ખાલીખમ વાદળાં ભલે ટગવે

ઊનાળુ વેકેશનમાં ચોરને કાંધ મારે એવી બળબળતી બપોરના ટાણે રોજ ટકોરી મારતાં મારતાં ફળિયે ફળિયે ફરતો બરફગોળાવાળો અમને બહુ ટગવતો. ગણેશ ફળિયામાં ટકોરી મારે ત્યારથી અમારા કાન સરવા થઇ જતા. અમારા ફળિયામાં પહોંચે એ પહેલાં અમે સજાગ થઇ જતા. એ ટકોરીનો અવાજ ઓળખવામાં થાપ ખાઈએ તો અમારું બાળપણ એળે જાય. ઘંટડીનો એ મીઠો અવાજ અમારે મન મંદિર ઝાલર કહો તો ઝાલર કે ટ્રેન આવવાની જાણ કરતો ઘંટનો રણકાર કહો તો રણકાર હતો.

અગાઉથી નક્કી હોય કે આજે બરફગોળા ખાવાના છે. આખા દિ’ના કામના ઢસરડા કરીને માડ આડે પડખે થયેલી મા પાસેથી છૂટ્ટા પૈસા લઈને હરણની જેમ હડી કાઢતા. અમે બળબળતા ઊનાળે, ઉઘાડા પગે, પિત્તળની મોટી થાળી લઇ અમારા ડેલાની બહાર ઉભા રહી જતા. બરફગોળા બનાવતાં બનાવતાં દોરી ખેંચી ટકોરી વગાતો ગોળાવાળો અમને અઘીરા કરતો. અમને ટકોરી સંભળાય ખરી પણ સાલ્લો ઝટ આવે નહીં. અમારા ફળિયે આવતાં આવતાં ‘ભવ ગાળે’. અમે પણ ધૂળમાં દાઝી જતા અમારા ઉઘાડા પગ એક પછી એક બદલતા રહીએ અને બગલાની જેમ એક પગે ટળવળયેં. પણ એની લારી અમારા ફળિયે આવીને ઉભી રહે એટલે નિરાંત થાય. ફળિયાનાં બીજાં છોકરાંઓ લારીની ફરતે ગોઠવાઈ જાય. ડ્રોનથી ફોટો લીધો હોય તો ચાના ટીપાની આસપાસ કીડીઓ બાજી હોય એવો ફોટો આવે! એક પછી એક બધાના વારા આવતા જાય એ ડિસીપ્લીન પણ કેવું! કોઈ રમતિયાળ છોકરું દોરી ખેંચી ટકોરી વગાડી લે એ અમારું મનોરંજન. કોઈ આવિતરું છોકરું વઢાય પણ ખરું. ગોળા બનતા જાય અને અમે ટગર ટગર જોયા કરીએ.

જ્યારે રસ ટપકતો ઠંડો ગોળો ચૂસીએ ત્યારે થાય કે ભલે રેંકડીની ટકોરીએ અમને ટગવ્યા!

લગ્નગાળામાં નવાં પરણેલા વરઘોડિયાંના નીકળતા સરઘસનું પણ એવું જ. બહુ ટગવે. રાત્રે બજાર બંધ થઇ જાય પછી નીકળતા આવાં સરઘસોની અમે કાળા પાણાની સીડી પાસે ડોક લાંબી કરીને રાહ જોતાં હોઈએ. દૂર ‘ધીનધીન’ કે ‘ધતડપતડ’ સંભળાય ખરું પણ દેખાય નહીં. સરઘસ અમારા સુધી પહોંચતાં પહોંચતાં ‘ભવ ગળે’. રસ્તાના વળાંક પાસે એક-બે પેટ્રોમેક્સનું અજવાળું દેખાય એટલે અમારી આંખો ચમકે. અને, જેવો દૂરથી બેન્ડ માસ્ટર દેખાય એટલે ‘આવ્યું, આવ્યું’ થાય. પણ આવે તો ને! વરઘોડિયું ઘીમે ધીમે ચાલતું હોય અને એમાં વળી બોરસલ્લીનો હાર પહેરવા રોકાતાં-રોકાતાં આવે. પહેલા બેન્ડનો અવાજ પહોંચે, પછી બોરસલ્લીના હારની અને મોગરાની વેણીની સુગંધ પહોંચે. પછી સાદી-સહેલાં પહેરેલાં લોકો. વાર લાગે એટલે ‘લૂસલૂસ’ જમી ને ઉભી ગયેલા બધા ભારે ભોંઠા તો પડે પણ તોય ખુશ હોય. ખરેખર, સરઘસ બહુ ટગવે, હો!

જ્યારે હાર-તોરાથી લદાયેલું વરઘોડિયું પાસેથી જોઈએ ત્યારે થાય કે ભલે ‘ધીનધીને’ અમને ટગવ્યા!

આમ વૈશાખ જાય એટલે જેઠ ટગવવા આવે. ગુલમહોરના ફૂલ ખરતાં થાય, લીમડો વધુ ઘેરો લીલો થાય અને પવન ફરી જાય એટલે થાય કે હવે ચોમાસું ઢુંકડું છે. પણ વરસાદ એમ થોડોક આવે? લુચ્ચા વાદળાં આપણને ટગવે. એમ થાય કે બસ, આવ્યો સમજો, હમણાં પડ્યો સમજો. પણ રોજ કાળાં-ધોળાં ઠાલાં આવે ને ઠાલાં જાય. બસ, હવે થોડા દિ’ની વાટ. જો જો વાદળાં મન મૂકી ને વરસશે ખરાં પણ ટગવશે.

જ્યારે ભીની માટીની સુગંધ લઈને સૂક્કા પાંદડાં ફંગોળાય અને હથેળી પર પહેલા છાંટા ઝીલીએ ત્યારે થાય કે ભલે ખાલીખમ વાદળાંએ આપણને ટગવ્યા.

ટગવામાં પણ મજા છે. જે આવવાનું જ છે એ જોવા કે મળવામાં લાગતી વારમાં ભળેલી અધીરાઈનો દૂનિયામાં કોઈ જોતો ન જડે, સાહેબ! એ બરફગોળાની રેંકડીની ટકોરી હોય, વરઘોડિયાનું ‘ધીનધીન’ હોય કે ખાલીખમ વાદળાં હોય, જેમ ઓરું આવતું જાય એમ જામતું જાય, હોં!

લેખક – અનુપન્મ બુચ

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block