મોહ – 15 વર્ષના દીકરાના મૃત્યુના આઘાતમાં છે માતા અને તેને સમજાવતા પિતા…

“મોહ”

(રાધા ખુબ દુઃખી હતી. કારણકે તેનો એક નો એક પુત્ર મૃત્યુ પામ્યો હતો. જે તેમનો શ્વાસ હતો. કેન્સર જેવી બીમારીને દુર કરવા માટે રાધાએ દવા સાથે પથ્થર એટલા દેવ પુજ્યા હતાં. કોઈ જગ્યાએ ખુલ્લા પગે ચાલીને પાંચસો પગથીયા ચડવા, તો કોઈ મંદિરના એક એક પગથીયે એક એક દીપ પ્રગટાવીને માનતા પુરી કરીને પોતાના પુત્ર માટે જીંદગીની ભીખ માંગેલ. પરંતુ છતાં પણ મોહન જીવન ના બચાવી શકી, તેથી તેને ખુબ દુઃખ અને આઘાત લાગ્યો.)
રાધા : હીંબકા ભરીને ભરીને રડી રહી હતી.

તેને સમજાવનાર દરેક વ્યક્તિઓની બધી મહેનત પર પાણી ફરી વળ્યું.
તેમની આંખો સુજીને લાલ થઈ ગઈ હતી. તે ધીમા અવાજે કઈક ગણગણી રહી હતી.
તેમની સાસુએ ખુબ સમજાવી, તેમની માતાએ પણ સમજાવવામાં કોઈ કમી રાખી ન હતી.
રાધા : પતિ કૃષ્ણકાન્તને જોતાં તેમની પાસે જઈને ખંભે માથું મુકીને ખુબ રડી, ગુસ્સામાં ઊંચા અવાજે બોલી, હું જ કેમ ? પુરી દુનીયામાં હું જ કેમ ? કોઈ કમી રાખી ન હતી તેની પુજા કરવામાં, તો મારા જ મોહનને કેમ તેની પાસે બોલાવી લીધો ?

કૃષ્ણકાન્ત : પત્નીના માથા પર પ્રેમથી હાથ મુકતાં ઊંડો શ્વાસ લઈ બોલ્યો, રાધા જયારે ભગવાને તારો હાથ મારા હાથમાં મુક્યો તે સમય આપણા માટે સ્વર્ગ સમાન હતો, કેટલા ખુશ હતાં આપણે અને આપણા માતા – પિતા, તારા માતા-પિતા એટલે ખુશ હતાં કે પોતાની દિકરીને તેની ઈચ્છા પ્રમાણેનું સાસરું મળ્યું છે, અને મારા માતા-પિતા એટલે ખુશ હતાં કે, તેને તારા જેવી સમજદાર પુત્રવધુ મળી છતાં પણ આપણામાંથી કોઈએ ક્યારેય ભગવાનનો આભાર માન્યો ન હતો. આપણે તો ક્યારેય ના પુછ્યું કે, ભગવાન આ ખુશીના હક્કદાર અમે જ કેમ ?

રાધા : પત્ની વાતોને ધ્યાનથી સાંભળી રહી હતી.

કૃષ્ણકાન્ત : આપણા જીવનમાં વર્ષોના દરેક મહિના અને મહિનાના દરેક દિવસો અને દિવસોની દરેક કલાક, કલાકની દરેક મિનીટ અને મિનીટની દરેક સેકન્ડ એક એક પલમાં ખુશીઓનો વરસાદ વરસાવ્યો. આપણે ક્યારેય તેનો આભાર ભુલથી પણ નથી માન્યો. અરે આભારની તો વાત જ છોડો. આપણે તો ક્યારેય ના પુછ્યું કે, ભગવાન આ ખુશીના હક્કદાર અમે જ કેમ ?

રાધા : મારા મોહનની બદલે મને ઉપાડી લીવી તી.

કૃષ્ણકાન્ત : રાધા દરેકને જે કાર્ય આપેલ છે તે પૂરું કરવું પડે છે. કોઈ પોતાનું કાર્ય અધરું છોડીને જઈ શકતો નથી. આપણા જીવનરૂપી બાગમાં એક ફુલ ખીલ્યું, આપણે તેને નામ આપ્યું મોહન. આટલી મોટી ખુશી આપણને આપવા છતાં પણ આપણે ભગવાનનો એકવાર પણ આભાર ના માન્યો અને સવાલ પણ ના કર્યો કે, આ ખુશીના હક્કદાર અમે જ કેમ?લાખો વ્યક્તિઓને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી. આપણે તો નસીબદાર છીએ કે, મોહને આપણી વચ્ચે પંદર વર્ષ ખુશીમાં પસાર કર્યા છે.

રાધા : પણ મારી પાસે તો એક જ સંતાન હતું ? તો પણ આપીને લઈ લીધું !

કૃષ્ણકાન્ત : મોહનને આપણા સુધી પહોચાડનાર ભગવાન જ હતાં ને ? આપણે સૌ તેના હાથની કઠપૂતળીઓ જ છીએ. આ ખેલના મેદાનમાં લાવનાર પણ તે જ છે અને લઈ જનાર પણ તેજ છે. આપણે ફક્ત જે તે કરાવવા ઈચ્છે તે જ કર્મ કરવાનું છે તો પછી આટલી ફરિયાદ અને દુઃખ કેમ ? તું કે હું પણ અહીં આજીવન રહેવાના નથી. તેની મરજી પ્રમાણે આપણને પણ જરૂર ઉપર બોલાવશે જ. દરેક વ્યક્તિને અલગ અલગ જે પાત્ર આપે છે તે જ ભજવવાનું છે. આપણા મોહનનું પાત્ર પૂરું થઈ ગયું. આ વાત માટે ભગવાનને દોષ દેવો તે વાત વ્યાજબી ના કહેવાય. જેનું હતું તેને પોતાની પાસે બોલાવી લીધું. આપણે તો બસ ચિઠ્ઠીના ચાકર છીએ.

રાધા : મારા મોહનની ઉમર શું કહેવાય ? હજુ તો તેને જિંદગીની શરૂઆત જ નહોતી કરી.

કૃષ્ણકાન્ત : રાધા તું સમજવાની કોશિષ કેમ નથી કરતી ? તું તો ભગવાનનો પાડ માન કે મોહનને મુક્તિ મળી ગઈ. મોહનને પીડામાં તળપતો જોઈ ને તું ખુશ રહી શકત ? તેનું દુઃખ તું જોઈ ને પણ કઈ કરી શકત નહીં.

રાધા : રડતાં રડતાં બોલી તમારી વાત પણ સાચી છે. પરંતુ શું કરું હું માં છું ને ?

કૃષ્ણકાન્ત : તું માં છો તો માં બનીને જ રહે. દરેક માં પોતાના બાળકોની હિંમત માટેનું જીવતું જાગતું ઉદાહરણ હોય છે. આટલી સમજદાર છે તો પછી, જે સત્ય છે તેનો સ્વીકાર કરીને જીવનમાં આગળ વધવું જોઈએ.

રાધા : તમારી વાત સાચી છે. પરંતુ, કેમ કરીને સ્વીકારું ? ઘરમાં જ્યાં પણ નજર નાખું ત્યાં દરેક જગ્યાએ મોહનની કોઈને કોઈ યાદ સામે આવે છે. તમે જ કહો હું શું કરું ?

કૃષ્ણકાન્ત : રાધા તું જ મોહનને સમજાવતી ને કે, ભગવાન તો કણ કણમાં સમયો છે, તો પછી આજ સુધી આટલું સુખ

– સમૃધ્ધિ આપવા છતાં તેના તો ભુલથી પણ ક્યાંય દર્શન નથી થતાં. શા માટે રાધા ? મોહન પહેલાં ભગવાન અહીંથી ચાલ્યા ગયા છે ? મોહને તને જે પંદર વર્ષમાં આપ્યું તેના કરતાં ભગવાને તને ઓછું સુખ આપ્યું છે ? તને સો સુખ આપ્યા તેમાંથી એક સુખ લીધું તે પણ તેનું આપેલું તે જ માલિક હતો તો પણ આટલું દુઃખ, વ્યથા, પીડા કેમ ?
રાધા : તમારી વાત સાચી છે. હું જ લાગણીમાં એટલી ડુબી ગઈ કે, મને મોહન સિવાય કોઈ જગ્યાએ ધ્યાન જ જતું નથી. દરેક જગ્યાએ મોહન જ દેખાય છે.

કૃષ્ણકાન્ત : રાધા જો આટલા આસું જો ભગવાન માટે પાડ્યા હોત તો તે જરૂર તારી સામે પ્રગટ થાત. રાધા જે છે તેના માટે ભગવાનનો આભાર માન, અને સંસારમાં રહેવું તે વાત વ્યાજબી છે પરંતુ સંસારને તારામાં એટલી બધી પણ જગ્યા ન આપકે ભગવાનને પણ અફસોસ થાય કે, આપણે જે કામ કરવા માટે અહીં આવ્યા છીએ તે જ ભુલીને માયાના મોહમાં ખોવાય જાય.

રાધા : આંખના આસું સાફ કરતાં બોલી, તમારી વાત સાચી છે. હું મોહરૂપી માયામાં અંધ થઈ ગઈ હતી. સમજવા છતાં પણ ભગવાનને જ દોષ દેતી હતી.

લેખક : કીર્તિ ત્રાંબડીયા

દરરોજ અવનવી વાર્તા અને સમજદાર વ્યક્તિઓની વાતો વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

 

ટીપ્પણી