ક્રિશ : ફોર, ફાઈવ, સિક્સ, સેવન…

Krrish-3

 

‘ક્રિશ’ની આવનારી સિક્વલોમાં જો મનમોહનસિંહ, રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદીને લીધા હોય તો?

 

કહે છે કે ‘ક્રિશ-થ્રી’ ફિલ્મે એક જ અઠવાડિયામાં ૧૦૦ કરોડ રૃપિયા બનાવી લીધા. પણ ઠીક મારા ભાઈ, એટલા રૃપિયા તો આપણા નેતાઓ માટે ચણા-મમરા બરોબર છે! એ લોકો ૧૦૦ કરોડ શું, ૧૦૦,૦૦૦ કરોડ રૃપિયા રમતાં-રમતાં બનાવી નાંખે છે!

એ હિસાબે આપણા કૌભાંડી નેતાઓ ક્રીશ કરતાં ય મોટા સુપરમેન છે. આમેય બિચારો રીતીક રોશન ક્યાં સુધી ક્રિશ બન્યા કરશે? ધારો કે આપણા સુપરનેતાઓને ‘ક્રીશ’નો રોલ આપવામાં આવે તો?…

* * *

શરદ પવાર એઝ ‘ક્રિશ-ફોર’

શરદ પવાર ક્રિશના કપડાં પહેરીને જમણાં ગાલ પર જમણો હાથ મુકીને શાંતિથી બેઠા છે.

લોકો હાંફળા ફાંફળા થતા આવે છે ”ક્રિશ! ક્રિશ! ગજબ થઈ ગયો! એક કાન્દા ખાન નામનો વિલન આપણા દેશ પર ત્રાટક્યો છે. એના સુપર પાવર વડે આખા દેશની ડુંગળીઓ ઊડી ઊડીને અવકાશમાં ખેંચાઈ જાય છે! ખેતરોમાંથી, બજારોમાંથી, સબ્જી-મારકેટમાંથી, અરે, ત્યાં સુધી કે મોટાં મોટાં ગોડાઉનોમાંથી ડુંગળી અદ્રશ્ય થઈ રહી છે! ક્રીશ! ક્રીશ! કુછ કરો…”

”જરૃર કરુંગા…” શરદ પવાર બગાસું ખાઈને આળસ મરડતાં કહે છે ”મૈં સિર્ફ ક્રિશ નહીં, ક્રિશ મંત્રી ભી હું…”

”યસ, યસ! તો કુછ કરો ના?”

”કરું છું, કરું છું…”

આમ કહીને શરદ પવાર એના જમણા ગાલ પર જમણો હાથ મુકીને દુઃખી ચહેરો બનાવીને બેસી રહે છે.

”અરે ક્રિશ! આમ ગાલે હાથ દઈને કેમ બેઠો છે? આ નવો વિલન દેશનો સફાયો કરી નાંખશે.”

”પણ હું હજી એક જુના વિલનને યાદ કરી રહ્યો છું.”

”કયો જુનો વિલન?”

”છે એક… ” પીડાથી શરદ પવારનું જડબું વધારે ત્રાંસુ થાય છે. ”…એણે મારા ગાલ ઉપર એક થપ્પડ મારી હતી!”

લોકો સ્તબ્ધ થઈ જાય છે. ત્રણ વરસ પહેલાં ખાધેલી થપ્પડનું દર્દ હજી આ ક્રિશને થાય છે? કઈ જાતનો છે આ નવો ક્રિશ?

”અરે એ થપ્પડને ભૂલી જાવ અને આ કાન્દા ખાનનું કંઈ કરો! અવકાશમાં ઊડી જતી ડુંગળીઓને ધરતી પર પાછી લાવો ક્રીશ!”

પણ ક્રિશ એમ જ બેસી રહે છે…

લોકો વિનંતી કરતા રહે છે પણ ક્રિશ ગાલ પર પંજો દાબીને બેસી જ રહ્યો છે. આખરે લોકો કંટાળીને પૂછે છે ઃ

”ક્રિશ! તું ક્યારે ઊભો થઈશ?”

”ક્યારે?” શરદ પવાર ઊંઘ ભેરલાં પોપચાં ઊંચા કરીને કહે છે ”મને શી ખબર? હું કંઈ જ્યોતિષી નથી!”

* * *

મનમોહનસિંહ એઝ ‘ક્રિશ-ફાઈવ’

”કમ ઓન ક્રિશ! કમ ઓન!” લોકોના ટોળેટોળાં ભેગાં થયાં છે ”આતંકવાદીઓએ દેશનાં ચારેચાર મહાનગરોમાં ખતરનાક બોમ્બ છૂપાવી દીધા છે! એ ફૂટશે તો તબાહી મચી જશે! કમ ઓન!”

મનમોહનસિંહ ક્રિશના ડ્રેસમાં ‘રેડી પૉઝ’માં છે. (એમનો રેડી પોઝ એટલે અદબ પલાંઠી અને હોઠ પર આંગળી!) બિચારા લોકો જાણે છે કે નવા ક્રિશની રેડી પોઝીશન છેલ્લા સાડા નવ વરસથી આવી જ છે. પરંતુ છૂટકો નથી…

”કમ ઓન ક્રિશ! જલ્દી કંઈક કરો… આ આતંકવાદીઓનું હવે કંઈક કરો…”

”હમ આતંકવાદીઓં સે બાતચીત કર સકતે હૈ…” ક્રિશના ગળામાંથી તીણો અવાજ નીકળે છે.

લોકો પોતાના વાળ ખેંચે છે, માથું કુટે છે, છાતી પર પંજા મારી છાજીયાં લે છે ”અરે બાતચીતનો સમય નથી! બોમ્બ કોઈપણ ઘડીએ ફાટશે! આ સમય વાતચીતનો નહિ, એક્શનનો છે…”

”એક્શન?” ક્રિશના કપાળ પર કરચલીઓ પડે છે. તે આંખો પટપટાવે છે. ચશ્માના કાચ આંગળી વડે લૂછે છે. પગની પલાંઠી છોડવાની કોશિશ કરે છે, પણ છૂટતી નથી. આખરે ક્રિશ કહે છે ઃ

”સોરી, મૈં એક્શન નહીં લે સકતા!”

”ક્યું?”

”ક્યું કિ મેરા રીમોટ લેકર કોઈ ઈટાલી ચલા ગયા હૈ…”

* * *

રાહુલ ગાંધી એઝ ‘ક્રિશ-સિક્સ’

રાહુલ ગાંધીને જ્યારે આ રોલની ઓફર મળી ત્યારે એ ખુબજ એક્સાઈટ થઈ ગયો હતો ”વાઉ! યુ મિન, આઈ વિલ બિ ધ ક્રિશ? હું ઉડતાં વિમાનોને બચાવીશ? તૂટી પડતાં મલ્ટીસ્ટોરી બિલ્ડીંગ્સને ઊંચકી લઈશ? સ્ટીટ્ઝર્લેન્ડની હાઈ-ફાઈ લેબોરટરીમાં ફાઈટીંગ કરીશ?”

”અરે, તમે તો મુંબઈની બ્રેક વગરની લોકલ ટ્રેનને પણ અટકાવશો.”

”વાઉ! રીયલી?” રાહુલબાબા ઉછળી પડયા તા. ”યુ મિન, મને ફરી એકવાર લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવા મળશે?”

”હા, અને એ પણ ટ્રેનના છાપરાં પર!”

”વાઉ!” રાહુલ ગાંધીએ ખુશ થઈને ‘ક્રિશ’નો રોલ કરવાની હા પાડી દીધી હતી. છતાં એ નર્વસ હતો. ”મારાથી આ રોલ સરખી રીતે થશે ને? લોકો મારી મજાક નહિ ઉડાવે ને?”

”અરે ના ના! મોટાભાગનું કામ તો કોમ્પ્યુટર ઈફેક્ટોથી જ થશે! તમારે તો ખાલી પરદા પર આવીને લખેલા સંવાદો બોલી જવાના છે!”

”વાઉ! આ તો કોંગ્રેસના વાઈસ-પ્રેસીડેન્ટ થવા જેટલું જ સહેલું છે!”

ટુંકમાં, ‘શેહજાદા’ તરીકે સુપરફેમસ બની ગયેલા સ્ટાર રાહુલ ગાંધી ‘ક્રિશ-સિક્સ’નો રોલ ભજવવા માટે રાજી થઈ ગયા છે એ વાતથી આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત એક્સાઈટમેન્ટ ફેલાઈ ગયું હતું.

શૂટિંગના પહેલા જ દિવસે આખું યુનિટ હાજર છે. ભવ્ય ઝગમગાટભર્યો હાઈ-ફાઈ સેટ લાગી ચૂક્યો છે. એના પર ચકાચક લાઈટીંગ થઈ ચૂક્યું છે. બસ્સો પાંચસો એક્સ્ટ્રા કલાકારો ચળકતાં વસ્ત્રો પહેરીને ડાન્સની પ્રેક્ટીસ કરી રહ્યા છે. તમામ ટેકનિશીયનો શૂટીંગ શરૃ થાય એની રાહ જોતા ઊભા છે.

પણ અડધો કલાક… કલાક… બે કલાક થવા છતાં રાહુલ એના મેકપ રૃમમાંથી બહાર આવતો નથી!

બધા ટેન્શનમાં આવી જાય છે. શું થયું?

આખરે ફિલ્મના પ્રોડયુસરો, ડિરેક્ટર, કેમેરામેન અને બીજા ચાર પાંચ માણસો અંદર જઈને પૂછે છે ”ક્યા હુઆ ? આપ સેટ પર ક્યું નહીં આ રહે?”

જવાબમાં રાહુલ રડવા માંડે છે ”એંએંએં… ઉન્હોંને ક્રિશ થ્રિ મેં મેરે પિતાજી કો માર ડાલા… ક્રિશ ટુ મેં મેરી નાની કો માર ડાલા… એક દિન વો લોગ મુઝે ભી માર ડાલેંગે… એંએંએં…”

* * *

નરેન્દ્ર મોદી એઝ ‘ક્રિશ-સેવન’

”હું કંઈ આવા ક્રિશ-ફ્રિશના રોલ કરતો નથી!” નરેન્દ્રભાઈ તો રોકડું જ પરખાવશે. ”હું તો હવે ઈન્ટરનેશનલ સ્ટાર થઈ ગયો છું. જો તમારી પાસે સુપરમેન, બેટમેન, સ્પાઈડરમેન, રેમ્બો કે એવા હોલીવૂડના રોલ હોય તો જ વાત કરજો…”

”પણ સર, સુપરમેન બેટમેન વગેરે તો -”

”અરે તમને ખબર જ ક્યાં છે? મારા લાખો ચાહકો અમેરિકામાં છે! તમે આખી ફિલ્મનું શૂટિંગ અમેરિકામાં કરજો. ફિલ્મ સુપરહિટ થઈ જશે.”

”પણ સર, ફિલ્મ તો હિન્દી છે. ઈન્ડિયાના ઓડીયન્સ માટે છે.”

”તો શું થયું? તમે સ્ટોરીમાં એવું લાવો કે ઈન્ડિયાને બરબાદ કરનારા પાકિસ્તાની વિલનો ભાગીને અમેરિકામાં છૂપાઈ ગયા છે અને હું આખા અમેરિકામાં ફરી ફરીને એમને ચૂન ચૂન કર મારી નાંખું છું. તમે બસ, આખું શૂટીંગ અમેરિકામાં કરો…”

”પણ સર, તમે અમેરિકામાં જ શૂટિંગ કરવાનું શા માટે કીધા કરો છો?”

”એમાં એવું છે…” ભવિષ્યના ક્રિશ ધીમે રહીને કહેશે ”મને અમેરિકાનો વિઝા જોઈએ છે!”

સૌજન્ય : મનુ શેખચલ્લી

ટીપ્પણી