કરવાચોથ

“ભાઈ કેમ આજે ટિફિન નથી લાયો?” રૂચીરે રાજને પૂછ્યું. “બોલીશ નહીં દોઢા. બધું તારા લીધે જ થયું છે.” રાજે કહ્યું. “હવે મેં શું કર્યું ભાઈ? કહે?” રૂચીરે રાજને વળતો પ્રશ્ન કર્યો.

“આ તારા પેલા રોજના ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના મેસેજો ભારે પડ્યા. અલ્યા બોઘા, તું મેસેજો તો એવી રીતે કરે છે કે સવારે સૂરજને તું લઇને આવે છે અને રાતે સુરજને ઘરે મૂકીને ચાંદને ધરતી પર લાવાના ફેરા તું પોતે જ ભરતો હોય.” રાજે હાસ્યનો તાણ મારતા કહ્યું.

“ભાઈ, પણ મેસેજથી થયું શું? એ તો કહો?” રૂચીરે શાંતિ-પૂર્વક પૂછ્યું.
“થયું શું? એમ? તો સાંભળ,” આટલું કહીને રાજે તેની વાતની શરૂવાત કરતા ઉમેર્યું, “ગઈકાલે રાત્રે કરવાચોથ હતી. ભારે સાડી પહેરીને તૈયાર થનાર તારી ભાભી મીરા, ઘડીકમા ચાંદ તરફ તો ઘડીકમા ઘડિયાળમાં જોઈ રહી હતી. આખરે તેનું પહેલું કરવાચોથનું વ્રત હતું. ઝીંદગીમાં ક્યારેય વ્રત નતું કર્યું. મેં એને ના પણ પડી હતી, પણ છતાંય તેણે મારા માટે દિલથી કરવાચોથ કરી હતી. આખરે તેનો સમય પસાર નતો થઇ રહ્યો એટલે તેણે પોતાની અમુક સેલ્ફીઓ પાડી અને મને વ્હોટસપના માધ્યમે મોકલી. મેં તરત જ વળતો જવાબ આપ્યો – ‘Beautiful ❤'”

“Beautiful ❤. ઓય હોય. કહેવું પડે ભાઈ.” રૂચીરે કહ્યું.

રાજ થોડો મુસ્કુરાયો અને વાતને આગળ વધારતા કહ્યું, “બસ આ જવાબ વાંચીને તેની આખા દિવસની ભૂખ અને થાક પલભર માટે ઉતરી ગઈ. લગભગ કંઈક પંદર મિનિટમાં હું ઘરે પહોંચ્યો. ભલું કરે ભગવાન કે હજુ ચાંદ નતો આવ્યો અને હું ઘરે વહેલો પહોંચી ગયો. એટલે હું ફટાફટ તૈયાર થવા બાથરૂમમાં ગયો. ત્યારે જ તારો પેલો ગુડ નાઈટ વાળો મેસેજ આયો મારા વ્હોટસપ પર અને તે મીરાએ જોયો.”

“હા તો? છો ને જોયો. એમાં શું ખોટું થયું?” કંઈક આવું કહીને રૂચીરે તેની વાત મૂકી.
“એમાં શું તોતું તયું, વાળા,” આટલા શબ્દો રાજે ચારા પાડતા કહ્યા અને પછી સામાન્ય અવાજ સાથે કહ્યું, “એ બબૂચક! તારો મેસેજ જોઈને મીરા જયારે વ્હોટસપ બંધ કરવા જઈ રહી હતી ત્યાં જ તેની નજર તેણે અમુક સમય પહેલા મને મોકલેલ સેલ્ફીઓ પર પડી જેમાંથી એક પણ સેલ્ફી ના તો મેં ડાઉનલોડ કરી હતી કે ના તો જોઈ હતી.”

“શું?” આટલું બોલતાની સાથે જ રૂચીર હસવા લાગ્યો અને તેણે પૂછ્યું, “પછી? પછી શું થયું?”
“પછી? પછી શું થયું હોય? ચાંદ મોડો આવવાનો બધો જ ગુસ્સો મારા ઉપર ઉતર્યો. તે આખો દિવસ ચાંદ ની રાહ જોતી રહી અને અડધી રાત હું અગાશીમાંથી તારા ગણતો રહ્યો.” રાજે તેને કહ્યું.
“હેં? અડધી રાત? બાકીની અડધી રાત?” રૂચીરે આતુરતાથી પૂછ્યું.

“બાકીની અડધી રાત એ જ પતિ-પત્નીની નોક-ઝોકમાં લાગી ગઈ કે તમે મને પ્રેમ નથી કરતા। તમને હવે ફોટા જોવાનો પણ સમય નથી વગેરે વગેરે. આજે એટલે જ બીકમાં સવારે ટિફિનનું પણ પૂછ્યા વગર ટિફિન લીધા વગર આયો.” રાજે કહ્યુ.

“રાજભાઈ પણ એક વસ્તુ સમજ ના આવી. ભાભીના ફોટા જોયા વગર તમે ‘Beautiful’ કેમ લખ્યું.” રૂચીર પૂછી બેઠો.

“મિત્ર, એને ખુબસુરત કહેવા માટે મારે એનો ફોટો જોવાની પણ જરૂર ના પડે. જે સ્ત્રી આખો દિવસ પોતે ભૂખી-પ્યાસી રહીને તેના પતિ માટે વ્રત રાખે, ઘણીબધી નાની વસ્તુઓમાં તમારું મોટું ધ્યાન રાખે, આખરે આનાથી વધારે સુંદર તો શું હોઈ શકે?” પ્રેમ-પૂર્વક રાજે આ શબ્દો ઉમેરીને, ફરી મજાકના ભાવે કહ્યું, “તમને વાંઢાઓ ને આ ના ખબર પડે, હવે વાળમાં ટાલ વધી રહી છે, લગ્ન કર વહેલી તકે એટલે અમે તારા ગુડ નાઈટ અને ગુડ મોર્નિંગના મેસેજથી બચીયે.”

“શું રાજ ભાઈ તમે પણ.” આટલું કહીને રૂચીરે તેનું ટિફિન રાજને આપ્યું. પછી બન્ને જણાએ સાથે ખાધું અને અમુક મિનિટમાં બન્ને છુટ્ટા પડ્યા.
અડધો-કલાક પછી રૂચીર પર મીરાનો ફોન આયો અને જેવો રૂચીરે ફોન ઉપાડ્યો, મીરાએ તરત જ પૂછ્યું, “ભાઈ રાજે ખાવા ખાધું?”
રૂચીરે સામો જવાબ આપતા કહ્યું, “હા ભાભી ચિંતા ના કરો. સવારે તમારી ફોન આયો એટલે હું આજે ટિફિન વધારે લઈને આયો હતો અને રાજભાઈને પેટ ભરીને ખવડાવ્યું છે.”

આખરે આ સાંભળ્યા પછી મીરાંને કળ વળી અને પછી તેણે ખાવા ખાધું.

હકીકતમાં જો ભાવભરી નજરે જોઈએ લગ્ન પછી દરેક સ્ત્રી રોજ કરવાચોથ કરતી હોય છે.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ સંગ નયન જૈન

ટીપ્પણી