મુકેશ સોજીત્રા લિખિત અદભૂત નવલિકા “કિશન કન્હૈયા” ભાગ – ૧

અને અપૂર્વાએ પોતાનાં પર્સમાંથી કિશનની મૂર્તિ કાઢીને સીધો જ ફળિયામાં ઘા કર્યો, ખડિંગ કરતો અવાજ થયો અને કિશન ની એ પંચ ધાતુની મૂર્તિ બહાર આવેલ તુલસી ક્યારા સાથે અથડાઈ. ઘરે કામ કરતાં શાંતુ માં જોઈ જ રહ્યા કે આ દીકરીને થયું છે શું??? નાની પાંચ વરસની વિશ્વાએ પણ મમ્મીનું આ સ્વરૂપ પહેલી વાર જ ભાળ્યું!!!! એ શાંતા માની પાછળ લપાઈ ગઈ. અપૂર્વાની આંખમાં અંગારા ઝરતાં હતાં, શ્વાસોશ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતાં, અંતરમાં એક વલોપાત અને વેદના ઘૂંટાઈ રહી હતી કેટલાય દિવસથી અને આજે પેલો નાલાયક આવ્યો, અને એ ખળભળી ગઈ!!! એ લાચાર હતી!!! બેબસ હતી!!! અંદરથી પતિનો ઉધરસ અવાજ આવ્યો. નયનેશની પાસે એ ગઈ, બે હાથે નયનેશ ને બેઠો કર્યો.

પક્ષઘાતના હુમલાથી નયનેશ પીડાઈ રહ્યો હતો. વાચા પણ હણાઈ ગઈ હતી. સાથોસાથ બ્રેઈન સ્ટ્રોક નો માઈલ્ડ હુમલાને કારણે પતિ નયનેશ બસ જીવી રહ્યો હતો. નયનેશને પાણી પાયું. નયનેશ ની આંખોમાં આંસુ હતાં, જાણે કે એ સમજી ગયો કે પોતાની પ્રાણથી પણ પ્યારી અપૂર્વા પર શું વીતી રહ્યું છે. અચાનક જ નયનેશનો હાથ સહેજ હલ્યો આશ્વાસન આપવા પણ એ ધ્રુજતો રહ્યો.

અને અપૂર્વા ભાંગી પડી. નયનેશને બરાબર સુવડાવીને બાજુમાં પોતે બેઠીને પતિનાં માથે હાથ ફેરવતી ફેરવતી એ હીબકાં ભરી રહી હતી. ઉજળું ભવિષ્યની લાલચમાં આજે જીવનનો મોટો સોદો એણે આજ કરી નાંખ્યો, અને પરિસ્થિતિ પણ એવી જ હતી, કે કોઈ રસ્તો જ નહોતો!! અને તમારી પરિસ્થિતિ નબળી હોયને ત્યારે ગમે તેવી સ્થિતિ પણ લાચાર બની જાય!!! પોતાની વિશ્વાને ખાતર, !!પોતાનાં પતિને ખાતર!! , આજ એ સંજોગોની સામે ઝુકી બાકી એની નસમાં મરાઠી લોહી હતું..!! પોતાના પાપાનું લોહી!!! અને આજે હારી થાકીને એણે બધીજ દાઝ ઉતારી કિશનની મૂર્તિ પર!!! અને જીવનભર પોતાની પાસે જ રાખેલ કિશન કન્હૈયાની એ મૂર્તિનો આજ એણે છુટ્ટો ઘા કર્યો હતો……..!!! છુટ્ટો ઘા…….!! અને એય કિશનની મૂર્તિનો…….!!છુટ્ટો ઘા……..!!!

અપૂર્વા પાટેકર !! એકનાથ પાટેકરની દીકરી!! એકનાથ અમદાવાદમાં રેલ્વેમાં બુકિંગ કલાર્ક. એકનાથ નોકરીની શરૂઆત ગુજરાતમાં થયેલી ભાવનગર ડીવીઝનમાં અને પછી તો એ અમદાવાદમાં જ રહી ગયેલાં!! સારા અને પ્રમાણિક સ્વભાવને કારણે એકનાથ બદલી ઓછી થયેલી. પત્ની તારાબાઈ અને બે સંતાનો મોટો વાસુદેવ અને નાની અપૂર્વા!! એકનાથનું કુટુંબ શાન્તીવાળું અને ધાર્મિક.. અપૂર્વા અને વાસુદેવનો જન્મ જ અહી ગુજરાતમાં થયેલો એટલે એ મરાઠી કરતાં ગુજરાતી વધારે લાગે…રેલવેનાં કવાર્ટસમાં રહે.. અપૂર્વા જ્યારે ચોથા ધોરણમાં હતી ત્યારે એક વકતૃત્વ સ્પર્ધામાં એને પ્રથમ ઇનામ મળેલું, અને ઇનામ હતું પંચધાતુની કિશન કન્હૈયાની મૂર્તિ.!!

સરસ મજાની!! , મનમોહક મૂર્તિ!! , નાની એવી વાંસળી વગાડતાં એ કિશન કન્હૈયાની મૂર્તિ અપૂર્વા પોતાની પાસે જ રાખે.!! સુવેને ત્યારે એ મૂર્તિ પોતાની પાસે રાખીને સુવે.!! ભણવા જાય ત્યારે એ મૂર્તિ દફતરમાં હોય!! ક્લાસમાં બેસે ત્યારે બેંચ પર કમ્પાસ હોય બાજુમાં મૂર્તિ હોયને અપૂર્વા શાળામાં ભણે..!! શરૂઆતમાં બધાં મજાક કરે!! પણ અપૂર્વા કોઈનું સાંભળેજ નહિ!! અપૂર્વા હાઈસ્કુલમાં આવી!! મૂર્તિ સાથેને સાથે!! કોલેજમાં દાખલ થઇ તોય પેલી કિશનની મૂર્તિ સાથેજ હોય!! અને કોલેજમાં એની ઓળખાણ નયનેશ સાથે થઇ.. શરૂઆતની દોસ્તી કયારેય પ્રેમમાં બદલાઈ ગઈ એ ખબર પણ ના પડી..

અને આમેય કહેવાય છે કે પ્રેમ કોઈ દિવસ પંચાંગ પ્રમાણે ના થાય, અને ચાહતના ચોઘડિયા ના હોય એ હવાની એક લહેરખી સમાન છે ગમે ત્યારે થઇ જાય !!!! નયનેશના પિતા હસમુખરાય કાપડના વેપારી અને રતનપોળમાં કાપડની દુકાન ચલાવે. નયનેશ એમનો એક દીકરો!! મોટી ઉમરે હસમુખરાયને ઘરે પારણું બંધાયેલું. હસમુખરાય પૈસે ટકે સુખી!! નયનેશની માતા કાંતાબેન જુના જમાનાની!! આમ જુઓ તો હસમુખરાય અને કાંતાબેનમાં ઘી અને ઘાસલેટ જેટલો ફરક!! બંનેના સ્વભાવ એકદમ વિરુદ્ધ!! હસમુખરાય મિલનસાર અને હસમુખા સ્વભાવનાં જ્યારે કાંતાબેન કર્કશા અને ઝઘડાળું સ્વભાવનાં!!

નયનેશ અને અપૂર્વા એક જ કોલેજમાં અને એકજ બેંચ પર બેસીને કોમર્સનું ભણે. બનેની ચાહત વધતી ગઈ. પણ મોટો પ્રશ્ન એ આવીને ઉભો જ્ઞાતિ જુદી પડે એનું શું કરવું!! અહી તો ભાષા અને પ્રદેશ પણ જુદા પડતાં હતાં!! બંને એ નક્કી કર્યું કે જ્યાં સુધી નયનેશને જોબ ના મળે ત્યાં સુધી પરણવું નહિ, અપૂર્વાની એક ટેવ હતી જે નયનેશને ખુબ ગમતી!! નયનેશ કયારેક કહે ચાલ આજ કાંકરિયા જઈએ તો જવાબ માં અપૂર્વા કહેતી કે ચાલ હું કિશનને પૂછી જોઉં એ શું કહે છે અને પછી પાછળ ભરાવેલી કીટમાંથી એ કિશન ની મૂર્તિ કાઢે એની સામે જુએ અને પછી કહે કે કિશન આજ ના પાડે છે સોરી!!!

પછી નયનેશ કોઈ દલીલ જ ના કરે જયારે કિશન હા પાડે ત્યારે તેઓ લો ગાર્ડન જાય, બીગ બાજાર જાય, વાઈડ એંગલમાં મૂવી જોઈ આવે કે સીજી રોડ પર આવેલાં પિઝ્ઝા હટ પર પીઝા ખાઈ આવે!! ફાઈનલ વરસ પૂરું કર્યુકે તરત જ નયનેશને “ઠાકુર એક્ષ્પોર્ટસ અને ઈમ્પોર્ટસ માં સારી જોબ મળી ગઈ અને અપૂર્વા અને નયનેશ ઇસ્કોન મંદિરના દર્શન કરીને આવતાં હતાં ત્યારે નક્કી થયું કે હવે કે ઘરે વડીલોને વાત કરીએ.

સાંજે અપૂર્વા એ પોતાનાં ઘરે વાત કરી. પેલાં એની મમ્મીને વાત કરી. નયનેશનો ફોટો બતાવ્યો અને કીધું.

“આઈ આ નયનેશ, અમે સાથે ભણતાં આજે એ કંપનીમાં જોબ કરે છે, અમે સાથે જિંદગી વિતાવવા માંગીએ છીએ, તું પાપાને વાત કરને. એવું લાગે તો આપણે એનાં મમ્મી પાપાને પણ બોલાવીએ.” તારાબાઈ વાત સાંભળીને બોલ્યાં.

“અપ્પુ બેટા તારા પપ્પા તો તારા માટે રત્નાગીરીમાં એક છોકરાને નક્કી પણ કરી નાંખ્યો છે. કાલે જ વાસુદેવનો ફોન હતો. સારું ઘર છે. છોકરાને રત્નાગીરીમાં હાફૂસનો એક મોટો બગીચો પણ છે. વળી પંઢરપુર વાળા આપણા સંબંધીના એ સગા પણ છે, તારા પપ્પા આજે જ તને વાત કરવાના હતાં. પણ તોય હું વાત કરું છું, તારો કિશન શું કહે છે બેટા!!!”

“આઈ મેં કિશનને પૂછી લીધું છે” અપૂર્વા તારાબાઈને વળગીને બોલી. અને એ સાંજે રાતે રેલવેનાં ક્વાર્ટર માં બહાર પરસાળમાં એકનાથ ઝૂલા પર ઝૂલતાં હતાં. અને તારાબાઈ નીચે બેઠા હતાં થોડી આડી અવળી વાતો કરીને તારાબાઈએ બધી હિંમત એકઠી કરીને બોલ્યાં.

“નાથજી આપણી અપ્પુએ અહીનો જ એક છોકરો પસંદ કરી લીધો છે. રત્નાગીરી વાળી વાત ફાઈનલ કરતાં પહેલાં આપણે એને જોઈ લઇએ તો કેમ રહે” એકનાથે હિંચકો બંધ કરી દીધો.

“બોલો લ્યો , છોકરાં ઘણાં મોટા થઇ ગયાં નહિ?? એ પોતાની પસંદગી જાતે કરવા લાગ્યા!! હું તો એમ સમજતો હતો કે અપ્પુ હજુ બાળક છે.”

“પણ જોઈ લેવામાં શું વાંધો છે ?? અપ્પુને ગમતો હોય અને સારું ઘર હોય તો વાંધો શું કામ લેવો??” તારાબાઈને રાહત થઇ જેવું ધાર્યું એવું રીએકશન ના આવ્યું એટલે એને લાગ્યું કે વાંધો નહિ આવે.

“ઠીક છે બધું, આ નવી પેઢી, પણ આપણી રહેણી કરણી, આપણી રીતભાત એને માફક આવશે?? આ ગુજરાત છે, માણસો મજાના પણ અમુક બાબતોમાં એ એમની પરમ્પરાને વળગી રહે!! પ્રેમ કરવો અને ઘર ચલાવવું એ બેય જુદી વસ્તુ છે.. દીકરી પછી દુઃખી થાય તો આ બાપ એને જવાબ નહિ આપે. એ એની રીતે જીવે મને કોઈ જ વાંધો નથી, પણ પછી હુંય મારી રીતે જીવીશ, આમેય વાસુદેવે તો એનું ઘર વસાવી જ લીધુંને , મેં ક્યાં ના પાડી, પણ આમાં થોડું વિપરીત છે” વાસુદેવે પોતાની મરજીથી લગ્ન કર્યા હતાં, જોકે સામેનું કુટુંબ મરાઠી હતું.

“તો અપ્પુને હું કહી દઉં કે તારા પપ્પા સહમત છે” તારાબાઈ બોલી.
“ના , એવું કશું કહેવું જ નથી. એણે મારી કે તારી સહમતી માંગી નથી, એણે સીધો નિર્ણય જ જાહેર કર્યો છે, હું કે તું ના પાડીએ એટલે શું આ વાત અટકી જશે?? આજની પેઢી પોતે નિર્ણય તો લે પણ વચ્ચે આપણને રાખે કદાચ કોઈ તકલીફ થાય તો કુટુંબ વચ્ચે પડે પણ ના હું આ પેઢી કરતાં પણ આગળ છું, અપ્પુને કહી દેજે કે અમને કોઈ જ તકલીફ નથી ભવિષ્યમાં કોઈ તકલીફ પડે તો અમે કશું જ નહિ કરીએ. એને પૂરી છૂટ!! પંખીની જેમ ઉડો!! માળો બાંધો!! પોતાની જવાબદારી પોતે સ્વીકારો!! સંઘર્ષ કરો જો તેઓ આવડો મોટો નિર્ણય એકલાં જ લઇ શકતા હોય તો એ ઘણાં જ મોટા અને પરિપકવ થઇ ગયાં ગણાયને?? હું શું કામ વચ્ચે આવું??

મારે તો માથેથી એક ભાર ઉતરી ગયો.” કહેતા કહેતા એકનાથ પોતાના રૂમમાં જતા રહ્યા. તારાબાઈ એની પીડા સમજી ગયાં. અપ્પુ પણ બારણા પાછળ છુપાઈને બધું સાંભળતી હતી. એની આંખ પણ ભીની થઇ ગઈ પણ પોતે શું કરે. નયનેશને એ દિલ દઈ બેઠી હતી. દુનિયામાં આ દિલ એ બહું વિચિત્ર ચીજ છે!! એ તમારામાં રહે,તમારું લોહી એમાં ફરે, પણ ક્યારે કોનું થઇ જાય એ નક્કી નહિ!! એ બહાર આવી આઈના ખોળામાં માથું રાખીને બોલી..

“ આઈ પાપા માની તો જશે ને?? આઈ નયનેશ ખુબ જ સારો અને સંસ્કારી છોકરો છે, આતો પાપાએ હજુ જોયો નથી ને એટલે એને ચિંતા થાય, પણ એક વાર જોશે ને એટલે એની બધી ચિંતા દૂર થઇ જશે, આઈ તું સમજાવજે પાપાને, બસ મારી ખાતર, મારા માટે આટલું નહિ કરે આઈ ? બાકી આઈ હું તો એક દિવસ આ ઘરેથી જવાની જ છું ને આહી તો નથી રહેવાનીને પણ હું મારા પસંદગીના માળા માં જાવ તો વાંધો શું છે? આઈ તું વિઠોબાને માને છે ને!! એને પણ તું કહેજે દિલથી કે અપ્પુ માટે રસ્તો કાઢે!!

“ જરૂર પણ નયનેશે એનાં કુટુંબને પૂછી લીધું છે , એ લોકો તને દિલથી સ્વીકારશેને તે બરાબર ખાતરી તો કરી લીધી છે ને? , ઘણી વાર આવેશમાં આવીને ભરેલું અવિચારી પગલું માણસને જીવનભર પસ્તાવાનું કારણ બની રહે છે.” તારાબાઈ એ કીધું ને અપૂર્વા બોલી તરતજ !!!

“એણે પણ આજે જ વાત કરી હશે કાલે ખબર પડી જશે મને” નયનેશે જેવી ઘરે વાત કરીકે તરત જ એમની મમ્મી કાંતાબેન ઉકળ્યા અને સીધી ધડ દઈને ના પાડી.

“ એ મરાઠી છોકરી મને ના ફાવે”
“ પણ નયનેશને ગમે છે એનું શું?” હસમુખરાય હળવા મૂડમાં હતાં
“તમે ચુપ રહેશો? તમને કશી જ ખબર પડતી નથી” કાંતાબેન છણકો કરીને બોલ્યાં.

“તારી સાથે લગ્ન કર્યા ત્યારનો હું તો ચુપ જ છુ ને પણ આ તારી એક વાત સાથે સહમત છું કે મને કાઈ ખબર નથી પડતી કે મારા બાપાને ય કાઈ ખબર નહોતી પડતી. જો ખબર પડતી હોત તો આપણે થોડાં પરણ્યાં હોત??” હસમુખરાય આજ બરાબરના ખીલ્યા હતાં. નયનેશ ગંભીર હતો. કાંતાબેનતો વળી મહા ગંભીર અને મહાઆક્રમક હતાં.

“ રામ!! રામ!! આ છોકરો પણ તમારા પર ગયો છે, જેવા બાપ એવા બેટા” કાંતાબેન ઉકળી ઉઠ્યા બરાબરના
“ સારું છે બરાબર મારા પર ગયો જો તારી જેવો થયો હોત તો મારું શું થાત એ હું કલ્પના પણ નથી કરી શકતો . પણ ભગવાન બધાના હોય ને, અને એકની એક ભૂલ તો ભગવાન પણ ના કરેને??!! “ હસમુખરાય બોલ્યાં

“ એ જે હોય તે તમારાં જેવું બોલતાં અમને ના આવડે પણ હું જે બોલું એ લોઢામાં લીટો કે આ ઘરમાં એ છોકરી તો નહિ જ આવે “ કાંતાબેને પોતાનો ચુકાદો આપી દીધો અને આમેય સુપ્રીમ ચુકાદો આપે ત્યાં હાઈકોર્ટ કશું ના કરી શકે પણ આજે વાત જરા જુદી હતી.. આજે હાઈકોર્ટ પોતાની વાતને વળગી રહી હતી..

“ લાગે છે કે નયનેશ તારા માટે મારે બીજે મકાન લેવું પડશે, આમેય કદાચ તારી મમ્મીની પસંદગીની છોકરીને પરણે તો પણ તારે જુદું જ રહેવાનું થાત ને ભગવાન મારી જેવી સહનશક્તિ બીજાને થોડી આપે!!
“તમે જ બગાડ્યો લાગે છે આને!! અને એક બાપ થઈને શરમ નથી આવતી કે છોકરાને બીજી જ્ઞાતિની અને બીજા રાજ્યની છોકરી સાથે પરણવા માટે પાનો ચડાવો છો??” એમ કહી ને કાંતાબેન ઉભા થયા અને પોતાના રૂમમાં ગયાં અને ધડામ કરતુ બારણું વાસી દીધું.
“એમાં શરમ શાની,?? છોકરો જીવનભર સુખી રહેતો હોય તો વાંધો શું છે??, કે આપણે દુઃખી થયા એટલે એનો બદલો બાળકો પર લેવાનો કે અમારા બાપાએ અમને પૂછ્યા વગર પરણાવ્યા એટલે હવે તમનેય અમે આ રીતે પરણાવીશું?? જેવાં અમે હેરાન થયા એવા તમેય થાવ!! અને તમારા છોકરાને પણ આ રીતે જ હેરાન કરજો” હસમુખરાય બોલ્યાં, નયનેશ ની આંખમાં આંસુ હતાં.

“પાપા શું કરું,?? એ મારી વગર જીવી તો નહિ શકે, એ પણ આજે એનાં મમ્મી પાપાને વાત કરતી હશે, શું થાશે અમારું.? પાપા એ ખુબ સારી છોકરી છે પાપા અમારે કોઈનું કશું જ જોઈતું નથી પાપા જો વડીલોના આશીર્વાદ હોય તો અમારો સંસાર મધુરો બનશે.” નયનેશ બોલ્યો કે હસમુખરાય બોલ્યાં છોકરાને બાથમાં લઈને “ બેટા સહુ સારા વાના થઇ રહે છે, બેટા ખલીલ ઝીબ્રાન નું એક વાક્ય જો માણસ સમજી જાયને તો લગભગ મોટાભાગનાં કુટુંબોમાં શાંતિ થઇ જાય. એમણે લખેલું કે તમારાં બાળકો એ તમારાં બાળકો નથી એ તમારાં મારફતે જન્મે છે તમારામાંથી નથી જન્મતાં, દરેક બાળકોને પોતાનાં આગવા વિચારો અને આગવી સમજણ હોય છે.

પણ અફસોસ એ છે કે દીકરા આપણે બાળકોને એક સંપતી ગણીએ છીએ, એક કીમતી ચીજ ગણીએ છીએ અને એવું ઈચ્છીએ છીએ કે આ સંપતિ આપણે મનફાવે ત્યાં વાપરીએ પણ ક્યારેય તેને એક સૃષ્ટિના વિશિષ્ઠ સર્જન તરીકે જોતા જ નથી, એમાં પણ એક ધબકતું જીવન છે!! એને પણ પોતાની આગવી રીત છે… ..!! રાત્રીના બે વાગવા આવ્યા હતા..!! અપૂર્વા અને નયનેશ બેય જાગી રહ્યા હતાં!! બેયને સહજીવનના સપના દેખાઈ રહ્યા હતાં!! હસમુખરાય ને ઊંઘ ના આવી એ ઉભા થયા!! ગેલેરીમાં આવ્યા..!! દુરથી ઇસ્કોનનું મંદિર દેખાતું હતું..!! અને એણે અચાનક જ એક નિર્ણય લઇ લીધો!!

વાર્તા નો અંત ખુબ જ સરસ છે…આગળ વાંચવા અહી ક્લિક કરો – કિશન કન્હૈયા ભાગ – ૨

ટીપ્પણી