આપણે જ આપણી ક્ષમતાનો પરિચય કરવો રહ્યો…શીખવા જેવું !

એક શહેરમાં એક વિશિષ્ટ હરિફાઇ રાખવામાં આવી. નગરની વચ્ચોવચ એક સરોવર હતુ એ સરોવરમાં અનેક સાપ રહેતા હતા અને બીજા ઝેરી જળચરો પણ હતા. હરિફાઇ એવી હતી કે બધા વિધ્નો પાર કરીને સરોવરની વચ્ચે ઉગેલા કમળના ફુલમાંથી એક ફુલ લાવવાનું હતું.

લોકો આ રસપ્રદ હરિફાઇ જોવા માટે એકઠા થયા પરંતુ કોઇ સરોવરમાં પડવા તૈયાર નહોતું. અચાનક એક યુવાને સરોવરમાં કુદકો માર્યો. સરોવરમાં પડતા જ એણે કિનારા તરફ ઉંચે જોયુ. અનેક લોકો ઉભા હતા અને આ યુવાનને સાબાસી આપતા હતા. તાળીઓના જોરદાર ગડગડાટથી બધા એના સાહસને વધાવી રહ્યા હતા. યુવાનમાં હિંમત આવી અને એ સરોવરના મધ્યભાગ તરફ આગળ વધ્યો.

થોડા સમયમાં એ બધી જ મુસિબતોનો સામનો કરતો કરતો કમળના ફુલ સુધી પહોંચી ગયો અને એક ફુલ લઇને પરત પણ આવી ગયો. લોકો ચિચિયારીઓ પાડીને આ સાહસવિરના શૌર્યને વધાવી રહ્યા હતા.

યુવાન કીનારા પર આવીને સીધો જ પોતાના મિત્રો ઉભા હતા ત્યાં ગયો અને હળવા અવાજે મિત્રો ને કહ્યુ , “ સાલાઓ , સાચુ બોલો તમારામાંથી મને કોણે ધક્કો માર્યો હતો? ”

આ વાત આપણે કદાચ ઘણીવખત એક જોક તરીકે સાંભળી છે પણ આ જોકની એક બીજી મજાની બાજુ પણ છે. પેલો યુવક કમળનું ફુલ લઇને પરત આવ્યો એનો મતલબ જ એ કે તેનામાં એ ક્ષમતા હતી જ પણ એને પોતાની જ જાત પર વિશ્વાસ નહોતો કે તે આ કામ કરી શકશે. જ્યારે મિત્રોએ ધક્કો માર્યો તો પોતાની એ ક્ષમતાનો પરિચય એણે બધાને કરાવ્યો એમ આપણે પણ સક્ષમ હોવા છતા કોઇ ધક્કો મારે એની રાહ જોઇને બેઠા છીએ.

સૌજન્ય : દીપેન પટેલ

ટીપ્પણી