“ભણતરનું મહત્વ” ….. વર્ષો પછી સમજાયું ભણતરનું મહત્વ, ખુબ જ સમજવા જેવી વાત આજે જ વાચો

ભણતર નું મહત્વ

સુંદરપુર ગામની સવાર હંમેશા કૂકડાનાં અવાજે જ થતી. સુંદરપુર ગામ શહેરથી આશરે ૧૦૦ કિ.મી દૂર આવેલું.

સુંદરપુર ગામ નામ પ્રમાણે જ સુંદર ગામની સીમમાં પર્વતો ની હારમાળા અને એક તરફ ખળખળ વહેતી નદી, આશરે ૧૦૦૦ માણસોની વસ્તી, ગામનાં તમામ લોકો સંપીને રહે. લોકો નો મુખ્ય વિષય ખેતી-પશુપાલન-મરધાં ઉછેર. સવાર પડે ને કૂકકકડેે…કૂક કૂકડાંનો અવાજ, સૂર્યની પર્વતો વચ્ચેથી થતી આગમનતાં, સાથે જ સૂર્યનાં કિરણો સુંદરપુર ગામ ઉપર પડતાં જ સુંદરપુરની સુંદરતા પર ચાર ચાંદ લાગી જતાં.. આ સાથે જ ગામનાં લોકો પોત-પોતાનાં કામમાં વ્યસ્ત થઈ જતાં…

કોઈ ખેતીનાં ઓજારો લઈને ખેતરે જવાં નિકળતું, તો કોઈ વળી પોતાના પશુઓને ચરાવવાં એક આખી પશુની હારમાળા લઈને નિકળી પડતાં, તો કોઈ બળદગાડું લઈ ને નિકળતાં,,,

ગામની સ્ત્રીઓ પણ માથા ઉપર માટલું મૂકી પનિહારી બની પાણી લેવાં નિકળી પડતી…

પરંતું શહેર થી દૂર હોવાનાં લીધે અહીં લાઈટ ની સગવડ ન હતી અને અહીં કોઈ વધું ભણ્યાં નહતાં, કારણ કે ગામમાં એક શાળા હતી, જ્યાં લોકો ૪ ધોરણ સુધી ભણતાં અને ત્યારબાદ બધા પોતપોતાના કામધંધે ખેતી અને પશુપાલનમાં લાગી જતાં…અને ગામડાં નાં લોકો એટલે એવું જ સમજતાં કે ભણી ને કરવું શું? એમ પણ ખેતી અથવાં પશુપાલન જ કરવું છે ને…

ટન..ટન..ટન..ટન

શાળાનાં ધંટ નો અવાજ આવ્યો, હજી તો જીગાએ કપડાં પણ ન હતા પેર્યા… દાતણ કરીને હજી તો આવ્યો જ હતો…

એકદમ ઝડપે જીગાએ કપડાં પેર્યા, માથા માં રેલા ઉતરે એટલું દિવેલ નાંખ્યું, ગામડાંમાં નાના છોકરાનો પહેરવેશ એટલે એક ટુંકી ચડ્ડી અને એક બુશર્ટ એનાં બટનો ની જગ્યા એ “ચાંપ” (safety pin) લાગેલી હોય…

જીગો એટલે જીગો ગામમાં સૌથી અલગ, મા-બાપ બાળપણમાં જ ગુજરી ગયેલાં, આજુબાજુના પાડોશીઓ એ જીગાને થોડો મોટો કર્યો. પણ એને ભણવાનું ન ગમે.. ચોપડા જોઈને જ એને ત્રાસ લાગે. ચોપડાં જોઈને એનું મૂડ બગડી જતું. પણ ગામનાં લોકો ના કહેવાથી એણે શાળા એ જવું પડતું. પણ ખાલી બપોર સુધી, અને એ પણ કોઈ કોઈક વાર કારણ કે જીગાનો આખો દિવસ પર્વતોની હારમાળા અને નદી કિનારે જ પસાર થતો.

જીગો ધરેથી શાળા એ જવાં નિકળતો, અને સાથે જીગાનો મિત્ર વિકી પણ હોય, વિકી ભણવામાં થોડો હોશિયાર એટલે શાળા એ દરરોજ જતો પણ જીગા ને ભણવાનો ત્રાસ લાગતો એટલે અડધે રસ્તેથી ગાયબ થઈ જતો…

જીગો દરરોજ શાળા એ જવાં નિકળતો પણ શાળા એ ન જતો બસ રમત-ગમત માટે નિકળી જતો, સાથે બીજા ૨-૪ નંગ પણ સાથે જ હોય… ક્યારેક નદીમાં નાહવું તો ક્યારેક પર્વતો ઉપર ચઢવું વગેરે જીગાનો નિત્યક્રમ બની ચૂક્યો હતો.

અને હવે તો જીગો થોડો મોટો થઈ ગયો હતો, એટલે ‘ગંજીફા’

ની રમત નો શોખીન બની ગયો,

થોડી ધણી બાપ-દાદા ની જમીન હતી તેમાં થોડી-ધણી મહેનત કરી ખૂબ જ ઓછા પૈસા કમાતો, અને એ બધાં પૈસા ‘ગંજીફા’ ની રમતમાં જતાં રહેતાં. કોઈ વાર તો ખાવાંનાંય ફાફા પડતાં માંગી-ભીખીને ખાવું પડતું.

હવે, એનેય આ બધું ગમતું ન હતું પરંતું કરે શું?

પત્તા રમવા વગર ચાલતું ન હતું સાથે સાથે નશાની ય લત થઈ હતી. એટલે ન છૂટકે લોકો ને ત્યાં કામ કરવાં જવું પડતું. હાલત થોડી ખરાબ હતી પણ, કરે શું કોઈક વાર ભૂખ્યા જ સુઈ જવું પડતું…

હવે, તો પોતાની જુગાર રમવાની કુટેવથી ચોરી નાં રવાડે પણ ચડી ગયો હતો. ક્યારેક તો એ ચોરી કરતાં પકડાઈ જતો તો ગામનાં મુખિયા નો માર પણ ખાવો પડતો. ધણીવાર ગામનાં લોકો પણ ઢીબીં નાંખતાં. બધા જીગાને “ચોર” નું બિરુદ આપી દીધું હતું,

એક વખત તો ગામનાં મુખિયા નાં નાના ભાઈનાં ધરે જ ચોરી કરતાં રંગેહાથે પકડાઈ ગયો. અને મુખિયા એ જીગાને ગામમાંથી કાઢી નાંખવાની સલાહ આપી દીધી. પરંતું ગામડાં નાં લોકો આટલાં ક્રુર ન હોય એટલે લોકો ના કહેવાથી અને જીગાની આજીજી થી મુખિયાજીએ અને પંચે નક્કી કર્યું કે જીગાએ ગામની સીમમાં જ રહેવાનું અને ગામમાં કામ વગર આવવું નહીં…

જીગાએ પોતાનાં ધરમાં રહેલ એક બગલથેલો લીધો અને ગામની બહાર જતો રહ્યો.

ગામની સીમમાં નાની અમથી ઝુપડી બનાવી રહેવાં લાગ્યો.

વર્ષો પસાર થતાં ગયાં…

જીગો હવે ૨૬ વર્ષ પાર કરી ગયો હતો. ગામનાં લોકો હવે જીગા ને “જીગો જુગારી” ના નામે ઓળખતાં હતાં. તો કોઈ “ચોર” કહીને જ ઓળખતાં.

જીગો જેમ તેમ કરી થોડી ઘણી મહેનત કરી ખાવાં જેટલું કરી ને જીવતો હતો.

એક દિવસ સવારે જીગો થોડો લાંકડાં કાપીને સીમમાં આવતો જ હતો, ત્યાં જ કાચાં રસ્તા ઉપરની ડમરી ઉડતી દેખાઈ. જીગાએ ચીવટપૂર્વક જોતા માલૂમ પડ્યું કે કાચી સડક ઉપર એક મોટરકાર મધ્યમ ગતિ એ ગામ તરફ આવી રહી હતી.

જીગો જોતો જ રહી ગયો, કારણ કે ગામમાં સૌપ્રથમ વાર મોકરકાર આવી રહી હતી. થોડીવારમાં તો મોટરકાર જીગાની નજીક આવી રહી હતી, તેની નજીક થી જ પસાર થઈ ગઈ, તેની આંખ પલકારા માર્યાવિના જોતી રહી, અને કાર એની નજીકથી પસાર થઈ ગઈ… જરા આગળ જઈને કારની બ્રેક લાગી સટાક દઈને ગાડી થંભી… ગાડી રિવર્સ ગિયર માં જીગા પાસે આવી..

અંદરથી એક હૅન્ડસમ યુવક ઉતર્યો. ફોર્મલ કપડાં, આંખો ઉપર ચશ્માં, ગળામાં ૨ તોલાની ચેઈન, નીચે ફોર્મલ બૂટ, આસમાની કલરનાં શર્ટનાં ખિસ્સાંમાં સરસમજા ની બૉલપેન જાણે કોઈ બેંક ઑફિસર જેવો લાગતો યુવક ઉતરતાંની સાથે જ બોલ્યો,

“જીગા, તારી આવી હાલત?? ઓળખે છે મને?? અને અહીં ગામની સીમમાં શું કરે તું??”

જીગો તો નવાઈ જ પામી ગયો તેનું નામ “જીગો” સાંભળી, કારણકે એને આ નામથી વર્ષોથી કોઈયે બોલાવ્યો ન હતો.

“કોણ સાહેબ, તમે મને આ નામથી બોલાવવા વાળા??” આંખોમાં એક અલગ જ ભાવના સાથે જીગા એ પૂછ્યું…

“અલ્યાં તું મને નઈ ઓળખે? હું તારો લંગોટિયો મિત્ર વિકી.

વિકી ચૌધરી. હું તને જ મળવાં આવ્યો છું. સાથે રહી નેજ મોટા થયાં અને મને ભૂલી ગયો. એક સાથે તો શાળા એ જતાં. સૉરી શાળા એ હું જતો તુતો રખડવાં જતો, બરાબરને,” વિકી એ મંદમંદ હસતાં હસતાં કહ્યું.

“વિકી તું મને ઓળખી નાંખ્યો પણ, હું તને ન ઓળખી શક્યો, તારા આવા વ્યક્તિત્વને લીધે હું તને ન ઓળખી શક્યો, ખરેખર યાર, તારું તો જીવન શ્રેષ્ઠ છે! શું હું આનું કારણ જાણી શકું??

હા, કહું ઉતાવળો ન થા, શાંતિથી બેસ પછી કહુંને..

બંન્ને વિકીની ગાડીમાં બેસી ગયાં, અને વિકી એ વાત ચાલું કરી.

“જો જીગા, હાલમાં હું શહેરની શ્રેષ્ઠ બેંકમાં મેનેજરની પૉસ્ટ ઉપર છું, એ બધું મારા ભણતર ને લીઘે, હાલમાં મારો મહિનાં નો પગાર ૩૦,૦૦૦ છે. મારી પાસે શહેરમાં પોતાનું ધર છે, આ ગાડી છે. આ બધું મારા શ્રેષ્ઠ અભ્યાસ ને લીધે, “આપણા દેશમાં પટાવાળા બનવાં માટે પણ આજકાલ ૧૨ પાસ ફરજીયાત છે” અને આવા જ દેશમાં આપણે ભણવું જ રહ્યું, તું ન ભણ્યો તો તારી આ હાલત છે, હું ભણી ને આજે ક્યા છું એ તું ખુદ જોઈ શકે છે. આપણે ગામડાંનાં વ્યક્તિ એવું જ વિચારીયે છે કે “ભણતરનું શું કામ? એમ પણ ભણીને ખેતી જ કરવી છે, પણ એવું નથી. ગામડાંનાં લોકો પણ ભણીગણી ને મારા જેવી સિધ્ધી મેળવી શકે છે. પણ જેને ભણતરનું મહત્વ સમજાય એ જ.. સાચ્ચે ભણતર જીવન જીવવાનો પાયો છે, બાળપણમાં જ એનો પાયો મજબૂત કરી નાંખીયે તો જીવન શ્રેષ્ઠ થઈ જાય… અને વિકી એ વાત પૂરી કરી.

“ખરેખર આજે મને સમજાય છે કે બાળપણ માં કરેલી ભૂલ નું આજે આ પરિણામ છે, હું પણ તારી જેમ ભણ્યો હોત તો આજે તારી જેમ શ્રેષ્ઠ જીવન જીવતે, આમ, ચોરી, જુગાર કે નશાથી દુર રહેતે…” જીગાનો અવાજ ખૂબ જ ધીમો હતો, અને ડૂંસકાં ભરેલાં અવાજ માં બોલી ગયો.

જીગા, “પાણી પહેલાં પાર બંધાય” હવે અફસોસ કરી ને કોઈ ફાયદો નથી.” હા, પણ આવનારી પેઢીને તું આ અંગે માર્ગદર્શન આપી શકે છે, ચાલ, આજથી તું પણ મારી સાથે રહેજે શહેરમાં અને “ભણતરનું મહત્વ” અંગે ના સૅમિનાર માં મને મદદ કરજે.. વિકી એ નમ્રતાથી કહ્યું.

જીગો જરા પણ અટક્યાં વિના ઝુપડી માંથી બગલથેલો લઈ આવ્યો અને ગાડીમાં બેસી ગયો. અને ગાડી ધુળની ડમરી ઉડાંળતી ઉડાંળતી કાચી સડક ઉપર અદ્રશ્ય થઈ ગઈ…

લેખક :  કુંજ જયાબેન પટેલ “સ્વવિચાર”

નવલિકા વાંચવા માટે આજે જ લાઇક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ”

 

 

ટીપ્પણી