‘ખુશ’ થવા માટે પણ ભણવું પડે? હાર્વર્ડ યુનિવર્સિટીએ શરુ કર્યો કોર્સ

‘ખુશી’  ‘સુખ’  ‘આનંદ’  ‘પ્રસન્નતા’  ‘પ્રફુલ્લિત’ – આ બધા શબ્દ એક બીજાનાં પર્યાય છે એ તો દરેકને ખબર જ છે. પણ ખરેખર આ શબ્દોને કોણ જાણે છે તે મહત્વનું છે. અત્યારની આ ફાસ્ટ લાઈફમાં લોકો હકીકતમાં ખુશ કે સુખ શું હોય છે તેનો વધારે અનુભવ નથી કરી શક્તા. અત્યારે લોકોમાં ડિપ્રેશન, બીમારી અને તનાવ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેને કારણે દિવસે ને દિવસે આત્મ હત્યા કે સૂસાઈડનાં બનાવ પણ વધતા જઈ રહ્યા છે. જે લોકો સમજદાર છે તેઓ ડોક્ટર પાસેથી ડિપ્રેશન કે અન્ય સમસ્યાઓ માટે  મદદ લે છે અને જેઓ ડરીને રહે છે તેઓ પોતાનાં જીવનને ટૂંકાવી દેતા હોય છે.

આપણું જીવન એ ભગવાન તરફથી મળેલ ભેટ છે, જેને આપણે શાંતિથી અને ખુશીથી જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. સમસ્યા તો ભગવાનને પણ આવી હશે સંસારની રચના કરવામાં, પણ તેમણે તેનો શાંત મને ઉકેલ લાવ્યો જ હશે. આપણાં ગ્રંથો અને શાસ્ત્રોમાં સુંદર રીતે વર્ણવેલ છે કે જીવન જેટલું સરળતાથી જીવશો તેટલા તમે રાજી ખુશીથી રહેશો.

 

આજે તમને અમે આજનાં સમયમાં ખુશ રહેવા માટે લોકો કેટલી મહેનત કરે છે તે અંગે જણાવી રહ્યાં છીએ. આમ તો સુખી રહેવાની કોઈ ચોક્ક્સ વ્યાખ્યા નથી, વ્યક્તિ પ્રમાણે ખુશ રહેવાનો અર્થ બદલાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે લોકો ખુશ થવા માટે પણ અભ્યાસ કરે છે. હા બરાબર જ સાંભળ્યું છે તમે, હવે કોલેજ કે યુનિવર્સિટીમાં કેવી રીતે ખુશ થવું તેવાં કૉર્સ પણ કરવામાં આવે છે. આવી જ એક યુનિવર્સિટી વિશે તમને જણાવી રહ્યાં છી જ્યાં આ પ્રકારનો અભ્યાસ થાય છે અને તેનાં પ્રૉફેસરનું આ અંગે શું કહેવું છે તે પણ જાણીશું.

હાર્વર્ડ યુનિવર્સિટી જે વિશ્વમાં ટોચની યુનિવર્સિટી માંની એક ગણાય છે, અહીં યુનિવર્સિટીમાં આમ તો કેટલાય કૉર્સ કરવા માટે વિશ્વભર માંથી સ્ટુડન્ટ્સ આવતા હોય છે, પરંતુ અહીં એક કૉર્સ એવો છે જેનાં વિશે જાણીને તમારા પણ હોંસ ઉડી જશે કે ખરેખર આવો કોઈ કૉર્સ એ પણ આટલી પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ શીખવા માટે આવતા હોય છે. ‘હાઉ ટુ લર્ન બી હેપ્પીયર? (કેવી રીતે ખુશ થવુ?) નામક કૉર્સ યુનિવર્સિટીનો સૌથી પૉપ્યુલર અને સક્સેસફૂલ કોર્સ છે. જેનાં પ્રોફેસર બેન શહર છે અને તેમની હેઠળ એક સેમેસ્ટરમાં ૧૪૦૦ વિદ્યાર્થીઓ હોય છે અને તેમાં પણ ખાસ તો ૨૦ % હાર્વર્ડનાં ગ્રૅજ્યુએટ્સ આ કૉર્સને વિકલ્પમાં લેતા હોય છે. પ્રૉફેસર બેન શહરનાં મતે આ કોર્સમાં ખુશી, સેલ્ફ એસ્ટીમ (સ્વાભિમાન) અને મોટીવેશન (પ્રેરણા) ઉપર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જે જીવનમાં સફળતા મેળવવા અને વધારે આનંદથી જીવવા માટેનાં સાધનો છે. આ ૩૫ વર્ષિય શિક્ષકને અમુક લોકો ‘ધ હેપ્પીનેસ ગુરુ’નાં નામે ઓળખે છે. તેમણે જણાવેલ અમુક બાબતો જે જીવનમાં સકારાત્મકતા અને આત્મવિશ્વાસને વધારવા માટે મદદ રૂપ થાય છે, જે આ પ્રમાણે છે.

 

– તમને જે કંઈ પણ જીવનમાં મળ્યું છે તેનાં માટે ભગવાનને આભારી રહો. તમે તમારા જીવનની સર્વ પ્રથમ એવી દસ વસ્તુ/સ્થળ/વ્યક્તિ આદિનાં નામ લખો જે તમને દિલથી પ્રસન્ન કરે છે. જીવનમાં ચઢતી-ઉતરતી આવવાની જ છે, પણ તમારે માત્ર સારી જ વાતો કે વસ્તુ ઉપર જ ધ્યાન આપવું જોઈએ.

– દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ કસરત પાછળ ફાળો. નિષ્ણાતોનું કહેવું છે કે એક્સરસાઈઝ કરવાથી તમારા મિજાજમાં સુધારો આવે છે. તેમાં પણ ખાસ જે લોકો હંમેશા તનાવ કે દુઃખી રહેતા હોય તેમને તો અચૂકથી કસરત કરવી જોઈએ. જેનાથી શરીરમાં તંદુરસ્તી તો આવશે જ અને સકારાત્મક ઉર્જા પણ પ્રાપ્ત થશે.

– અમુક લોકો સમયનાં અભાવને કારણે અથવા વજનનાં વધે તે કારણથી સરખી રીતે ભોજન નથી કરતા. તેમાં પણ ખાસ સવારનો નાસ્તો તો બિલકુલ જ નથી લેતા. ડૉક્ટર પણ કહે છે કે રાતે ભલે તમે એકદમ સામાન્ય કે હળવું ભોજન લો પણ સવારે નાસ્તો સરખી રીતે કરો. તેનાથી શરીરમાં એનર્જી રહે છે અને કામ સફળતાથી પૂર્ણ કરી શકો છો.

– એક રીસર્ચમાં સામે આવ્યું કે ૭૫ % લોકો પોતાનાં પૈસા હરવા-ફરવામાં, અભ્યાસમાં અને કોઈ નવી એક્ટિવિટી શીખવા માટે વાપરતા હોય છે, જેનાથી તેમને આનંદ મળે છે. બાકીનાં લોકો તેમની મનપસંદ વસ્તુઓ ખરીદીને ખુશ થતા હોય છે. અંત્તે લોકો પોતાનાં પૈસા ત્યાં જ ખરચતા હોય છે, જેનાથી તેમને ખુશી મળતી હોય છે.

– જીવનમાં જે પણ ચેલેન્જીસ આવે છે તેમનો સામનો કરો. લોકો એવા કાર્યોને ટાળતા રહે છે જેને કારણે તેમને ટેન્શન અને બેચેની રહે છે. આવું ન થાય તેનાં માટે એક નાની લિસ્ટ તૈયાર કરો જેમાં અઠવાડિયા દરમિયાન જે કોઈ કામ કરવાનાં છે તે લખો અને તે અનુસાર તેને પૂર્ણ કરતા રહો. આનાથી તનાવ તો દૂર રહેશે જ અને ચેલેન્જીસને પૂરા કર્યાનો આનંદ પણ મળશે.

– તમે જ્યાં પણ રહો છો અથવા કામ કરો છો ત્યાં પોતાનાં જીવનની યાદગાર પળો જે તમને ખુશ કરી દે છે તેને સાથે રાખો. જો સંભવ હોય તો કોઈ સ્લૉગન, ફોટો અથવા યાદગીરી રુપે કોઈ વસ્તુને રાખી મૂકો, ભલે તે તમારી ઑફિસ હોય કે ક્મ્પ્યૂટર, ડેસ્ક અથવા રુમ જ કેમ ન હોય, દરેક જગ્યાએ જીવનની અમુક મેમરીને દર્શાવો.

– હંમેશા લોકોને ચહેરા પર સ્મિત, વિનમ્રતાથી અને સત્કાર સાથે મળો. ૧૦૦ થી પણ વધારે તપાસમાં જણવા મળ્યું  છે કે ફક્ત એક સ્મિત લોકોનાં મૂડને બદલી નાખે છે. કોઈ પણ તકલીફ હોય કે સમસ્યા હંમેશા ચહેરા ઉપર સ્માઈલ રાખો તેનાથી કોઈ ઉકેલ મળે કે ન મળે પણ મનમાં શાંતિ અવશ્ય રહેશે.

– અમેરિકન ઑર્થપીડિક અસોસિએશનનાં પ્રેસિડેન્ટ ડૉ. કિંથ વેપ્નર જણાવે છે કે પગને અનુકૂળ હોય તેવા બૂટ-ચપ્પલ પહેરવાનું રાખો. જો તમારા પગમાં કોઈ ઈજા થશે તો તેને કારણે પણ તમે ખરાબ મૂડમાં રહો છો.

– ગીતો સાંભળવાથી પણ મન ખુશ રહે છે. જે ગીત તમને પસંદ હોય તેને સાંભળતા કામ કરતા રહો, આનાથી કામ જલદી પૂરુ થશે અને મન પણ પ્રસન્ન રહેશે.

– હેલ્થી રહેવાથી પણ જીવનમાં ઘણો ફરક પડે છે. દિવસમાં દર ૨-૩ કલાકમાં થોડું થોડું ખાતા રહો અને મેદા કે ખાંડનું સેવન બંધ કરો. જેટલા સ્વસ્થ રહેશો તેનો લાભ તમને વધારે મળશે.

– ૭૦ % લોકોનું માનવું છે કે તેઓ સારા દેખાય છે ત્યારે તેઓ વધારે ખુશ રહે છે. તમારે તેનાં માટે કંઈ હજારો રુપિયા ખર્ચીને મેક-અપ, કપડા કે જૂતા-ચપ્પલ નથી લેવાનાં, જે વસ્તુૂ છે તેને જ પહેરીને ચોખ્ખઈથી રહેવાથી તમને જાતે જ એક અનેરો આન્ંદ મળે છે.

– ભગવાન સિવાય જીવનમાં કશું જ નથી, એવું નથી કહેતા કે કલાકોનાં કલાકો મૂર્તિ પૂજા, જાય કે હવન કરો. હા, પણ ભગવાનનું નામ સાચા મનથી લેતા રહો જાતે જ તમને પ્રસનતાનો અનુભવ થશે.

મિત્રો જીવનમાં તકલીફો તો રહેવાની જ છે, પણ તમે તેનો સામનો હસતા મુખે કરો છો કે દુ:ખી થઈને એ તમારી ઉપર છે. આપણને આવતી કાલની ખબર નથી હોતી અને ક્યારે શું થઈ જાય તે પણ ખબર નથી, છેલ્લી ઘડિયે અફસોસ થાય તેનાં કરતા વર્તમાનમાં સુખીથી રહેવું એ વધારે ઉત્તમ છે. તો હવે પ્રયાસ કરજો કે જીવનમાં ખુશ રહીને કાર્યો કરો અને જો વાત સાચી લાગી હોય તો અન્ય લોકો સાથે જરુરથી શેર કરજો.

સંકલન – જ્યોતિ નૈનાણી

ટીપ્પણી