“કારગીલ વિજય દિવસ” – શહીદો ને યાદ કરવાનો દિવસ !!

આજના દિવસે એટલે કે 26 જુલાઈએ કારગીલમાં ભારતે પાકિસ્તાનને ભગાડીને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આ યુદ્ધ ઓપરેશન વિજય તરીકે પણ ઓળખાય છે કે જે કારગિલ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી થયેલ ઘૂસણખોરીને દૂર કરવા માટે થયું હતું. કારગીલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગીલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારબાદ આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

1999માં કારગીલ સેક્ટરમાં આતંકવાદીઓના વેશમાં પાકિસ્તાની સેનાના સૈનિકોએ કબજો જમાવ્યો હતો. શરૂઆત ભારતીય સેના પણ પાકિસ્તાની સૈનિકો દ્વારા આ સેક્ટર પર કબજાને રદિયો આપતી હતી, જોકે અનેક અખબારી અહેવાલ પછી ભારત સરકારે કારગીલમાં મોટા ઓપરેશનની શરૂઆત કરી હતી. કારગીલ યુદ્ધને આમ તો 17 વર્ષ થઈ ગયા છે પરંતુ ભારતીય સૈનિકોની હિંમત આજે પણ લોકોના માનસ પર છવાયેલી છે. આજનો દિવસ એ આપણા દેશના વીર જવાનો અને એમની કુરબાનીને યાદ કરવાનો છે અને એમની વીરતા, સાહસ અને હિંમતને બિરદાવવાનો છે તથા શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પિત કરવાનો છે.

26 જુલાઈ, 1999ના રોજ ભારતીય સેનાએ કારગીલની પહાડીઓ પર લડવામાં આવેલા ખતરનાક યુદ્ધમાં પાકિસ્તાનને ખૂબ જ ખરાબ રીતે પરાસ્ત કર્યું હતું. આ યુદ્ધમાં ભારતીય સેનાના અનેક જવાનો શહીદ થયા હતાં અને તેમના એ જ બલિદાને ભારતને વિજયી બનાવ્યું હતું. આ પહેલા 1965 અને 1971માં પણ ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં પરાજય આપ્યો હતો. કારગીલ યુદ્ધના ત્રણેક મહિના પહેલા ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી પાકિસ્તાન ગયાં હતાં. પાકિસ્તાન સાથે શાંતિ અને સદભાવ જળવાઈ રહે તે હેતુથી એક શાંતિ બસની શરૂઆત કરી વડાપ્રધાન પોતે તે જ બસમાં બેસી પાકિસ્તાન ગયા હતાં. પાકિસ્તાને તે વખતે તોપોની સલામી સાથે ભારતને આવકાર્યું હતું. પરંતુ કહેવાય છે ને કે કૂતરાની પૂંછળી વાંકી તે વાંકી. ભારતના બધા જ પ્રયત્નો વ્યર્થ સાબિત થયા અને તેના થોડા જ સમય બાદ તે જ તોપો દ્વારા ભારત સાથે યુદ્ધ થયું.

પાકિસ્તાન એ વિશ્વમાં એક આતંકવાદી દેશની છબિ ધરાવે છે. દુનિયાના લોકો પાકિસ્તાનના આતંકવાદીઓ સાથેના સંબંધો હંમેશા સ્વીકારતા જ આવ્યાં છે. 1999 નું યુદ્ધે એ જમ્મુ-કાશ્મીરના કારગીલ જિલ્લામાં પાકિસ્તાનના સૈનિકોની ઘૂસણખોરીને અટકાવી એમને ખદેડવા માટે થયું હતું. આઝાદી બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીર મુદ્દે ઘર્ષણ થયા કરે છે. એ વખતે પાકિસ્તાને ભારતના જમ્મુ-કાશ્મીરનો થોડોક હિસ્સો પચાવી પાડ્યો હતો જે આજે POK તરીકે ઓળખાય છે. ત્યારબાદ નિયમિત પણે પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી થતી રહે છે. કારગિલ ક્ષેત્ર એ ભારતની સીમાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે.

કારગીલમાં સીમા પર જ વ્યુહાત્મક રીતે મહત્વ ધરાવતી પહાડીઓ આવેલી છે. 18000 ફૂટની ઊંચાઈવાળા કારગીલમાં શિયાળામાં તાપમાન -60 જેટલું નીચું હોય છે. આ જ કારણથી આપણા જવાનો માટે કારગીલમાં રહીને સીમાની સુરક્ષા કરવી ખૂબ જ કઠિન છે. જેને કારણે શિયાળામાં જવાનો આ પહાડી પરથી નીચે આવી જાય છે. આનો ફાયદો ઉઠાવી પાકિસ્તાનની સેનાએ આતંકવાદીઓના વેશમાં કારગીલ પહાડી પર કબજો જમાવી દીધો. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ભારતે ‘ઓપરેશન વિજય’ની શરૂઆત કરી.

‘ઓપરેશન વિજય’ની શરૂઆત સાથે જ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું શરૂ કરી દીધું. પરંતુ પાકિસ્તાનની સેના 18000 ફૂટની ઊંચાઈ પર હોવાથી ભારતને જવાબી કાર્યવાહીમાં પ્રાકૃતિક રીતે ખૂબ જ અડચણો નળી રહી હતી. તે સમયે કારગિલ યુદ્ધના હીરો એવા કેપ્ટન વિજય બત્રા અને એમની ટૂકડીએ એ પહાડી પર ચડીને પાકિસ્તાનની તોપો અને ભારતીય સેનાના પાકિસ્તાની ઘૂસણખોરોએ કબજે કરેલા બંકરો નષ્ટ કરી ભારત માટે જીતનો પાયો નાંખ્યો. આખરે ત્રણ મહિના ચાલેલા યુદ્ધ બાદ ભારતે 26 જુલાઈ, 1999ના રોજ પાકિસ્તાનને કારગીલમાંથી ખદેડી જીત મેળવી. શરૂઆતમાં પાકિસ્તાને સત્તાવાર રીતે ક્યારેય સ્વીકાર્યું જ નહોતું કે આ યુદ્ધમાં પાકિસ્તાની સેનાનો જ હાથ હતો. ત્યારબાદ પાકિસ્તાને કબૂલ્યું કે કારગીલ યુદ્ધમાં આતંકવાદીઓ નહિ પરંતુ પાકિસ્તાન સેનાનો જ હાથ હતો.

17 વર્ષ પહેલા આજના જ દિવસે બહાદુર સૈનિકોએ પાકિસ્તાનને પરાસ્ત કરીને કારગિલ પર તિરંગો લગેરાવ્યો હતો. આજે કારગીલ દિવસની ઉજવણીના ભાગરૂપે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોત ખાતે શહીદ થયેલા તમામ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે. જેમાં દેશના સંરક્ષણ પ્રધાન અને સેનાના ત્રણેય પાંખોના વડાઓ પણ હાજર રહે છે. તેમજ દેશના નાગરિકો પણ દીપ પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરે છે. દિલ્હી સિવાય દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી દેશના વીર પૂત્રોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે.

ભારતે ઓપરેશન વિજય માટે લગભગ 2 લાખ જેટલા સૈનિકોને જવાબદારી સોંપી હતી. કારગીલના યુદ્ધમાં આપણા 527 જેટલા બહાદૂર જવાનોએ શહીદી વહોરી. ભારતમાતાના એ વીર જવાનોની શૌર્યગાથાને આજે પણ દેશ યાદ કરે છે. કારગીલ યુદ્ધ એ વિશ્વના યુદ્ધ ઇતિહાસમાં એક અજોડ છે કારણ કે આ યુદ્ધ ફક્ત બે દેશ વચ્ચે જ નહિ પરંતુ સૌથી ઊંચાઈ પર લડવામાં આવેલ યુદ્ધ હતું.

કારગીલ યુદ્ધ અને તેનું પરિણામ ભારત માટે ખૂબ લાંબાગાળાના સંરક્ષણ અને વિદેશનીતિના સંકેતો આપી ગયું. તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી જ્યારે લાહોરમાં પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફ સાથે હસ્તધૂનન કરતાં હતા ત્યારે પાકિસ્તાનના તત્કાલીન સેનાઅધ્યક્ષ પરવેજ મુશરફની યોજના મુજબ પાકિસ્તાની સેનાએ ભારતની ચોકીઓ અને બંકરોનો કબજો જમાવી આગામી યુદ્ધનું પૂરેપૂરુ આયોજન કરેલું હતું. જ્યારે ભારતે સત્તાવાર રીતે ઓપરેશન વિજયની શરૂઆત કરી ત્યારે સમગ્ર પાકિસ્તાન સરહદે મોટા યુદ્ધની તૈયારીના ભાગ રૂપે સેના ખડકવામાં આવેલી.

પ્રાકૃતિક અવરોધો અને વૈશ્વિક સત્તાઓની નામરજી છતાં ભારતની આર્મી અને વાયુ સેના દ્વારા ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર વિશ્વમાં પૂર્ણ કક્ષાનું ભારત-પાકિસ્તાન યુદ્ધ થવાની દહેશત હતી. આ યુદ્ધમાં ભ્રષ્ટાચાર મુદ્દે ખૂબ વગોવાયેલી બોફોર્સ તોપોથી ભારતનો વિજય નક્કી થયો. ભારતીય સેનાના વીર જવાનોની બહાદૂરી અને રાજકીય આગેવાનોની કુનેહભરી નીતીથી ભારતે પોતાનો વિસ્તાર ખાલી કરાવ્યો તેમ છતાં દુનિયા જેની ચિંતા કરતી હતી તેવો સીમાપાર હૂમલો નહિ કરીને ભારતની જૂની પૂરાણી આક્રમણ નહીની નીતીને જાળવી રાખી. જે તે સમયે જે થયું તે એટલું ચોક્કસ નિર્દેશ કરે છે કે પાકિસ્તાનનો એક દેશ તરીકે અથવા તેના નેતાઓનો કદી વિશ્વાસ કરવા યોગ્ય નથી અને આ સુચિતાર્થ ભારતીય નેતાઓ જેટલો વહેલો સમજે તેટલી ભારતીય વિદેશનીતીને સફળતા મળશે.

લેખક – પંકજ પટેલ (જીજ્ઞા ડોટ કોમ)

મિત્રો, ચાલો આજના આ વિજય દિવસે શહીદો ને “વંદે માતરમ” લખીને શ્રદ્ધાંજલિ આપીએ !!

ટીપ્પણી