કરશનદાસ પે એન્ડ યુઝ

ફિલ્મના રિવ્યુ આપતા પહેલા જ કહી દઉ છું કે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બહુ જ મોટો રેકોર્ડ તૈયાર કરવાની છે એની સો ટકા ખાત્રી છે. સ્વાભાવિક વાત છે ‘છેલ્લો દિવસ’ ફિલ્મથી જ તમે તમારી જ એક ઊંચાઈ લોકોના મનમાં બનાવી હોય તો હવે એ ઇમેજને બરકરાર રાખવા માટે તમારે મહેનત તો કરવાની જ રહે. ચાલો હવે વાત કરીએ રિવ્યુમાં.

સ્ટોરી અને ડાયરેકશન :

કૃષ્ણદેવ યાજ્ઞિકની પહેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ જોઈ ત્યારથી જ વિશ્વાસ બેસી ગયેલો કે આ ડાયરેક્ટર જ નહીં એક ટ્રેન્ડ સેટર વ્યક્તિ છે. હીરોને ટોઇલેટમાં બેસાડીને એક સામાન્ય લાઈફ જીવતો બતાવવો આ કામ તો તે જ કરી શકે. પ્લસ પોઈન્ટ ફિલ્મમાં કેમેરા પર આબેહુબ ધ્યાન અપાયું છે. ફિલ્મમાં આવતા શોર્ટ શૉટ, લોંગ શૉટ, થીમ શૉટ, પાણિપુરીવાળા કાળુભાની એન્ટ્રી થતાં જેવી રીતે તે ‘જય માતાજી પાણીપૂરી સેન્ટર’ સવારે ખોલતી વખતે પહેલી પૂરી જમીન પર મૂકે છે. આ સીન વખાણવા લાયક. સ્લો મોશન ઘણા છે પણ સ્ટોરી સાથે રિલેટેડ હોવાથી જોવાની મજા આવે છે. અમુક પ્રકારના ડાયરેકશન તો લાજવાબ છે. જેમ કે, જયા (ઝયા)ની ફીણવાળા ઢોલાયેલા પાણીમાં એન્ટ્રી થવી, મયુર ચૌહાણ aka માઈકલ (તિલોક) નું અરિસાની સામે પેરશૂટનું તેલ નાખી વાળ ઓળવાની અદામાં તો હસી હસીને લોટપોટ થઈ જવાયું, તિલોકની મેલડી માતાજીના દર્શન કરીને માતાજી પાસે બોલવું, હેમાંગ શાહ (ઉંદર) નું ડ્રેસિંગ જેમાં તે એક લાંબુ લચક કોઈએ પહેરવા આપ્યું હોય એવું પેન્ટ અને માથે લાંબો થોડી બાયો ચડાવેલો શર્ટ પહેરે છે.

પ્રેગ્નેન્ટ મહિલા માવો મસળે છે. એક છોકરી નકરું ખા ખા કરે છે. નાનકડા ઘરમાં સંડાસ એક જ છે. તિલોક નાનકડી બટકું પેન્સિલથી હિસાબ કરે છે અને આંગળીઓના વેઢે ગણતરી કરે છે. કરશનદાસ પે એન્ડ યુઝ બહુ જ જૂનું છે. કોઈએ આપેલો સોફો છે. કપડાં કોઈએ આપેલા છે. સફાઈ કામદારોના અદ્ભુત સંવાદ, કોઈ પણ અંદર શૌચાલયમાં હોય એને માત્ર સૂંઘીને તેણે શું ખાધેલું એની ચર્ચા કરતો ઉંદર એટલે કે હેમાંગ શાહ, એક ટીપીકલ શૌચાલયના બે કામદારોની લાઈફને અને તેની સામે જ પાણીપુરીની નાનકડી રેકડી ચલાવતા એક સામાન્ય વ્યક્તિ તથા સામેની સોસાયટીમાં રહેતી એક વાસણ ઘસનાર યુવતી અને તેના પિતા સાથે વસ્તી વધારાની વાત. આ બધુ જ આટલુ સુંદર રીતે રજૂ કરવા માટે વેલડન કૃષ્ણદેવ યાજ્ઞિક.

મ્યુઝીક :

માત્ર બે જ સોંગ છે, ‘આઇ જ્યો’ એક દમ એનર્જીયેટિક અને બીજું ‘મને કહી દે’ જેનું બેકગ્રાઉંડ સ્કોર પણ લેવાયું છે. ઓવરઓલ ફિલ્મમાં સાઉન્ડ ઇફ્ફેક્ટ્સ અને બેક્ગ્રાઉન્ડ બંને માટે ભાર્ગવ પુરોહિત અને કેદાર ઉપાધ્યાયને જસ્ટ એટલું કહીશ ‘હેટ્સ ઓફ’

એક્ટિંગ :

Mayur Chauhan-aka Michael :
એક્ટિંગની વાત કરીએ તો મયુર ચૌહાણ (ફિલ્મમાં તિલોક) માટે તમે લખી લો બોસ, આ માણસ દાદો છે દાદો, પોતાની બોલી ક્યાંય પણ તૂટવા નથી દેતો. એક એક સીન માટે મયુરે કેટલો પરસેવો પડ્યો છે એ એના પર્ફોર્મન્સ પરથી જ ખબર પડી જાય છે અને જ્યારે તે ડાયલોગ બોલે કે,

‘મારૂ કામ સફાઈ કરવાનું છે ગંદગી નહીં’

ત્યારે તો એમ થઈ ગયું કે કોલ કરીને કહું કે માઈકલ દોસ્ત ભૂક્કા કાઢી નાખ્યા.

Deeksha Joshi :
મયુર સાથે તેની કો-સ્ટાર દિક્ષા જોશી (ફિલ્મમાં જયા aka ઝયા) એકદમ દમદાર એક્ટર છે. આંખોથી એક્સપ્રેશન કેમ આપવા એ આ છોકરી બહુબી જાણે છે. એક્ટિંગ તેની નસનસમાં હોય એ તેના ચહેરા પરના હાવભાવ જ તમને કહી દે છે. મારા ધ્યાનમાં મને પર્સનાલી એક એક્ટ્રેસ તરીકે ગમતી હિરોઈનોમાંથી એક હોય તો એ દિક્ષા જોશી છે. ફોર શ્યોર. શુભારંભ સાથે જ હું આ મેડમનો ફેન બની ગયેલો. સુપર્બ – આઉટસ્ટેન્ડિંગ એક્સપ્રેશન. એક વાસણ ઉટકવાવાળી કામવાળી અને પોતાની ઘરની સૌથી મોટી દીકરી કેવી રીતે રહેતી હોય અને ખાસ તે પ્રેમમાં પડે ત્યારે ? બાકીનું ફિલ્મમાં જોઈ લેજો.

Hemang Shah :
હેમાંગ શાહ (ફિલ્મમાં સુંદર aka ઉંદર) બાપ રે આ માણસની એનર્જી આજે પહેલી વાર જોઈ. શું ડાયલોગ ડિલિવરી છે હેમાંગની અદ્ભુત, અપ્રતિમ પર્ફોર્મન્સ છે અને સ્પેશિયલી ‘મચ્છરદાનીમાંથી બે બ્લાઉઝ બનાવ્યા’ આ સાંભળીને મજા આવી.

દિક્ષા, માઈકલ અને હેમાંગની કેમેસ્ટ્રી વખાણવા લાયક છે. હવે વાત કરીએ એવા બે વ્યક્તિઑ જે ફિલ્મમાં સાઈડ રોલ્સ પણ આખા ફિલ્મમાં સૌથી વધુ ધાકડ ડાયલોગ એમને આપ્યા છે.

Jay Bhatt :
જય ભટ્ટને જોવો એટલે તમને બસ, એમની રિયાલીટી સાથે જ પ્રેમ થઈ જાય. ડાયલોગ જોર જોરથી બોલતી વખતે અવાજ બેસી જવો. રોજબરોજ બોલાતી ભાષા બોલવી. જેમ કે, ‘બીસારા સોકરાંનું માથું ફોડી નાખ્યું’. શું ટાઈમિંગ છે બોસ. જય ભાઈની આંખ જ્યારે લાલ થાય, ડોળા બરાબર ઉપસી આવે ત્યારે તો આમ તાળીઓ પાડવાનું મન થતું હતું.

Chetan Daiya :
હવે, વાત કરીએ ચેતન દઈયા એટલે કે ફિલ્મમાં જયાના ‘ડેડી’ નામ હતું ‘ચિનુભા’, એક ગુજરાતી ગામડાનો દેશી વિલન કેવો હોય ? હાથમાં ફાકી ચોળવાની, લુંગી પેરવાની, કાલી ઘેરી દાઢી અને ગુસ્સો આંખમાં દેખાય એવો દેસી ભાયડો. શું લુક આપે છે ? આહાહા ! કેરેક્ટરઇઝેશન માટે અગેઇન કૃષ્ણદેવ યાગ્નિક ભાઈને સલામ છે.

માઇનસ પોઈન્ટ :

ફિલ્મમાં પ્લસ પોઈન્ટ પર ચર્ચા કરી હવે વાત કરીએ માઇનસ પોઈન્ટની. ન્યૂઝ ચેનલના રિપોર્ટરવાળો સીન સારો પણ બહુ જ લાંબો ખેંચ્યો અને આ સિનમાં જો રાહુલ રાવલ લાસ્ટ ડાયલોગ ના બોલ્યો હોત તો ત્રાંસ દાયક લાગત, પણ એક ડાયલોગ છેલ્લે પાણીનું પાઉચ પીને જે રાહુલ બોલે છે તે હું નહીં કહું પણ એમાં વસૂલ થઈ ગયું.

ફાઇનલ પેકઅપ :

ફિલ્મ રોમાન્સ, નિર્દોષ પ્રેમકથા રજૂ કરતી હોવાની સાથે જ એક બહુ જ મોટો અને આંખમાં આંસુ લાવી દે એવો મેસેજ છોડીને જાય છે. આ મેસેજ મેં અહીંયા મેન્શન કર્યો નથી. આ સિવાય ફિલ્મના અમુક પોઇન્ટ્સ છે જે તમે જોશો તો જ મજા આવશે તો એ બધુ પણ મેન્શન નથી કર્યું. આથી તમે થિયેટરમાં જઈને બસ જોઈ લો અને મને પણ કહેજો ‘ચ્યેવું રહ્યું???’

Review By : Ravi Rajyaguru (http://www.ravirajyaguru.com)

ટીપ્પણી