મને કહે તો, તું મને કેટલો પ્રેમ કરે છે?-ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મને કહે તો, તું મને કેટલો પ્રેમ કરે છે?

“તને બસ એ જ કહેવું છે કે બહુ નાજુક સ્થિતિમાં છું,

તને કહેતો નથી કે તું મને સંભાળવા આવે,

હું દોડીને તને વળગી પડું એવી સમજ ઝંખું,

નથી એવો નિયમ કે તું જ કાયમ ભેટવા આવે.”

    -જિગર ફરાદીવાલા.

પ્રેમ માણસને સપનાની દુનિયામાં લઈ જાય છે. પ્રેમ એટલે ખુલ્લી આંખે જોવાતું અલૌકિક શમણું. ચાર આંખો એક સપનું જોતી હોય ત્યારે કલ્પનાનું વિશ્વ સોળે કળાએ ખીલી જાય છે. એક સ્વર્ગ આપણી સામે રચાય છે. આપણી દુનિયા જેમાં આપણે બે જ હોઈશું. ઇચ્છાઓને વાવીશું અને સહિયારા પ્રયાસોથી સપનાંઓને ઉછેરીશું. આપણી સૃષ્ટિમાં સુખનાં ફૂલ ઊગશે અને તેની સુગંધથી આપણું જીવન મહેકી ઊઠશે. પ્રેમમાં હોય ત્યારે માણસ ખોવાયેલો રહે છે. થોડોક પોતાનામાં અને થોડોક પોતાની વ્યક્તિમાં એ મગ્ન હોય છે.

પ્રેમીની હાજરી ન હોય છતાંયે એનું સાંનિધ્ય વર્તાતું હોય છે. આપણે એની સાથે વાતો કરતા રહીએ છીએ. એનું નામ સતત મનમાં બોલાતું રહે છે. આપણા વિચારોમાં સતત એની હાજરી હોય છે. આપણે એવી રીતે સંવાદ કરીએ છીએ જાણે એ આપણી અંદર જ હોય! કંઈક સારું લાગે તો કહીએ છીએ કે, જો તો કેવું મસ્ત છે! કંઈ ન ગમે એવું હોય તો પણ કહેવાઈ જાય છે કે ભંગાર છે. આપણે આપણી વ્યક્તિથી જેટલા નજીક હોઈએ એટલી તીવ્રતા અનુભવી શકીએ છીએ. બે વ્યક્તિ વચ્ચે એવા વેવ્ઝ સર્જાય છે જે બંનેને કનેક્ટેડ રાખે છે. પ્રેમની તાકાત પ્રેમીઓ જ અનુભવી શકે. અમુક ઘટનાઓ તો ચમત્કાર જેવી લાગે છે. આપણે વિચારતા હોઈએ એવું જ આપણી વ્યક્તિ કરે ત્યારે એવું લાગે છે કે ઈશ્વરે તારું સર્જન મારા માટે જ કર્યું છે. એકસાથે કંઈક બોલાઈ જાય ત્યારે દિલથી અંદરથી એક લહેર ઊઠે છે. મને થાય છે એવું જ તને પણ થાય છે.

પ્રેમમાં હોઈએ ત્યારે વાતો કરવા માટે શબ્દોની જરૂર પડતી નથી. આંખો બોલતી હોય છે. ટેરવાંને વાચા ફૂટતી હોય છે. પ્રેમીનું ધ્યાન બીજે હોય ત્યારે એના ચહેરા ઉપર નજર મંડાયેલી રહે છે. કેવો હેન્ડસમ છે કે કેવી બ્યૂટીફૂલ છે! અંદરથી એક અનોખી ઉષ્મા જાગે છે કે આ મારી વ્યક્તિ છે. આના પર મારો અધિકાર છે. આંખો મળે એટલે નજર નીચી થઈ જાય છે. મેં તને જોઈ લીધો હવે તું મને નિહાળી લે. એવું શું હોય છે જે આપણને સતત જકડી રાખે છે? એના જ વિચારો આવે છે! એની નજીક જવાનું જ મન થાય છે! એની જ હાજરી વર્તાય છે!

એક યુવાનની વાત છે. બહુ જ સિન્સિયર. કરિયર માટે એકદમ ફોક્સ્ડ. શું કરવું છે એ એકદમ ક્લિયર. એણે મનોમન નક્કી કર્યું હતું કે આપણે કોઈ છોકરીના ચક્કરમાં પડવું નથી. એને ડર પણ હતો કે જો મારું ધ્યાન ભટકી જશે તો મારે જે હાંસલ કરવું છે એ હું કરી શકીશ નહીં. રોજ સવાર પડે એટલે વાંચવા માટે લાઇબ્રેરીએ પહોંચી જાય. એક વખત લાઇબ્રેરીમાં રેક ઉપરથી એક બુક લેવા જતો હતો ત્યારે જ બીજી બાજુથી એક છોકરીએ એ બુક લેવા હાથ લંબાવ્યો. બંનેની નજર મળી. બંનેએ કહ્યું કે તને જોઈએ છે, તો પહેલાં તું લઈ લે. બંનેને જોઈતી હતી અને બંને આપવા તૈયાર હતાં. હું પછી વાંચીશ તમે લઈ લો. બંને હસ્યાં, જાણે દિલની અંદર કંઈક થયું. બંને વાંચવા માટે પોતપોતાની જગ્યાએ ચાલ્યાં ગયાં.

દિમાગ ના પાડતું હતું કે નથી પડવું કોઈ ચક્કરમાં અને દિલ કહેતું હતું કે એને જોવાનું મન થયા રાખે છે. લાઇબ્રેરીમાં આવીને પહેલો સવાલ એ થાય કે એ આવી ગઈ કે એ આવી ગયો? એક દિવસ ન હોય તો પૂછવાનું મન થઈ આવે છે કે કાલે કેમ ન હતી? પ્રેમ તમને ખેંચે છે. મજબૂર કરે છે એકબીજા તરફ જવા માટે. ધીમે ધીમે હસવાનું અને પછી બોલવાનું શરૂ થયું. છોકરીએ કહ્યું કે મેં પણ એવું જ નક્કી કર્યું હતું કે કોઈ લફરામાં નથી પડવું, પણ આપણા બંનેના વિચારો તો સરખા જ છે! કોઈ મળે ત્યારે બધું ગમવા માંડે છે. મહેનત કરવાની પણ મજા આવે છે. એવું લાગે છે જાણે જીવવાનું કોઈ કારણ મળી ગયું. પોતાની વ્યક્તિ આપણને ‘લકી’ લાગવા માંડે છે. તું મને મળી કે તું મને મળ્યો પછી મારી સાથે બધું સારું જ થાય છે. એવું થતું પણ હોય છે, કારણ કે પ્રેમમાં હોય ત્યારે માણસ સૌથી વધુ પોઝિટિવ હોય છે!

પ્રેમ થાય ત્યારે તો બધું સારું લાગે છે, પણ ધીમે ધીમે પ્રેમની રિયાલિટી બહાર આવતી રહે છે. પ્રેમની તીવ્રતા પણ તમને અટકાવતી હોય તો સચેત થવું પડે. પ્રેમ આપણી ક્રિએટિવિટી વધારવો જોઈએ. પ્રેમ આપણને આગળ લઈ જવો જોઈએ. પ્રેમને સમજીએ નહીં તો આપણું ધ્યાન ભટકી જાય છે. જે કરવાનું હોય છે એ રહી જાય છે. એક છોકરીની આ વાત છે. તેને પોતાની સાથે જ સ્ટડી કરતા એક છોકરા સાથે પ્રેમ થયો. ભણવામાંથી ધ્યાન હટી ગયું. વાંચતી હોય તો પણ સતત ફોન જોવાનું મન થાય કે એ ઓનલાઇન છે? ઓનલાઇન ન હોય તો પણ તેને ઢગલાબંધ મેસેજ મૂકી દે. ઓનલાઇન હોય તો ચેટ જ કરતી રહે. સોશિયલ મીડિયામાં એનું સ્ટેટસ જોતી રહે. એવા ઘણા કિસ્સા આપણી નજીક છે કે, જે છોકરો કે છોકરી મોબાઇલથી દૂર રહેતાં હોય એ કોઈનાં સંપર્કમાં આવ્યા પછી મોબાઇલને સતત હાથમાં રાખવા માંડે. વોટ્સએપ જોયા રાખે. પોતાનો ફોટો એ જુએ એટલા માટે સ્ટેટસ અપલોડ કરે. તમે વિચાર કરજો. તમે કોના માટે ફોટો કે સ્ટેટસ અપલોડ કરો છો? અપલોડ કરતી વખતે તમારી નજર સામે કઈ વ્યક્તિ હોય છે?

અત્યારનો પ્રેમ ‘ઓનલાઇન’ થઈ ગયો છે. મોબાઇલ એ બે વ્યક્તિ વચ્ચે જાણે પ્રેમનું માધ્યમ બની ગયું છે. તેના કારણે જ ઘણી વખત છોકરો કે છોકરી, જે કરવું હોય છે એ કરી શકતા નથી. ધ્યાન ભટકી જાય છે. પ્રેમીઓએ એક વાત યાદ રાખવાની હોય છે કે, પ્રેમ એકબીજાને ખીલવવો જોઈએ. એકબીજાનાં સપનાં પૂરાં કરવામાં મદદ કરવો જોઈએ. તારે આ કરવું છેને, હું તારી સાથે છું. ફક્ત એકબીજાને પેમ્પર કરવાં એ પ્રેમ નથી.

દરેક પ્રેમીએ એક સવાલ તો પોતાની વ્યક્તિને પૂછ્યો જ હોય છે કે, મને કહે તો, તું મને કેટલો પ્રેમ કરે છે? એક છોકરીએ આ જ સવાલ તેના પ્રેમીને પૂછ્યો. પ્રેમીએ કહ્યું, અત્યાર સુધી કોઈએ કોઈને ન કર્યો હોય એટલો પ્રેમ હું તને કરું છું. હું ઇચ્છું છું કે તું સતત મારી સાથે રહે. તું મારા સિવાય બીજું કંઈ જ ન વિચારે. મારા સિવાય બીજા કોઈને ન જુએ! પણ પછી વિચાર આવે છે કે ના એ પ્રેમ નથી. હું તો તને એટલો પ્રેમ કરું છું કે હું તને તારી રીતે જીવવા દઉં. તું તારું લખતી, વાંચતી કે બીજું કોઈ કામ કરતી હોય ત્યારે તને કરવા દઉં, તારી ક્રિએટિવિટીમાં તને મદદરૂપ થાઉં, તારું સપનું સાર્થક કરવા તારી સાથે રહું. તને મારો કોઈ ભાર ન લાગે એટલી હળવાશથી રહું.

પ્રેમ આધિપત્ય બની જાય ત્યારે સમસ્યાઓ સર્જાય છે. ધીમે ધીમે ટેન્શન થવા લાગે છે. કોઈ કારણસર ઓનલાઇન ન થવાય તો એવો ડર લાગે છે કે એ નારાજ થશે! તને તો ગુડ મોર્નિંગ કહેવાની પણ ફુરસદ નથી. મારી કંઈ પડી જ નથી. હાજરી પુરાવવાનો ભાર લાગે ત્યારે સમજવું કે પ્રેમ પર વર્ચસ્વ જમાવવાની લડાઈ શરૂ થઈ છે. બ્રેકઅપ એ ઘણી વખત તો પ્રેમનો અતિરેક જ હોય છે. તારે આમ તો કરવાનું જ છે. ધીમે ધીમે નિયમો વધતા જાય છે અને પ્રેમ ઘટતો જાય છે. એકબીજા ઉપર નજર રાખવાનું શરૂ થાય છે. તારી પાસે બીજા બધા માટે સમય છે અને મારા માટે પાંચ મિનિટેય નથી. ઓનલાઇન હતો તો પણ મારો મેસેજ જોયો નહોતો. ધીમે ધીમે આવા સવાલો શંકા બની જાય છે. એને મારામાં રસ નથી તો બીજું કોણ છે જેની પાછળ એ પોતાનો સમય બરબાદ કરે છે? અત્યારના યંગસ્ટર્સને સૌથી વધુ ચિંતા એ વાતની જ છે કે પોતાની વ્યક્તિ ક્યાંક બીજા તરફ આકર્ષાઈ જાય નહીં! પોતાની વ્યક્તિ કોઈનાં વખાણ કરે તો એનાથી સહન નથી થતું! કોઈની પોસ્ટ લાઇક કરે કે કોઈના માટે કમેન્ટ કરે તો એનો ગરાસ લૂંટાઈ જાય છે. છોકરી પોતાના પ્રેમીના ફ્રેન્ડ્સનું લિસ્ટ તપાસતી રહે છે કે એના ગ્રૂપમાં કેટલી છોકરીઓ છે? છોકરો પોતાની પ્રેમિકાના અપેડટ્સ ચેક કરતો રહે છે. કયો છોકરો સૌથી વધુ કમેન્ટ કરે છે? કોણ એને વધુ પડતો ભાવ આપે છે? હમણાંનો એક સાવ સાચ્ચો કિસ્સો છે. એક છોકરાએ એક છોકરીને પ્રપોઝ કર્યું. બહુ સલુકાઈથી કહ્યું કે, હું તને પ્રેમ કરું છું. છોકરીએ કહ્યું, મને તારો પ્રેમ કબૂલ છે, પણ મારી એક શરત છે, એ તને મંજૂર હોય તો આપણે વાત આગળ વધારીએ! છોકરાએ પૂછ્યું કે હા બોલ, શું છે તારી શરત? છોકરીએ કહ્યું કે, તારા ફેસબુક ફ્રેન્ડ્સમાં છોકરીઓ છે એમાંથી હું કહું એટલી છોકરીઓને તારે અનફ્રેન્ડ કરી નાખવાની! હાઇટેક જનરેશનના ઝઘડા હવે સોશિયલ મીડિયાના કારણે થાય છે. એક છોકરાને તેની લવરે કહ્યું કે તું કંઈ પણ અપલોડ કરતો હોય એ પહેલાં તારે મને કહી દેવાનું. તારા સ્ટેટસમાં પહેલી લાઇક અને પહેલી કમેન્ટ મારી જ હોવી જોઈએ. તારા ઉપર સૌથી પહેલો મારો અધિકાર છે!

પ્રેમ સહજ હોવો જોઈએ. પ્રેમમાં પ્રયાસની જરૂર ન હોવી જોઈએ. હવે પ્રેમમાં સારું લગાડવું પડે છે. વારંવાર સાબિતી આપવી પડે છે કે હું તને પ્રેમ કરું છું. પ્રેમમાં પણ સરખામણી થવા લાગી છે. મારી બહેનપણીનો પ્રેમી એના માટે કેટલું બધું કરે છે, તું એવું કંઈ કરતો નથી! તું એટલો ક્રેઝી નથી! પ્રેમની કોઈ સાથે કમ્પેરિઝન ન હોય! દરેકનો પ્રેમ જુદો હોય છે, દરેકની પ્રેમ કરવાની રીત જુદી હોય છે. કોઈ પ્રેમ વાચાળ હોય છે તો કોઈ મૌન હોય છે, કોઈ ઉછળતો હોય છે તો કોઈ શાંત! તમને તમારી વ્યક્તિનો પ્રેમ સમજાય છે? મને ગમે છે, તું જેવો છે એવો કે તું જેવી છે એવી! કંઈ જ બદલવું નથી મારે તારામાં! તને મારે મારા જેવી નથી કરવી, પણ તું જેવી છે એવી જ તને રહેવા, ખીલવા અને જીવવા દેવી છે. પ્રેમ કરવા માટે પ્રેમને સમજવો જરૂરી છે. જો આપણે પ્રેમને સમજી શકીએ નહીં તો પ્રેમ ટકતો નથી. પ્રેમમાં સમાધાનો નહીં, સમજણ જરૂરી હોય છે! એકબીજાને મનાવવામાં જ જેનો સમય જાય છે, એના ભાગે પ્રેમ કરવાનો સમય ઓછો જ બચે છે!

છેલ્લો સીન :

લગ્ન માટે તો સપ્તપદી તૈયાર હોય છે, પ્રેમ પદારથ પામવાની ‘સ્નેહપદી’ આવડવી જોઈએ! -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

રોજ રોજ નવા વિચારો વાળા વિચાર લેખ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ 

ટીપ્પણી