રોકી નથી શકવાનાં પણ હવે, એ ખુબ જ એકલો થઈ ગયો હતો. કોઈ પોતાનું કહેવાવાળું હતું નહીં. છતાં પુરી નિષ્ઠાથી પોતાનું કામ જાતે કરી, નોકરી કરી જીવતો હતો. ક્યારેક ક્યારેક માતા-પિતાનાં ફોટાં જોઈને ચોધાર આંસું એ રડી લેતો…

એક દિવસની વાત છે જીતનાં દુરનાં સગા મળવાં માટે આવ્યા, ધરની તમામ વાતો કરી જીતને દિલાશો આપ્યો. અને કહ્યું કે “જીત ક્યાં સુધી તું આમ એકલો જીવન પસાર કરશે? ક્યાં સુધી આ ધરનાં કામ જાતે કરશે? એકમાંથી બે થઈ જાય તો સારું એમ કહી એમણે એક છોકરીનો ફોટો જીતને બતાવ્યો. પણ જીતે કહ્યું “મારી મામુલી નોકરી છે, હું કોઈ છોકરીને ખુશ નહીં રાખી શકું? કોઈનાં સપનાં હું નહીં પુરા કરી શકું? કોઈની લાગણી સાથે રમવાનો મને કોઈ અધિકાર નથી, ના હું લગ્ન કરી કોઈ વ્યક્તિનું જીવન બરબાદ કરવાં નથી માંગતો.”
દુરનાં સગાં એ ખુબ જ સમજાવ્યો પણ જીત એકનો બે ન થયો.
છેવટે થાકીને સગાએ કહ્યું “તારા પિતા જ્યારે જીવતાં હતાં ત્યારે તું તો ખુબ જ નાનો હતો, ત્યારે તારા પિતા એ કહ્યું હતું કે ‘મને જો કંઈ થાય તો મારા પુત્રની બધી જવાબદારી તારી.’ અને આજે તને એકલો હું પણ નથી જોઈ શકતો, તારી માતાંનાં અવસાન બાદ તું ધણો મુંજાયેલો રહે છે. હવે, તારે લગ્ન કરી લેવાં જોઈયે”
જીત થોડો ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો ” કોઈ ના સપનાં હું નહીં તોડી શકું, જેણે ધણાં સપના જોયા હશે જે મારી પત્નિ બનીને આવશે એને હું મારી મામૂલી નોકરીનાં પગાર થી ખુશ ક્યારેય ન રાખી શકું.”
“જરુરી નથી કે એના ધણાં સપનાં હોય, સમજદાર છોકરી છે તને ખુશ રાખશે, ક્યાં સુધી આમ એકલવાયું જીવન વિતાવીશ બેટા,? હું તારા સારા માટે જ કહું છું….”
ધણાં સમજાવ્યા બાદ આનાકાની સાથે જીતે હા કહી.

પ્રિયાએ જીતની હાલત જોઈને ના કહી દીધી. કે કંઈ પણ થાય હું આ વ્યક્તિ જોડે નહીં રહી શકું, મારા સપનાંઓ આ વ્યક્તિ નહીં પૂરા કરી શકે. આટલી ગરીબીમાં જીવી છું, લગ્ન પછી પણ આવી જ પરિસ્થિતિમાં હું નથી રહેવાં માંગતી. આ વ્યક્તિ સાથે લગ્ન કરીને હું મારું જીવન બરબાદ કરવાં નથી માંગતી.
છતાં ધરનાંએ પ્રિયાને ધમકી આપી કે જો આ વ્યક્તિ સાથે તું લગ્ન નહીં કરે તો અમારું મરેલું મોં જોશે.

ન છુટકે પોતાની મરજી વિરુધ્ધ પ્રિયા એ જીત સાથે લગ્ન કરી લીધા.

જીત એવું વિચારતો હતો કે લગ્નબાદ પોતાને ક્યારેય નહીં મળેલો પ્રેમ એની પત્નિ પાસે મળી રહેશે. પણ ઉલ્ટું થયું. પ્રિયા એ પહેલાં જ દિવસે જીત ને કહી દીધું કે “મારા લગ્ન તમારી સાથે મારી સહમતી વિના થયાં છે, હા, હું તમારી સાથે જ રહીશ પણ મારા પ્રેમની અપેક્ષા તમે ક્યારેય ન કરશો. કારણ કે હું તમને પ્રેમ કરતી નથી અને કરવો પણ નથી.”
આટલું સાંભળી જીતે મનમાં ને મનમાં ભગવાનને પણ ધણાં અપશબ્દો બોલી નાંખ્યાં, અને વિચારવાં લાગ્યો કે “શું કામ હતું લગ્ન કરવાનું છતાં સબંધીના કહેવાં પર નાહક નાં લગ્ન કરી લીધાં.”

જીત પ્રિયા ને પસંદ કરતો હતો. અને ખુબ જ પ્રેમ કરતો હતો, સાથે એ પણ વિચારતો હતો કે ” ક્યારેક તો તેના પ્રેમનો અહેસાસ થશે ને પ્રિયાને” એમ વિચારી લગ્ન જીવન આગળ વધારવાં અને પ્રિયાને ખુશ રાખવા માટે તમામ પ્રયત્નો કરવાં લાંગ્યો.

સમય વિતતો ગયો, લગભગ બે વર્ષ થવાં આવ્યાં હતાં છતાં પ્રિયા ટસ કે મસ ન હતી થઈ. પ્રિયાનું વર્તન ખરેખર જરાંય બદલાયેલું ન હતું. ન તો જીત સાથે સરખી વાત કરતી કે ન તો જીતને થોડો પણ પ્રેમ કરતી. દરરોજ ઝગડાંઓ થતાં કોઈને કોઈ વાત ઉપર, ક્યારેક જમવાનું ન બનાવતી તો જીતે ભુખ્યું જ સુઈ જવું પડતું. જીત એવો વ્યક્તિ હતો કે ભૂલ ન હોવાં છતાં સૉરી બોલી દે. આટલું દુઃખ હોવાં છતાં સવારે નોકરી ઉપર સમયસર નિકળી જતો અને સાંજે ધરે આવી જતો. ક્યારેક પરિસ્થિતિ જોઈ પ્રિયા માટે કંઈક ને કંઈક ગિફ્ટ લઈ જતો. પણ પ્રિયા છેલ્લાં ચાર મહિનાં થી એક જ જીદ ઉપર ઉભી હતી. એને સોનાનું મંગળસુત્ર જોઈતું હતું. કારણકે દરરોજ ટાઈમપાસ કરવાં માટે પ્રિયા ટી.વી ઉપર પ્રસાર થતી સિરિયલોનાં લીધે સોનાનાં મંગલસુત્રની જીદે ચઢી હતી.

કેટલીય વાર આ બાબતને લઈને જીત સાથે ઝગડાં કરી હદ વટાવીને ખુબ જ આકરાં શબ્દો નો પ્રહાર કરતી હતી . ન જાણે કેમ જીતની અંદર ભગવાન હૃદય મુકવાનું જ ભૂલી ગયાં હતાં કે કેમ આટલું બોલવાં અને આટલી હદ વટાવીને કરેલાં ઝગડાં છતાં જીત પ્રિયાને એક શબ્દો બોલતો ન હતો. કદાચ હજી પણ એનાં મનમાં હતું કે પ્રિયા સુધરી જશે, પ્રેમનો અહેસાસ થશે.
પણ ના જીતને ખબર ન હતી કે પ્રિયાતો એ પથ્થરનું દિલ હતું કે ગમે તેટલી તીવ્ર જ્વાળાથી પણ એ પિગળવાંની ન હતી.

સમય પાણીની માફક વહી રહ્યો હતો. પ્રિયાંનાં સ્વભાવ માં બદલાવ આવ્યો ન હતો.

આ તરફ જીતે વિચારી લીધું કે ગમે તે કરશે પણ હવે તે પ્રિયાની ખુશી માટે પોતે તનતોડ મહેનત કરશે અને પ્રિયાની પસંદનું “સોનાનું મંગળસુત્ર” લાવીને જ રહેશે.

જીતે નોકરી ઉપરાંત ઓવરટાઈમ માટે કાપડની મીલમાં જવાનું નક્કી કર્યું. સવારે બે ક્લાક અને સાંજે બે ક્લાક એમ ચાર ક્લાકનો દરરોજ ઍવરટાઈમ કરવાનું વિચારી લીધું. દરરોજ કરકસરનું જીવન જીવવાં લાગ્યો, બિનજરુરી ખર્ચા ટાળવાં લાગ્યો, અને પૈસા બચાવવા લાગ્યો, ખુબ જ ખુશ હતો કારણકે પ્રિયા ને અનહદ અને અનંત પ્રેમ કરતો હતો. અને પોતાની પત્નિનું મનપસંદ મંગલસૂત્ર લઈ આપવાની ખુશી પ્રિયાને કહેવા વગર માણતો રહ્યો. પ્રિયાને તો ખબર પણ ન હતી કે જીતે પોતે ઑવરટાઈમ કરી રહ્યાં છે, એને તો એક નવું બહાનું મળી ગયું ફરી થી ઝગડો કરવાનું.
ફરી ઝગડાઓ ચાલું..

“કેટલાંય દિવસોથી જોંઉ છું કેટલાં મોડા આવો છો? કોઈ મળી ગઈ કે શું? મારા સિવાય બીજા કોને સમય આપવાં માંડ્યાં” પ્રિયા લડાઈના મુડમાં બોલાવા લાગી.
“પ્રિયા હું તને એટલો પ્રેમ કરું છું કે તારા સિવાય પરસ્ત્રીનાં વિચાર પણ આજદિન સુધી મારાં મનમાં નથી આવ્યા” જીતે નમ્રતાથી જવાબ આપ્યો.
“ચોરી છુપાવવાની જરુર નથી, અને ક્યા પ્રેમની વાત કરે તું” પ્રિયા એ આજે હદ વટાવી નાંખી “તમે થી તું” કહીને સંબોધી રહી હતી.
“ખબર છે પ્રિયા તું એ આજ સુધી મને પ્રેમ નથી કર્યો પણ એટલું કહી દઉં મારા ઉપર શંકા ના કર” જીતે શાંતિથી કહ્યું.
“શંકા નહીં તો શું કરું, આટલું લૅટ તમે ક્યારથી આવતાં થઈ ગયાં. મારો પ્રેમ ન મળતાં બીજે ફાફાં મારવાં માંડ્યો, પુરુષ હોય જ આવાં બરાબરને જીત?” પ્રિયાનો અવાજ ધોંધાટમાં બદલાવા લાગ્યો.

“પ્રિયા ‘લંકા’ ના રાવણ કરતાંય ‘શંકા’ નો રાવણ ધણો દર્દનાક હોય છે, ભલે તારો પ્રેમ ના પામી શક્યો પણ, પણ ખોટો શક ના કરીશ” જીતે વિનમ્ર થઈ કહ્યું.
“બસ, ચોરી છુપાવવા માટે આવી ફિલ્મી વાત મારી સાથે ન કરો તો જ સારું, અને હા, આજથી આ ધરમાં ખાલી રહીશ જ તારી સાથે વાત પણ નહીં કરું, તારું કામ પણ તારે તારી રીતે કરવાનું, અને હા આ વાતની જાણ મારા ધરનાં કે તારા સગાસબંધીને કહેવાની ભૂલ, ભૂલથી પણ ન કરતો નહીંતર તારી કહેવા પુરતી પત્નિ પણ જીવતી નહીં રહે.” પ્રિયાનો ધાટો અવાજ રુમમાં પડધાં પાડી રહ્યો હતો.

આવી વાતો નો જવાબ ટાળવાં જીત ધરની બહાર નિકળી ગયો, અને પોતે એટલો મજબુર હતો કે કોઈને વાત પણ કરી શકતો ન હતો. મનમાં ને મનમાં ધણી મુંજવણ અનુભવતો હતો. કેટલું દર્દ દિલમાં છુપાવીને બેઠો હતો, એની જાણ ક્યારેય કોઈને થવાં દીધી ન હતી. ખરેખર કાબિલ-એ-તારીફ હતો. આવો પતિ મળવો ખુબ જ મુશ્કેલ હતું, પણ પ્રિયા ને ભાન જ ક્યાં હતું.

ઑવરટાઈમ કરતાં કરતાં લગભગ બે મહિના થઈ ગયાં હતાં અને જીતે પ્રિયાની ખુશી માટે કરકસર કરી બચાવેલાં રૂપિયા ચાલીસ હજાર થઈ ગયાં હતાં. તેથી જીત સોની ની દુકાને ગયો. અને પ્રિયાનું મનપસંદ સોનાનું મંગલસૂત્ર લઈ લીધું જેની કિંમત હતી પચાસ હજાર, પણ સોની જીતનાં ઓળખાણમાં હતો, તેથી કહ્યું કે “જીત તું આ મંગલસૂત્ર લઈ જઈ શકે છે, અને દરમહિને થોડાં-થોડાં પૈસા ચૂકવી બાકી નિકળતી રકમ પુરી કરી દેજે”

સોનીનો આભાર માની જીતે મંગલસૂત્ર એક સરસ મજાનાં ગિફ્ટબોક્ષમાં પૅક કરાવ્યું. અને ખુબ જ ખુશ થઈ ગયો. અપાર ખુશીની લાગણી અનુભવી રહ્યો હતો. અને ગિફ્ટબોક્ષ ઉપર લખ્યું “મારી ગાંડી માટે”, અને એક લેટર મુકી એ ગિફ્ટબોક્ષ સોની ને આપી ને કહ્યું “આજે જ તમે મારા ધરે પહોંચાડી દેજો, કારણકે આજે મારી પ્રિયાનો જન્મદિવસ છે, અને હું પ્રિયાને તેની પસંદની ગિફ્ટ, સરપ્રાઈઝ રૂપે આપવાં માંગું છું.”

સોની એ કહ્યું “ચિંતા ના કરશો જીત તમારું ગિફ્ટબોક્ષ આજે સાંજે આઠ વાગ્યા પહેલાં જ તમારા ધરે પહોંચી જશે”
જીત ખુબ જ ખુશ થઈ દુકાનની બહાર નિકળી ગયો. અને વિચાર કર્યો કે પ્રિયાને એની ગિફ્ટ મળી જાય પછી ધરે પગ મુકશે, અને એ ફરી કપડાંની મીલમાં ઑવરટાઈમ માટે જતો રહ્યો.

આ તરફ સોની એ સાડા સાત વાગ્યે જ પ્રિયાનાં ધરે જઈને ગિફ્ટ આપી, પ્રિયા એ ગિફ્રટ ખોલીને જોયું તો અંદરથી એક “સોનાનું મંગલસુત્ર” અને એક લેટર નિકળ્યો જે નીચે મુજબ હતો.

ડીયર, પ્રિયા
જન્મદિનની શુભેચ્છા.

પ્રિયા, તારી મનપસંદનું ગિફ્ટ, તને જરુર પસંદ પડશે. તારું સ્વપ્ન હતું ને “સોનાનું મંગલસૂત્ર” લે ખુશ રહેજે, અને હા, હું દરરોજ એટલાં માટે ધરે લૅટ આવતો હતો કારણ કે હું તારા મંગલસૂત્ર માટે દરરોજ ઑવરટાઈમ કરતો હતો, તું ભલે મને તારો પતિ માને કે ન માને હું હંમેશા તને મારી પત્નિ માનું છું, ખુબ જ પ્રેમ કરું છું તને, તારી ખુશી માટે બધું કરી શકું છું, સુખમાં તારી આગળ અને દુઃખમાં તારી પાછળ ઉભી રહેવાં માટે તૈયાર છું, બાળપણથી જ માતા-પિતાના પ્રેમથી વંચિત રહ્યો હતો. તારો પ્રેમ, તારો સાથ ઈચ્છતો હતો, પણ તારી ખુશી માટે હું બધું ભૂલી ગયો હતો. પણ તારા સપનાં પૂરાં કરવાંની એક જીદ મારી પણ હતી, તને કહેવાં સક્ષમ ન હતો. કારણ કે મને થોડાં સમયની જરુરીયાત હતી, તું મને સમજતી ન હતી માટે મેં ક્યારેય તને જણાવ્યું ન હતું, અને હા, હું તને જ પ્રેમ કરું છું અને કરતો રહેવાં…. Love u priya…

ફક્ત તારો જ
જીત

આટલો લેટર વાંચી પથ્થરદિલ પ્રિયા, આગની જ્વાળા વગર પીગળી ગઈ, આંખોનાં આંસુંથી લેટર ભીંજાઈ ગયો, પસ્તાવો આંસુંઓ દ્વારા સાફ નજર આવી રહ્યો હતો. કરેલી ભૂલો વિચારી એક ધ્રુજારી આખા શરીર ઉપર પથરાઈ ગઈ. થોડી સ્વસ્થ થઈને પસ્તાવા સાથે વિચારવાં લાગી કે દેવતા સમાન પતિને સમજી ન શકી, પોતાની ખુશી માટે જીત કેટલી મહેનત કરે છે, છતાં એમને કેટલું દર્દ આપ્યું, એક પ્રેમ જ તો ઝંખતાં હતા જીત છતાં હું ના સમજી શકી એમનો પ્રેમ, ખુબ જ તકલીફ આપી છે એમને, સદાય પ્રેમથી વંચિત હતા તેઓ, હું એમને રતિભર પ્રેમ ન આપી શકી, ખુબ જ કોસવા લાગી પોતાની જાતને…

ખુબ જ રડવાં લાગી, અને ભૂલનો અહેસાસ થયો અને જીત ઉપર પ્રેમની લાગણી નો ખરેખરો અનુભવ થઈ ગયો. અને પ્રિયાએ નક્કી કર્યું કે જીતને ફોન કરી માફી માંગશે અને આજથી જ એમને પોતાનો પતિ માનશે, ખુબ ખુશ રાખશે, એમણે જેવો વિચાર્યો હતો એવો જ પ્રેમ આપશે. આટલું વિચારી પ્રિયાએ પોતાનો ફોન કાઢ્યો અને જીતનો નંબર ડાયલ કરતી જ હતી ત્યાં જ એના ફોનની સ્ક્રીન ઉપર જીત નામથી ફોનની એક ધંટડી રણકી. પ્રિયા ખુશ થઈ ગઈ અને કૉલ રિસિવ કર્યો. સામે છેડેથી અવાજ આવ્યો “હૅલ્લો હું સિટી હૉસ્પિટલમાંથી બોલું છું, તમારા પતિ ‘જીત’ નું કાપડમીલમાં ઍક્સિડૅન્ટ થયું હતું એના સાથી મિત્રો એમને હૉસ્પિટલ લઈ આવ્યા છે તમે જલ્દીથી આવી જાવ.

આટલું સાંભળી પ્રિયાનાં પગ તળીયેથી જમીન સરકી ગઈ, અને આંખો ભરાઈ ગઈ, શું કરવું શું ન કરવાંનું ભાન ન રહ્યું, વિચારવાં લાગી કે આ બધું એના લીધે જ થયું છે, અને વિચારતી વિચારતી જલ્દીથી હૉસ્પિટલ પહોંચી ગઈ. પહોંચતાં જ જલ્દીથી જીતનાં રુમમાં પહોંચી ગઈ, ડૉક્ટરે પ્રિયાને સાઈડ ઉપર લઈ જઈને કહ્યું “ચિંતા કરવાની જરૂર નથી, પ્રિયાબેન પણ ઍક્સિડેઁન્ટ દરમ્યાન એમનો એક પગ મશીનની અંદર આવી ગયો હોવાથી તાત્કાલિક ઑપરેશન કરવું પડશે, જેનો અંદાજિત ખર્ચ ચાલીશ હજાર થશે. અમે ઑપરેશનની તૈયારી ચાલું કરી દીધી છે, તમે પૈસાનો બંદોબસ્ત કરી નાંખો” આટલું કહી ડૉક્ટર જીતનાં રૂમમાં જતાં રહ્યાં. પ્રિયા એકપળનો પણ વિચાર કરી જલ્દીથી હૉસ્પિટલનાં દાદર પડી જવાની બીક વગર ઉતરી રિક્ષા પકડી ધરે ગઈ, અને મંગલસુત્રનું બોક્ષ લઈને સોની ની દુકાને ગઈ, સધળી હકીકત જણાવી મંગલસૂત્ર વેચી ચાલીસ હજાર રૂપિયા લઈને નિકળી ગઈ અને હૉસ્પિટલ પહોંચી ડૉક્ટરનાં હાથમાં ચાલીશ હજાર આપી દીધા.

“ડૉક્ટરે કહ્યું પ્રિયાબેન જીતનું ઑપરેશન થઈ ગયું છે, તબીયત સારી છે, અને ચાર-પાંચ ક્લાકે એમને હોશ આવી જશે. ચિંતાના કરશો, અને એમને આરામ કરવાં દેજો.

આટલું સાંભળી પ્રિયા ઝડપથી જીતનાં રૂમમાં ગઈ અને એમનાં માથા પાસે બેસી ગઈ. જીતનો એક હાથ પોતાના હાથમાં લઈ લીધો અને રડવાં લાગી, ચાર ક્લાક બાદ જીતને હોશ આવી ગયો છતાં હજી અર્ધ બેભાન હાલતમાં હતા અને બબડતાં હતાં “પ્રિયા આઈ લવ યું, તારી ખુશી માટે હું કંઈ પણ કરી શકું છું, આઈ.. આઈ… લલલલવવ… યયયય…યુ પપપપ્રિયયયા..”

પ્રિયા આટલું સાંભળી જીતનું મોં ઠંડા પાણીથી ધોઈ નાંખ્યું. થોડી વાર માં જીત ભાનમાં આવી ગયાં. અને પ્રિયાને કહેવા લાગ્યાં “સૉરી પ્રિયા મારા કારણે તને તકલીફ પડી એના હું માફી ચાહું છું.”

પ્રિયાએ રડતાં રડતાં જવાબ આપ્યો “ના, જીત ભૂલ મારી છે, હું જ તમારા પ્રેમને સમજી ના શકી, મારા માટે તમે કેટલું દુઃખ વેઠ્યું છે એનો અહેસાસ મને થઈ ગયો છે, પ્લીઝ જીત મને માફ કરી દો, તમારી પત્નિની ભૂલો માફ કરી દો.”

“હા, પ્રિયા તને માફ કરી, બસ હવે તો ખુશ થા, અને બોલ ગિફ્ટ કેવી લાગી?” જીત થોડું હસ્યાં.
“સારી હતી, ખુબ જ સારી જે મેં સપનાંમાં વિચારેલી એવી જ, આભાર તમારો” પ્રિયા એ આંસું લૂંછતાં કહ્યું.
“સારી હતી?? એનો મતલબ? ક્યાં છે એ ‘સોનાનું મંગળસૂત્ર’ જે તારા માટેય જ ખરીધ્યું હતું” જીતે આશ્ચર્ય સાથે પૂછ્યું.

પ્રિયા એ બધી વાત કહી દીધી કે પ્રિયા એ શું કર્યું શું નહીં, અને કહી દીધું કે તમારા ઑપરેશનનાં ખર્ચ માટે મંગળસૂત્ર વેંચી નાંખ્યું.
“અરે, ગાંડી એ તારું સપનું હતું, તારી મનપસંદ વસ્તું તારા માટે જ લીધેલી વસ્તું તેં શા માટે વેંચી નાંખી???” જીતે સમજાવતા કહ્યું.
“”જીત “મંગળસુત્રની કિંમત” મને સમજાઈ ગઈ છે, સાચું લગ્ન જીવન હંમેશા એકબીજાનાં વિશ્વાસથી ચાલે, એકબીજા નાં દુઃખો ઓળખવાંથી ચાલે, એકબીજાનાં પૂરક બનવું પડે, એવાં હજારો મંગળસૂત્ર તમેં મને લઈ આપશો એટલો વિશ્વાસ છે તમારા ઉપર, પણ તમારા જીવનથી મોટી કિંમત કોઈ નથી, તમે છો તો મંગલસૂત્રની કિંમત છે, તમારા વગર મંગલસૂત્રની કિંમત શૂન્ય છે, i love u jeet, i love u so much.”” પ્રિયા રડમસ અવાજે બોલી ગઈ.

જીતની આંખમાં આજે પ્રેમનાં આંસું હતાં, પ્રિયા પણ રડતી હતી, બંન્ને એ એકબીજાનાં આંલિગનમાં જકડાઈ ગયાં, બંન્ને પોતપોતાના મનની વાતો આંસુંઓ દ્વારા એકબીજાનાં ખભા ઉપર રેડી દીધી. ક્લાકો સુધી આ આંલિગન યથાવત હતું કારણકે હૉસ્પિટલોની ચાર દિવાલો વચ્ચે એમની લાગણીઓને રોકનાર કોઈ ન હતું…

“પતિ-પત્નિ વચ્ચેનાં સબંધ ખુબ જ લાગણીશીલ હોય છે, બંન્ને જો એકબીજાને સમજીને રહે તો કોઈ પણ દિવસ એમનાં સબંધમાં આંચ નથી આવતી, ધણી વખત નાંનાં મોટા લડાઈ-ઝગડાંઓ થયાં કરે પણ એકબીજાને માફ કરતાં શિખવું જોઈયે…”

લેખક : કુંજ જયાબેન પટેલ “સ્વવિચાર”

દરરોજ આવી અનેક નવી નવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી