ખારીશીંગ – ભરૂચ જેવી જ સીંગ ઘરે બનાવો

ખારીશીંગ

શીંગદાણાએ પ્રોટીનનો એક સારો એવો સોર્સ છે, જે એનર્જી બુસ્ટર પણ છે. તો શા માટે ન ખાઈએ આવા શીંગદાણા, એમાંય સિંગદાણાને સોલ્ટી બનાવીને રોસ્ટ કરવામાં આવે તો, આવા સોલ્ટી અને ક્રન્ચી સીંગદાણા કોને ન ભાવે?
પીકનીક હોય કે મુસાફરી ખારીશીંગ તો જોઈએ જ, ઉપવાસમાં પણ ખાઈ શકાય.

આજે હું બહાર જેવી જ ખારીશીંગ બનાવવાની રેસિપી લઇ આવી છું, ખૂબ જ સરસ બને છે તેમજ બનાવવી પણ સાવ સરળ છે અને ફટાફટ બને છે. તો જરૂર બનાવજો

સામગ્રી :

250 ગ્રામ શીંગદાણા,
1/4 ટેબલ સ્પૂન મીઠું,
શીંગને શેકવા માટે રેતી,

તૈયારી :

રેતીને 4 થી 5 વાર પાણીથી ધોઈ સુકવી લેવી.

રીત :

સૌ પ્રથમ એક વાસણમાં 500 મિલી તેટલું પાણી ગરમ કરો. પાણી બરાબર ઉકાળો. પાણી બરાબર ઉકાળી જાય પછી તેમાં શીંગદાણા નાખી ગેસ બંધ કરી દેવો અને શીંગદાણાને 5 મિનિટ્સ માટે ઢાંકી રાખવા.

5 મિનિટ્સ પછી શીંગદાણા માંથી બધું જ પાણી નિતારી લેવું.

શીંગદાણામાં મીઠું નાખી ઉપર-નીચે કરી દરેક દાણા પર મીઠું ચડી જાય તેમ હલાવવું. ત્યારબાદ ફરી 5 મિનિટ્સ માટે ઢાંકીને રાખી દેવું.જેથી શીંગદાણા સરસ સોલ્ટી બને.

જાડા તળિયાવાળી કડાઈમાં રેતીને ગરમ કરો. ત્યરબાદ તેમાં શીંગ નાખી શેકો.

શરૂઆતની 5 મિનિટ્સ સ્ટવની ફ્લેમ ફાસ્ટ રાખવી, પછી ધીમે ધીમે ફ્લેમ ઓછી કરતા જવી જેથી શીંગદાણા બળે નહિ. શરૂઆતમાં દાણા ભીના હોવાથી રેતી ચોંટશે. સતત હલાવીને દાણાને ઉપર નીચે કરતા રહેવું.

શીંગદાણાના ફોતરાં આસાનીથી છુટા પડી જાય અને દાણાનો કલર સહેજ બદલે ત્યાંસુધી શેકવા. શેકવા માટે લગભગ 15 મિનિટ્સ જેટલો સમય લાગે છે.

શીંગ શેકાય જાય એટલે તેને છાળીને અલગ પડી લેવી. બસ, તો તૈયાર છે ખારીશીંગ, છે ને સાવ સરળ ? તો શા માટે બહારથી લાવીએ, આજે જ ટ્રાય કરો.

આ રેસિપીનો વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી