કેસર પેંડો, બેવડ વળી ગયેલાં માડી અને જીવનભરનો વસવસો

વાતને સમય વિત્યો. પણ એ ઘટના દરરોજ મને યાદ આવે છે. કેમેય હું એનાંથી દૂર થઈ શકતો નથી. આમ તો હું કોઈ ભામાશા નથી. વાસ્તવમાં હું ખુદ દાન મેળવવાને પાત્ર છું. તમે પેલી સંસ્કૃત વાર્તાઓ વાંચી છે – જેની શરૂઆતમાં જ આવતું: “એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો…” બહુ ઓછાને ખ્યાલ છે કે, એ નગર એટલે રાજકોટ અને બ્રાહ્મણ એટલે હું. સાચું કહું છું, મારી પાસે ઘણાં કૃષ્ણ છે પણ તાંદુલની પોટલી લઈને જતાં મારા પગ ક્યારેય મંડાતા નથી. પણ મને ખ્યાલ છે કે, મારા કરતાં પણ વધુ લાચાર લોકો છે આ જગતમાં. એવાં લોકો, જેની પાસે કૃષ્ણ જ નથી. ક્યારેક યથાશક્તિ કંઇક સારું કામ કરૂં. હંમેશા નહીં. ક્યારેક. કારણ કે, હંમેશા કરવા જેટલી લાયકાત હું કેળવી શક્યો નથી. બહરહાલ, મૂળ મુદ્દા પર આવીએ: મોટી બહેન મીના વડોદરાથી આવી હતી અને એને પાછું જવાનું થયું એટલે અમે રાજકોટના પંચનાથ વિસ્તારમાં આવેલી વિખ્યાત શોપ “જય સિયારામ”માં પેંડા લેવા ગયા. હું પેંડા પેક કરાવતો હતો ત્યારે એક અત્યંત વયોવૃદ્ધ, કૃશકાય, ગરીબ માડી ત્યાં આવ્યાં. એમને પેંડો ખાવો હતો. મારી બાજુમાં બીજા એક ગ્રાહક ઉભા હતાં. એમણે માડીને ચાર નંગ સફેદ પેંડા લઇ ને આપ્યાં. માડી વિનંતીભર્યા સ્વરમાં બોલ્યાં: “આ નહીં, કેસર પેંડા લઈ દયો ને!” પેલાં ગ્રાહકનું દિમાગ ફાટ્યું. ગુસ્સાથી કહે કે, “બહુ લાડ કર્યા, માડી! માંગી ને ખાવું અને પાછાં કેસર પેંડા માંગવા!” મેં પણ કહ્યું: “લઈ લ્યો, માડી. આપે છે તો પાછા લપ કરો છો…” બીજા પણ અનેક ઘરાક હતાં. અમે બધાં હસવા માંડ્યા. સૌ ગણગણ કરતાં હતાં કે, “આવાં લોકોને માથે ચડાવાય જ નહીં… સાદો પેંડો આપ્યો તો હવે કેસર માંગે છે… ગજબ છે… આંગળી દઈએ તો પોંચો પકડે…”

લઘરવઘર માડી કેડેથી સાવ બેવડ વળી ગયા હતાં પણ કાન સાબૂત. બધાની વાત સાંભળતાં હતાં. કાકલૂદી કરતાં તેમણે ફરી કહ્યું: “ભાઈ, કેસરવાળા પેંડા અપાવો ને! એવું લાગે તો આ ચાર પેંડા લઈ લ્યો, એની બદલે એક કેસર પેંડો આપી દયો, બસ!” અમે બધાંએ કહ્યું કે, “માડી… હવે આગળ જાઓ…” પેલાં ઘરાકે ચાર પેંડા પાછાં લઈ લીધાં અને માડી પોતાની કેડેથી વળી ગયેલી અડધીપડધી એવી સાવ દુબળી કાયાનો બોજ માંડ ઉઠાવતાં લાકડીના ટેકે ત્યાંથી સરી ગયાં. એમણે ઝાઝી લપ ન કરી. કદાચ, એટલી શક્તિ જ ન હોય એમનામાં. મારી મીઠાઈ પેક કરાવી હું બહેન મીના પાસે આવ્યો અને કહ્યું કે, “ઓલા માડી જોયાં! ખરાં હતાં!” આટલું કહી ને મેં આખી ઘટના કહી. આવી બાબતોમાં એ મારા કરતાં ક્યાંય વધુ સંવેદનશીલ. મને કહે, “તારે લઈ દેવાય ને કેસર પેંડા! આપણને ખબર ન હોય પણ આવી ઉંમરે માણસને કોઈ ચોક્કસ વસ્તુ ખાવાનું મન થતું હોય. મન બાળક જેવું થઈ જાય… એટલી તીવ્ર ઈચ્છા થાય કે, એ રોકી ન શકે!”

હું મનોમન સ્તબ્ધ થઈ ગયો. તરત જ ગાડીની બહાર નીકળી માડીને શોધવા લાગ્યો. ન મળ્યાં. માડી તો ક્યાંક જતા રહ્યાં પણ મારું દિમાગ વિચારે ચડ્યું: “માળું… વાત તો સાચી. એક કેસર પેંડાની સામે તેઓ ચાર પેંડા પાછાં આપવા તૈયાર હતાં… અને આપું પણ ગયાં. આટલી સરળ વાત મને કેમ ન સમજાઈ! શું હું પણ ત્યાં ઉભા હતાં તેમનાં જેવો સાવ જ સામાન્ય માણસ છું?”

ઘેર પરત ફરતાં આખા રસ્તે મારી નજર માડીને શોધતી હતી. થતું હતું કે, તેઓ મળી જાય તો કિલો કેસર પેંડા આપી દઉં! પણ ઈશ્વર એવો અવસર વારંવાર ન આપે. હા. હું તો એને અવસર જ ગણું. આપણું તો ભાઈ એવું જ. જ્યારે કોઈનું પેટ ભરવાનો લાભ મળે ત્યારે પરમાત્માને વંદન કરું કે, તે મને અવસર આપ્યો, બાપલાં. નહીંતર દાનવીરોનો ક્યાં દુકાળ છે! કોઈને કશુંક આપીએ અને એ ઝૂકે ત્યારે ભીતરથી હું તેમને ઝૂકી લઉં… ગદગદ થઈને. જ્યોતિષી કહે કે, ગુરુવારે પીળાં ધાનનું દાન કરજો અને બુધવારે મગ ખવડાવજો… લાલ-લીલું-પીળું અને ધોળું લઈ ને ઘણી વખત ગોતવા જઈએ તો પણ યાચક ન મળે. પ્રસંગમાં રસોઇ વધી હોય અને કોઈને આપવી હોય તો એવી વેળાએ કોઈ ગરીબ ન જડે. દાન દઈએ ત્યારે આપણી જાત પર પણ એ ઉપકાર જ હોય. ટેસ્ટોસ્ટેરોન જેવું કોઈ તત્વ જાણે દિમાગમાં ઝરતું હોય એવો અહેસાસ. એનો એક કેફ હોય. ગર્વ નહીં પરંતુ સંતોષ અને તૃપ્તિ મળે. એનાં માટે લેનારનો આભાર માનવો જ રહ્યો.

પહેલાં જ કહ્યું એમ હું કોઈ તાતા-બિરલા નથી. એક સામાન્ય માણસ છું અને સાવ મામુલી કહેવાય તેવી સહાય ક્યારેક કરતો હોઉં છું. હું જે મદદ કરું એ એટલી નાની હોય કે, એને દાનની કેટેગરીમાં પણ મૂકી ન શકાય. એટલે જ ગુપ્તદાન જેવો શબ્દ મને લાગુ ન પડે. અને એટલે જ આ બધી વાતો તમારાં જેવાં દોસ્તો સાથે શેર કરું છું. એક વાત કહું: બે’ક મહિના પહેલાં જ નોકરી છૂટી… છતાં આ વખતની દિવાળી મારી જિંદગીની શ્રેષ્ઠત્તમ દિવાળી બની રહી. અનેક ઘટનાઓ બની: ચૌદશની રાત્રે નાનુનાનું શોપિંગ કરવા નીકળ્યાં અને એક માડી મળી ગયાં. સાથે એમની દીકરીની દીકરી હતી. મને કહે: “ભાઈ, લોટ લેવો છે…” મારા નસીબ ઉજળા કે, સામે જ કરીયાણાની દુકાન. માડીને લઈ ગયો. પાંચ કિલો લોટ અપાવ્યો. પૂછ્યું: “હવે કંઈ લેવું છે?” માડી કહે: “ખાંડ લેવી છે” પછી ચા … તેલ… ચોખા… બધું ચાલ્યું. છેવટે માડી શરમાઈ ગયા. બે કોથળા ભરાયાં. માડીને રિક્ષા બંધાવી દીધી. મારે ઝાઝો ખર્ચ ન થયો. પણ વળતરમાં મને મોજ મળી. માડી કહે: “ભાઈ, દીકરી ઘરે ડિલિવરી કરવા આવી છે, કાંઈ ઘરમાં હતું નહીં… તમે લાજ રાયખી” માડી ખોટાં. લાજ મારી ઈશ્વરે રાખી. દિવાળીમાં આવો સંતોષ ભાગ્યશાળીને જ મળે. એ બધું જમે ત્યારે તૃપ્તિનો ઓડકાર મને આવે.

આ દિવાળીએ આવા ચાર-પાંચ પ્રસંગો બન્યાં. બાળકોને રાઈડ્સમાં બેસવા લઈ ગયો તો ફુગ્ગાવાળાના છોકરાંઓ આવ્યા. એકને ચોકોબાર લઇ દીધી. કહેવામાં આવ્યું કે, “હમણાં ઈ કેટલાંય છોકરાઓને લઈ આવશે!” મેં કહ્યું: “ખ્યાલ છે. એટલે જ એકને અપાવી” પળવારમાં ધાડું આવ્યું, બાળકોનું. લારીવાળાની ચોકોબાર ખાલી થઈ ગઈ. કેટલાંક ટબુડિયા બીજી, ત્રીજી વખત આવ્યાં. એમને થયું કે એમણે મને ઉલ્લું બનાવ્યો, વાસ્તવમાં હું એમનામાંથી તૃપ્તિ કમાઈ ગયો.

ફરી એક વખત કહું: હું કોઈ દીપચંદ ગારડી નથી. મારી વિસાત જ નથી કોઈ. પણ ઈશ્વરે ભૂલથી જે રોટલો મને આપ્યો તેમાંથી નાનાં-નાનાં ટુકડા કોઈને આપું, બાકીના ટુકડામાંથી અમે જમી લઈએ. પૂણ્ય પ્રાપ્ત કરવાનો કોઈ દહાડે વિચાર પણ નથી આવ્યો. આનંદ મળે એ ઘણું. નાનાં ગરીબ બાળકોને હું હંમેશા નાનકડું સરપ્રાઈઝ આપું. ગાંઠિયા કે બુંદી એમને ઘણાં લોકો આપતાં હોય, હું આઇસક્રીમ, અમૂલનું ફ્લેવર્ડ મિલ્ક, ઘારી, જામ્બુ, ક્રીમ બિસ્કિટ, ચીઝ સેન્ડવિચ વગેરે આપું. ત્યારે એમનાં ચહેરા પરની ચમક જોવા જેવી હોય. આ વાત શેર કરવાનું એકમાત્ર કારણ: અવસર આવે ત્યારે શક્ય હોય અને યોગ્ય લાગતું હોય તો કોઈની આંતરડી ઠારજો. ગરીબ બાળક દેખાય તો ગાંઠિયા-બુંદી લઈ દેવાને બદલે એને જલસો થઈ જાય એવું કંઈક લઈ દેજો. એનાં કરતાં વધુ આનંદ તમને આવશે. પૂણ્ય કમાઈ લેવાનો ભાર દિમાગમાં નહીં રાખો તો જ કિક મળશે તમને. અને હા! કોઈ માડી કેસર પેંડાની તલપમાં ઝૂરી રહ્યાં હોય ત્યારે ઠઠ્ઠો ન કરવો, નહીંતર મારી જેમ રોજ એ માડીને ભીડમાં શોધવા આંખો મંડાયેલી રહેશે. માડી હવે આ જગતમાં નહીં હોય એ મને ખ્યાલ છે, એમને કેસર પેંડા ક્યા સરનામે પહોંચાડવા?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
-કિન્નર આચાર્ય, 9825304041

ટીપ્પણી