૨૦૫૦ : કરસન કાકાની કોમ્પ્યુટરાઇઝ્ડ કાર !

hqdefault

 

– એકવીસમી સદીના કોમ્પ્યુટરાઇઝ્ડ કારોના ડખાઓ પણ કંઈ ઓછા નહિ હોય !

ક્યારેક આપણે ભૂલી જઈએ છીએ કે, ”બોસ, આપણે ૨૧મી સદીમાં જીવી રહ્યા છીએ !”

૨૦મી સદીમાં આપણને ૨૧મી સદી માટે કેવાં કેવાં સપનાં બતાડવામાં આવેલાં ? પણ અહીં હજી આપણે ગેસના બાટલા અને ડુંગળીના ભાવોમાં અટવાયા છીએ !

એક કલ્પના એવી હતી કે ૨૧મી સદીમાં તો બધી કારો કોમ્પ્યુટરાઇઝ્ડ થઈ ગઈ હશે. આપણે કારમાં બેસીને બે ચાંપો દાબી એટલી વાર, કાર એની મેળે ચાલવા માંડશે ! એની મેળે ગિયર બદલશે અને એની મેળે, સાઇડ બતાવીને યુ ટર્ન પણ મારી લેશે !

પણ સાવ એવું ના બને. જે લોકો આજે કોમ્પ્યુટરો વાપરે છે એમની દશા જોઈને જરા કલ્પના કરી જુઓ કે જો કારો કોમ્પ્યુટરાઇઝ્ડ થઈ જાય તો શું નું શું થાય….

હાર્ડ- ડીશ અને હાર્ડ- તગારું

૨૦૫૦નું એક દ્રશ્ય જુઓ.

ઊંઝાથી ઉત્તરસંડા થઈને મહેસાણા તરફ જતા એક ખડખડપંચમ રસ્તે (૨૦૫૦માં રસ્તા તો એવા જ હશે ! એ કંઈ કોમ્પ્યુટરથી ના બને !) એક કારમાં પટેલ કરસનકાકા પાછળની સીટ પર ફાંદે હાથ ફેરવતા બેઠા છે અને આગળ ડ્રાઇવિંગ સીટ પર એમનો ડ્રાઇવર જીગર કોમ્પ્યુટરની બે- ચાર ચાંપ દાબ્યા પછી મુઠ્ઠીમાં સમાઈ જાય એવું સ્ટીયરીંગ પકડીને બેઠો છે.

કરસનકાકા ફાંદ પર હાથ ફેરવતા પૂછે છે, ”લ્યા જીગરીયા, ગાડી ચેવી લાગી ? શેકન્ડની છ, પણ એકદમ જોંણ નવ્વી હોય એવી લાગહ ક નંઈ ?”

જીગર કહે ”લાગ હ… હોં ? લાગ હ…”

”તો ઓમ ધીરી ધીરી હું ચલાવશ ? જરા એક્શીલેંટર દબઈને જવા દે ફાશમફાશ ?”

જીગર કહે, ”કરસનકાકા, ઓંનો એક્શીલેંટર ના હોય. મારી મુઠ્ઠીમાં આ શ્ટેરીંગ-માઉશ છ ન, ઇમાં જ ડબલ ક્લીક કરવી પડ.”

”તો કર ને લ્યા ? વાટ કુંની જુવે છે ?”

”કાકા, આપણે ઉતરશંડેથી નેંકર્યા તાણથી ડબલ ક્લિક પર હેંડે છે.”

”તાણ હજીયે ઇને શ્પીડમાં ચલાબ્બા હું કરવાનું ?”

”એમાં તો કાકા, ખરચો છ… તમારે ગાડીની રેંમ વધારવી પડ, અત્તારે હાડી છશ્શો છ, ઇંની હાડી બારશો જીબી કરાબ્બી પડ. પાવર- ડ્રાઇવનું નવું શોફ્ટવેર નખાબ્બુ પડ, અને હાર્ડ-ડીશ રિ-ફોર્મેટ કરાઇન હાર્ડ-તગારુ નખાબ્બુ પડ !”

કરસન કાકા તો ઠરી ગ્યા. થોડીવાર અમથા અમથા બારીમાંથી બહાર જોતા રહ્યા પછી કહે, ”અલ્યા પેટ્રોલ તો ના નખાબ્બુ પડ ન ?”

”ના કાકા, પણ મંઈ શિલિકોનની ચીપ્સ બેહારી છ એ રી-ચાર્જ તો કરાબ્બી પડ ક નંઈ !”

”અલ્યા, બટેટાની ચીપ્સ બેહારીએ તો ના હેંડે ?”

ડ્રાઇવર જીગર મૂછમાં હસ્યો પણ કંઈ જવાબ ન આપ્યો. એમ કરતાં કરતા દૂરથી મહેેસાણા આવતું દેખાવા લાગ્યું ત્યાં તો અચાનક કરસનકાકાની કાર કોમ્પ્યુટારઇઝ્ડ ડચકા ખાવા લાગી ! છ સાત ડચકાં ખાધા પછી એક જોરદાર ઝાટકો ખાઈને બંધ થઈ ગઈ.

”હું થ્યું ?”

”શી ખબર.. જોઉં છું કાકા.” જીગરે ચાંપો દાબી જોઈ.

ઘણી ચાપો દાબ્યા પછી કંઈ થયું નહિ એટલે જીગર કહે ઃ ”કાકા જરા બહાર આબ્બુ પડશે”

”ચમ ?”

”આખી કાર શટડાઉન કરી ન, બોંયણોં બંધ કરી ન, ફેરથી બોંયણોં ખોલી ન, રિ-શ્ટાર્ટ કરી જોઈએ ! કદાચ છ ન, ચાલુ થઈ જોંય !”

* * *

શેકન્ડ-હેન્ડનો રિ-યુઝ

કરસનકાકા આખરે આ સેકન્ડ હન્ડ કોમ્પ્યુટરાઇઝ્ડ કારથી કંટાળી ગયા. એમણે કાર વેચવા કાઢી પણ કોઈ લેવાવાળું ન મળ્યું!

કરસન કાકા કહે ”હહરીની હદ થઈ જઈ લ્યા ! મારી ગાડી કોઈ લેવા ચમ નહી આવતું ?”

કારનો ડીલર કહે, ”કાકા તમારી કાર કોમ્પ્યુટરાઇઝ્ડ છે એ ખરું, પણ હવે તો આવી કાર ગામડાનાં રસ્તા પર જ ચાલે. હાઇવે પર નકામી.”

”ચમ નક્કોમી ?”

”એમાં શું છે કે જે નવા હાઇવે બન્યા છે એના રોડમાં જ એવાં સોફ્ટવેર બેસાડેલા છે કે જૂની ગાડીઓ લેન્ડલાઇનના ડબલા જેવી થઈ ગઈ.”

”તો મારે મારી કારનું શું કરવાનું ?”

”ચાર રસ્તે ઉભી રાખીને એમાં ચાની કિટલી કરો ! જરૃર ચાલશે…”

* * *

લેટેશ મોંડલની ગાડી

છેવટે કરસનકાકાએ એમની સેકન્ડ હેન્ડ કોમ્પ્યુટરાઇઝ્ડ કાર એક દૂધવાળાને આપી દીધી. દૂૂધવાળો એના બદલામાં બે મહિના સુધી ‘દૂધસાગર’ ડેરીની બબ્બે કોથળીઓ મફત આપવાનો હતો.

કરસનકાકાએ નક્કી કર્યું કે, ‘હવ ત લેટેશ મોંડલની જ લેવી છ…’

એમણે લોન લઈને મોંઘા વ્યાજના સરળ હપ્તામાં એક લેટેસ્ટ કોમ્પ્યુટરાઇઝ્ડ મોડેલ ખરીદ્યું. આ કાર તો હાઇ-ફીડીલીટી, હાઇ પરફોરમન્સ, સુપર-કોમ્પેટિબલ, અપ-ગ્રેડેબલ ઝિગ્મો હતી. કાર ખરીદ્યાના બબ્બે મહિના લગી તો કાકાને એમાંની અડધી ફેસિલીટીની ખબર પણ નહોતી ! હા, લોચો ખાલી એક જ હતો કે ગામડાના રસ્તે કાર ચલાવવી હોય તો એલપીજી ગેસથી ચાલતા એક એન્જિનની કીટ નખાવવી પડે. બીજું, એ એન્જીનને સ્ટાર્ટ કરવા માટે રીક્ષાની જેમ ‘હેન્ડલ’ મારવું પડે !

બાકી એકવાર હાઇવે પર પહોંચી ગયા, પછી તમે રાજ્જા…. પેલું મુઠ્ઠીમાં સમાય એવું માઉસ પણ નહિ પકડવાનું ! કાર એની મેળે જ ચાલતી રહે…

– પણ હાઇવે કંઈ એની મેળે થોડો ‘મેઇન્ટેઇન’ થાય ?

એકવાર કરસનકાકાએ જોયું કે કાર ફૂલ સ્પીડમાં જાય છે અને સામેથી હાઇવેની રેલિંગ તોડીને ચાર ભડકેલી ભેંસો દોડતી આવી રહી છે !

હવે કરવું શું ? બાપુએ બ્રેક મારવા જાતજાતની ચાંપો દાબી જોઈ ! પણ કારની સ્પીડ ઘટી નહિ !

હવે ? છેવટે કરસનકાકાએ ‘શટ-ડાઉન’ની ચાંપ પર ક્લીક કર્યું.

તો કોમ્પ્યુટરના સ્ક્રીન પર લખાઈને આવ્યું, ‘આર યુ શ્યોર યુ વોન્ટ ટુ શટ ડાઉન ધ પ્રોગ્રામ ?’ યસ/નો વાળા ઓપ્શનમાં કાકા ‘યસ’ પર ક્લિક કર્યું… પછી સ્ક્રીન પર મેસેજ ઝબક્યો ‘સેવિંગ ડાટા બિફોર શટિંગ ડાઉન… ૯૦ પરસેન્ટ રીમેઇનીંગ… ૮૦ પરસન્ટ રીમેઇનીંગ….’

એટલામાં તો ભેંસોએ આવીને કરસનકાકાની કોમ્પ્યુટરાઇઝ્ડ કારને ઉથલાવી નાખી !

બે દહાડા પછી રીપેરીંગનું લાંબુચોડું બિલ આપતા કંપનીના મિકેનિકે કરસનકાકાને સલાહ આપી ઃ ”કાકા કાર ભલ ઇમ્પોટેડ લઈ આયા પણ ઇમોં એન્ટી ભેંશ નોંમનું દેશી સોફ્ટવેર નંખઈ દો તો હારુ રે’શે !”

સૌજન્ય : ગુજરાત સમાચાર

ટીપ્પણી