કાત્યાયની શક્તિ – મા દુર્ગાનું છ્ઠ્ઠું સ્વરૂપ

કત નામે એક બહુ તપસ્વી ૠષિ હતા. તેમના પુત્ર ઋષિ કાત્યા હતા. આ કાત્યા ગોત્રમાં એક પ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા. જેમણે ભગવતીની ઉપાસના કરી. તેમના ઘરે પુત્રી રૂપે જન્મ લે એવી ઈચ્છા કરી. તેમની શ્ર્ધ્ધા-ભક્તિ જોઈને મા ભગવતીએ પ્રાર્થના સ્વીકારી.

દરમિયાન પૃથ્વી ઉપર મહિસાસુર રાક્ષસનો આતંક વધી ગયો હતો. ત્યારે બ્રહ્માં, વિષ્ણું, મહેશ ત્રણેય દેવોએ તથા અન્ય દેવી-દેવતાઓએ પોતાનું દૈવી તેજ અંશરૂપે આપી મહિસાસુરનો વિનાશ કરવા આપ્યાં. આ પ્રસંગ મહર્ષિ કાત્યાયનના આશ્રમાં બન્યો. અત્યંત પવિત્ર અને શાસ્ત્રોનાં પ્રખર જ્ઞાતા હતા. દેવીનું સ્વરુપ પ્રગટ થતાં તેમણે તેનું પ્રથમ પૂજન કર્યું જેથી તેઓ કાત્યાયની દેવી તરીકે ઓળખાયાં.

મહર્ષિ કાત્યાયનના ઘરે જન્મ લઈ આસો સુદ સાતમ, આઠમ અને નોમ એમ ત્રણ દિવસ સુધી મહર્ષિની પૂજા સ્વીકારી અને વિજ્યા દશમના દિવસે ત્રિલોકમાં હાહાકાર મચાવનાર અસૂરનો વધ કર્યો. અચૂક ફળ આપનારી આ દેવી કાત્યાયની ઉપાસના ભગવાન શ્રી કૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપિઓએ કરી હતી. વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેતી રૂપે તેઓ પ્રતિષ્ઠિત છે. અતિ ભવ્ય-દિવ્ય સોના જેવો તેજસ્વી વર્ણ છે એમનો. ચતુર્ભુજ દેવીના એક કર અભયમુદ્રા છે તો એક કરમાં તલવાર; એક હાથ વરદ મુદ્રામાં અને એક હાથ વદમુદ્રામાં છે. સિંહ વાહન છે.

દુર્ગાપુજાનાં છઠ્ઠા દિવસે આ દેવીની આરાધના કરવા સાધક મનમાં આજ્ઞાચક્રમાં સ્થિર કરે છે. માનાં સ્મરણથી ભય, સંતાપ દૂર થઈ જન્મજન્માંતરનાં પાપો આ દેવી હણી લે છે.

મા કાત્યાયનીના શરણાગતની ઉપાસનાનો મંત્ર છે:

ચંદ્રહાસોજ્જવલ કરા, શાર્દુલ વર વાહના |
કાત્યાયની શુભં દધાદેવી દાનવધાતિની ||

-: કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

-: આજના ગરબા :-

-: માનો ગરબો રે રમે રાજને દરબાર :-

માનો ગરબો રે, રમે રાજને દરબાર
રમતો ભમતો રે, આવ્યો કુંભારીને દ્વાર
એલી કુંભારીની નાર, તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે, રૂડા કોડિયાં મેલાવ

માનો ગરબો રે, રમે રાજને દરબાર
રમતો ભમતો રે, આવ્યો સોનીડાને દ્વાર
એલી સોનીડાની નાર, તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે, રૂડા જાળીયા મેલાવ

માનો ગરબો રે, રમે રાજને દરબાર
રમતો ભમતો રે, આવ્યો ઘાંચીડાને દ્વાર
એલી ઘાંચીડાની નાર, તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે, રૂડા દિવેલીયા પુરાવ
માનો ગરબો રે, રમે રાજને દરબાર

-: ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત :-

ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માને ઝૂલે તે ઝૂલવાની હોંશ ઘણી
ભક્તો ઝૂલાવે ખમ્મા મા ખમ્મા કહી

ભક્તો ગાયે ને મા ખુશી થાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માને દરવાજે નોબત ગડ ગડે
વળી શરણાયુંના સૂર સાથે ભળે

રાસ મસ્તીના સૂર સંભળાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માએ સોળ આભૂષણ અંગે ધર્યાં
ભાલે કુમકુમ કેસરના અર્ચન કર્યાં

હાથે ખડગ ત્રિશુલ સોહાય, અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માને તેજે ભાનુ દેવ ઝાંખા પડે
બ્રહ્મા, વિષ્ણુ, સદાશીવ જેવા ભજે

માની સૌ દેવો આરતી ગાય, અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માજી ચાલે ત્યાં કુમકુમનાં પગલાં પડે
માજી બોલે ત્યાં મુખડેથી ફૂલડાં ઝરે

ભક્તો જોઈને વિસરે ભાન, અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માના સોના-હીંડોળે રત્નો જડ્યાં
માએ સાચાં મોતીના તોરણ બાંધ્યાં

મહીં ઝળકે છે તેજ અપાર, અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

આજ શોભા આરાસુરની નવલી બની
આવો આવો સૌ નર નારી સાથે મળી

ગરબો ગાયે ને મા ખુશી થાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

-: ભોળા ભવાની મા :-

સામા ડુંગરેથી ઉતરિયો વાઘરે ભોળા ભવાની મા,
તારા વાઘને પાછો વાળ રે, ઓ માતા અંબાજી મા,

તારા માથે મુગુટ શોબતો (૨), એવા મુગટે રત્ન જડાવું રે,
ઓ માતા અંબાજી મા… સામા ડુંગરેથી,

માના માથે ગરબો શોભતો (૨), એવી ગરબે દિવડા પ્રાગટાવું રે,
ઓ માતા અંબાજી મા… સામા ડુંગરેથી,

માને નાકે નથણી શોભતી (૨), એવી નથણિયે મોતીડા જડાવું રે,
ઓ માતા અંબાજી મા… સામા ડુંગરેથી,

માના હાથમાં ત્રિશૂળ શોભતું (૨), એવા ત્રિશૂળે સિંદૂર લગાવું રે,
ઓ માતા અંબાજી મા… સામા ડુંગરેથી,

માના હાથમાં ચૂડલો શોભતો (૨), એવા ચુડલે રત્ન જડાવું રે,
ઓ માતા અંબાજી મા… સામા ડુંગરેથી,

માના ભક્તો આવ્યા આબુમાં (૨), સૌને દર્શન માને થાય રે,
ઓ માતા અંબાજી મા… સામા ડુંગરેથી…

ટીપ્પણી