ખોટની – કેમ ઘરમાં એ નાનકડી દિકરીને ખોટની કહેવામાં આવી રહી હતી…

“ ખોટની”

“બેટા, તું જલ્દી સરકારી હોસ્પિટલ પર આવ, સરલાનાપેટમાં પીડા ઉપડી છે” સરલના મમ્મીએ તેને ફોન કરતા કહ્યું.

“હું થોડીવારમાંજ સરકારી હોસ્પિટલ પર પહોચું છું મમ્મી, તમે જલ્દી ત્યા પહોંચો” સરલે તેના મમ્મીને જવાબ આપતા કહ્યું.

“તુ ગાડી ખુબ ધ્યાનથી ચલાવજે અને કોઇ ચિંતા ના કરતો” સરલના મમ્મીએ સરલને કહ્યું.

“સારુ…તમારી સાથે કોણ કોણ આવવાનું છે?” સરલે તેની મમ્મીને પૂછ્યું.

“સરલા સાથે હું, કમલા અને કાજલ આવવાના છીએ હોસ્પિટલ પર” સરલના મમ્મીએ જવાબ આપતા કહ્યું.

“ઓકે….ટેક્સી કરાવી?” સરલે ફરી તેના મમ્મીને પૂછ્યું.

“ચાલ…બેટા…તું જલ્દી હોસ્પિટલ પર પહોંચ, એમબ્યુલસ આવી ગઇ છે, અમે બસ થોડીજ મીનીટોમાં અહીથી નીકળીએ છીએ “આટલુ કહેતા સરલના મમ્મી એ કોલ કટ કરી નાખ્યો.
સરલ તેના બોસ પાસે ગયો અને તેને બધી વાત કરી અને તે સરકારી હોસ્પિટલ તરફ આવવા ઓફીસ પરથી રવાના થયો.

* * * * * * * * * * * * * * * * * *

કમલા, કાજલ અને સરલના મમ્મી ઓપરેશન થીયેટરની બહાર બેઠા હતા. સરલને આવતો જોઈને તે બધા ઉભા થઇ ગયા.

“મમ્મી…સરલા કયા છે?” સરલે તેની મમ્મી પાસે ઉભા રહેતા તેને પૂછ્યું.

“તે આ રૂમની અંદર છે” સરલની મમ્મીએ ઓપરેશન થીયેટરની લાઇટ તરફ આંગળી સીંધતા કહ્યું.

“કેમ? તેને ડિલીવરી માટે ઓપરેશન કરવું પડશે?” સરલે ચિંતા વ્યકત કરતા તેની મમ્મીને પૂછ્યું.
“ડોક્ટરે ઓપરેશની જરૂર નહી પડે એવું કીધું છે, તું ચિંતા ના કર “સરલની મમ્મીએ સરલને શાંત પાડવાની કોશિશ કરતા કહ્યું. સરલની આંખો આંસુથી ઉભરાઇ આવી.

“સરલભાઇ…રડો નહી, તમારા ધરે છોકરાનોજ જન્મ થશે” સરલની બહેન કમલા બોલી.

“હા….કમલા..મને પણ તારી આ વાત સાચી પડશે એવુ લાગી રહ્યુ છે” કમલાનો સાથ પુરાવતા સરલની નાની બહેન કાજલ બોલી.

“સરલ બેટા, કમલાની વાત એકદમ સાચી છે, અને હંમેશા તેની વાત સાચી પણ પડે છે” સરલની મમ્મી બોલી. સરલે તેની આંખમા આવેલા આંસુ તેના હાથ રૂમાલથી લુછ્યા. કમલા, કાજલ અને સરલના મમ્મી, સરલાના પેટે છોકરો અવતર શે એવી આશા સાથે ખુશ જણાતા હતા. પરંતુ સરલના ચહેરા પરની મુંઝવણ હજુ મજબુત જણાતી હતી.

ઓપરેશન થીયેટર માથી નાના બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. આ અવાજ તીણો હતો. આ તીણો અવાજ સાંભળી ને સરલના મમ્મી, કમલા અને કોમલનો ચહેરો તીખા ગુસ્સાથી તમતમી ઉઠ્યો. સરલની આંખો ફરી બાપ બનવાના હરખથી, આંસુઓથી છલકાઇ આવી.

“અભિનંદન…તમારા ધરે લક્ષ્મી પધારી છે” એક લેડી ડોક્ટરે સરલની મમ્મીને કહ્યું. સરલના મમ્મીએ મુંગા મોઢે જુઠું સ્મિત તે લેડી ડોક્ટરની સામે ફેક્યું. સરલ ઓપરેશન થીયેટરમાં ગયો.

“અભિનંદન….મધર બની તે માટે” સરલે સરલાનો હાથ પકડતા કહ્યું.

“થેન્ક્સ….તમને પણ અભિનંદન” સરલાએ તેની સામે સ્મિત કરી રહેલા સરલની સામે જોતા કહ્યું.

“થેન્ક્સ….પણ મને તારા આ અભિનંદન સમજાણા નહી?” સરલે સરલાને સવાલ કરતા કહ્યું.

“હું જેમ માં બની ગઇ છું, એમ હવે તમે બાપ બની ગયા છો અને મે એટલેજ તમને અભિનંદન પાઠવ્યા છે” સરલાએ તેના ગાલ પર રેલાયેલા હરખના આંસુને લૂછતાં કહ્યું. સરલાનો આ જવાબ સાંભળી ને સરલ હસી પડ્યો. સરલા પણ સરલને જોયને હસી રહી હતી.

“મમ્મી, કમલાબેન અને કાજલબેન કયા છે?” સરલાએ સરલને પૂછ્યું.

“તે લોકો બહાર ઉભા છે “સરલે તેની છોકરીના માથા પર તેનો હાથ ફેરવતા સરલાને કહ્યું.

“તે લોકો કેમ બહાર ઉભા છે?” સરલાએ સરલને પૂછ્યું.

“તને ખબર તો છે, તો પણ તું કેમ અજાણી બને છે” સરલે સરલાને જવાબ આપતા કહ્યું. સરલનો જવાબ સાંભળી ને સરલાની આંખો ફરી આંસુથી ભરાઇ આવી.

“સરલ..તારી છોકરીનો ચહેરો જોવાનો મોકો મને પણ આપ” સરલની પાછળ ઉભેલા તેના મમ્મીએ કહ્યું. સરલ તેના મમ્મીની આ વાત સાંભળીને તેની છોકરીને તેના મમ્મીને આપી.
સરલના મમ્મી તેની છોકરીને રમાડી રહ્યા હતા.“સરલ…તું આ છોકરીની જન્મકુંડળી જ્યોતિષ પાસેથી કઢાવીલાવ અને તેની કમલા અને કોમલ ફુઇને આપ. જેથી તે તારી છોકરીનું સારું નામ વિચારી રાખે” સરલના મમ્મી એ સરલને કહ્યું. સરલા તેની સાસુની આ વાત સાંભળીને મલકાઇ રહી હતી.

“જન્મકુંડળીની કોઇ જરૂર નથી, તેનું નામ મે વિચારીજ રાખ્યું છે” ઓપરેશન થીયેટરમાં પ્રવેશતા કમલા બોલી.

“તે જન્મકુંડળી વગરજ નામ વિચારી લીધું, સારું કહેવાય, તે કયું નામ વિચાર્યું મને કહીશ તું” સરલના મમ્મીએ કમલાની વાત સાંભળતા કહ્યું.

“ખોટની……” કમલાએ તેને વિચારેલું નામ તેની મમ્મીને કહેતા બોલી.

“ખોટની….આવું તે કંઇ નામ હોતું હશે” કમલાના મમ્મીએ કમલાને કહ્યું.

“આવુ નામ નથી હોતું, પણ મને તો આજ નામ વધારે પસંદ પડે છે” કમલાએ વાંકુ બોલતા તેના મમ્મીને કહ્યું.

“કેમ….તને આવું ખરાબ નામ ગમે છે” કમલાની મમ્મી એ તેને પૂછ્યું.

“સરલા ભાભીને…પુછો…તમને બધી ખબર પડી જશે” કમલાએ તેનુ મોઢું ચડાવતા તેની મમ્મીને કહ્યું.

“તને ખબર છે તો તું મને કહે, સરલાને પુછવાની કોઇ જરૂર નથી” કમલાને તેના મમ્મી એ કહ્યું.

“સરલાભાભી સોનોગ્રાફી કરાવીને આવ્યા ત્યારે, મે તેને પુછેલું કે ડોક્ટરે શું કહ્યું, ત્યારે તેને મને કીધેલું કે મારા પેટમા ઉછરી રહેલું બાળક છોકરો છે, અને આજે તેને છોકરીને જન્મ આપ્યો. તે ખોટુ બોલ્યા એટલે તેની આ છોકરીનું નામ ખોટની બરાબર છે” કમલાએ તેના મમ્મીને હકીકત જણાવતા કહ્યું.

સરલ કમલાના આ શબ્દો સાંભળીને બોલવા જઇ રહ્યો હતો ત્યાં સરલાએ તેનો હાથ દબાવ્યો એટલે સરલ કંઇ બોલ્યો નહી.

“સરલા વહું, તમે કેમ કમલાને તમારી સોનોગ્રાફી વાળી વાત ખોટી કરી” સરલાના સાસુએ પૂછ્યું.

“મમ્મી તને પણ ખબર છે, તો પણ તું કેમ અજાણી બને છે” સરલાના બદલે સરલે જવાબ આપ્યો. સરલનો આ જવાબ સાંભળી ને તેના મમ્મી ઓપરેશન થીયેટરની બહાર જતા રહ્યા.
કાજલ અને કમલા પણ તેની પાછળ પાછળ ઓપરેશન થીયેટર માંથી બહાર નીકળી ગઇ.

થોડીવાર પછી લેડી ડોકટર આવી. તેને સરલાની બાળકીનું વજન કર્યું, તેના બ્લડનું સેમ્પલ લીધું અને તેની સંભાળ કેવી રીતે રાખવી તેની સલાહ સરલાને આપી અને તેને હોસ્પિટલ પરથી રજા આપી. સરલા, સરલ અને તેની ખોટની છોકરી, કમલા, કાજલ અને તેના મમ્મી હોસ્પિટલ પરથી ધરે આવવા નીકળ્યા. ધરે આવતાની સાથે જ સરલના સસરા બોલ્યા,

“બેટા…તું છોકરાનો બાપ બન્યો કે છોકરીનો?”

“પપ્પા હું છોકરીનો બાપ બન્યો” સરલે તેના પપ્પા ની બાજુમાં બેસતા કહ્યું.

“બેટા…તું ભાગ્યશાળી છે, તારે ધર લક્ષ્મી પધારી છે” સરલના પપ્પાએ તેની ખુશી વ્યકત કરતા કહ્યું. કમલા અને કાજલને તેના પપ્પાની આ વાત ન ગમી. તે બન્ને ને સરલના ધરે છોકરીનો જન્મ થયો તે ગમ્યુ નહી. જેના હિસાબે તે સરલની છોકરીને નફરત કરવા લાગ્યા. ખોટની ખોટની કહીને સરલાએ બોલેલા જુઠનો બદલો લેવા લાગ્યા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. સરલની છોકરી પણ સમય પસાર થવાની સાથે ચાલવા લાગી, બોલવા લાગી અને થોડું ઘણું સમજવા લાગી.

સરલાની છોકરીને કમલા અને કાજલ ખોટની કહીનેજ બોલાવતા.તે બન્ને હંમેશા તેને નફરત કરતી.

* * * * * * * * * * * * * * * * * * *
“મમ્મી…મારું નામ સંધ્યા છે તો પણ આ કમલાફુઇ અને કાજલફુઇ મને ખોટની કહીને કેમ બોલાવે છે?” શાક સુધારી રહેલી સરલાને તેની છોકરી સંધ્યાએ સવાલ કરો.

“તું ખોટની છે એટલે તને ખોટની કહીનેજ બોલાવેને દિકરા” સરલાએ તેની છોકરી સંધ્યાના માથા પર હાથ ફેરવતા કહ્યું.

“તો પછી મારુ નામ સંધ્યા કેમ રાખ્યુ?” સંધ્યાએ ફરી તેની મમ્મી સરલાને સવાલ કરતા કહ્યું. સંધ્યાનો આ સવાલ સાંભળી ને સરલાની આંખો પાણી પાણી થઇ ગઇ.

“મમ્મી….તું કેમ રડે છે?” સંધ્યાએ તેની મમ્મી સરલાના ગાલ પર આવેલા આંસુને જોતા કહ્યું.

“કંઇ નથી થયું…” સરલાએ તેની છોકરી સંધ્યાને કહ્યું.

“પણ…મમ્મી તું કહેતી હતી કે, જે લોકોને દુ:ખ થયું હોય તે લોકોજ રડતા હોય છે, તો પછી તું કેમ એમ કહે છે કે કંઇ નથી થયું?” સંધ્યાએ તેની મમ્મી સરલાના ગાલ પકડતા કહ્યું.

સરલા કંઇ બોલી નહી. તે તેની છોકરીની વાત સાંભળી ને ચુપ હતી.

“મમ્મી તારે મને કહેવુ જ પડશે કે તને શું દુ:ખ થયું છે,અને જો કોઇ દુ:ખ ના થયુ હોય તો રડવાનું બંધ કરીને મને એક સ્માઇલ આપ ચાલ” સંધ્યાએ તેની મમ્મી સરલાને કહ્યું.

સંધ્યાની આ વાત સાંભળીને સરલાના હીબકાં ઉપડી ગયા.
“મમ્મી…તું દુ:ખી છે, તારે હવે મને તારા દુ:ખની વાત કહેવીજ પડશે” સંધ્યાએ જીદ કરતા કહ્યું.

“તારી એક બહેન તારા આવતા પહેલા મરી ગઇ” સરલાએ તેની છોકરી સંધ્યાના માથા ઉપર હાથ ફેરવતા કહ્યું.
“મારી ઇ એક બેન કેવી રીતે મરી ગઇ, તે મારી જેવડી હતી” સંધ્યાએ ફરી તેની મમ્મી સરલાને પૂછ્યું.

“ના…તે તારાથી નાની હતી, તેને મારા પેટની અંદરજ મારી નાખવામા આવી હતી” સરલાએ તેની રડતી આંખે સંધ્યા સામે જોતા કહ્યું.

“તેને કેમ મારી નાખવામાં આવી? કોણે મારી?” સંધ્યાએ તેની રડી રહેલી મમ્મીને ફરી સવાલ કરો.

“કેમ કે તે છોકરી હતી એટલે, આપણા ધરવાળાએ મરાવી નાખી ડોકટરને કહીને” સરલાએ સંધ્યાને સત્ય જણાવતા કહ્યું.

“છોકરી તો હું પણ છુ, તો મને કેમ ન મારી નાખી અને મારી એ બહેનને શું કામ મારી નાખી” સંધ્યાએ સરલાને ફરી પૂછ્યું.

“જો હું ખોટુ ના બોલી હોત તો, આજે તું પણ જીવતી ન હોત” સરલાએ સંધ્યાના માથા પર પોતાનો હાથ ફેરવતા કહ્યું.

“પણ મને તો તું એવુ કહેતી હતી કે સાચું બોલવાથી સારું થાય અને ખોટું બોલવાથી ખરાબ થાય, પણ તું મારા માટે ખોટું બોલી તો પણ કેમ મારા માટે સારું થયું,મને સમજાવને” સંધ્યાએ તેની મમ્મીને પૂછ્યું.

“જયારે હું અને તારા પપ્પા સોનોગ્રાફી કરાવા ગયા, ત્યારે તે લેડી ડોક્ટરે મને કહ્યું કે તમારા ઉદરમાં છોકરી ઉછરી રહી છે, અમે બન્ને ખુશ હતા પણ અમારા માટે આ ખુશી ટકાવી રાખવી મુશ્કેલ હતી.” સરલાએ તેની છોકરી સંધ્યા ને કહ્યું.

“કેમ… ?” સંધ્યાએ ફરી સરલાને પૂછ્યું.“કેમ કે અમે સોનોગ્રાફીની સાચી હકીકત જો ધરના બીજા લોકોને જણાવી હોત તો આજે તું હયાત ના હોત” સરલાએ સંધ્યાને સત્ય કહેતા કહ્યું.

“હું કેમ હયાત ન હોત?” સંધ્યાએ ફરી સરલાને તેની આંખો ચોળતા પૂછ્યું.

“કેમ કે તને મારા પેટમાજ મારી નાખવામા આવી હોત” સરલાએ સંધ્યાના ગાલ પર તેનો હાથ ફેરવતા કહ્યું.

“તો તમે મને કેવી રીતે બચાવી?” સંધ્યાએ તેની હયાતીની હકીકત જાણવાની કોશિશ કરતા તેની મમ્મી સરલાને પૂછ્યું.

“ડોક્ટરે કરેલી સોનોગ્રાફીની સાચી વાત મે અને તારા પપ્પા એ આપણા ધરના અન્ય વ્યક્તિને જણાવી નહી, અને અમને જયારે પુછવામાં આવ્યું ત્યારે અમે કહ્યું કે, મારા પેટમા છોકરો ઉછરી રહ્યો છે, આવું ખોટુ બોલ્યા એના હિસાબે તું આજે જીવતી છે, જો અમે ખોટું બોલ્યા ન હોત તો, તારું ખોટની લાડકી દીકરી તરીકેનું આ દુનિયામાં અસ્તિત્વ ન હોત” સરલાએ સંધ્યાને બાથ ભીડતા કહ્યું. સંધ્યા સરલાની આંખોમાં આવેલા આંસુને તે જોઈ રહી હતી. સંધ્યાએ સરલાના ગાલ પર હળવુ ચુંબન કર્યું અને તે બોલી “આઇ લવ યુ મોમ”. સરલાએ સંધ્યા ના આ શબ્દો સાંભળીને ફરી તેને ભેટી પડી.

* * * * * * * * * * * * *

લેખક:ખોડીફાડ મેહુલ (ગુરુ)

દરરોજ આવી અનેક નાની અને અનોખી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી