સોશિયલ મિડિયાનો ચિક્કાર ઉપયોગ કરીને પોલિટિકલ પાર્ટીઓ સ્વાર્થ સાધે છે, બધાં પક્ષના આંધળા અનૂયાયીઓ બને છે હાથા…

છેલ્લા દસ-બાર મહિનામાં ભારતમાં એટલાં ફેક-બોગસ મેસેજ વાઇરલ બન્યે છે કે, તેનું વાસ્તવિક તથાય સામે લાવતાં દમ આવી જાય…

સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેદ્ર મોદીનું પ્રશસ્તિગાન કરતો એક લેખ વાઇરલ થયો છે. તેમાં મોદીના ભરપૂર વખાણ છે, કહો કે, એ મોદી સોફ્ટકોપીમાં ષોડશોપચાર પૂજા જ છે. માલીક કરતા દાસ ઉછાંછળા અને ગોલા કરતાં ગધા ડાહ્યાં. નાદાન-ભોળા અનૂયાયીઓ રાત-દિન આ લેખ ફોરવર્ડ કર્યા કરે છે. લેખ પહેલા દાવો થયો છે કે, એ અર્ટિકલ ન્યુયોર્ક ટાઇમ્સ દૈનિકના તંત્ર જોસેફ હોપ્સએ લખ્યો છે. મંદગતિ ચેલકાંઓ હિલોળે ચડીને નવરત્રિની મોસમાં જાણે ચલતીના સ્ટેપ્સ લઇ રહ્યાં છે. આખા જગતને આ લેખ મોકલી તેઓ કહી રહ્યા છે ઃ લ્યો.. લેતા જાઓ.. હવે તો ન્યૂયોર્ક ટાઇમ્સ પણ અમારાં આરાધ્ય દેવતાના ભજનો ગાય છે. નવરા હાથ તણખલાં તોડે છકે વાળ ઉખાડે.

પ્રવૃત્તિ નિવૃત્ત લોકો જાણે કોઇ અનૂષ્ટાન આદર્યુ હોય તેમ આ મેસેજ ફોરવર્ડ કરી રહ્યાં છે. ઝેરનું મારણ જેમ નાગરવેલના મૂળિયા હોય તેમ આવાં મેસેજનું મારણ એટલે, ગૂગલ મહારાજ. ઇન્ટરનેટના દિવાધિદેવ. જગતની દરેક સમસ્યાનો ઉકેલ મહાદેવ પાસેછે. પણ મનુષ્યને ગૂગલ જ સાધ્ય છે. અને આ દેવોના પણ દેવતા ગૂગલ કહે છે કે, જોસેફ હોપ્સ નાગના કોઇ તંત્ર કે પત્રકાર આ દુનિયામાં અસ્તિત્વ ધરાવતા જ નથી ! સેલિબ્રેટિયન યુનિવર્સિટીમાં કર્વાન્ટમ થિયરી અને એટમ લેઝર્સના નિષ્ણાંત છે અનેઆ વિષય પર જ રિસર્ચ કરે છે. ન્યૂયોર્ક ટાઇમ્સ સાથે તેમને નાડી-નેફાનો નાતો પણ નથી અને કમસે કમ આ જન્મમાં તો તેઓ પત્રકાર-તંત્રી નથી જ.

આવું પ્રથમ વખત નથી બન્યું. છેલ્લા દસ-બાર મહિના દરમિયાન ફેક મેસેજીસ અને ગપ્પાંબાજી જેવાં હોક્સ મેઇલે દાટ વાળ્યો છે. કાનખજૂરાના બોંતેર પગ હોય, કેટકેટલાં ભાગવા ! આવા વાઇરલ કાનખજૂરાના બોંતેર લાખ ટાંટીયા હોય છે. સ્વાઇમ ફલૂના વાઇરસની જેમ આવા મેઇલ-મેસેજ અત્ર તત્ર સર્વત્ર ફેલાઇ જાય, કોઇના મોબાઇલમાંથી એ ડીલીટ કેમ કરીને કરવા ! બાહુબલી રિલિઝ થયું ત્યારે ન્યૂઝ લોન્ડ્રીના ડાબેરી પત્રકાર મધુ ત્રેહાનનાનામે મેસેજ વાઇરલ થયો જેમાં મધુએ ફિલ્મમાં એક પણ મુસ્લિમ પાત્ર નહીં હોવાના કારણે તેના સર્જકોની ટીકા કરી હતી. હિન્દુવાદી સાઇટ્સ પર મધુ માટે જાણો ધોબીઘાટ ખૂલી ગયો હોય એવી તેમની ધોલાઇ થઇ. પોતે આવું કશું કહ્યું જ નથી એવું સમજાવતા મધુને નાકે દમ આવી ગયો. પણ કહેવાતા રાષ્ટ્રભક્તો અને ભારતમાતાના ડાહ્યાડમરા સંતાનો તો એ પહેલાં જ મધુબહેનને સોફ્ટ કોપીમાં ફાંસી આપી ચૂક્યા હતા. સત્ય બાહર આવ્યું પછી પણ રાઇટ વિન્ગના ઠેકેદારોએ અફસોસ સુદ્ધા વ્યક્ત ન કર્યો. નફ્ફટની પૂંઠે બાવળિયો ઉગે તો એ શું કહે? એમ જ કે, હશે ભાઇ… છાંયડો થયો !

કેદ્રમાં નવી સરકાર રચાઇ એ પછી બટકબોલાં કટ્ટરવાદી સંગઠનોને જાણે સ્ટેરોડ્સના ઇન્જેક્શનો ખોસ્યા હોય એવું જોમ ચડ્યું છે. આવા નેતાઓની જીભડી સવા મીટરની થઇ ગઇ છે. અને હાથ સાવ ટુંકા છે. સ્વરાજ્યના કોલમિસ્ટ શૈફાલી વૈદ્યએ ટ્વિટ કરીને નેશનલ એડવાઇયરી કાઉન્સિલના ભૂતપૂર્વ સભ્ય જીન ડ્રીઝ સામે અભિયાન છેડયું હતું. શૈફાલીનો દાવો હતો કે, વિદેશી નાગરિક હોવા છતાં જીનને કાઉન્સિલમાં સ્થાન મળી ગયું. અર્થશાસ્ત્રની જીનએ સાબિત કર્યુ કે તેઓ 37 વર્ષથી ભારતમાં રહેછે. અને 2002માં જ તેમને ભારતીય નાગરિકત્વ મળી ગયું હતું ! પણ, આવી સ્પષ્ટતાઓ સાંભળે છે કોણ ! હજુ પણ આ મેસેજ હવામાં આમતેમ ઘુમરાઇ રહ્યો છે.

સોશિયલ મીડિયાની આ મજા એ છે કે, તેમાં અલમોકટ કશું જ નાશવંત નથી. લગભગ બધું જ શાશ્વત છે, અજરામર છે. અને આ જ કદાચ સજા પણ છે. ફેક હમ્બગ સમાચાર જો પ્રિન્ટ મીડિયામાં છવાય તો તેનું ફોલો-અપ બંધ કરીને તેની અસર ડાઇલ્યૂટ થઇ શકે છે. ચેનલ પર પણ આવું થઇ શકે. સોશિયલ મીડિયા પર આવું અસંભવ છે. અહીં એક વખત મિસાઇલ છૂટી ગયા પછી તેનો કન્ટ્રોલ કોઇની પાસે હોતો નથી. એક મેસેજ વહેતો થયો કે 777888999 નંબર પરથી ફોન આવે ને કોઇ ઉપાડશે તો મોબાઇલમાં બ્લાસ્ટ થઇ જશે ! ખણખોદીયાઓએ તપાસ માંડી તો ખ્યાલ આવ્યો કે, આવા કોઇ કોલ ક્યાંયથી, કોઇને આવતાં જ નથી. મેસેજ સાથે ફોન બ્લાસ્ટનો જે ફોટો વાઇરલ થયો હતો એ ઘડાકો મહારાષ્ટ્રના કોઇ ગામમાં ચાર્જિંગ સમયે થયો હતો.

વાદળોમાં શિવની અને ગણેશની આકૃતિના ફોટોગ્રાફસ, કૈલાશમાં મહાદેવના દર્શન… આછાu તસવીરો સતત વાતાવરણમાં ફરી રહી છે. આ બધો કમાલ ફોટોશોપનો છે એવં સમજવા માટે કંઇ રોકેટ સાન્યસ કે અવકાશ વિજ્ઞાનનું જ્ઞાન જરૃરી નથી. એનાં માટે માત્ર સિકસ્થ સેન્સ જ ખપે. આ છઠ્ઠી ઇદ્રિય એટલે, કોમને સેન્સ. 2000 રૂપિયાની નોટમાં કોઇ માઇક્રોચીફ હોઇ જ ના શકે એ જાણવા નોટ ફાડવાની આવશ્યકતા જ ન હોય. આવા મેસેજ ફોરવર્ડ કરવા એ પણ એક દ્રષ્ટિએ ડેટાનો વ્યય છે. ડિઝિટલ યુગમાં ડેટાની કિંમત નમક જેટલી છે અને તેનું મૂલ્ય પણ સોલ્ટ જેટલું છે. ન એ ઓછું ચાલે, ન તેનો દુરુપયોગ કરાય. થોડાં સમય અગાઉ કોઇએ મેસેજ વાઇરલ કર્યો કે, નરેદ્ર મોદીના ઉદયની આગાહી ફ્રેન્ચ ભવિષ્યવેતા નોસ્ત્રાદોમસ સદીઓ પહેલાં જ કરી ચૂક્યો હતો. અને પોતાની ગૂઢ ભવિષ્યવાણીમાં તેણે નરેદ્ર મોદીનો ઉલ્લેખ નરેદ્રુસ તરીકે કર્યો હતો ! આ નોત્રાદોમસ પણ એક જબરું પાત્ર છે. આપણે ત્યાં પોતાના બિલ્ડિંગના પ્રેસિડેન્ટની ચૂંટણી કોઇ જીતે તો પણ તેને નોસ્ત્રાદોમસની આગાહી સાથે સાંકળતા હોય છે. ઊંડી તપાસ કરાતાં માલુમ પડ્યું કે આ ટાઢા પ઼્હોરનું ગપ્પું હતું.

ઓડાં દેખી જેમ ખોડાં ગૂડે તેમ આવામેસેજ એક પ્રકારની પ્રેકિટસ જેવાં થઇ પડ્યાં છે. પોલિટિકલ પાર્ટીના સાયબર વોર રૂમ અને પાવર બ્રોકર્સના ફળદ્રુપ ભેજાંની ફસલ જેવાં સંદેશાઓ ફેલાવવામાં જાણતાં – અજાણતા સામાન્ય પ્રજા પણ હાથો બને છે. હોરાજીની દાઢી બલે ને કોઇને કાજે તાપણું થાય તેવો ઘાટ છે બિહારની એક મુસ્લિમ સ્ત્રીના નામે વિડિયો વાઇરલ થયો છે. બુરખો નહીં પહેરવા બદલ આ સ્ત્રીને મુસ્લિમોનું એક ટોળું જાહેરમાં મોતને ઘાટ ઉતારી દે છે. વિડિયો આવ્યોને ગોકિરો મચ્યો. દિવસો પછી છતુંથયું કે એ ક્લિપ બિહારની પણ નથી અને ભારતનો પણ નથી, વાસ્તવમાં એ વિડિયો ગ્વાટેમાલાની એક આંતરિક ઘટનાનો છે. આવી જ રીતે બિહારના વિડિયો તરીકે વધુ એક ક્લિપ ખપાવાઇ. એક હિન્દુ શખ્સને તેમાં મુસ્લિમ યુવાનો મોતને ઘાટ ઉતારતાં દેખાય છે. વિડિયો સાથે મેસેજ પણ મોકલાયો કે, આ વિડિયોને એટલો ફેલાવો કે, એ મોદીજી સુધી પહોંચે… મોદીજી સુધી પહોંચ્યો કે કેમ એ તો તેઓ જાણે. પરંતુ તુરંત જ તપાસ થઇ અને ખ્યાલ આવ્યો કે, આ વિડિયો બિહારનો નહીં કિન્તુ બાંગ્લાદેશનો છે !

સ્થાપિત હિતો ચોક્કસ પ્રકારના અન્ડરગ્રાઉન્ડ પ્રોપેગેન્ડાના ભાગરૂપે આવી ક્લિપ્સ અને આ પ્રકારના કન્ટેન્ટ વાઇરલ કરે છે. અને ઓવરગ્રાઉન્ડ પ્રોપેગેન્ડાના હિસ્સારૂપે એ માધ્યમો પર ઝળક્યા કરે છે. દસેક મહિના પહેલાં રાજકોટના નવાં બસ સ્ટેન્ડના અફલાતૂન ફોટોઝ વાઇરલ થયાં. એરપોર્ટ કરતાં પણ વધુ ઝાકઝમાળ ધરાતી આ તસવીરો સાથે કહેવાયું કે, આ કોઇ એરપોર્ટ નથી, ગુજરાતના રાજકોટ શહેરનું નવનિર્મિત બસ સ્ટેન્ડ છે. આને કહેવાય વિકાસ !

તુ મારી શરણાઇ ફુંક, હું તારો શંખ વગાડુંના ન્યાયે દેશની ટોચની સેલિબ્રિટિઝએ પણ આ ફોટોગ્રાફ્સ શેર કર્યાં. ઇફ્રોસીસના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં રહીચૂકેલા મોહનદાસ પાઇએ આ મેસેજ માથે મટુકડીની જેમ ઊંચક્યો અને શેર કર્યો. ગોએન્કા ગ્રુપનાચેરમેન એચ.વી. ગોએન્કાએ માથે મોરપિંછની માફક આ મેસેજ ખોસ્યો અને સોશિયલ મિડિયા પર નૃત્ય કર્યા. ખૂદ ભાજપના જ સાંસદ બાબુલ સુપ્રિયોએ પણ રાગ દરબારી આલાપ્યો. એકદમ ઊંચા-બુલંદ સ્વરે. બાય ધ વે, આવું કોઇ બસ સ્ટેન્ડ રાજકોટમાંબન્યું જ નથી. આ મેસેજ વાઇરલ થયો ત્યારે તો રાજકોટના બસ સ્ટેન્ડની યુરિનલ નજીકથી પણ પસાર ન થઇ શકીએ તેવી તેની હાલત હીત. હા ! નવું બસ સ્ટેન્ડ અત્યારે બને છે જરૂર. પણ એ કેવું બનશે એ ભગવાન જાણે. ચોક્કસ પ્રકારની આવી હરકતો માત્ર રાઇટ વિન્ગ તરફથી જથતી હોય તેવું નથી. આ સ્નાનકક્ષમાં સઘળાં દિગંબર છે.

નરેદ્ર મોદી અને સચિન તેંડુલકર પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસના સોફા પર બેસી વાતો કરતાં હોય અને પીએમઓની દીવાલ પર મુકેશ અંબાણીનો ફોટો ટંગાયેલો હોય એવો ફોટો સોશિયલ મિડિયામાં મોદી વિરોધીઓ સબિત કરવા માંગતા હતા કે, અંબાણી પર મોદીના ચારસો હાથ છે. ઓરિઝિનલ તસવીર જો કે, ખુદ મોદીએ રિલિઝ કરી હતી. પરંતુ સ્વાભાવિક છે કે પીએમઓની ભીંતપર અંબાણીનો ફોટો ન જ હોય. કદાચ અંબાણીનું નામ તેમના હૈયે કોતરાયેલું હોય તો પણ આવો તમાશો કરે એટલાં તેઓ ભોળા નથી. અંબાણીની તસવીર ધરાવતી એ તસવીર અસલમાં કોઇએ ફોટોશોપમાં બનાવી હતી.

ક્યાં ક્યાં સુધી પૂગી શકાય ! સોશિયલ મિડિયા એક ઉપયોગી ઉપકારક એવું ફેન્ટાસ્ટિક પ્લેટફોર્મ છે. તેનો સદુપયોગ જ્ઞાન ગમ્મત અને સવલત તથા કમાણી સુધીનું ઘણુંબધું આપે છે. પરંતુ તેનો દુરુપયોગ અનર્થ સર્જવા સક્ષમ છે. કેસરની ક્યારી બનાવી ને આપણે ગુલાબજળથી બીજ સીંચીએ તો કોઇ સુગંધી દ્રવ્ય જ ઉપજે એવું કોણે કહ્યું ! આપણે જો ડુંગળીયા બીજ રોપ્યાં હોય તો કાંદા જ ઉગે…

લેખક : કિન્નર આચાર્ય

દરરોજ આવી અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી