ખીલ્યું સંધ્યાએ પ્રભાત – જીવનની નવી શરૂઆત કરવા માટે કોઈ ઉંમર નથી હોતી.. તમે પણ અનુભવી શકશો…

“ લાઈફ બિગીન્સ એટ ફિફટી”

“સ્નેહાલય” બંગલોમાં નાના મોટાનો ઉત્સાહ સમાતો નહોતો, ભવ્ય સમારોહની તૈયારીઓ ચાલતી હતી,

“વિવેક !તમે બધાને આમંત્રણ પહોંચાડી દીધા ?”

“હા સોના! તું મેનુ ઉપર ધ્યાન આપ, તને ખબર છે ને મોમના બેસ્ટ ફ્રેન્ડ વિશ્પલામાસી આજે જ આવી જવાના છે, એ બે દિવસ રોકવાના છે. પાર્ટી પછી અંકલ સાથે નીકળશે.”

દીકરો-વહુ ખૂબ હોંશથી મમ્મી-પપ્પાની ત્રીસમા લગ્ન દિવસની તડામાર તૈયારીમાં પડયા હતા. 25મા લગ્નદિવસે તો વિવેક સોનાના લગ્ન થયા નહોતા એટલે સોનાને થયું કે, આપણે કૈક નવું કરીએ. નવી વહુને ખૂબ હોંશ હતી, સાસુ-સસરાના લગ્નદિવસની પાર્ટી કરવાની પરંતુ રોમાશા તો તૈયાર થઈ પોતાની ક્લિનિકે નીકળી ગયેલી અને નિકેતન પણ પોતાની ક્લિનિક ચાલ્યો ગયો. એ બંનેમાંથી કોઈના ચહેરા પર ઉત્સાહનો એક અણસાર પણ નહોતો. રોમાશાને એક વાતની ખુશી હતી કે, આજે વર્ષો બાદ વિશ્પલા તેની પાસે રોકાશે. તેણે ક્લિનિક પહોંચી ત્રણ દિવસની બધી અપોઇન્ટમેન્ટ, આજે અથવા તો ચોથા દિવસે ગોઠવી દીધી. શહેરની પ્રસિદ્ધ હિમેટોલોજિસ્ટ પાસે બતાવવા લોકો દૂર દૂરથી આવતા. કામ પતાવી રોમાશા એરપોર્ટ તરફ નીકળી સાથે ચાલી યાદોની વણઝાર………

રોમાશા અને વિશ્પલા નાનપણની સખીઓ , અનેક રીતે અલગ પણ તોય પ્રગાઢ સાખ્ય ધરાવે. બંનેના કુટુંબમાં ઘણું સામ્ય હતું, બંનેના પિતા સરકારી અધિકારીઓ, માતા કુશળ ગૃહિણીઓ, રોમાશા નાનાભાઈની ઢાલ અને મિત્રા, વિશ્પલા મોટાભાઈની લાડકી, બંને ભણવામાં હોશિયાર પરંતુ રોમાશા ખન્તિલી અને વિશ્પલા મનમોજી. બંનેએ 12 સાયન્સ પાસ કર્યું, રોમાશા 85% લઈ સ્કૂલ ફર્સ્ટ આવી અને વિશ્પલાને 70%.આવ્યા. હવે બંનેના રસ્તા જુદા પડ્યા. રોમાશા ડોક્ટર બનાવની રાહ પર ચાલી નીકળી અને વિશ્પલા એન્જિનિયર બનવા. ગામ અલગ થયાં, નવા મિત્રો બન્યા પણ બન્નેની દોસ્તી અકબંધ રહી, રાજાઓમાં એકાદ દિવસ મળી લે તોય એક એકબીજાને રજેરજની વાત કરે.

કોલેજના પહેલા વર્ષમાં જ રોમાશા અને નિકેતનની ઓળખાણ થઈ, એક જ ગામના હોવાથી દોસ્તી વધી, નિકેતન ખૂબ સુખી પિતાનું એકમાત્ર સંતાન હતો, ભણવામાં સામન્ય પણ સ્વભાવે સરળ, સ્કોલર રોમાશા તેની પ્રત્યે ઢળતી ગઈ, એક વખત અંતાક્ષરી રમતાં રમતાં રોમાશાએ નિકેતનને કહી જ દીધું…

“ હમકો તુમસે હો ગયા હૈ પ્યાર ક્યા કરે ,
બોલો તો જીએ બોલો તો મર જાયે”.

અને નિકેતને જવાબ આપ્યો…

“ યે બે-દામ બેકામ કી ચીઝ હૈ…”

પરંતુ નિકેતનના વ્યાપારી પિતાને એમાં ફાયદો દેખાયો. તેમણે નિકેતનને રોમાશા સાથેના સંબંધ માટે પ્રોત્સાહન આપ્યું. રોમાશાના પિતાએ થોડો વિરોધ કર્યો પરંતુ રોમાશાના નાનાભાઈ અને વિશ્પલાએ તેમને સમજાવ્યા, જ્ઞાતિ પણ એક જ હતી અને પરિવાર અત્યંત સુખી, કુટુંબમાં કોઈ જવાબદારી પણ નહોતી, બધા સંમંત થયા અને એમ.બી.બી.એસ. પૂરું થતાં જ બંનેને ધામધૂમથી પરણાવી દીધા. પછી બંનેએ આગળ ભણવાનું શરૂ કર્યું, રોમાશાએ હિમેટોલોજિસ્ટ બનવા અને નિકેતનને ઇ.એન.ટી. સ્પેશ્યલિસ્ટ બનવા.

વિશ્પલાનું ભણવાનું પૂરું થતાં જ એક સારો સંબંધ મળતા તેના લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા. દેવ ખૂબ દેખાવડો, ખુશમિજાજ અને નમ્ર હતો, સાથે સાથે ખૂબ રોમેન્ટિક હતો. વિશ્પલાની સામે જે રીતે જોતો વિશ્પલાને થતું, તે દુનિયાની સૌથી નસીબદાર છોકરી છે. સગાઈથી લગ્ન વચ્ચેના ગાળામાં દેવે વિશ્પલાને પ્રેમથી ભીંજવી દીધી હતી. લગ્ન થયા, બંનેની જોડી જોઈને દરેકના મોઢામાંથી એક જ વાત નીકળતી, “રામ-સીતા”ની જોડી છે. આ જ વાત કદાચ વિશ્પલા માટે અભિશાપ બની હોય તેવી રીતે એની અગ્નિપરીક્ષાઓ શરૂ થઈ. મનમોજી, દુનિયદારીથી અજાણ છોકરી નવા ઘરમાં પોતાનું સ્થાન બનવવા ઝઝૂમવા લાગી, એન્જિનિયર બનેલી છોકરી જેણે ઘરમાં પાણીનો ગ્લાસ પણ નહોતો ભર્યો એ બધાનું ધ્યાન રાખવા માંડી, પોતાના ઘરની નાનકડી પરી સાસરિયામાં બધું કામ કરવા લાગી, સાસુના મનના સખત પૂર્વગ્રહો વચ્ચે પોતાનું સ્થાન બનાવવા મથતી વિશ્પલા પોતાનું અસ્તિત્વ ખોઈ બેઠી, સંપૂર્ણ સ્વતંત્રતાથી ઉછરેલી વિશ્પલા સતત ચોકીપહેરામાં રહેવા માંડી, અજાણ્યા ગામમાં ના કોઈ સગા ના કોઈ સખા, કોઈપણ ફોન આવે તો સાસુ બીજી લાઈન ઉપર સાંભળે, કોઈ પત્ર આવે તો તે પહેલાં સાસુ સસરાની નજરોમાંથી પસાર થઈ તેની પાસે આવે અને તેના દરેક શબ્દ ઉપર મહેણાં સાંભળવા પડે. તેનો પતિ દેવ ખરેખરો “રામ” જેવો જ હતો, માતાપિતાની ઈચ્છા સામે ખુદની કે વિશ્પલાની ઈચ્છાનું કોઈ મહત્વજ નહોતું, તે વિશ્પલાની તકલીફોમાં પોતાનો સાથ ફક્ત શારીરિક હૂંફ દ્વારા પુરાવતો જે વિશ્પલા માટે પૂરતો નહોતો, સતત કસોટીમાં ઝઝૂમતી વિશ્પલા પહેલીવાર પિયર ગઈ.

“ પપ્પા! હું એ ઘરમાં નહીં જીવી શકું”.

“ જો બેટા શરૂ શરૂમાં એવું લાગે પણ પછી બધું ગોઠવાઈ જશે.”

“મમ્મી! હું પાછી નહિ જાઉં.”

“ તને દેવ ગમે છે? જો દેવ ગમતો હોય, તેની સાથે રહેવું હોય તો બાકી બધું સહન કરવું પડે.”

“ભાઈ……ભાભી”.

“તું જરાય ચિંતા ન કરતી બેન! હું તારી સાથે છું, હું દેવકુમાર સાથે વાત કરીશ, તું પણ થોડું ગોઠવાતા શીખ. આ ઘર તારું જ છે પણ એકલા રહેવું અઘરું છે, વિશુ!”

“વિશુ બેન! થોડું દેવકુમારનું વિચારો, એમને તમારા વગર ગમશે? તમને એના વિના ગોઠશે? હું જો તમારા ભાઈને કહું મમ્મી-પપ્પાથી દૂર રહો તો તમને ગમશે?”.

મન મારી વિશ્પલા પાછી સાસરે ગઈ, જતાં-જતાં મમ્મીને કહ્યું,

“આ બસનો એક્સિડન્ટ થઈ જાય અને હું મરી જઉં તો સારું.”

પણ એવું ન થયું, વિશ્પલા રોજ રોજ કૃશ થતી જતી હતી. શારીરિક અને માનસિક બન્ને રીતે ભાંગી પડી હતી. તેણે પોતાનું જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું, આ નિર્ણય અમલમાં મૂકતાં પહેલાં તે રોમાશાને મળવા ગઈ.

રોમાશા ત્યારે સ્પેશ્યલિસ્ટ બની રહી હતી, વિશ્પલાની વાતો સાંભળી તેણે પૂછ્યું,

“વિશુ! ડ્ઝ દેવ લવ યુ?”

“હા રોમી! પણ એ જેટલો સારો પતિ છે એના કરતાં વધુ સારો પુત્ર છે. મારી તકલીફ એને સમજવી જ નથી, કેમ કે એ તકલીફ દૂર કરવા એને પોતાના પેરેન્ટ્સને કાંઈ કહેવું પડે.”

“ એ તને ચાહે તો છે…..”

એ વખતે રોમાશાના અવાજમાં આવેલો નિસાસો સાંભળવાની સ્થિતિ વિશ્પલાની નહોતી, તે જમીન ઉપર બેશુદ્ધ થઈ પડી હતી. રોમાશાએ તાત્કાલિક બધા ચેક અપ કરાવ્યા, અને તારણ …..વિશ્પલાના પગમાં એક વધુ બેડી. રોમાશાએ દેવને ફોન કરી બોલાવ્યો. દેવ તેના માતાપિતાને લઈ તાત્કાલિક પહોંચ્યો, રોમાશાએ બધાને સમજાવ્યા,

“ વિશુનું ખાસ ધ્યાન રાખજો,માનસિક તણાવ ના આવે તે ખાસ.”

“તો શું અમે તારી ફ્રેન્ડને હેરાન કરીએ છીએ? બધાને માથે ચડીને રે’ છે, કામ તો કંઈ આવડતું નથી, એક નંબરની મીંઢી છે”.

“ આંટી, પ્લીઝ! હું તમારી સાથે વાત નથી કરવા માંગતી, મારી વિશુ કેવી છે, એ તમારે મને સમજાવવાની જરૂર નથી. તમને એ ના પોસતી હોય તો એને મુક્ત કરો.”

“ રોમાશા! તું વિશુની મિત્ર છો એનો મતલબ એમ નથી કે મારી મમ્મીને મનફાવે તેમ બોલે. મને જે કહેવું હોય તે કહે, વિશુ મારી પત્ની છે અને હંમેશા રહેશે. હું એનું બધું ધ્યાન રાખીશ.”

“રોમી…આય એમ સોરી, મારે કારણે તારે બધાની વાતો સાંભળવી પડી. બાય …”. વિશ્પલાએ રોમાશાને ગળે મળી કાનમાં કહ્યું.

એ પછી વિશ્પલાને દીકરી આવી, દેવના કામર્થે દિલ્હી ત્રણેય શિફ્ટ થયા અને પછી દેવ-વિશ્પલાનું જીવન ગોઠવાઈ ગયું, તેવા સમાચાર રોમાશાને મળતાં રહેતાં.

એક તરફ રોમાશા સફળતાના શિખરો ચડતી જતી હતી અને નિકેતન કોઈ રીતે પ્રસ્થાપિત થઈ શકતો ન હતો. નિકેતનના વ્યાપરી પિતાએ રોમાશાને પૈસા છાપવાનું મશીન ગણી લીધી હતી, ઘરના તમામ ખર્ચ રોમાશાએ આપવાના. કામ માટેના, રસોઈ માટેના માણસો હોવા છતાં રોમાશાને માટે કોઈ અલગ વસ્તુ બની શકતી નહોતી, થાકીને ઘરે આવતી રોમાશા માટે ઘણીવાર તો બે રોટલી પણ ન હોય તેવું બનતું, નિકેતન પોતાની નિષ્ફળતા માટે રોમાશાની સફળતાને દોષ આપતો, રોમાશાના તમામ આર્થિક વહીવટ નિકેતન અને તેના પપ્પાએ હાથમાં લઇ લીધા. શરૂઆતમાં તો રોમાશાને લાગ્યું કે સારું થયું, મારે માથાકૂટ ઓછી પરંતુ ધીમે ધીમે ખુદ રોમાશાને પોતાના ખર્ચ માટે પૈસા માંગવા પડતા, કાલે કમાયેલા રૂપિયા વિશે રોમાશા પૂછે તો નિકેતનનો એક લાફો પડી જતો.

લગ્નના ચાર વર્ષ બાદ રોમાશા મા બનવાની હતી અને એ સમયે નિકેતન તેનાથી પૂર્ણ રીતે વિમુખ થઈ ગયો. રોમાશા પૂછતી,

” શું આટલો જ પ્રેમ હતો?”

અને એક દિવસ નિકેતને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું,

“મને કોઈ દિવસ નહોતો.”

ભાંગી પડેલી રોમાશાને અધૂરા મહિને દીકરો આવ્યો. ખ્યાતનામ ડોકટરના હાથમાં હોવાથી બચી ગયો. હવે રોમાશાએ તેનું સંપૂર્ણ ધ્યાન દીકરાના ઉછેરમાં અને કારકિર્દીને આભની ઊંચાઈએ ઉંચકવામાં કેન્દ્રિત કર્યું. નિકેતને સાથ આપવાની કોશિશ કરી પણ હવે કાચના સંબંધમાં તિરાડ પડી ચુકી હતી. દુનિયાની નજરે કરોડો રૂપિયા કમાતી, સુખ સાહિબી ભોગવતી રોમાશા સૌથી સુખી સ્ત્રી હતી. પ્રેમલગ્ન કર્યા હોવાથી માતા પિતાને પણ પોતાની વ્યથા નહોતી કહી શકતી. એક માત્ર સમજી શકે તે સખી વિશ્પલા, તેના સંસારમાં વ્યસ્ત હતી અને છેલ્લી મુલાકાત પછી દેવ, વિશ્પલા અને રોમાશા વચ્ચે અદ્રશ્ય દીવાલ બની ચુક્યો હતો. નિકેતન સાથે રહેવાની કોશિશમાં દીકરો વિવેક મોટો થઈ ગયો. આમને આમ લગ્નજીવનના ત્રીસ વર્ષ વીતી ગયાં.

વિશ્પલાને એરપોર્ટ લેવા જતી વખતે આજે જ ફેસબુકમાં
મુકાયેલી પોસ્ટ મમળાવતી, રોમાશાના મનમાં એ શબ્દો ગુંજી રહ્યાં હતાં,

“ તમે રહેશો ના ખુશ્બુની હોપમાં,
હવે ફોટો ઉગે છે ફોટોશોપમાં .” – ચિરાગ ત્રિપાઠી

વિશ્પલા આવી, બન્ને સખીઓએ ખૂબ વાતો કરી, વિશ્પલાની દીકરી અનાહિતા મલેશિયામાં જોબ કરતી હતી અને લિવ ઈન રિલેશનમાં રહેતી હતી, આજે પણ દેવ ‘’રામ” જ હતો, જે વિશ્પલાને કસોટીએ ચઢાવતો રહેતો. રોમાશા અને વિશ્પલાએ વિવેક-સોના સાથે ચર્ચા કરી, અનાહિતાને ફોન કરી વિચારણા કરી.

પ્રસંગનો દિવસ આવ્યો, દેવ પણ સવારે આવી પહોંચ્યો, આખો દિવસ સેલિબ્રેશન ચાલ્યું, સાંજે કેક કટીંગ સમયે રોમાશાએ એક જાહેરાત કરી,

“ અહીં આવવા બદલ આપ સહુનો ખૂબ ખૂબ આભાર, આજે હું બધાની સાક્ષીએ કહેવા માગું છું કે,

બહુ સહી લીધું સમાજ અને કુટુંબ ખાતર,
ઘણું મૂલ્ય ચુકાવ્યું છે આ નામના ખાતર,
ઘણું ખોયું છે મેં મારા એકતરફા પ્રેમ ખાતર,
હવે જીવનને વધુ ગુમાવવા માંગતી નથી,
કોઈ ની શેહ શરમ ભરવા માંગતી નથી,
હા ! મારા અને નિકેતનથી સાથે રહેવાતું નથી,
એક બીજાનું એક પણ વેણ સહેવાતું નથી.
બધાની સામે જાહેર કરું છું કે
હું મારી જાતને સહુથી મુક્ત કરું છું.
વિવેક-સોના! થેંક્યું વેરી મચ બેટા ફોર યોર સપોર્ટ ફોર ધીસ ડીસીઝન, ગુડ બાય નિકેતન! હું તારાથી અલગ થઈ રહી છું.”

રોમાશાએ પોતાની બેગ ઉપાડી અને વિશ્પલા સામે જોયું,

વિશ્પલાએ પણ દેવને કહ્યું,

“ બહુ પરીક્ષાઓ દીધી મેં પત્નીધર્મ નિભાવવા, હું વિશ્પલા છું સીતા નથી,
હજુ વધુ કસોટીઓ આપી ધરતીમાં સમાવવા માંગતી નથી,
બહુ સહી લીધું પોતાને સારી પત્ની સારી પુત્રવધુ સાબિત કરવા, પ્રેમ નિભાવવા માટે મારવા માંગતી નથી,
બહુ સમાઈ લીધું એક છત્રી નીચે, હવે તમારી સાથે એક છત નીચે સમાવવા માંગતી નથી.”

અને બંને સખી ચાલી નીકળી પોતાનું જીવન જીવવા.

લેખક : એકતા દોશી.

દરરોજ આવી અનેક નવી નવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર..

ટીપ્પણી