રૂપેશ ગોકાણી લિખિત કોફી હાઉસ પાર્ટ – 2 & 3 !! વાંચો અને માણો…!!

જો તમારે ભાગ એક વાંચવાનો બાકી હોય તો અહી વાંચો : કોફી હાઉસ ભાગ – ૧

મારુ મુળ વતન ખેડા જિલ્લાનુ નડિયાદ શહેર. મારા મામાનો પરિવાર રાજકોટ રહે એટલે મે બાર કોમર્સ પુરુ કરી લીધુ એટલે મામાના ઘરે કોલેજ કરવા આવ્યો. ચરોતર અને કાઠિયાવાડમાં ખુબ જ તફાવત. હુ નાનકડો હતો ત્યારે પણ કયારેય રાજકોટ મામાના ઘરે આવ્યો ન હતો કારણ કે મારી મમ્મીના લગ્ન પછી થોડા જ સમયમાં પપ્પા અને મામા વચ્ચે અણબનાવ બની ગયો હતો એથી તેઓ વચ્ચે બોલવાનો પણ વ્યવહાર ન હતો. મારા પિતાજી મોહનબાપા સ્વભાવે ખુબ જ કઠોર હતા. હુ તેમનુ એકનુ એક સંતાન હતો. મારે કોઇ ભાઇ બહેન ન હતા. આથી હુ અને મમ્મી પપ્પાથી ખુબ જ ડરતા હતા.

ગુસ્સો હમેંશા તેની સાથે જ રહેતો હતો. તેની પીઠ પાછળ બધા તેને સાક્ષાત હિટલરનો અવતાર કહેતા. અમારે વીસ વિઘાનુ વિશાળ ખેતર હતુ અને મારા પિતાજી ગામના જાગીરદાર પણ ગણાતા હતા. વ્યાજ વટાવમાં તે જરૂરિયાતમંદોને પૈસા ધીરતા હતા. તેનો સ્વભાવ જોઇને મોટે ભાગે બધા પૈસા પાછા આપી જતા હતા. કયારેય તેમના પૈસા ડુબતા નહિ. કોઇ પૈસા સમયસર ન આપી શકે તો પિતાજી સામે તેનુ આવી જ બનતુ.

પપ્પા ઘરે હોય એટલે બધા ફફડતા જ રહેતા નાનકડી અમથી વાત હોય તો પણ તે બધાને ખખડાવી નાખતા. સામે વાળી વ્યકિત સાથે ભલે સાવ સંબંધ વણસી જાય કોઇ પણ જાત નો આગળ પાછળનો વિચાર કર્યા વિના તેઓ બસ પોતાની કટુતા ફેલાવ્યા કરતા હતા. આમ જ મામા સાથે પણ સંબંધ વણસી ગયો હતો. નાની અમથી વાતમાંથી સંબધ સાવ વણસી ગયો હતો.

ઘરમાં મારા દાદા ખુબ જ સારા હતા. સાવ રમુજી કેરેકટર. તેને કોઇ વાતનુ ખોટુ ન લાગે. તે નાના મોટા સૌના મિત્ર હતા. તેનો સ્વભાવ જોઇ કોઇ પણ એમ ના કહે કે મોહનબાપા તેમના સંતાન હશે. પણ મારા દાદા હમેંશા કહેતા કે મોહનો તેની મા પર ગયો છે તેની મા ગાયત્રી એટલે મારા દાદી પણ એવા જ ગુસ્સાવાળા સ્વભાવ ના જ હતા. મારા દાદાએ હસતા હસતા મારી દાદીનો સ્વભાવ સહન કર્યો અને જીંદગી જીવી લીધી.

મારી માતાએ પિતાજીના હિસાબે ઘણુ સહન કરવુ પડતુ હતુ. પરંતુ કુટુંબની ઇજ્જત અને દાદાના પિતાતુલ્ય સ્વભાવને કારણે તે બધુ મુંગા મો એ સહન કરી લેતી હતી. પિતાજીનો માર પણ તે બિચારી સહન કરી લેતી. ક્યારેક છાના ખુણે રડીને પણ જીવતી હતી. સાવ સુકાઇને કાંટા જેવી બની ગઇ હતી મારી માતા. અને મારા પિતાજી પાંચ હાથ પુરા અલમસ્ત. દિવસે દિવસે તેની તંદુરસ્તી ખીલતી જતી હતી. અને મારી માતા સુકાઇ જતી હતી.

હુ નાનકડો હતો ત્યારે તો ડરીને ફફડતો રહેતો પરંતુ જેમ મોટો થતો ગયો અને સમજ શક્તિ આવતી ગઇ તેમ પપ્પા સાથે પ્રોબ્લેમ થવા લાગી. હુ તેની સામે બોલવા લાગ્યો અને જેના કારણે તે વધારે ઉશ્કેરાઇ જવા લાગ્યા. વાતે વાતમાં અમારી વચ્ચે અનબન વધવા લાગી. અમને બંન્નેને કોઇ વાતે બનતુ ન હતુ. ગામ આખુ તેનાથી ફફડતુ રહેતુ અને હુ તેની સામે લડતો આખરે તેનુ જ લોહી હતુ. અમારી વચ્ચે વધારે દુરી ના વધે તેથી મારા દાદાએ મને રાજકોટ મારા મામા ના ઘરે કોલેજ કરવા મોકલી દીધો. મારા દાદાના હિસાબે જ મામા સાથે સંબંધ સુધારી શકાયા હતા. કોલેજમાં આવીને હુ મુક્ત બની ગયો હતો. મને મારા પપ્પાથી દુર જવાનો આનંદ હતો. બસ મમ્મી અને દાદાની બહુ યાદ આવતી હતી. ભલે ને પપ્પા સામે થઇ જતો પરંતુ આમ તે મારા પપ્પા જ હતા તેથી ઘરમાં સાવ બંધન જ હતુ. તેની ઇચ્છા વિના પાંદડુ પણ ન હલી શક્તુ. મારી મમ્મી બિચારી તેમાં પીસાતી રહેતી હતી. હવે મે નક્કી કરી લીધુ હતુ કે ગમે તેમ કરીને મમ્મીને મારે તે કારાગારમાંથી બહાર કાઢવી હતી. નડિયાદ હતો ત્યારે વિચાર્યુ હતુ કે પપ્પા સામે લડી લઇશ પરંતુ રાજકોટ આવીને વિચાર બદલી નાખ્યો. હવે મારે એક વ્યવસ્થિત નોકરી શોધીને મમ્મી અને દાદાને લઇ પપ્પાથી દુર રહેવા જતુ રહેવુ હતુ. પરંતુ કિસ્મત આગળ ક્યા આપણુ કાંઇ ચાલે છે.

આથી રાજકોટ આવીને નક્કી જ કર્યુ હતુ કે કોલેજ સાથે જ કોમ્પીટીટીવ એકઝામ માટેના એકસ્ટ્રા કલાસ પણ કરીશ અને ખુબ જ મહેનત કરીશ અને સારી નોકરી મેળવીશ અને મમ્મી ને લઇ પપ્પાથી બહુ દુર જતો રહીશ.

કોલેજની રંગીન લાઇફ વિશે પુસ્તકોમાં ઘણુ વાંચ્યુ હતુ અને ટી.વી. પણ જોયુ હતુ. સ્કુલમાં અમે બધા મિત્રો પણ ઘણ્રીવાર તેના વિશે ચર્ચા કરતા રહેતા હતા. આથી રાજકોટ આવ્યા સાથે મે નક્કી કર્યુ હતુ કે કોલેજની રંગીન લાઇફમાં ફસાવુ નથી અને ગોલ તરફ જ ધ્યાન આપવુ છે. પણ કિસ્મત જેનુ નામ અને ટીનેજર જેવી વય. ગોલ પુરા ન થવા દે.

પહેલા જ દિવસે કોલેજ ગયો ત્યારે તેની રંગીનતાનો પરિચય આવી ગયો. પરંતુ હુ તેમાં ફસાયા વિના માત્ર અભ્યાસ પર જ મારુ પુર્ણ લક્ષ્ય રાખતો હતો. કોલેજના ફ્રી લેકચર કે બોરિંગ લેકચરમાં હુ મારો સમય લાયબ્રેરીમાં પસાર કરતો.

સાંજે હુ કોમ્પીટીટીવ એકઝામ માટેના કલાસમાં જતો. કલાસ બાદ એકાદ કલાક પબ્લિક લાયબ્રેરીમાં વાંચવા જતો હતો. રજાના દિવસે પણ પબ્લિક લાયબ્રેરીમાં જતો રહેતો હતો. છ મહિના સુધી કોલેજની એકેય રંગીનીઓ મારા પર આવવા દીધી ન હતી. હુ ભલો અને મારા પુસ્તકો ભલા. સતત અભ્યાસથી મારો આઇ.ક્યુ. લેવલ સારો એવો વધી ગયો હતો. એવુ ન હતુ કે કોલેજમાં મારા કોઇ મિત્રો ન હતા.

મારે અઢળક મિત્રો હતા તેમાં ગર્લ્સનો પણ સમાવેશ થતો હતો કારણ કે હુ સ્કોલર વિદ્યાર્થી હતો. બધા વિષયોમાં હુ નિષ્ણાત એટલે કોલેજમાં હુ પ્રચલિત હતો પણ કોઇ આડા અવળા રસ્તાથી દુર જ રહેતો મને હમેંશા મારી માં નો રડમસ ચહેરો યાદ આવી જતો દાળમાં મીઠ્ઠુ ઓછુ પડી જવા જેવી નાનકડી બાબતમાં મારા પિતાજી થાળીનો ઘા કરતા અને મમ્મી ને બધા વચ્ચે ખખડાવી નાખતા અને કયારેક તમાચો મારી દેતા પણ અચકાતા નહિ.

આજે સરકાર સ્ત્રી પર થતા અત્યાચાર રોકવા માટે ખુબ પ્રયત્ન કરે છે. એવો અત્યાચાર મેં રોજ મારી નજર સામે જોયો છે. મારી બિચારી પારેવા જેવી માં એક દિવસ નહિ હોય જયારે તે રડી નહિ હોય અને હવે તે રડી રડીને કઠોર બની ગઇ હતી. પરંતુ તેની અંદરની સંવેદના સુકાઇ નહોતી તેને પણ પ્રેમ જોઇતો હતો. ભરપુર પ્રેમ. પણ તે આપવવા વાળુ કોઇ ન હતુ. મારે હવે તેને સ્વંત્રતતા અને પ્રેમ બધુ આપવુ હતુ. જેના માટે ખુબ જ મહેનત કરતો રહેતો.

આમ ને આમ છ મહિના તો વિતી જ ગયા પછી એક દિવસ હુ કોલેજની લાયબ્રેરીમાં હરકિશન મહેતાનુ મુક્તિ બંધન પુસ્તક વાંચતો હતો. મોટેભાગે કોલેજની લાયબ્રેરીમાં હુ અભ્યાસ વિષયક વાંચતો પરંતુ ત્યારે જરાક માથુ દુ:ખતુ હતુ. તેથી હળવાશ માટે નોવેલ વાંચી રહ્યો હતો. હરકિશન મહેતાની રસમય શૈલીમાં હુ ડુબેલો હતો ત્યારે, “એસક્યુઝ મી પ્લીઝ” એક કોયલ આવીને મારી પાસે ટહુકી. મે મારી નોવેલમાંથી માથુ ઉંચુ કરીને જોયુ તો હુ જોતો જ રહી ગયો.

કોફી હાઉસ પાર્ટ – 3

મારી નજર કુદરતે બનાવેલા એ બેનમુન કરિશ્મા પર અટકી જ ગઇ. શું બેનમુન સુંદરતા હતી. ગોરી ગોરી દુધ જેવી તેની ત્વચા હતી. અડવાથી પણ મેલી થઇ જાય તેવી ચમકદાર અને લાંબા લાંબા કાળા છુટ્ટા રાખેલા વાળ જેમાંથી એક અલગ જ સુંગધ આવી રહી હતી. બ્લેક કલરના ટોપ અને ઓફ બ્લ્યુ જિન્સ પહેર્યુ હતુ. નાકમાં નથ અને હાથમાં સોનાની વીંટી. એક હાથમાં પુસ્તક અને બીજા હાથમાં એકટિવાની ચાવી ઝુલાવતી કોયલ મારી પાસે રણકી ત્યારે હુ હોંશ ભુલીને તેને જોતો જ રહ્યો. “એઝક્યુઝ મી મિસ્ટર હુ તમને જ કહુ છુ.” તે બીજીવાર બોલી ત્યારે મને ભાન આવ્યુ.

“ હા બોલો ને હુ તમારી શુ મદદ કરી શકુ?” તેના કોયલ જેવા મીઠા મધુરા અવાજ સામે મે લગભગ કાગડા જેવા સ્વરે કહ્યુ. “ તમે બે મિનિટ બાજુના કોફીહાઉસમાં મારી સાથે કોફી પીવા આવી શકશો.” “શુ?” અનાયાસે આઘાતના માર્યા મારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા. એક સુંદર પરી જેવી છોકરી કોઇ પણ જાતની ઓળખાણ વિના મને કોફી માટે આમંત્રણ આપી રહી છે. હુ ઘડીભર આઘાત પામી ગયો કે આ બધુ શુ બની રહ્યુ છે?

“હુ…… તમને…. એમ….. કહી ……. રહી…… છુ કે…… તમે …….. બે…… મિનિટ….. મારી સાથે…… કોફી….. પીવા….. આવશો.??? સમજાય ગયુ હવે? કે બીજી કોઇ ભાષામા સમજાવવુ પડશે?” તેને લગભગ બધા શબ્દો પર ભાર આપીને કહ્યુ.

“હા.. હા સમજાય ગયુ.” મે બાઘાની જેમ કહ્યુ. તે હસી પડી અને બોલી તો ચાલો હવે. હુ હરકિશન મહેતાને કબાટમાં મુકીને મારી પરી સાથે ચાલી નીકળ્યો. હા મને લવ એટ ફર્સ્ટ સાઇટ થઇ ગયો. તેની સામે માથુ ઉચુ કરીને જોતા જ મને પ્રેમ થઇ ગયો. ન જાણે કેમ? દિલની વાતો દિલ જ સમજી શકે. ન હુ તેને ઓળખતો હતો ન તેનુ નામ આવડતુ હતુ.

તેને કોલેજમાં પણ મેં પહેલી વાર જ જોઇ હતી. તે વિદ્યાર્થીની હતી કે પ્રોફેસર કાંઇ પણ ખબર ન હતી છતાંય હુ તેના પ્રેમમાં પડી ગયો હતો.

હું તો તેની સાથે ચાલતો થઇ ગયો કોફીહાઉસ. તેની ચાલવાની સ્ટાઇલ,તેના અંગોની નાજુકતા અને તેનુ સુડોળ શરીર આ બધુ મને તેના તરફ આકર્ષી રહ્યુ હતુ. કોફીહાઉસમાં આવતા જ તેણે ખુણાના ટેબલ પર જગ્યા લીધી અને ચેર પર બેસી ગઇ પણ હું તો બસ તેના રૂપ સૌંદર્યનુ આંખોથી પાન કરે જતો હતો અને મારી આંખોને ઠંડક આપી રહ્યો હતો. હું એટલુ ભાન ભુલી ગયો હતો કે તેની સાથે બેસુ તો ખરો!! બસ જેમ એક વેઇટર ગ્રાહકના ઓર્ડરની રાહ જુવે તેમ હું ત્યાં તેની સામે ઉભા ઉભા તેને જોઇ રહ્યો હતો.

“હેલ્લો……આઇ એમ ટોકીંગ વીથ ઉ મિસ્ટર. વેર આર યુ?” કહેતા મને તેણે હળવેથી તેના હાથ વડે સ્પર્શ કર્યો.

હું ચોંકી ગયો .”યસ…સો….રી….હું….હું….હુ અહી બેસી જાઉ છું.” શું બોલવાનુ છે તે પણ હું ભુલી ગયો અને ત્યાં તેની બાજુની ચેર પર બેસી ગયો.

હું તો હજુ બેઠો કે ત્યાં તેણે ખડખડાટ હાસ્ય શરૂ કરી દીધુ. તેની એ હસી આજે પણ હું તમને વાત કરું છું ત્યારે મને સંભળાઇ રહી છે. શું તેનુ નિર્દોષ હાસ્ય હતુ? એમ થતુ હતુ કે તેના આ હાસ્ય પર તો મારુ જીવન તેના પર ન્યોચ્છાવર કરી દઉ. તેના એ દાડમના દાણા જેવા દાંત. તેના એ મખમલી હોંઠ. નમણો ચહેરો અને હસ્તી ત્યારે તેના ગાલમા પડતા ખંજન……જાણે ભગવાને બહુ ફુરસતની પળોમા તેને બનાવી હશે.

“પણ અંકલ તેનું નામ તો કહો જરા? એ હતી કોણ? તમને મળવા કેમ આવી હતી?” પાર્થ જીજ્ઞાસાવશ વચ્ચે બોલી ઉઠ્યો.
“એ પાર્થયા છનોમાનો રે’ને. બોલવા દે પ્રવીણ્યાને. આ તો બહુ મોટો છુપો રૂસ્તમ નીકળ્યો સાલો..” હરદાસભાઇ હસતા હસતા બોલ્યા…

“હું તેની સામે બેઠો બેઠો તેના આ અવિરત હાસ્યના ધોધમા ભીંજાતો હતો ત્યાં તે હસતા હસતા બોલી, “શું તમે ક્યારેય કોઇ ગર્લ સાથે વાતચીત નહી કરી કે શું? તે આટલા ગભરાઇ રહ્યા છો? બહુ ભોળા છો તમે તો. બાય ધ વે માય નેમ ઇઝ કુંજન.”

“કુંજન…..વાહ શું નામ છે? જેવી બોલી છે તેવુ જ નામ છે..કુંજન……કુંજન….કુંજન…” મારા મનમા તો તેના નામની માળા જપવાનુ શરૂ થઇ ગયુ.

“હું આ કોલેજમા ન્યુ એડમિશન થઇ છું. મારા ફાધર રાજકોટમા ડીસ્ટ્રીક્ટ જજ ની પોસ્ટ પર ટ્રાન્સફર થયા છે. હું આ કોલેજમા નવી છું તો મને અહીનો કોઇ ખાસ પરિચય નથી,પણ પ્રીન્સીપલે મને તમારુ નામ સજેસ્ટ કર્યુ છે કે તમારી પાસેથી બધી નોટસ લઇ લઉ જેથી મારુ સ્ટડી આગળ વધી શકે.”

એક વાર તો એમ થયુ કે દોડતો જઇ પ્રીન્સીપાલને પકડી તેને ગળે લગાડી જાદુની જપ્પી આપી દઉ કે તેણે આ કુંજને મારુ નામ સજેસ્ટ કર્યુ. “તો શું તમે મને તમારી નોટસ આપશો જેથી હું ….”

“હાસ્તો વળી. તેમા એ વળી પુછવાનુ હોય. એક ફ્રેન્ડ તરીકે હું તમને મદદ જરૂર કરીશ જ.” હવે મને થોડો આત્મવિશ્વાસ આવ્યો અને થોડી ગભરાહટ દૂર થઇ. “બાય ધ વે. આઇ કમ્પ્લીટલી ફરગેટ ટુ આસ્ક યુ,વોટ ડુ યુ પ્રીફર? ટી ઓર કોફી?”

“આઇ જસ્ટ પ્રીફર યોર સ્માઇલ કુંજ,તારી સ્માઇલમા તો એક અલગ જ પ્રકારનો નશો છે જે ટી કે કોફીમા ન મળે.” “ઓ….હેલ્લો વળી ક્યાં ખોવાઇ ગયા?” મારા વિચારોને તેણે બ્રેક મારી દીધી. “આઇ જસ્ટ પ્રીફર કોફી એન્ડ વોટ વીલ યુ પ્રીફર?” “એઝ યુ લાઇક , આઇ અલ્સો ટેક કોફી.”

વેઇટરને ઓર્ડર આપ્યો અને ફરી મારા વિચારોએ ગતિ પકડી, “કાશ..આજે આ વેઇટર કોફી લઇને મોડો આવે ત્યાં સુધી આ કુદરતના બેનમુન બાગમાં હુ ફરતો રહું અને કોયલના ટહુકા સમાન કુંજનની વાણીને મારા કર્ણપટલ પર ઝીલતો જ રહું”

“તમારું નામ પ્રવીણ છે રાઇટ?” હાસ્તો. આઇ એમ પ્રવીણ અને મારા કોલેજ ગૃપના મિત્રો બધા મને પ્રેય કહીને બોલાવે છે. પ્રેય ઇઝ માય નીકનેઇમ.”

“વેરી નાઇસ નેઇમ. આઇ લાઇક ધીસ નેઇમ પ્રેય.” તેની મીઠી વાણીથી મારા નામનું ઉચ્ચારણ થતા જ મારા શરીરની રોમાવલી ધૃજી ઉઠી.વાહ…..તેના કંઠે મારુ નામ કેટલુ શોભી રહ્યુ છે? શું બોલવાનો લહેકો છે તેનો….

“સો ઇટઝ ડીસાઇડેડ ધેટ, નાઉ યુ અલ્સો કોલ મી પ્રેય.વીલ યુ???” મે જરા ઇમ્પ્રેશન જમાવતા પુછી લીધુ.

તેણે પણ વિના સંકોચે હકારાત્મક સ્માઇલ આપી અને હું સમજી ગયો કે આપણી સ્ટાઇલ તેના પર કામ કરી ગઇ.

થોડી વારમા જ વેઇટર કોફી લઇ આવ્યો અને અમે બન્નેએ કોફીનો સ્વાદ માણવાનુ શરૂ કરી દીધુ.

“હું આ કોફીહાઉસમા અવારનવાર કોફી પીવા આવુ છું પણ આજે જે કોફીનો ટેસ્ટ આવે છે તેવો ટેસ્ટ મને આ પહેલા ક્યારેય પણ આવ્યો નથી.” વળી તે હસવા લાગી. “બહુ માખણ ન લગાવો પ્રેય…થોડુ બાકી રાખો. હજુ તો આજે આપણી પહેલી જ મુલાકાત છે. આગળની મુલાકાત માટે થોડુ માખણ બાકી રાખો” કહેતા ફરી હસવા લાગી તે…

થોડી વાર બધી વાતચીત કરી તેને જોઇતી નોટસ આવતી કાલે કોલેજ લાવવાનુ પ્રોમીસ મેળવી તેણે નીકળવાની રજા લીધી. તેની વાતોમાં ગજબની સૌમ્યતા અને નાજુકતા હતી. મન તો એમ કહેતુ હતુ કે કલાકો ને કલાકો તેની મીઠી વાતો સાંભળતો જ રહુ પણ હજુ એ કહેવા જેટલુ સામર્થ્ય કે અધિકાર મને તેના તરફથી મળ્યા ન હતા એટલે તેને “બાય…બાય…” કહી મે વિદાય આપી અને તેને જતી હું જોતો રહેતો ત્યાં જ બેસી રહ્યો. થોડી વાર બાદ વેઇટર આવતા મને સમયનું ભાન થયુ અને હું પણ તેની સાથેના મધુર પળોને વાગોળતો બહાર નીકળ્યો અને આવતી કાલના પ્રભાતની કાગડોળે રાહ જોવા લાગ્યો.

બીજે દિવસે જાણે ઉગતા સુર્યને નીહાળવાની તાલાવેલી સાથે હું વહેલો જાગી ગયો અને જલ્દીથી રેડી થઇ અને કુંજ પર ઇમ્પ્રેશન જમાવવા મસ્ત જીન્સ ટી-શર્ટ પહેરી કોલેજ જવા નીકળી ગયો અને કોલેજના ગેઇટ પર જ તેની રાહ જોતો ઉભો રહી ગયો.

મારા મનના મિતને નીહાળવાની એટલી એ તાલાવેલી હતી કે નજર સતત કોલેજના બન્ને બાજુના રસ્તા પર ભમી રહી હતી કે કુંજ (મનોમન મે પણ તેનુ નીકનેઇમ કુંજ રાખી દીધુ હતુ) ક્યા રસ્તેથી આવશે. મારા ગૃપના બીજા મિત્રોએ નીકળતી વખતે મને અંદર આવવાનુ કહ્યુ પણ બધાને કોઇ ના કોઇ બહાના આપી મે અંદર જવાનુ ટાળી દીધુ. સમય વીતતો જ ગયો પણ કુંજ આવી નહી. શું કાલે અમે મળ્યા તે કોઇ જલપરી મારી સાથે રમત રમી ગઇ એવા વિચારો એ મને ઘેરી લીધો અને બધા વિદ્યાર્થીઓ વર્ગમા જતા લાસ્ટમા મારે પણ વર્ગ તરફ મારા પગને ઘસેડવા પડ્યા. મન કહેતુ હતુ કે પ્રેય હજુ થોડી રાહ જો કદાચ કુંજ આવી જાય અને મગજ એમ કહેતુ હતુ કે કોલેજમાંથી જ કોઇએ તેની સાથે મજાક કરી છે. હવે એ બધુ ભુલી જા અને સ્ટડી તરફ મનને કેન્દ્રીત કર. આમ મન અને મગજની દલીલો ને સાંભળતા સાંભળતા શુન્ય બની હું ક્લાસ તરફ નાછુટકે આગળ વધ્યો.

ક્લાસમા જતા જ ચારે તરફ મારી નજર કુંજની શોધમા ફરી વળી અને ધીમે ધીમે હું લાસ્ટ બેન્ચ પર જઇ બેસી ગયો. દરરોજ મારી સાથે બેસનાર ધ્વનીને પણ ઇગ્નોર કરી હું ઉદાસ ચહેરે બેસી ગયો. પ્રોફેસર શિંઘલ સાહેબ કલાસમાં આવી ગયા. પ્રોફેસર શિંઘલ મારા પ્રિય પ્રોફેસર. હું તેમના બધા લેક્ચર અટેન્ડ કરું. ક્યારેય તેમનું લેક્ચર બન્ક કરુ નહી પણ આજે મને તેમના લેક્ચરમાં પણ કાંઇ ખાસ રૂચિ પડતી ન હતી.

વારે વારે મન દોડીને કુંજ પાસે જતુ રહેતુ હતુ. મનમાં વિચાર આવ્યો કે તે કદાચ કેન્ટિન કે લાયબ્રેરીમાં તો નહિ હોય ને? આ લેકચર પુરુ થાય પછી ત્યાં તપાસ કરુ એવુ વિચાર કરતો હતો ત્યાં મારા કર્ણને પ્રિય લાગતા અને મને જે સાંભળવાની તિવ્ર તાલાવેલી હતી તેવા શબ્દોનો ગુંજારવ મને સંભળાયો. પ્રથમ મેઘના અમિછાંટણા પડતા જેમ મોર કળા કરી નાચી ઉઠે અને તેના ટેહુંક…..ટેહુંક…..સ્વરે આસપાસના પરિસરને આનંદિત કરી દે તેમ આ અવાજ સાંભળતા જ મારુ મન સોળે કળાએ ખીલી ઉઠ્યુ.

“મે આઇ કમ ઇન સર?” લેઇટ પહોંચેલી કુંજને પુછ્યુ. “નો,યુ મે નોટ કમ ઇન માય લેક્ચર. આઇ ડોન્ટ લાઇક ધ સ્ટુડન્ટ્સ વ્હુ હેઝ નો સેન્સ ઓફ ટાઇમ. સો યુ મે ગો આઉટસાઇડ ઓર વ્હેરેવર યુ લાઇક.”

પ્રોફેસર શિંઘલના આવા આન્સરથી આખો ક્લાસ મનમાંને મનમાં હસવા લાગ્યો પણ મારા હ્રદય પર તો જાણે મને કોઇએ કટાર ખોસી દીધી હોય તેવું ફીલ થયુ કે આટલી નિર્દોષ કુંજનને આ રીતે આખા વર્ગ સામે આવા શબ્દો કેમ કહી રહ્યા છે સિંઘલ સાહેબ? પણ કુંજન એ કુંજન.

“ફર્સ્ટ ઓફ ઑલ રીઅલી વેરી સોરી ફોર બીઇંગ લેઇટ સર. એક્ચ્યુલી આઇ એમ ન્યુ ઇન ધીસ કોલેજ સર.ધીસ ઇઝ માય ફર્સ્ટ ડે ઇન ધ ક્લાસ. આઇ કેઇમ કોલેજ યસ્ટરડે બટ જસ્ટ ફોર એડમિશન એન્ડ સર આઇ એમ અલ્સો વેરી પંક્ચ્યુઅલ ઇન ટાઇમ. આઇ લાઇક ધેટ ધ પ્રોફેસર લાઇક યુ ઇઝ ધેર ઇન ધીસ કોલેજ, બટ અગેઇન રીઅલી વેરી સોરી ફોર ટુડે. આઇ એમ લેઇટ બીકોઝ ધ પ્રીન્સીપલ કોલ્ડ મી ફોર અ સાઇન વીચ આઇ ફરગોટ યસ્ટરડે.” કુંજનના સ્વરેથી આ રીતે થૃ આઉટ અંગ્રેજી સ્પીચ સાંભળી આખો ક્લાસ તેને ચાર આંખે જોઇ રહ્યો અને પ્રોફેસર સિંઘલ પણ બહુ ઇમ્પ્રેસ થયા અને તેને અંદર આવવાની પરમિશન મળી ગઇ.

તે અંદર આવી કે મારી આંખો તેને જોઇ જ રહી. પિન્ક ટોપ વીથ લાઇટ ગ્રીન જીન્સ. જાણે ગુલાબનું ફુલ જોઇ લો. તેના ખુલ્લા વાળ હવામાં લહેરાતા હતા અને વારેવારે તે વાળને તેના કોમળ આંગળીઓથી સંવારતી આગળ આવવા લાગી. હાઇ હીલના સેન્ડલ પહેરેલા અને તેનો ટક….ટક….ટક…અવાજ તો આટલા મોટા ક્લાસમા પણ ગુંજી રહ્યો હતો. બધા સ્ટુડન્ટ્સ તેને પાછુ વળીને જોવા ઇચ્છતા હતા પણ પ્રોફેસરના કારણે તેઓ હિમ્મત સુધ્ધા કરી શકતા ન હતા. આખા વર્ગમાં એક ખુશનસિબ હું હતો કે જે લાસ્ટ બેન્ચ પર બેસી તેના સર્વાંગનુ મારા નયનો દ્વારા રસપાન કરી મારી તૃષાને ઠારી રહ્યો હતો.

મારી બાજુમા આવી તે બેઠી. મને આજે પણ હું તેના શરીરમાંથી આવતી ખુશ્બુને યાદ કરું છું તો તરોતાજા થઇ ઉઠુ છું. મારી બાજુમા બેસી તેણે મને મંદ સ્માઇલ આપી અને તેનો પ્રત્યુતર મે સ્માઇલથી આપ્યો.

આ બાજુ લેક્ચર સ્ટાર્ટ થઇ ગયુ. મે પણ મહા પરાણે લેક્ચર તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિષ કરી અને કુંજન તો લેક્ચરમાં તરબતોળ થઇ ગઇ હતી.

પ્રોફેસર શિંઘલના લેક્ચર બાદ શર્માજીનું લેક્ચર હતુ એટલે જેવુ ફર્સ્ટ લેક્ચર પુરુ થયુ કે ૯૦% ક્લાસ ખાલી.ધ્વની પણ મને બોલાવવા આવી અને કહ્યુ ,”પ્રેય ચલ આ શર્માજીના બોરીંગ લેક્ચરમાં બેસવા કરતા કેન્ટિનમા જઇ બ્રેકફાસ્ટ કરીએ.આમ પણ આજે તારા કારણે ગૃપમાંથી કોઇએ નાસ્તો કર્યો નથી.ચલ અમે બધા તારી રાહ જોઇએ છીએ. એમ કહી તે તો જતી રહી.મે હિમ્મત કરી કુંજનને કહ્યુ “કુંજ લેટ યુ જોઇન અસ ઇન કેન્ટિન,ઇફ યુ હેવ ન પ્રોબ્લેમ.”

“ફર્સ્ટ ઓફ ઓલ યુ મીસ અ સિંગલ લેટર ઓફ માય નેઇમ.માયસેલ્ફ કુંજન નોટ કુંજ.”

તે ઉભી થઇ બહાર નીકળી અને હું પણ તેની સાથે બહાર જવા નીકળી ગયો.
“તમે કેમ મને કુંજ કહો છો?” બહાર નીકળતા મારી કોયલ ટહુંકી. “સોરી ટુ સે પણ મે મનોમન તારુ નીકનેઇમ કુંજ રાખી દીધુ એટલે કુંજ કહી બેઠો. પણ સોરી હવે કુંજન કહીને જ બોલાવીશ.” મે થોડી ગભરાહ્ટથી કહ્યુ.

“નો…..નો…..નો… આઇ લાઇક ધીસ નેઇમ કુંજ.એન્ડ આઇ ગીવ ધીસ ચાન્સ ઓન્લી ટુ યુ ટુ કોલ મી કુંજ….મિસ્ટર પ્રેય.” “ઓહ થેન્ક્સ અ લોટ કુંજ.ચલ હું તને મારા ગૃપ સાથે ઓળખ કરાવું” વાતો કરતા કરતા અમે કેન્ટિનમા આવી ગયા અને કુંજનની ઓળખ પુરા ગૃપ સાથે કરાવી.મારા ગૃપના મિત્રો સાહિલ,રોનક,ડેનીશ,કેવલ અને ધ્વની,સ્વરા,હેત્વી,નિત્યા સાથે કુંજનની ઓળખ કરાવી અને બધાને કુંજનનો પરિચય આપ્યો. આખુ ગૃપે કુંજનને વાર્મ વેલકમ કર્યુ અને મસ્ત બ્રેકફાસ્ટની ટ્રીટ મે કુંજનને તેના પ્રથમ દિવસે આપી.તે પણ અમારા ગૃપ મેમ્બર્સને મળી ખુશ થઇ ગઇ અને તેના મનમાં જે અજાણ્યા શહેર અને અજાણી કોલેજનો ડર હતો તે દૂર થતો મને દેખાયો.

“પ્રવીણ્યા તારી લવ સ્ટોરી તો બહુ રસપ્રદ છે.તું વાત કહેવામા ખોવાઇ ગયો અને અમે બધા તારી વાતો સાંભળવામા ખોવાઇ ગયા પણ જરા ઘડિયાલમા જો રાતના ૯.૩૦ વાગી ગયા છે.અમે બધા તો ઠીક નિવૃત છીએ પણ આ છોકરાઓના ઘરે તેના માતા-પિતા તેની રાહ જોતા હશે.” ઓઝાસાહેબ બોલ્યા.

“ના અંકલ , આજે તો ભલે આખી રાત જતી રહે પણ આ કુંજ અને પ્રેયની લવ સ્ટોરી તો સાંભળવી જ છે અને એ પણ આજે જ.” વ્રજેશે કહ્યુ. “જીદ ન કરો મિત્રો કાલે આ કથાને ઓહ સોરી આ લવ સ્ટોરીને આગળ સાંભળવાની જ છે.પણ અત્યારે બહુ મોડુ થશે તમને માટે કાલ ઉપર આગળનો અધ્યાય રાખો.” હસતા હસતા પ્રતાપભાઇ બોલ્યા.

“ચલ પ્રવીણ્યા હવે કોફીનુ આચમન કરાવી દે પછી આપણે છુટા પડીએ.કાલે ઠીક સાંજે ૬.૦૦ વાગ્યે આપણે બધા મળશું.”

બધા કોફી પી છુટા પડ્યા પણ પ્રવીણભાઇ તો બસ કુંજનની મધુર યાદોમાં ખોવાઇ જતા ત્યાં જ બેસી રહ્યા.

To be continued…………….

લેખક – રૂપેશ ગોકાણી

એક અનોખી પ્રણયકથા એવી “કોફી હાઉસ” નવલકથા વાંચવા માટે અત્યારે જ ખરીદો – https://goo.gl/kaeDSm
www.dealdil.com
Whatsapp Support : 08000057004
Call Support : 08000058004
Email : [email protected]

ટીપ્પણી