ખજૂર પીનટ રોલ – હોળી-ધુળેટીનું પર્વ નજીક આવી રહયું છે તો બનાવો ત્યોહારને અનુરૂપ આ સ્વાદિષ્ટ રોલ

ખજૂર પીનટ રોલ
મિત્રો, હોળી-ધુળેટીનું પર્વ નજીક આવી રહયું છે. આ તહેવાર પર લોકો ધાણી -દાળિયાની સાથે ખજૂરની પણ ઉત્સાહભેર ખરીદી કરતા હોય છે. માટે જ આજે હું ખજૂરની યુનિક રેસિપી શેર કરવા જઈ રહી છું. જે છે, ખજૂર પીનટ રોલ. ખજૂર સાથે લીધેલ સીંગદાણા આપણી રેસિપીને અલગ જ ટેસ્ટ આપે છે અને હેલ્ધી તો છે જ. તો ચાલો બનાવીએ ખજૂર પીનટ રોલ.
સામગ્રી :
500 ગ્રામ ખજૂર (પોચો),
200 ગ્રામ સીંગદાણા,
1/3 કપ સૂકું ટોપરું,
1/3 કપ ખાંડ,
4 ટેબલ સ્પૂન ઘી,
ચપટી સૂંઠ પાવડર,
થોડા ડ્રાયફ્રૂટ્સ,
તૈયારી :
ખજૂરને સાફ કરી, ઠળિયા કાઢી અને બારીક ટુકડા કરી લેવા. સીંગદાણા ને હલકા શેકીને ફોતરાં દૂર કરી, ક્રશ કરી લેવા
ડ્રાયફ્રૂટ્સની કાતરી કરી લેવી
રીત :
સૌ પ્રથમ કડાઈમાં 3 ટેબલ સ્પૂન ઘી ગરમ કરો. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખી તેમાં ખજૂર નાખી ઘી સાથે શેકો.
ખજૂર સોફ્ટ થઇ ઘી સાથે એકરસ ત્યાં સુધી શેકો. પછી તેમાં સૂંઠ પાવડર અને ડ્રાયફ્રૂટ્સ નાખો. બધું જ બરાબર મિક્સ કરી લો.
આ ખજૂરના મિશ્રણનું આપણે લેયર બનાવવાનું છે તેના માટે એક પાતળો ટ્રાન્સપેરન્ટ પેપર લો. તેને તેલ અથવા ઘી થી ગ્રિઝિંગ કરી લો.
તેના પર ખજૂરનું મિશ્રણ ઠંડુ પાડીને સ્પ્રેડ કરો, સ્પ્રેડ કરવામાટે ફ્લેટ બોટમવાળા વાસણનો યુઝ કરી શકાય, પછી તેને  વેલણથી વણીને પાતળું લેયર તૈયાર કરવું.
 હવે આપણે બીજું લેયર તૈયાર કરીશું, તેના માટે તે જ કડાઈમાં ખાંડ સાથે 50 મિલી પાણી લઇ એક તારની ચાસણી બનાવવી. તેમાં સિંગદાણાનો ભુક્કો નાખો. કોપરું, ડ્રાયફ્રૂટ્સ અને 1 ટેબલ સ્પૂન ઘી નાખી બરાબર મિક્સ કરી લેવું.
ત્યરબાદ તેને ખજૂરના લેયર ઉપર સ્પ્રેડ કરી પાતળું લેયર બનાવી લો. વેલણથી વણી લેયર બરાબર સેટ કરી લેવું.
ટ્રાન્સપેરન્ટ પેપર અલગ કરીને હળવા હાથે બંને લેયરનો રોલ વાળો. આ રોલને 10 મિનિટ્સ માટે રેફ્રિજરેટરમાં સેટ થવા મુકો જેથી રોલ સરસ સેટ થાય અને વ્યવસ્થિત કટિંગ કરી શકાય.
10 મિન્ટ્સ પછી રોલ બહાર કાઢી કટિંગ કરી લો.
તો તૈયાર છે, ખજૂર પીનટ રોલ. ટેસ્ટ વેરિએશન માટે ખજૂરના મિશ્રણમાં ચપટી એલચી પાવડર પણ નાંખી શકાય.
આ રેસિપીનો વિડિઓ જોવા અહીં ક્લિક કરો :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી