કાઠીયાવાડી ફૂડ : સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ભાગ – ૩

સેવ ટમેટા, લસણિયા બટેટા અને તુવેરની દાળ : કાઠિયાવાડી ટ્રેડમાર્ક!

મંગળવારથી આરંભ કરેલી ‘સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ’ને પ્રચંડ આવકાર મળ્યો છે, લો આજે રાજકોટમાં કરા-વરસાદે પણ વધાવી લીધું! ફિલ્મ ઓમકારામાં કોંકણા સેને ભલે કરીનાને દાઢમાં કહ્યું હોય કે પુરુષોને જીતવાનો રસ્તો પેટની થોડે નીચે થી જાય છે, પણ ગુજરાતી પુરુષોને જીતવાનો રસ્તો પેટથી જ પાસ થાય છે! અહીં પહેલા એપિસોડમાં વાત કરેલી એમ સૌરાષ્ટ્ર બહાર અહીં અમદાવાદ અને રેસ્ટ ઓફ ગુજરાતમાં લોકો હવે ‘મોયજ’ થી કાઠિયાવાડી ખાવા બહાર હાઇવે પર બબ્બે કલાક વેઇટિંગમાં બેસે છે.

જો કે રાજકોટનું ‘ચોખીધાણી’ હોય કે અમદાવાદનું ‘મારૂતિનંદન’ કે ભુજનું ‘સિટી – ધ વિલેજ’, લોકો સેવ ટમેટા (અમદાવાદમાં ટમેટાને ‘ટામેટા’ કેમ કહે છે એ એક દાયકા પછી પણ નથી સમજાયું!’ નું શાક કે ઓળો-રોટલો રાજસ્થાની રસોઈયાઓને હાથે જ બનેલા ખાય છે? તો જે ‘કાઠિયાવાડી’નાં નામે મળે છે એ ખરું કાઠિયાવાડી સેવ ટમેટા, લસણિયા બટેટા અને તુવેર દાળ ક્યાં મળે?

આવો જૂનાગઢનાં તળાવ દરવાજે, રાજકોટનાં જાગનાથ પ્લોટમાં: તુવેર દાળમાં નામની જ ગળાશ છે, ટમેટાનો સાથીદાર કોકમ પણ છે, સૌરાષ્ટ્રમાં જીરા કરતા વઘારમાં રાઈનો વધુ ઉપયોગ થાય છે, તુવેર દાળમાં કોપરાનું છીણ પણ નંખાય છે! કાળા મરી અને થોડા લવિંગ પણ દેખાય જાય, અમુક નાગરોનાં ઘરમાં તુવેર દાળમાં તમાલપત્ર પણ ઉપયોગમાં લેવાય છે!

સૌરાષ્ટ્રમાં લગ્નપ્રસંગે જે લોકો ક્યારેક પંગતમાં પલાઠી મારી જમવા બેઠા હશે તેણે સ્ટિલની બાલટીમાં ડોયા થી પિરસાતી તુવેર દાળ પીધી જ હશે! સૌરાષ્ટ્રની દાળ થોડી ખટાશ વાળી વધુ હોય છે અને મેથી પણ છૂટ થી નાંખવામાં આવે છે, અમદાવાદનાં ઘરોમાં બનતી જાડી રગડા જેવી તુવેર દાળ નહિ પણ જાડા-પાતળા બે અલગ સ્તર દેખાય એવી દાળ બને છે! કાઠિયાવાડી પત્નીઓ કહે, ‘તમારા ભાઈને તો એકદમ પાતળી દાળ જ પીવી ગમેં હો!’. ક્યારેક ‘મીઠીદાલ’ નાં નામે વગોવાઈ ગયેલી દાળનાં બદલે સૌરાષ્ટ્રની તુવેર દાળ પીજો! અસ્સલ કાઠિયાવાડી ટેસ્ટ થી તરબતર થઇ જશો…

સેવ ટમેટાનાં નામે અમદાવાદમાં ક્યાંક જાડા ગાંઠિયા ધાબડી દેવાય છે તો ક્યાંક ટમેટા ગાયબ અને એકલી સેવ રસામાં તરતી દેખાય છે! અમદાવાદનાં કેટલાક ભોજનાલયમાં તો સેવ ટમેટામાં મેગીનો મસાલો નંખાય છે બોલો…

પણ જો જામનગર થી છેક ભાવનગર સુધી ફરી સેવ ટમેટાનું શાક ખાવ તો ગલતફહેમિઓ ઉજાગર થશે! લસણ-ડુંગળી-ટમેટા-સેવ (એકદમ ઝીણી નહીં એવી મિડિયમ)-ક્યારેક લીલી ડુંગળી પણ જોવા મળશે! સાથે લસણની ચટણી, ભાખરી કે પરોઠા થી જિંદગી બાગબાન થઇ જાય એની ગેરંટી! ચણાનો લોટ રસો ચૂસી લે એટલે અમુક ઘરોમાં છેક છેલ્લે જમતી વખતે ઉપર થી સેવ નાંખવામાં આવે છે, પણ રસોઈનું પ્રેમ જેવું છે, ફીલિંગ્સ ન આવે ત્યાં સુધી એમાં જાન રેડાતી નથી!

લસણિયા બટેટા એટલે દમ આલુનો પિતરાઈ ભાઈ, એમ પણ કાઠિયાવાડીમાં કહીએ તો ‘દાધારિંગા’ અને ‘લહરકુતરા’ લોકોને 10 માંથી 8 શાકભાજી ન ભાવતા હોય ત્યારે બટેટા બિચારા સફેદ શર્ટની જેમ દરેક કલર સાથે મેચિંગ થઇ જાય છે! લસણની પેસ્ટ, તીખ્ખા મરચા, થોડું ધાણાજીરું અને હળદર, અને છેલ્લે આમ છોકરીઓ જેમ એસેસરીઝનો ઠઠારો કરે એમ કોથમરીનું ગાર્નિશિંગ થાય!

રાજકોટમાં લીમડા ચોક પાસે સાંજે જરા ભૂંગળા બટેટા ખાવા માટે લાગતી ભીડ જોઈ લેજો! અમદાવાદમાં પણ હવે લોકોને ભૂંગળા બટેટા ખાવાનો ઠીકઠાક ચસ્કો લાગ્યો છે! સિસકારા બોલાવતા જવાનું, પાણી પીતા જવાનું અને તબિયતથી લસણિયા બટેટા ધરાઈને ખાઈએ એટલે આ જન્મારો સફળ થઇ ગયો સમજો!

પાંવ કટકા, ઓળો, હળદર નાંખેલી પીળી કઢી (અમદાવાદ સાઈડ અહીં સફેદ કઢી જ બને છે!), ભરેલા ભીંડા, રાય અને મેથીનાં કુરિયા થી લથબથ એવી તાજી આથેલી કાચી કેરી અને ગુંદાની વાતો પણ આવનારા દિવસોમાં માંડીશું! તો આજે રાત્રે શું જમવાના છો દોસ્તો? ક્યારેક કેન્ડલ લાઈટ ડિનર પર સિઝલર કે બેક્ડ ડિશનાં બદલે સેવ ટમેટાનું શાક ટ્રાય કરજો! રસ્ટિક લવ!

લેખક – ભાવિન અધ્યારુ

ટીપ્પણી