ભૂલવું છે, પણ બધું ક્યાં ભૂલી શકાય છે!- ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ફૂલની જેવું ખૂલવું અને ડાળની ઉપર ઝૂલવું,
ભમરાનું ગીત કાનમાં આંજી, કાંટાનું રૂપ ભૂલવું,
લેવુંદેવું કાંઈ કશું નહીં, કેવળ હોવું, એ જ તો રહેવું,
ખડક થવું હોય તો ખડક, નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું.
-સુરેશ દલાલ

નફરત ભૂલવી સહેલી છે, પ્રેમ ભુલાતો નથી. દુશ્મની ભૂલવી અઘરી નથી, દોસ્તી જ ભુલાતી નથી. હસવું ભૂલવામાં બહુ તકલીફ નથી પડતી, રડવું આસાનીથી વિસરાતું નથી. ખરાબ હોય એને તો ખંખેરી નાખીએ, પણ સારું હોય એનું શું? સ્મૃતિ એ કંઈ એવી પાટી નથી કે જેના ઉપરથી બધું ભૂંસી શકાય, અમુક અક્ષરો ભૂંસ્યા પછી પણ ઊપસી આવતા હોય છે. પાણી પર અચાનક કોઈ પરપોટો સર્જાય છે. એ પરપોટો ફૂટે ત્યારે વેદના થાય છે. કેટલાક પરપોટાને આપણે હાથમાં ફોડી નાખવાના હોય છે, કેટલાક પરપોટાને હથેળીમાં રાખી માણવાના હોય છે. એની રીતે જ એ ફૂટી જવાના છે. પરપોટાનું આયુષ્ય ટૂંકું હોય છે. ફૂટવું એ પરપોટાનું નસીબ છે. પરપોટો ફૂટે એ પહેલાં એને માણી લેવો જોઈએ. આપણી તકલીફ એ હોય છે કે આપણે પરપોટાના અસ્તિત્વને માણતા નથી અને એ ફૂટી જાય પછી એને વાગોળતા કે કોસતા રહીએ છીએ!

તમને કોઈ કહે કે તમારે શું ભૂલી જવું છે, તો તમે કઈ ઘટના કે કયા સમયને યાદ કરો? જિંદગીમાં અજુગતું, અણધાર્યું અને અકલ્પનીય બનતું રહે છે. બચપણ બધાને વ્હાલું લાગતું હોય છે. કદાચ એનું એક કારણ એ પણ હોય છે કે બચપણનું બધું યાદ હોતું નથી. બચપણની તમામે તમામ ક્ષણ યાદ હોત તો? કુદરતે માણસને સૌથી મોટી શક્તિ જો કોઈ આપી હોય તો એ છે ભૂલી જવાની ક્ષમતા. બધું જ યાદ રહેતું હોત તો માણસ કદાચ પાગલ થઈ જાત! બધું યાદ રાખતા હોય એની જિંદગીમાં એવી ક્ષણો આવે છે જ્યારે એ બધું જ ભૂલી જાય છે. પાગલખાનામાં જઈને તપાસ કરજો. કયા પાગલને ભૂતકાળ યાદ હોય છે? મગજમાં પણ એક મેમરી કાર્ડ હોય છે, એ ઓવરલોડેડ થઈ જાય તો કરપ્ટ થઈ જાય છે. બધું જ ભૂંસી નાખે છે અને માણસ મેન્ટલ હોસ્પિટલનો એક કેસ બનીને રહી જાય છે.

કુદરતે માણસને પેન્સિલની સાથે એક રબર પણ આપેલું છે. દરરોજ થોડું થોડું ભૂંસતા રહેવું પડે છે. બધું ભૂલી કે ભૂંસી શકાતું નથી. અમુક ઘટનાઓની છાપ ભૂંસી શકાતી નથી. રબરથી ચેકી નાખીએ તો પેન્સિલના અક્ષર ભૂંસી શકાય, પણ કાગળ ઉપર જે અક્ષરો ઊપસી ગયા હોય એને કઈ રીતે ભૂંસવા? આમ જુઓ તો બધું જ ભૂલી જવાની જરૂર પણ શું છે? યાદ રાખવા જેવું વાગોળતા રહેવું એ પણ જિંદગીનો મધુર હિસ્સો છે. બધાં સ્મરણો સ્વીટ નથી હોતાં. કેટલાંક કડવાં હોય છે. થોડાંક ખાટાં, ખારાં, તીખાં કે તૂરાં હોય છે. બધાં એક જ સરખાં હોત તો જિંદગીની મજા પણ થોડી હોત?

એક છોકરા અને એક છોકરીની આ વાત છે. બંને કોલેજમાં સાથે ભણે. બંને વચ્ચે ગાઢ દોસ્તી. એકબીજા વગર જરાયે ન ચાલે. એક વખત છોકરાએ છોકરીને પૂછ્યું, આપણે પ્રેમમાં છીએ? છોકરીએ કહ્યું, હા આપણે પ્રેમમાં છીએ. આપણે આઈ લવ યુ કહેતાં નથી, કારણ કે આપણને બંનેને ખબર છે કે આપણે લગ્ન કરી શકવાનાં નથી. તારા અને મારા સંજોગો જુદા છે. મન મળતું હોય ત્યારે બધું ક્યાં મળતું હોય છે. છોકરાએ કહ્યું, આઈ લવ યુ, ત્યાં સુધી જ્યાં સુધી આપણે સાથે છીએ. છોકરીએ પૂછ્યું, પછી? છોકરાએ કહ્યું, પછી નિયતિમાં લખ્યું હશે એ. છોકરીએ બીજો સવાલ કર્યો, મને ભૂલી શકીશ? છોકરાએ કહ્યું, હું ભૂલવા માટે નહીં, પણ યાદ રાખવા માટે પ્રેમ કરું છું. બંને રોજ એકબીજામાં જીવતાં. આખરે છૂટાં પડવાનો દિવસ આવ્યો. છોકરીએ હસીને કહ્યું, અન્ન-જળ પૂરાં? છોકરાએ કહ્યું, એવું નહીં કહેવાનું, આપણે આપણાં પૂરતાં અન્ન-જળ જીવી લીધાં. બધું જ યાદ રાખજે. બસ, આજનો સમય ભૂલી જજે. બંને પ્રેમથી છૂટાં પડ્યાં.

માણસ આસાનીથી મળી શકતો હોય છે, પણ સહજતાથી છૂટો પડી શકતો નથી. પ્રેમ પહેલી નજરે થતો હોય છે કે કેમ એ તો ખબર નથી, પણ છેલ્લી નજરે જો પ્રેમ હોય તો એ કદાચ સાચો પ્રેમ હોય છે. જેને પોતાનો પ્રેમ નથી મળ્યો એવી એક છોકરીએ કહ્યું હતું કે, તમે જેને પ્રેમ કરતા હોવ એ તમને ન મળે એ જિંદગીની સૌથી મોટી કમનસીબી છે. હા, એવું હોતું હશે. આપણે જેટલો પ્રેમ મળ્યો એને કેમ સદનસીબ માની શકતા નથી? કદાચ આપણને પ્રેમ નહીં, પઝેશન જોઈતું હોય છે. કબજો જોઈતો હોય છે. એ મળી જાય પછી પણ એની જિંદગીમાં કોઈ ન આવી જાય એની આપણને ચિંતા રહે છે.

માણસનું ચાલેને તો માણસ જેને પ્રેમ કરતો હોય ને એના વિચારો ઉપર પણ કબજો કરી લે. તારે મારા સિવાય કંઈ વિચારવાનું નથી. કોઈને મળવાનું નથી. તારી જિંદગીમાં મારા સિવાય બીજું કંઈ જ અને બીજું કોઈ જ ન હોવું જોઈએ. તારે જે કરવું હોય એ મને પૂછીને જ કરવું. માણસ હિસાબ રાખતો થઈ જાય છે. ક્યાં જાય છે? કોને મળે છે? મોબાઇલમાં શું જુએ છે? આપણને પ્રેમ હોય ત્યારે આપણે પણ આપણી વ્યક્તિને ન ગમે એવું કંઈ કરતા નથી. કોઈ ગમતું હોય તો પણ ‘લાઇક’ કરતા નથી, પણ અંદરથી લાઇક થતું હોય એનું શું કરવું? એક મનોચિકિત્સકે કહેલી આ વાત છે. અત્યારના બ્રેકઅપનું કારણ એ નથી કે એકબીજા પર પ્રેમ નથી, એનું કારણ એ છે કે મારા સિવાય બીજું કંઈ જ તારે વિચારવાનું નથી. કોઈ દોસ્તને મળવાનું નથી. બંધન વધી જાય ત્યારે જ માણસને મુક્તિની ઝંખના જાગે છે. મુક્ત જ હોય તો પછી કંઈ ડર કે શંકા હોતી નથી. આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણો પ્રેમ કેટલો મુક્ત છે?
આપણે પીડાતા રહીએ છીએ. ઘૂંટાતા રહીએ છીએ. આપણી અંદર જ કંઈક કણસતું રહે છે. જે છે એનાથી આપણને સંતોષ નથી. જે છૂટી ગયું છે એને પંપાળતા રહીએ છીએ. મોટાભાગના લોકોનો વર્તમાન એટલે ખરાબ હોય છે, કારણ કે એ ભૂતકાળને ભૂલતા નથી. એક અત્યારનું સુખ હોય છે અને એક ભૂતકાળનું સુખ હોય છે. ભૂતકાળના સુખની સરખામણી પણ વર્તમાનના સુખ સાથે ન કરવી જોઈએ. એક પતિ-પત્નીની આ વાત છે. એરેન્જ મેરેજ પછી પત્નીને ખબર પડી કે પતિને કોઈ સાથે પ્રેમ હતો. એ લગ્ન કરી ન શક્યા. પતિ એના કારણે દુ:ખી રહેતો. એક દિવસ પત્નીએ કહ્યું, ક્યાં સુધી દુ:ખી થતો રહીશ? એ સારી હતી. તને ખૂબ પ્રેમ કરતી હતી. તું પણ એને પ્રેમ કરતો હતો. યાદ કર એનો વાંધો નથી, પણ યાદ કરીને ડિસ્ટર્બ શા માટે થાય છે? તેં ક્યારેય મને કેમ નથી પૂછ્યું કે મને કોઈની સાથે પ્રેમ હતો? પતિએ પ્રશ્નાર્થ નજરે સામે જોયું. પત્નીએ કહ્યું, હા મને પણ પ્રેમ હતો. તારી જેમ અમારાં લગ્ન પણ ન થઈ શક્યાં. ન થયાં, તો શું? હા, એ મને ક્યારેક યાદ પણ આવે છે. જેવી રીતે તને યાદ આવે છે એ જ રીતે! હું દુ:ખી નથી થતી. હું દુ:ખી થાઉં તો તારી સાથે સુખેથી રહી જ ન શકું. તું મારું આજનું સુખ છે. હું જરાયે એવું નથી કહેતી કે તું એને ભૂલી જા. યાદ કર, પણ યાદ કરીને દુ:ખી ન થા. મજામાં રહે.

કેટલાં દાંપત્ય ભૂતકાળના કારણે ખરડાયેલાં હોય છે? આજે જે છે એ જ સત્ય છે. ગઈ કાલે જે હતું એ પણ સત્ય હતું. સંબંધના દરેક સત્ય સનાતન નથી હોતા. અમુક સંબંધો છૂટતા હોય છે. છોડવા પડે એમ હોય એને પણ કટૂતાથી ન છોડો. કટૂતા કણસતી રહે છે. વેદના આવતી રહે છે. વર્ષો પછી બે પ્રેમીઓ ભેગાં થયાં. બંનેનાં લગ્ન થઈ ગયાં હતાં. બંને પોતપોતાની લાઇફમાં સેટ હતાં. પ્રેમીએ કહ્યું કે, તું નથી તો કંઈ નથી. પ્રેમિકાએ કહ્યું, આવું સાંભળવું મને સારું લાગે છે, પણ એમ કેમ નથી કહેતો કે તું નથી, પણ બાકી બધું જ છે. તારું ઘર છે. સારી પત્ની છે. તારું ફેમિલી છે. હું હોત તો આવું હોત એ તો એક કલ્પના છે, કલ્પનાઓ હંમેશાં સારી લાગે છે. સારી હોય છે કે કેમ એ સવાલ છે. વાસ્તવિકતા તો હોય જ છે. જે છે એને જીવ. ફરિયાદ ન કર.

તમે ભૂતકાળને કેટલો માથે લઈને ફરો છો? ઉતારી દો એને. માત્ર પ્રેમને જ નહીં, ઝઘડાઓને પણ. ભૂલવા જેવું તો જિંદગીમાં ઘણું હોય છે. આપણા સંબંધોનો આધાર એના ઉપર હોય છે કે સંબંધોની કઈ ક્ષણ, કયો સંવાદ અને કયું સાંનિધ્ય આપણે યાદ રાખીએ છીએ? બધું ભૂલી શકાતું નથી, બધું ભૂલવું પણ ન જોઈએ. ભૂલવા જેવું ભુલાઈ જાય તો ઘણું છે. મારે તારું મોઢું નથી જોવું એવું આપણે જેને કહેતા હોઈએ છીએ એનું મોઢું જોઈને જ ક્યારેક આપણો દિવસ ઊગ્યો હોય છે, એની સાથે જ આપણે જિંદગીનો શ્રેષ્ઠ સમય વિતાવ્યો હોય છે. દરેકની જિંદગીમાં ભૂલવા જેવું તો થોડુંક જ હોય છે, આપણે એ ભૂલતા નથી એટલે જે યાદ રાખવા જેવું હોય છે એ યાદ રહેતું નથી.

છેલ્લો સીન :
જેને ભૂલતા આવડે છે એને યાદ રાખવાનું શીખવવું પડતું નથી. -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 29 નવેમ્બર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

શેર કરો આ પોસ્ટ તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી