“ખાનદાની” – મુકેશ સોજીત્રા લિખિત નવી વાર્તા !! વાંચી લેજો…

“રતના કાલે સવારે તૈયાર થઇ જાશે. આપણે તારું હોન્ડા લઈને ભાદરવીના મેળામાં જાવાનું છે હો , તૈયાર થઇ જાજે હો રતના!!” ચીમન ચોટીએ પોતાના જીગરજાન ભાઈ બંધ રતના ને કહ્યું. અને બીડીની સટ લઈને રતના એ હોંકારો ભણ્યો. પોતાનું અંગુર લઈને રતનાએ હીરાને સરાણ પર મુક્યો અને લાલચોળ તિખારા વચ્ચે હીરો ઘસાવા લાગ્યો. રતનો ચીમનાની ઘંટી પાસે બેઠો હતો. અને હીરાનો કારખાનાનો માલિક કરમશી આ બેય ને જોઇને મનોમન બબડ્યો.

“બાકી ખરી આઈટમુ પાકી છે આ ગામમાં!! કાલ મેળામાં આવી બન્યું છે. આ રંગો અને બિલ્લો કાલે મેળામાં બઘડાટી બોલાવી દે શે બઘડાટી.

અને વાતેય સાચી હતી. રતના અને ચીમનની જોડી જ એવી હતી કે વડના વાંદરા ઉતારે એવી. આમ તો બેય જણા રૂડા રૂપાળા અને કલૈયા કુંવર જેવા હતાં,ખાધે પીધે સુખી પણ ખરા અને હવે બેય ભાઈબંધો પરણી પણ ગયાં છે. પણ વનાની એવા કે ના પૂછો વાત!! ગામમાં ઘણાં એને રંગો અને બીલો પણ કહેતા અને ચીમનનું તો એક અલગ જ ઉપનામ હતું. ચીમન નાનપણથી જ માથે એક ચોટી રાખતો હતો એટલે નામ એનું પડી ગયું હતું ચીમન ચોટી!!

“રતનો હીરાનો કારીગર હતો. કામ પણ એનું સારું થતું એટલે કારખાનાવાળો એના નખરા સહન કરી લે. રતનો હીરામાં ઓલ રાઉન્ડર ગણાતો. ઘાટ ,પેલ ,મથાળા , તળિયા અને તરખુણીયાનો એક જોંગો કારીગર. ગમે એવો હીરો હોય!! ગમે એવી ઓસ્ટ્રેલીયન રફ હોય!! બીજાથી એ હીરો બનાવવાનો હોય તો નાકે ફીણ આવી જાય પણ એજ લોટના હીરા જયારે રતના પાસે આવે એટલે રતનો એમાં માખણની જેમ પેલ પાડી દે. પણ રતનાની એક નબળાઈ હતી. એની પર સતત નજર રાખવી પડે.

એ ગમે ત્યારે જો લાગ મળે એટલે બદલો મારી દે!! એને હીરા પારખતાં આવડતું જો કોઈ સારો હીરો ભાળે તો એ બદલાવી લે અને એની જગ્યાએ નબળા હીરા જે પોતાના ખિસ્સામાં હોય ગોઠવી દે!! અને પછી રજાના દિવસોમાં શહેરમાં જઈ એ હીરા વેચીને રોકડી કરી આવે. રતનાને અને ચીમન ને આ ચોરવા ના લખણ નાનપણથી જ આવેલાં.જ્યારે એ નિશાળે સાથે જતાં ત્યારથી જ આવા લખણ આવી ગયેલાં.અને હવે તો પરણી પણ ગયાં તોય ક્યારેક ક્યારેક મેળામાં એ રમકડાં ચોરી લે, ફુગ્ગાવાળા પાસે ફુગ્ગા ચોરી લે.આઈસ્ક્રીમ ખાઈ લીધા પછી પૈસા આપ્યા વગર ભાગી જાય!! મોઢા પર કોન્ફિડેન્સ એવો કે કોઈને લાગે જ નહિ કે આ લોકોના કામ આવા હશે.

રતનાના બાપા દામોદરને એવો પાકો વહેમ હતો કે તરભાગોરના ચીમને જ મારા દીકરાને બગાડ્યો છે અને આવો વહેમ તરભાગોરને હતો કે દામોદર ના રતનાએ જ મારા ચીમનને બગાડ્યો છે!! અને આમેય દરેક મા બાપ પોતાના છોકરાના અપલખણ માટે પાડોશીના બાળકોને જ જવાબદાર ઠેરવતાં હોય છે આ એક વૈશ્વિક સત્ય છે. શાળામાં તેઓ કોઈના કમ્પાસબોક્ષમાંથી પેન્સિલ ચોરી લે!! રબ્બર ચોરી લે!! આવી નાની નાની ચોરી કરતાં કરતાં એ નિશાળ મૂકી પછી વાડીયુમાં ખાવાની ચોરી કરે!! બસ આનંદ ખાતર જ!! કોઈની વાડીમાંથી રાતે ડોડા કે શક્કરીયા ચોરીને પાર્ટી ગોઠવે!!

ચીમનમાં એવી આવડત હતી કે વાડી ફરતે ગમે તેટલી મજબુત વાડ હોય જો કુતરું અંદર પ્રવેશી જાય તો ચીમન પણ એ વાડીમાં પ્રવેશી જ જાય!! પછી તો બનને કામે ચડી ગયાં!! રતનો હીરામાં અને ચીમન મંદિરની સેવા પૂજા કરે અને ઉનાળામાં ગુલ્ફી વેચે!! મંદિરની બાજુમાં જ નાનકડી ટીકડા ગોળાની દુકાન પણ ખરી એટલે બેયનું ગાડું ગબડ્યા કરે.!! આમ કોઈ બીજો ઉપદ્રવ નહિ પણ જે એમની નજરે ચડ્યા એને મુકેજ નહિ એ વાત સો ટકા પાકી!!એમાં કોઈ જ મીન મેખ નહિ.

બે વરસ પહેલા આ બને ભાઈબંધો રતનો અને ચીમન કાળા હકાના ના છોકરા વિપુલની જાનમાં ગયાં હતાં. એય બની ઠનીને કલૈયા કુંવર જેવા થઇ ને !! અને વરઘોડામાં ખુબ નાચ્યાં!! ગામ આખું જોઈ રહ્યું કે વાહ આતો ખુબ સરસ નાચે છે!! ગામની છોડિયું પણ જોઈ રહેલી અને એમાં એક બે છોકરીઓ સાથે કાંઇક આંખની મસ્તી જેવું થઇ ગયેલું અને એ ગામના જુવાનીયા જોઈ ગયેલાં અને બરાબર માંડવે ડખો થયો!! ચીમન અને રતનાને એક બે ધોલ થપાટ પણ થઇ પણ પારકું પાદર એટલે કરે શું??? વડીલો આડા પડ્યા થોડો ઠપકો છોકરીઓને આપ્યો અને થોડો ઠપકો આ બેય ને આપ્યો અને ઘીના ઠામમાં ઘી પડી રહ્યું!! પણ આ બેયના મનમાં ઠસી ગયું કે કન્યાવાળા એ આબરૂ કાઢી આપણી એટલે બદલો તો લેવાશે જ!! જાન પરણી ને આવી ને બે દિવસ પછી આવી ઢગ!! દીકરીને તેડવા માટે ત્રણ છકડો રિક્ષા આવી !!

બપોરે જમવા માટે પીરસવામાં આ ચીમન અને રતનો વાટ જોઇને જ બેઠા હતાં.આગલે દિવસે ઝાડા કરવાની ટીકડીઓ લાવી એનો પાઉડર કરીને બરફીના બે ટુકડાં વચ્ચે એ પાઉડર સહેજ ભભરાવીને પાછી બરફી હતી એમ ને એમ કરી દીધી.કોઈને ખબર પણ ના પડી કે ક્યારે આ પરાક્રમ થઇ ગયું અને પછી થાળીમાં એવી રીતે ગોઠવણ કરી કે મહેમાનને જ આ સ્પેશ્યલ બરફી ખાવા મળે!! તાણ કરી કરી ને આદમી અને બૈરાઓને આ બરફી ખવરાવી. અને પછી જમ્યા પછી કલાકેક પછી ભારે થઇ!! એક પછી એક સંડાસ પાસે લાઈન થતા જાય અને વારા પ્રમાણે જતાં જાય!! બધાને સામુહિક ઝાડા કરી દીધેલાં!! અને પછી એવા સમાચાર આવેલા કે રિક્ષાઓ ગઈ પછી જ્યાં ગામ આવે ત્યાં રિક્ષાઓ ઉભી રાખતા ગયાં અને માંડ માંડ એ લોકો ઘરે પહોંચ્યા!!

કોઈને ત્યાં જમણવાર હોય અને આ બેમાંથી ત્યાં જમવા ગયાં હોઈ ત્યાં પણ પરાક્રમ તો કરેજ પણ ગામ વાળા પણ દાંતમાં કાઢી નાંખે!! જમવા જાય ત્યારે એ લોકો ખિસ્સાંમાં બે સિગારેટ લઇ જાય!! બે ય સિગારેટમાંથી અડધે સુધી તમાકુ કાઢીને પછી એક નાનકડો લવિંગ્યો ફટાકડો આગળ વાટ રહે એમ ગોઠવી દે!! અને ફરીથી પાછી તમાકુ ભરી દે અને હતી એવીને એવી સિગારેટ થઇ જાય!!

અને પછી જમણવારમાં ચાંદલો લખવા બેઠા હોય ત્યાં આગળ એક મુખવાસની અને આવી સિગારેટની થાળીઓ હોય ત્યાં જઈને આ બેય તોફાની બારકસો હળવેકથી આ બેય સિગારેટ મુકીને બીજી લઇ લે અને પછી એ સિગારેટ જે પીવે એના જે હાલ થાય એ જોવા જેવા હોય!! માંડ માંડ કોટો ચડ્યો હોય અને સિગારેટ અડધી થાય અને ઓચિંતો જે ફટાકડો ફૂટે અને જે રીતે પેલી વ્યક્તિ બીય જાય એ જોઇને બધાં દાંત કાઢી ને કાઢી ને ઉંધા વળી જતાં!! આવા પરાક્રમી બારકસો હવે કાલ સવારથી ભાદરવીના મેળામાં જવાના હતાં.

સવારે જ વહેલા બેય જાગ્યા. કાલ રાતથી જ તૈયારી થઇ ગઈ હતી, રતનાએ અને ચીમનાએ મોબાઈલ ફૂલ ચાર્જ કરી લીધા હતાં. નવા બુટ પહેરી લીધા!! આઠમના મેળામાંથી ચોરેલા સ્પ્રેના ફુવારા શરીર પર આડેધડ લગાવી દીધા!! આજુબાજુના ચાર ઘર સુધી સ્પ્રેની સુગન્ધ ભભૂકતી હતી. બેય જણાએ લાલ પીળા ચશ્માં અને સફેદ ટોપીઓ પહેરી લીધી. બેય જણાએ ૫૦ -૫૦ કાઢીને સોનું પેટ્રોલ પુરાવીને ખખડધજ હોન્ડા ઉપડ્યુ ભાદરવીના મેળામા!!

રતનો અને ચીમન મેળામાં પહોંચી ગયાં.એક બાજુ હોન્ડા પાર્ક કરીને એણે મેળામાં ચક્કર લગાવ્યું!! ચારેય બાજુ મહેરામણ ઉમટી પડ્યો હતો!! આમેય ગ્રામ્ય સંસ્કૃતિમાં મેળાનું મહત્વ ખુબ જ વધારે હોય!! મેળે મેળે માણસ આવે અને પોતાની મેળે મેળે માણસ વહ્યું જાય એટલે મેળો!! એક બાજુ જાદુગરે તંબુ તાણ્યા તો એક બાજુ લારીઓ વાળા રમઝટ બોલાવે.કાન પડ્યે ના સંભળાય એવી મેદની જામી છે.મંદિરમાં દર્શન કરી અને રતનો અને ચીમન ઉપડ્યા એક પછી એક દુકાને!!એક મોટો રમકડાનો સ્ટોલ જોયો ત્યાં ભાઈઓ અને બહેનોની ખુબ જ ગિરદી!!

“રાસ્તેકા માલ સસ્તેકા, હાલો હાલો રસ્તેકા માલ સસ્તેકા, એય માડી રમકડાં લઇ લ્યો રમકડાં, રેલગાડી લઇ લ્યો ,વિમાન લઇ લ્યો ,હેલીકોપ્ટર લઇ લ્યો” માથે લાલ રૂમાલ બાંધીને એક મોટી મૂંછો વાળો એક ભરાવદાર માણસ સ્ટોલ પર બેઠો હતો. સ્ટોલ પર બીજા ત્રણ જણા રમકડાં બતાવતા હતાં!! ભાવતાલ થતા હતાં, પૈસા ચુકવાતા હતાં, રમકડાં લેવાતા હતાં. ગોઠવેલી યોજના મુજબ જ રતનો છેક ભીડને ચીરીને આગળ નીકળી ગયો. એની પાછળ ચીમન!! રતનાએ એક વિમાન લીધું અને ભાવ પૂછ્યો.

ફરી એકવાર એક હાથી લીધો અને ભાવ પૂછ્યો.એક મોટું જેસીબી લીધું અને ભાવ પૂછ્યો.બધાની નજર ચૂકવીને રતના એ હાથ નીચે કરીને વિમાન ચીમનને આપ્યું અન ચીમને નાંખ્યું થેલી માં!! અને અવળો ફરીને ઉભો રહ્યો અને ધીમેક થી સરકીને દૂર આવેલા એક આંબલીના ઝાડ પાસે ઉભો રહ્યો. રતના એ મોબાઈલ કાઢીને ફોટા લીધા અને ઝડપથી એક હેલીકોપ્ટર હાથમાં લઈને નજર ચૂકવીને પલાયન!! બે રમકડાં જીંકી લીધા ભીડમાં ને ભીડમાં કોઈનું ધ્યાન પણ ના રહ્યું.અને તરત જ આંબલી નીચે આવીને એ રમકડું પણ થેલીમાં નાંખ્યું અને દૂર ચાલવા લાગ્યા અને પેલા સ્ટોલ વાળાએ બુમ પાડી.

“એય જુવાન આહી આવ અહી” અને રતનાએ અને ચીમને સાંભળ્યું ખરું પણ ઉતાવળે પગલે એ હોન્ડા તરફ ગયાં.ફટાફટ બેસીને હોન્ડા મારી મુક્યું.થોડેક આઘે ગયાં ત્યારે રતના એ સાઈડ કાચમાં જોઇને કીધું કે કાળું બુલેટ આવે છે અને નક્કી પેલો સ્ટોલ વાળો જ છે એની પાછળ કોઈક બેઠું છે અને હાથ ઊંચા કરે છે!! સાંભળીને ચીમને હોન્ડાનું લીવર વધાર્યું!! પણ તોય હવે બુલેટ નજીક આવી ગયું અને આગળ જઈને ઉભું રહ્યું!! રસ્તો એકદમ સાંકડો હતો. આગળ કે પાછળ હોન્ડા લઇ જવાનો વખત પણ ના રહ્યો અને માર્યા ઠાર!! આજ પકડાઈ ગયાં!! વરસાદી વાતાવરણમાં પણ બેયને ઉનાળાની જેમ પરસેવો વળી ગયો. બુલેટમાંથી પેલો મૂછો વાળો ભરાવદાર માણસ ઉતર્યો અને બોલ્યો.

“ભલાદમી તમને કેટલાં સાદ પાડ્યા અને સાંભળ્યું પણ નહિ, મારે ધંધો રેઢો મુકીને આવવું પડ્યું, આ તમારો મોંઘો મોબાઈલ તમે સ્ટોલ પર જ ભૂલી ગયાં!! આમ કરાય!! આવું હાલે ભલાદમી!! આ તો તરત મારું ધ્યાન ગયું એટલે હું દેવા આવ્યો છું!! આલ્યો તમારો મોબાઈલ “ એમ કહીને રતનાને મોબાઈલ આપ્યો અને એ બુલેટ તરફ વળ્યો. રતનો અને ચીમન થીજી જ ગયાં!! કાપો તોય લોહી ના નીકળે એવા થઇ ગયાં!! એકદમ મીણના પુતળા જેવા થઇ ગયાં!!

“એક મિનીટ ઉભા રહો, મને માફ કરો આ રમકડાના પૈસા લેતા જાવ,તમારી ખાનદાની એ અમારી આંખો ખોલી નાંખી છે, આ બેય રમકડાં અમે ચોરીને ભાગ્યા હતાં.પણ તમે આ વિસ હજારનો મોબાઈલ દેવા આવ્યા તો હવે અમારે આ હરામના રમકડાં પણ ના રખાયને?? અમારી ભૂલ થઇ ભાઈ સાહેબ” રતનાના આવાજ માં કાકલુદી હતી.એને અને ચીમનને પસ્તાવો થયો.ચીમને પણ હાથ જોડ્યા. બુલેટ વાળો ઉભો રહ્યો. પાસે આવ્યો અને બોલ્યો.

“હવે ઈ રાખો તમારી પાસે. અમારે તો આ રોજનું થયું. દેવા વાળો કુદરત મોટો છે. પૈસે ટકે સુખી છીએ.વરસો પહેલા મારા બાપને રમકડાની નાનકડી લારી હતી અને આજે આવા મોટા મોટા મારે ત્રણ સ્ટોલ છે. પણ જીવનમાં ક્યારેય અણહકનું લીધું નથી. મારા બાપા તો વહ્યા ગયાં ઉપર પણ એ હમેશા કહેતા કે ઈશ્વરનો ડર રાખવો. કોઈ દિવસ મફતનું લેવું નહિ જયારે એની કૃપા થાય ને ત્યારે જ સુખના બખ્ખા બોલે બાકી બધું નકામું , મહેનત કરે માનવી ત્યારે વીઘો માંડ પવાય પણ આતો કુદરત કરે લહેર તો નવખંડ લીલો થાય એના જેવું છે , ઈ તમે રાખો હવે ,ઘોળ્યા એના પૈસા પણ તમે હવે ક્યારેય ચોરી નહિ જ કરો. આના પૈસા મેં નથી લીધા એ તમને હમેશા યાદ રહેશે” આટલું કહીને બુલેટ ઝપાટાબંધ જતું રહ્યું. ઝીણો ઝરમરિયો વરસાદ શરુ થયો. અને હોન્ડા ચાલ્યું. અને રતના અને ચીમન માં મનમાં ઝંઝાવાત ઉપડ્યો.બેયે નક્કી કર્યું કે આજ પછી ચોરી કરે એ બે બાપના હોય.

બીજે દિવસે હીરાના કારખાનામાં શેઠે રતના ને કહ્યું.
“રતના કાલે ભાદરવીના મેળામાં તે અને ચીમન ચોટીએ શું જોયું””???

“શેઠ કાલે મેળામાં મેં અને ચીમને રમકડાં વાળાની ખાનદાની જોઈ ખાનદાની!!!” રતના એ બધી વાત કરી અને આંખમાં આંસુ સાથે બોલ્યો.કાલથી જ એ રમકડાં વાળો અમારો ગુરુ બની ગયો છે અને હવે હું કે ચીમન ક્યારેય અણહકનું લેવાના નથી.

લેખક:- મુકેશ સોજીત્રા મુ.પો ઢસાગામ તા ગઢડા સ્વા. જિ.બોટાદ ૩૬૪૭૩૦

આપ સૌ ને મારી આ વાર્તા કેવી લાગી ? કોમેન્ટ માં જણાવજો !!

ટીપ્પણી