પૂજન-અર્ચન – બે પ્રેમકહાની શિવ ભક્તને જાણે મહાદેવના આશીર્વાદ ફળ્યા હોય એવી વાર્તા…

પૂજન-અર્ચન

સાતમાં ધોરણની ચિત્રપોથીમાં હોય એવા કુદરતી દૃશ્યમાંનાં મંદિરનાં ચિત્ર જેવું એ સ્થળ. ગામ શરૂ થતાં જ નાની ટેકરી. રસ્તાની એક બાજુ ઝરણાંની જેમ નહેર જેવું વહેતું હતું. તેને પડખે દરેક ઈશ્વરીય તત્વોની મૂર્તિઓથી મઢેલી મંદિરની ચારે તરફ ફરતી પાળી. આરસના ઓટલા અને ચાર પગથિયાંવાળું; અતિ ભવ્ય ન કહી શકાય એવું સાવ સાદું નાનું શું મંદિર હતું. બહુ ઊંચું નહીં એવા શીખર પર સહેદ રંગની લાલ કોર વાળી ધજા ફરકતી હતી. જેનાથી સ્પષ્ટ થતું હતું કે આ એક શિવાલય છે.


શહેરનાં દેવાલયો જેવી ભીડભાડ અહીં ન હતી. પણ સંધ્યા આરતી સમયે અહીં ખાસ્સી સંખ્યામાં ભાવિકોની હાજરી રહેતી. બપોરે અને સવારે ડોશીમાંઓનું મંડળ, ભજન-કિર્તન, સત્સંગ કરતું રહેતું. મંદિરનાં ચોગાનની એક બાજુ નાજુક મકાન હતું. જેમાં ઓરડી, રસોડું અને નાયણી જેવી પ્રાથમિક સગવડ હતી. જોષી મહારાજનું એ ‘ઘર’ કહેવાતું.
જોષી મહારાજ, એક તેજસ્વી ભ્રાહ્મણ પુત્ર, કર્મ-કાંડમાં નિપૂણ. ગામના લોકો એમને પૂછીને સારાંનરસાં કામ પાર પાડતાં. મંદિરની પૂજા તેમને વારસામાં મળી હતી. માતા-પિતા સ્વર્ગે સિધાવ્યાને વખત થયો. કુટુંબ તરીકે અર્ધાંગિનિ રૂપે શોભે એવી પત્ની, એક નાનકડો દીકરો માંડ ત્રણેક વર્ષનો; ગામથી વિસેક કિલોમિટર જેટલા દૂર શહેરમાં આવ-જાવ કરી કોલેજના બીજા વર્ષમાં ભણનારો ખૂબ જ હોશીયાર વિદ્યાર્થીની ઓળખ ધરાવતો નાનો ભાઈ.
***


કાળચક્રની ડોઢ દાયકાની અવધી વીતી ચૂકી હતી. એ શિવાલય યથાયોગ્ય સ્થાને જ થોડા આધુનિક સુધારા-વધારાવાળું ત્યાં જ ગામની સીમાએ નહેર અને ટેકરીને સાથ આપતું ઊભું હતું. મંદિરનાં ચોગાનમાં જોષી મહારાજનું ‘ઘર’ એ જ પૂર્વવત પરિસ્થિતિમાં જ છતાં જર્જરિત ન કહી શકાય એમ ખડું હતું.

બદલાવ ફક્ત પૂજારી જોષી મહારાજના ચહેરામાં થયો હતો. પંદર વર્ષ પહેલાં જ જોષી મહારાજનાનાં નાના ભાઈએ એ મંદિરની જવાબદારી ઉઠાવી હતી. એક અક્સ્માતમાં જોષી મહારાજ અને એમના પત્નીનું અકાળે મૃત્યુ થયું. કોઈ દૂરનાં સગાંની તબીયતની ખબર પૂછવા; નાનકડા દીકરાને કાકા પાસે જ રાખી શહેર ગયાં હતાં. વળતે તેમનાં મૃતદેહો શબવાહિનિમાં આવ્યાં. ઓચિંતી આવી પડેલ વિપત્તિમાંથી ઊગરવા આખાં ગામે આ નાના જોષી મહારાજને ટેકો આપ્યો.

મંદિરની પૂજા સંભાળી લેતા શિવ જોષી મહારાજને સહેજ પણ વાર ન લાગી. ભ્રાહ્મણપદું અને કર્મઠ પ્રવૃત્તિઓ એમના લોહીમાં ભળેલ. મોટા ભાઈનો દીકરો પૂજન જોષી. નજીકના શહેરથી ડિપ્લોમા સિવિલ ઈજનેરી કરીને આગળ ભણવા દૂર ગામે હોસ્ટેલ જવાની તૈયારીમાં હતો. મોટા ભાઈની નિશાનીને ક્ષણિક પણ આંખોથી ઓઝલ થવા ન દીધો હોય ત્યાં આટલો દૂર કેમ મોકલવો?

ભાઈ-ભાભીના દેહાંત પછી પૂજનની સારસંભાળ જ એનું એક માત્ર લક્ષ બની ગયું. શિવ મહારાજને, મન કઠણ કરી, હવે નિર્ણય લેવાનો હતો. પૂજન માટે પણ કાકાને મૂકીને દૂર ઉચ્ચ અભ્યાસ અર્થે જવું સહેલું ન હતું. વેકેશનનો થોડો સમય બંને પાસે હતો. જે એમને સાથે હેતથી વિતાવવો હતો.

મંદિરની પાછળની બાજુએ નયનરમ્ય કુદરતી વાતાવરણમાં બેસવાનાં બાંકડાં ગોઠવ્યા હતા. જ્યાં લોકો મંદિરેથી વળતે વિસામો ખાવા બેસતા. આ જગ્યા કાકા ભત્રીજાને વર્ષોથી પ્રિય. બપોરના સમયે જ્યારે મંદિરમાં બહેનો ભજન સત્સંગ કરતી ત્યારે કલાકો સુધી બેસી અહીં અભ્યાસની, ધર્મની અને દેશ-દેશાવરની વાતો કરતા. પૂજન કોલેજથી બપોરે મોડો વહેલો થાય તો શિવ મહારાજ તેની જમવામાં રાહ જોતા. એકલા જમતા પણ ન હોય એવા કાકા મારા વગર સૂના થઈ જશે એ વાત પૂજનને કોરી ખાતી હતી.

હજુ એક વ્યક્તિ હતી જેને છોડીને જવા મન નહોતું માનતું પૂજનને. પહેલી વખત એણે કાકા સાથે સખાભાવે મનની વાત વ્યક્ત કરી. વાત શરૂ કરતાં જ નામ સરી પડ્યું, “અર્ચના……”
અર્ચના, ગામના એક પ્રતિષ્ઠિત ભ્રાહ્મણની દીકરી. જે તેની સાથે જ નાનપણથી ભણતી. છોકરીની જાત તેથી વધુ અભ્યાસ માટે મનાઈ ફરમાવાઈ હતી. બંને વચ્ચે ઉદભવતી નીકટતા અને ઉષ્માભરી કોમળ મિત્રતા કાકા સમજી શકશે અને કાકાને નિખાલસ મને વાત કરવાથી દૂર જઈને પણ સંબંધ જળવાઈ રહેશે એવા હેતુ એ પૂજને મન ખોલ્યું.

“અર્ચના? એ કોણ? કોની દીકરી? શું કરે છે?” એવું કશું જ પૂછવા જેવું હતું જ શું? એ તો શિવાનીની ભત્રીજી,

અમાભાઈની દીકરી.

***

અર્ચનાનું નામ સાંભળ્યા પછી શિવ મહારાજ સખત મૌન લઈ બેઠા. પૂજન વાતો કરતો જતો હતો અને કાકા હકારમાં મોંઢું મલકાવતા હતા. વીજળીનાં જીવતા તાર સાથે બાથ ભિડાઈ હોય એવી વેદના મનોમન અનુભવ્યા છતાંય હસતું મોં કેમ રાખવું એ શિવ મહારાજ પાસે શીખવા જેવું. પૂજનની વાતો સંધ્યા આરતીની તૈયારીનો સમય થયો ત્યાં સુધી ચાલી. કોઈ ગૂઢ ચર્ચા કે વિરોધ કાકાની વાણીમાં ન વર્તાયો. તેથી પૂજને હળવાશ અનુભવી.
સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હોય જે કાકાએ ભત્રીજા ઉપર એ કેવો સજ્જન વ્યક્તિ હશે. પૂજન અને મંદિરની વણચીંધી જવાબદારી ઉપાડી લીધેલ અને વણલીધેલ દિક્ષા કે ભ્રહ્મચર્યનું પાલન કરતા શિવ મહારાજ ચાલીસી નજીક આવી ચૂકેલ તેજસ્વી ભ્રાહ્મણ માટે આજે પણ માંગાં આવતાં. જુવાનીથી જ વૈરાગ્ય લેવાઈ જશે અને મંદિરમાં જ રહીને ભોળા શંકરની અલખ જગાવીશ એવું ક્યાં ધાર્યું હતું. ધાર્યું ધણીનું થાય. પૂજન અને પૂજા આમ અનાયાસે વારસામાં નસીબજોગે મળશે એ તો સ્વપ્નેય ખ્યાલ ન હતો.

***

શિવનાં સ્વપ્નદેશ ઉપર કોણ રાજ કરી શકે? શિવાની જ ને. શિવનાં સ્વપ્નની માલિકણ હતી શિવાની. કોલેજ શરૂ કરી એ પહેલાંથી જ ભાભી પાસે તેની ભાભી સાથે મળવા આવતી. ભાભીની બહેનપણીની નણંદ. “ભાભી, તમે જાવ. પૂરી હું વણી લઈશ.” કહેતી જમીન પર એક પગ ઊંધો અને બીજા પગની પલાંઠીવાળી પૂરી વણવા બેસી જતી સત્તર – અઢાર વર્ષની શિવાની ક્યારે કોલેજીયન શિવનાં મનને વણી ગઈ ખબર જ ન પડી. શિવપૂજા કરતો શિવ પણ એટલો જ ભોળો. સાવ સાદો અને સરળ મિજાજી. છોકરીને કેમ ચાહવી એ ક્યાં એને ભાન? એતો વાત કરવા સુદ્ધાં શરમાય. થોડો સંકોચાય.

કાળી નહિ પણ શ્યામલી, કામણગારી, ઘાટા કાળા કેશ અને મેષ આંજેલ નેણ ઉપર વારી ગયો છું. એવું કહેતાં તો ભવ લાગશે એવું એ માનતો. હા, તેણે એમ જરૂર નક્કી કર્યું હતું કે ભાભીને કાને ભવિષ્યમાં વાત મૂકીશ કે મને શિવાની ગમે છે. “જો આજે શિવાની આવી છે તો મને એટલું કામ ઓછું, ભાઈલા, તમે ગરમ ગરમ ચા અને પૂરી – શાક શિરાવીને પછી કોલેજ તરફ સિધાવો.” ભાભી આવું કહેતી ત્યારે શિવ મનમાં જ બબડતો. “ભાભીને કોણ સમજાવે? કે શિવાનીના હાથે વણેલ ગરમ પૂરી – શાક ખાઈને પછી કોલેજ જવાનું મન થાય ખરું!”

***

ભાઈ-ભાભીનાં સ્વર્ગવાસ પછી તો પરિસ્થિતિ સાવ જ બદલાઈ ગઈ. એ પહેલાંજ એક નાનકડો આંચકો શિવે જીરવી લીધો હતો.

મંદિરમાં લોકો વિવિધ પ્રકારની મિઠાઈ અને પકવાન ધરાવતાં જ હોય. એ મિઠાઈ-પકવાન પૂજારીનું પરિવાર જ આરોગે એમાં નવું શું? પણ આજની મિઠાઈ કંઈક ખાસ લાગી શિવને. સાંજે ઘરે આવી ભૂખથી ટળવળતા આવતાંવેંત શિકાંમાં ઢાંકેલ મિઠાઈ મોંમાં મૂકી. ભાભીએ ટોકયા વિના કહ્યું; “શિવભાઈ, તમારી જ પાંતિ રાખી છે. ખાઈ જાવ.” “એમ? લ્યો તો પધરાવી દઉં પેટમાં.” એવું હસતે હસતે શિવ તે મિઠાઈ ખાવા માંડ્યાં. ભાભીએ ઉમેર્યું, “હમણાં જ શિવાની ગઈ એનાં ઘરે. અત્યાર સુધી બેઠી હતી. મેં જ એને કીધું કે શિવભાઈ આવે તો તું જાતે જ મોંઢું મીઠું કરાવજે તારી સગાઈનું.”
મિઠાઈનો એ છેલ્લો કોળિયો કેમેય કરીને શિવનાં ગળે ન ઉતર્યો. એ કશું જ બોલ્યા વગર હાથ – મોં ધોવા ચાલ્યો ગયો. જમાવા સમયે પણ ચૂપ. રાત આખી એણે બે પડખે કાઢી. સવારે નિત્યક્રમ પતાવી પૂજન-અર્ચન કરી દરરોજની જેમ શિરામણ કરી કોલેજ જવાની તૈયારી કરતો હતો. ભાભીએ નાસ્તા માટે હાકલ કરી. રસોડાંમાં જઈને જૂએ છે તો ભાભીની બહેનપણી હિરાભાભી અને શિવાની ઊભા જ હતાં. હંમેશ તેઓ દર્શન કરીને ઘરમાં ડોકું અચૂક કાઢે જ. “ચા પીતા થાવ, ગરમ પૂરી-શાક આપું છું.” એવું બોલી ચાની પ્યાલી મૂકતાં ભાભી બોલ્યાં.

ત્યાં કોઈ સત્સંગી બહેને હાકલ કરી તો શિવાનીને લોટનો પિંડો આપીને ભાભી રસોડાંની બહાર નીકળી ગયાં. પટ્ટમાં જ બેસીને શિવ કશું જ બોલ્યા વિના શિવાનીને તાકતો ચા પીતો રહ્યો. હંમેશની જેમ જ તે નજાકતાથી બેસીને પૂરી વણવા લાગી. શિવ ચાનો પ્યાલો મૂકી ઊભો થવા ગયો. “એક ગરમ પૂરી ખાઈને જાવને.” શિવાનીએ નાસ્તો કર્યા વગર જ ઊભા થતા શિવનો અનાયાસે હાથ રોકીને કહ્યું.

“ના, મારે નથી ખાવી.” શિવે હાથનો સ્પર્શ છણકોર્યો.

“કેમ?”

“ખવરાવજે એને, જેને પરણીશ.” આટલું બોલી શિવે લોટનાં પિંડાનો ત્રાંસ એની તરફ ઠેલ્યો. લોટનાં પિંડાને મસળતી શિવાની પૂછી બેઠી, “તું, પહેલાં ક્યારે…. કેમ.. ન બોલ્યો?”

“શું ન બોલ્યો?”

“એ જ, જે હમણાં બોલ્યો.”

“હું શું બોલ્યો?”

“કંઈ નહીં.”

સાવ જ સમીપ બેઠેલી એ પણ જાણે અતિ દૂર ચાલી ગઈ હોય એવી વેદના શિવે અનુભવી. તગતગતી એની આંખો અને શિવનું એજ ગૂઢ મૌનનું મંદિરનાં ઘરનું રસોડું સાક્ષી બની રહ્યું.

***

પૂજને બપોરે બગીચામાં ફરી એ ઘાનાં પોપડાં ઉખેડ્યાં હતાં જે રાત્રે સૂતી વેળાએ સ્મૃતિસહ ચૂભ્યાં. એ બધું જ જે વીતી ચૂક્યું હતું, તે સામું દેખાયું. રહી રહીને શિવાની એ શ્યામ ચહેરો યાદ આવતો હતો. જે વર્ષો પહેલાં ધખતા ચૂલા સામે મૂકીને ચાલી નીકળ્યો હતો. એ સમયે કંઈક અજુગતું બળબળતું હતું શિવનાં ભીતરમાં અને શિવાનીની અગ્નીપરીક્ષા ચાલતી હોય એમ એનો ચહેરો તેજોમય ચમકતો હતો.

શિવે પડખું ફેરવ્યું. પંદર વર્ષ વીત્યા પછીનો શિવાનીનો ચહેરો તાદૃશ થયો. સાદગી સભર પણ ચુસ્ત સલવાર-કુર્તા પહેરતી; ચહેરા પર હંમેશ મારકણું સ્મિત પહેરી ફરતી શિવાની આજે નીલી કોરવાળી સફેદ સાડી પહેરી ગંભીર મુદ્રાએ મંદિર દર્શને આવતી શિવાની દેખાઈ.

હજુ મોટા જોષી મહારાજ અને ભાભીનાં અવસાન પછી મંદિરની વ્યવસ્થા અને બીજી બધી કૌટુંબીક જવાબદારીઓ સંભાળી તેવાંમાં જ શિવાનીનાં વેવિશાળ લેવાઈ ગયાં હતાં. એનાં વિશે વિચારવું તો શું? પોતાનાં લગ્ન વિશે વિચારવાનોય શિવ મહારાજને સમય ન હતો. જિંદગીને નવો વળાંક મળ્યો. મંદિર પૂજા અને પૂજન બે જ ધ્યેય. બારેકમાસ થવા આવ્યા હશે. એવામાં એક વાર અમાભાઈ મંદિરે આવ્યા ત્યારે સમાચાર આપ્યા કે જમાઈ સાથે લેણાં પૂરાં થયાં. દીકરી ઘરે આવી ગઈ છે. શિવાનીનાં પતિ વિદેશ હતા. સંસકારી દીકરી સાસરાંનો કુવ્યવહાર; પ્રેમ અને સ્વમાન વિનાનું જીવન બાપ કેમ સાંખી લે? દીકરી તો કહે જ છે કે હું નિભાવી લઈશ. સમાજ સામે જોવું કે દીકરી સામે?

કોઈ ત્રયાત વ્યક્તિ વિશે સાંભળતા હોય એમ શિવ જોષી મહારાજ અમાભાઈ સામું જોઈ રહ્યાં. શિવાનીનાં પાછા આવ્યા પછી થોડાં વર્ષોમાં ખબર આવ્યા કે એનાં પતિ વિદેશી સંસ્કૃતિને હેવાયા થયા હતા. દારુ જેવી લત અને પછી માંદગીનાં ભોગે સ્વધામ પહોંચી ગયા. ત્યારથી સફેદ સાડલો જ ઓઢી એ દર્શને આવતી. ક્યારેય ઊંચી આંખે જોયું પણ નહીં. જોમથી છલકાતી શિવાની તો ભૂતકાળ જ બની રહી. “પ્રીત હતી અમારે.” હવે રહી રહીને એવું કહે તો વધુ આમન્યા જાય એવી પરિસ્થિતિ હતી.

***

આજે પૂજન અને અર્ચનાની મૈત્રી ભરી લાગણી વિશે જાણીને ખુશ થવું કે નહીં એ શિવ મહારાજને સમજાયું જ નહીં. તેમના મૌનને જ હકાર સમજી લઈ બીજે દિવસે ત્યાં જ મંદિરની પાછળ બગીચામાં પૂજન અર્ચનાને કાકાને મળવા લઈ આવ્યો. “શિવુકાકા આ અર્ચુ.” પૂજને ઓળખાણ કરાવી. અને વાતોનો દૌર ચાલ્યો. નાનપણમાં શિવાની ઘણી વખત હિરાભાભી સાથે ભાભીને મળવા આવતી એવી વાત પણ નીકળી. અલારમલાર વાતો પછી આરતી અને થાળ કરીને જ અર્ચના ઘરે ગઈ.

બીજે દિવસે એ પૂજને મળી ત્યારે એણે અનાયાસે કહ્યું, “જ્યારે શિવુકાકા શિવીફોઈ વિશે વાત કરતા હતા ત્યારે એમની આંખોમાં એક જુદી જ ચમક જોઈ હતી. જો.. એ બંને.. એક થાય તો?” અર્ચના અચાનક ઉત્તેજીત થઈ બોલી ઊઠી. પૂજન-અર્ચનનું પૂન, શિવ-શિવાનીને મળે તો કેવું રહે? એ સમજુ પ્રેમીયુગલ, વડીલોની જેમ ચર્ચા કરવા બેસી ગયાં.

***

રાબેતા મુજબ સવારે હિરાભાભી અને શિવાની મંદિરે દર્શન કરવા આવ્યાં. હિરાભાભી ખાસ વાતો કરતાં નહીં પણ ધીમે સાદે આજે બોલ્યાં, “જરા નિજ મંદિરની બા’રે આવોને શિવુભાઈ.” “શિવાની બેન તમે રસોડાંમાં જઈને આ ડાબ્બો મૂકી આવોને.” પ્રેમથી આદેશ આપી શિવ મહારાજ બહાર આવે ત્યાં શિવાનીને હિરાભાભીએ મોકલી દીધી. એમણે શિવ મહારાજ સાથે દસેક મિનિટ વાતો કરી. જે શિવાનીને સંભળાતી ન હતી.
થોડીવારે હિરાભાભી સહેજ મોટા સાદે બોલ્યાં, “તમારા માટે શિવાનીનાં હાથે બનાવેલ ગરમ પૂરી -શાક મોકલ્યાં છે, જરા રસોડાંમાં જઈને ચાખી આવોને શિવ મહારાજ.

લેખક : કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

વાર્તાસંગ્રહ ‘જીવનોન્નયન’માંથી સાભાર.

દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી