કામાખ્યા મંદિર – પાર્વતી માતાનું એક શક્તિપીઠ આ પણ છે. તમે મુલાકાત લીધી કે નહિ…

કામાખ્યા મંદિર

કણ કણમાં ભગવાન વસેલો છે. આ વાતનો આપણે સ્વીકાર કરીએ છીએ. પરંતુ આ પૃથ્વીના પેટાળમાં અને પૃથ્વી પર એવા તો કેટલાય રહસ્યો છુપાયેલા છે. કે જ્યાં માણસનું મગજ શ્રધ્ધા રાખવા શીવાય કંઈ કરી શકતું નથી. રહી વાત સાયન્સની, તો પૃથ્વી પરની અમુક જગ્યાના રહસ્યોના ઉકેલ માટે સાયન્સ પણ લાચાર છે તેમ કહી શકાય છે એમાં તો શંકાને કોઈ સ્થાન નથી. પૃથ્વી પરના અમુક રહસ્યો ફક્ત રહસ્યો બનીને જ પુજાતા આવ્યાં છે, પુજાય છે, અને પુજાતા રહેશે. આવું જ રહસ્યમય મંદિર એટલે “કામાખ્યા”.

પાર્વતીના પિતાએ યજ્ઞમાં પુત્રને આમંત્રણ આપ્યું ન હતું પરંતુ સતી પાર્વતીને પિતાએ રાખેલ યજ્ઞ વિશે જાણ થતાં પોતાના પતિ શિવને પોતાની સાથે યજ્ઞમાં આવવા માટે સમજાવે છે. શિવની ના કહેવા છતાં પાર્વતી પોતાની પોતાની જીદ પર અડગ રહ્યાં. પરિણામ તો જે આવવાનું હતું તે જ આવ્યું. પાર્વતીના પિતા રાજા દક્ષે ભગવાન શિવનું અપમાન કર્યું. પિતાએ કરેલ પોતાના પતિનું અપમાન પાર્વતીથી સહન ન થતાં. ગુસ્સામાં જ પાર્વતીએ પોતાના પ્રાણની આહુતિ અગિનકુંડ માં પોતાની જાતને હોમીને આપી દીધી.


શિવ ક્રોધમય અને આવેશમાં આવીને સતીના દેહને ખંભા પર રાખીને વિનાશનું તાંડવ નૃત્ય શરુ કર્યું. શિવ તો કોપાયમાન થઈ ઉઠ્યા, ક્રોધમય શિવને શાંત કરવાની કોઈની હિંમત ન હતી. આ વિનાશનું તાંડવ રોકવા માટે વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી પાર્વતીના દેહના ટુકડા કર્યા, સતીના દેહના ટુકડા જે સ્થાન પર પડ્યા તે દરેક જગ્યા શક્તિપીઠના નામે પ્રચલિત છે. તેમાંનું એક કામાખ્યા પણ છે. જે રાજ્ય આસામમાં ગુવાહાટી શહેરના નીલાંચલ પર્વતની ચોટી જે શહેરના પશ્ચિમ ભયમાં આવેલ એક શકિતપીઠ છે. માં ભગવતિની યોનિ રૂપનું આ અનોખું મંદિર છે, ગર્ભગૃહમાં ફક્ત યોનિના આકારનો પથ્થર છે, આખા બ્રહ્માંડનું કેન્દ્ર બિન્દુ માનવામાં આવે છે, મંદિર દરેક મહિનાનાં 3 દિવસ માટે બંધ રહે છે. અહીંયા બલી ચઢાવવાની પણ પ્રથા છે. એ માટે માછલી, બકરી, કબૂતર અને ભેંસોની સાથે દૂધી, કોળું જેવા ફળ વાળા શાકભાજીની બલી પણ આપવામાં આવે છે.


“કામાખ્યા” નામ પાછળનું રહસ્ય તે જગ્યાએ માતા પાર્વતીની યોનિનો ભાગ પડ્યો હોવાથી આ શક્તિપીઠનું નામ “કામાખ્યા” રાખવામાં આવેલ છે. અલગ – અલગ મુખે અલગ – અલગ લોકવાયકાઓ સાંભળવા મળે છે. એક એવી પણ માન્યતા છે કે, માતા સતીના ગર્ભાશય અને જનન અંગોને શોધી કામદેવે પોતાના શ્રાપથી મુક્તિ મેળવી. ત્યારે દેવીને કામાખ્યા નામ મળ્યું અને એ સ્થાન ”કામાખ્યા શક્તિપીઠ” ના નામથી પ્રસિદ્ધ થયું. જેમ દરેક મંદિરે વર્ષમાં એક વાર કોઈને કોઈ ઉત્સવરૂપી તહેવારનું મોટું મહત્વ હોય છે તે રીતે જ કામાખ્યા મંદિરમાં ”મા મનસા” પૂજા માટે પ્રખ્યાત પણ છે.

દર વર્ષે શ્રાવણના મહિનામાં નાગ પંચમીના દિવસે કામાખ્યા મંદિરમાં મનસા પૂજાનો તહેવાર મનાવવામાં આવે છે. સાપના ડંખથી બચવા ને આનંદ અને ઉત્સાહ માટે આ દિવસે સ્ત્રીઓ વ્રત કરે છે અને ”મા મનસા”ની પૂજા કરે છે. નાગોની દેવી ”મા મનસા”ની પૂજા કરવામાં આવે છે અને સાપોને દૂધ પીવડાવવામાં આવે છે.

આ ઉપરાંત કામાખ્યા તાંત્રિકો માટેની દેવી તરીકે ગણવામાં આવે છે. કામાખ્યા મંદિરમાં દેવીની પૂજાથી દરેકની ઈચ્છા પૂર્ણ થાય તેવી માન્યતા વર્ષોથી છે. કામાખ્યા મંદિરની એક એવી પણ માન્યતા લોકવાયકા પ્રમાણે માનવામાં આવે છે કે કોઈ પણ તાંત્રિકને પૂર્ણ તાંત્રિક બનવા માટે કામાખ્યાની સામે માથું નમાવી આશીર્વાદ લેવા જરૂરી છે.


કામાખ્યાનાં સાધુઓ કહો કે તાંત્રિકો ચમત્કારની બાબતમાં બહુ આગળ પડતાં છે. આ સ્થળ તાંત્રિકો માટે સ્વર્ગસમાન છે. અલગ – અલગ માણસોએ અલગ અલગ લોકવાયકાઓ છે કે, પોષ મહિનામાં અહીંયા ભગવાન કામેશ્વર અને દેવી કામેશ્વરીની વચ્ચે પ્રતીકારત્મક લગ્નના રૂપમાં પૂજા કરવામાં આવે છે.

એક લોકવાયકા મુજબ આસામ પ્રદેશ પહેલાં સ્ત્રીરાજ તરીકે ઓળખાતો હતો. અહીં જે કોઈ પુરુષ ભૂલથી પણ આવી જાય તો તેને અહીંની સ્ત્રીઓ પોતાનો ગુલામ બનાવી દેતી. અહીં જ નવનાથમાંના ગુરુ ગોરખનાથ તથા ચેલા મછેન્દ્રનાથની એક દિવ્ય કથા બની હતી. ગુરુ ગોરખનાથ જ્યારે અહીંની એક રાણીના મોહમાં સાન ભાન ભૂલીને પોતાના જપ તપ વિસરી જાય છે ત્યારે તેમનો ચેલો મછેન્દ્રનાથ તેમને શોધતો શોધતો આવે છે અને પોતાના ગુરુ ગોરખનાથને તે રાણીના મોહ – માયામાંથી મુક્ત કરાવે છે.

એ પણ એવી કે, ઈચ્છાઓની પૂર્તિ માટે કામાખ્યા મંદિરે માથું ટેકવવા લાખો માણસો જાય છે. કામાખ્યામાં પહેલાંના સમયમાં બલિ ચડાવવામાં આવતી. તેમજ કાળા જાદુ તેમજ તંત્ર વિધા માટે ઉત્તમોત્તમ સ્થાન હોય એવી ગણના થાય છે. કામાખ્યા મંદિરના પ્રાંગણમાં છિન્નમસ્તા, ધૂમાવતિ, માતંગી, ભુવનેશ્વરી ભૈરવી, કાળી, ત્રિપુર સુંદરી, તારા, કામાલા, બગલામુખી આ દસ દેવીઓના પણ મંદિર છે.

પહેલાં સમયમાં ડોકિયું કરીએ તો અંધશ્રદ્ધા હતી હાલ પણ છે પરંતુ પહેલાં સમયમાં માસિક ધર્મને અશુદ્ધ નજરે જોવામાં આવતો અને તે સમય દરમ્યાન સ્ત્રીઓ અને છોકરીઓને અછુત માનવામાં આવતી. જયારે કામાખ્યાની વાત કરીએ તો અહીં પૂરી પરીસ્થિતિ જ ઉલટી છે. કામાખ્યા મંદિર બાજુમાંથી પસાર થતી બ્રહ્મપુત્રા નદીનું પાણી ત્રણ દિવસ માટે લાલ થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે, આ ત્રણ દિવસ માટે જે લાલ પાણી થાય છે તેનું કારણ કામાખ્યા દેવીનાં માસિક ધર્મ છે, તે સમયે આ મંદિરના દ્વાર આપમેળે બંધ થઈ જાય છે અને ચોથા દિવસે જ આ દ્વાર ખૂલે છે.
આ દરમિયાન મંદિરમાં મહામુદ્રા પર રાખવામાં અને તે ભીનાં વસ્ત્રને પ્રસાદ તરીકે લેવા માટે માણસોની ભીડ હાલમાં પણ જમા થાય છે. અમ્બુબાસી કે અમ્બુબાચી મેળાને અમેતી તેમજ તાંત્રિક જનન ક્ષમતાનાં પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવી ભાગવતના સાતમા સ્કંધના ૩૮મા અધ્યાયમાં કામાક્ષી દેવીનું માહાત્મ્ય આપેલું છે. તે મુજબ સમસ્ત પૃથ્વી ઉપર દેવીના આ ક્ષેત્રને મહાક્ષેત્ર માનવામાં આવે છે. અમ્બુબાચી શબ્દની ઉત્પત્તિ ‘અમ્બુ’ અને ‘બાચી’ શબ્દથી થઈ છે. અમ્બુનો અર્થ હોય છે પાણી, જ્યારે બાચીનો અર્થ હોય છે ઉત્ફુલ્લન. આ પર્વ સ્ત્રી શક્તિ તેમજ તેની જનન ક્ષમતાને ગૌરાન્વિત કરે છે.
આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે કે જેથી તેને પૂર્વનો મહાકુંભ પણ કહેવામાં આવે છે. અઠવાડિયા પહેલા જ સાધુ સંતો આવવા લાગે છે. આ મેળાને આસામની કૃષિ વ્યવસ્થાની સાથે પણ જોડવામાં આવે છે. ખેડૂત પૃથ્વી ઋતુવતી થાય ત્યાર પછી જ ધાનની ખેતીની શરૂઆત કરે છે.

લેખક : કીર્તિ ત્રાંબડીયા

દરરોજ આવી અનેક માહિતી માટે લાઇક કરો અમારું પેજ-  ” જલ્સા કરોને જેંતીલાલ”  

ટીપ્પણી