રમઝાન સ્પેશિયલડેઝર્ટ “કુનાફા”

કહેવાય છે કે અરેબિયાની એક રાજકુમારીને પવિત્ર રમઝાન માસમાં રોઝા નાં સમયે ભૂખને કારણે ખૂબ જ પરેશાની થતી હતી. આ જોઈ એક શાહી ખાનસામાએ એમનાં માટે ખાસ એક વાનગી બનાવી ‘શહેરી’માં એટલે કે સૂર્યોદય પહેલાં લેવામાં આવતાં ભોજનમાં એ વાનગી જમાડી. પરિણામે રાજકુંવરીને આખો દિવસ ભૂખનો સામનો કરવો ન પડ્યો!

આજ પેશ-એ-ખીદમત છે એ નાયાબ એરેબીક ડિઝર્ટ ‘કુનાફા’ આપ સૌ હઝરત માટે.

સામગ્રી :

૨૫૦ ગ્રામ રવાની સેવૈયા. (ઘઉં ની પણ ચાલે.)
૨૫૦ ગ્રામ રિકોટા ચીઝ
૨૦૦ ગ્રામ મોઝરેલા ચીઝ
૧/૨ કપ ખાંડ
૧ કપ ફૂલ ક્રીમ દૂધ.
૧ કપ બટર
૫-૬ ટીપાં ખાવાનો ઓરેન્જ કલર (૧ ચમચી, પાવડર હોય તો.)
૧/૨ કપ પિસ્તાની કતરણ
૧/૨ કપ રોસ્ટેડ કાજુ બદામ
૫-૬ ટીપાં ઓરેન્જ બ્લોસમ વોટર
૧ ચમચી બુરુ ખાંડ
ચાશણી બનાવવા માટે
૩ કપ ખાંડ
૨.૫ કપ પાણી
૧/૨ લીંબુ નો રસ
૨ ચમચી ગુલાબજળ

રીત :

ચાશણી બનાવવા માટે
એક જાડા તળીયાવાળી સોસપેન લઈ તેમાં ખાંડ અને પાણી ઉમેરી ધીમા તાપે ઓગાળો.
ખાંડ ઓગળી રહે ત્યારે તેમાં લીંબુનો રસ ઉમેરી ઊકળવા દો. આમ કરવાથી બધી અશુદ્ધિઓ ઊપર આવી જશે, જેને સાવચેતી પૂર્વક એક ચમચાની મદદથી તારવી લઈ દૂર કરો.
ચાશણીને ચલાવતાં રહેવી.
ગુલાબજાબું માટે વાપરવામાં આવતી ચાશણી જેવી બનવી જોઈએ.
દસેક મિનીટ ઊકળી રહે ત્યારે તેમાં ગુલાબજળ ઉમેરી બીજી ત્રીસેક સેકન્ડ માટે ઊકળવા દેવું.
ચાશણી ઠરે એટલે એક જારમાં ભરી લેવી.

કુનાફા બનાવવા માટે :

ચીઝની થોડી તૈયારી :-

કુનાફા બનાવવા માટે એક દિવસ અગાઉ ચીઝને નાનાં ટુકડાઓમાં સમારી એક પ્લાસ્ટિક કન્ટેનરમાં ચીઝ ડૂબે એટલાં પાણીમાં ડૂબાડી રાખવું. આમ કરવાથી ચીઝની ખારાશ દૂર થઈ જશે.
આ જારનું પાણી થોડી વારે બદલતાં રહેવું અને જારને ફ્રિજમાં રાખવી.

કુનાફા માટે :-

૧૨”ની કાચની બેકિંગ ડીશ લઈ તેમાં બટર મૂકો. આ બટર પર ફૂડ કલર મૂકી સિલિકોન બ્રશની મદદ વડે રગડતા જઈ બેકિંગ ડીશને ગ્રીઝ કરી લો. આ ગ્રીઝિંગ તમારી ડીશને સરસ મજાનો કલર આપશે.
જાડા તળિયાવાળી સોસપેનમાં એક ચમચો ઘી ગરમ કરો. તેમાં સેવૈયાને ધીમા તાપે શેકી લો. અલગ રાખો.

ચીઝની જારને ફ્રિજમાંથી બહાર લઈ એક ગરાણીથી ગાળી લઈ ચીઝને મલમલનાં કપડાં પર કોરું કરી લેવું. પછી આ ચીઝને મસળી લઈ અલગ રાખવું. આ ચીઝમાં એક ચમચી બુરુ ખાંડ અને ઓરેન્જ બ્લોસમ વોટર ભેળવી લેવું.

ઓવનને 190℃ પર પ્રિ-હિટ કરી લ્યો.
માખણને પીગળાવી લેવું.
સોસપેનમાં સેવૈયા પર પીગળેલું માખણ રેડી હાથેથી બરાબર ભેળવી લેવું.
૩/૪ ભાગની સેવૈયા લઈ ગ્રીઝ કરેલી ડીશ પર આ સેવૈયાનું એક સરખું લેયર ડિશના આકારમાં પાથરી લેવું. હળવા હાથે દબાવી લેયર ને ફર્મ કરી લેવું.

આ સેવૈયાની અંદર તૈયાર કરેલું ચીઝ બરાબર પાથરી લેવું.
બાકી બચેલી સેવૈયા વડે ચીઝને કવર કરી લેવું.
આ ડીશને પ્રિ-હિટેડ ઓવનમાં 190℃ પર ૩૦ મિનીટ માટે બેક કરવી.
બેકિંગ થવાથી પેસ્ટ્રી હલ્કી ગોલ્ડન કલરની થઈ જશે.
થોડું ઠંડુ પડ્યા બાદ એક બટર નાઇફની મદદથી પેસ્ટ્રીને ગ્લાસડીશ ની દીવાલથી છુટ્ટી પાડી લેવી.

યાદ રહે, સાવ ઠરી જવા દેવાનું નથી.મોટી સર્વિંગ ડીશને બેકિંગડીશ પર ઢાંકી, આ ડીશને ઊલ્ટાવી લેવાથી કુનાફા આસાનીથી બહાર આવી જશે. તૈયાર થયેલ કુનાફા પર અગાઉથી બનાવી રાખેલ ચાશણી એક સરખી રેડો. કાજુ-બદામ અને પિસ્તાની કતરણ વડે ગાર્નિશ કરી પીરસો.

કુનાફાનો લેફ્ટઓવર પોર્શન ફ્રિજમાં ત્રણ-ચાર દિવસ આરામથી સાચવી શકાય છે. બસ, પીરસવાના સમયે માઈક્રોવેવમાં ગરમ કરી લેવું. દોસ્તો, યકીન માનજો, આ રેસિપી વાંચવામાં ભલે લાંબી લાગે, બનાવવામાં સાવ સહેલી જ છે.

પલભર મેં તૈયાર?? નાં, એમ તો સમય લાગશે જ. આમે ય કોઈ નાયાબ ચીજ એમ થોડી બની જાય?

પણ હા, ખાનેમેં એકદમ મજેદાર છે, છે અને છે જ. બસ, આ બનાવો અને તમારાં પરિવારને અને હમનીવાલાઓને ખુશ કરી દ્યો.

રેસીપી – પ્રદીપ નગદિયા (રાજકોટ)

ટીપ્પણી