કારેલા નો ઉપયોગ સાચી રીતે કરશો તો જ એ ફાયદો કરશે.. શેર કરો માહિતી…

કારેલાં વધુ પ્રમાણમાં ખાઈએ તો શરીરને માફક આવતાં નથી. ઊલટું વધુ માત્રામાં ખાવાથી ઝાડા થઈ જાય છે. વળી એ અસર કરે છે એટલે દવાઓ છોડી દેવામાં સમજદારી નથી. આ એક સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે જે નિષ્ણાતની દેખરેખ હેઠળ લેવાથી ઇચ્છનીય પરિણામો મળે છે

કેસ-૧ : બોરીવલીમાં રહેતા ૪૫ વર્ષના કાકાને ડાયાબિટીઝ આવ્યો. આપણે ત્યાં જેમ રોગ આવે એટલે સલાહ દેનારા વગર ડિગ્રીના ડૉક્ટર્સ ઘણા મળી રહે છે એમ આ કાકાને પણ ઘણા લોકો મળ્યા. દરેકે પોતાની રીતે સલાહો આપી કે આ ખાઓ અને આ ન ખાઓ, આમ કરો અને આમ ન કરો વગેરે. એમાં એક સામાન્ય સલાહ એ હતી કે કારેલાં ખાઓ. એનાથી તમારો ડાયાબિટીઝ સાવ જતો રહેશે. કારેલાં કાકાને નાનપણથી ભાવતાં હતાં એટલે તેમના માટે તો ભાવતું હતું અને વૈદે બતાવ્યું જેવું થઈ ગયું. સલાહ અનુસાર કારેલાં દરરોજ ખાવાનાં તેમણે શરૂ કરી દીધાં. કારેલાંનાં ગુણગાન ગાતા અનેક લેખો અને એટલું ઓછું હોય એમ એક પુસ્તક પણ કાકાએ વાંચી નાખ્યું. કારેલાંથી તેઓ એકદમ ઇમ્પ્રેસ થઈ ગયા. એના ચમત્કારી ગુણો પર કાકાને એટલો વિશ્વાસ બેઠો કે તેમના મગજમાં સેટ થઈ ગયું કે આ કારેલાં જ છે જેનાથી તેમને ડાયાબિટીઝથી મુક્તિ મળશે. શરૂઆતમાં દવા સાથે કારેલાનો પ્રયોગ કર્યો ત્યારે ૧ મહિના પછી તેમની સુગર કન્ટ્રોલમાં આવી. કાકાને લાગ્યું કે આ કન્ટ્રોલમાં આવી એનું સંપૂર્ણ શ્રેય તેમના પ્રિય કારેલાંને જ જાય. હવે ગોટાળો એ થયો કે કારેલાં પર અતૂટ વિશ્વાસ રાખી એક મહિનો તેમણે દવા લીધી જ નહીં અને પરિણામ એ આવ્યું કે તેમની શુગર જે એકદમ કન્ટ્રોલમાં આવી ગઈ હતી, એ ૨૮૦ સુધી પહોંચી ગઈ. હાઈ ડોઝ આપીને અઠવાડિયાની અંદર શુગરને ફરી કન્ટ્રોલમાં લાવવી પડી.

કેસ-૨ : પચાસ વર્ષે રેગ્યુલર ચેકઅપમાં હંસાબહેનને થોડી શુગર બૉર્ડર પર આવી. ડૉક્ટરે તેમને થોડી તકેદારી રાખવા કહ્યું અને સમજાવ્યું કે જો તે ધ્યાન નહીં રાખે તો તેમને જલદી ડાયાબિટીઝ આવી શકે છે. જીવનભર એકદમ હેલ્ધી રહેલાં હંસાબહેનને લાગ્યું કે થાય એટલું કરી છૂટીએ, પરંતુ ડાયાબિટીઝ તો ન જ થવા દઈએ. ડાયાબિટીઝને લઈને જેટલી હોમ રેમેડી હતી એટલી બધી જ તેમણે જાણી લીધી અને એકસાથે શરૂ કરી દીધી. એમાં કડવું કરિયાતું, જાંબુના ઠળિયાનો પાઉડર અને કારેલાંનો જૂસ મેઇન હતાં. સ્વાદનું ખાસ તે વિચારતાં નહીં અને ગમે તેટલું કડવું હોય તો પણ શરીર માટે છે એમ કરીને તેમણે કારેલાનો જૂસ સવાર-સાંજ બે વખત એક ગ્લાસ ભરીને શરૂ કરી દીધો. ચાર દિવસમાં તેમની હાલત ખરાબ થઈ ગઈ. પેટમાં ભયંકર દુખાવો અને ઝાડા થઈ ગયા. ઝાડાને લીધે એટલી નબળાઈ આવી ગઈ કે એક ગ્લુકોઝની બૉટલ પણ ચડાવવી પડી. ત્યારે તેમને સમજાયું કે આ અતિરેક ભારે પડ્યો.

કઈ રીતે મદદરૂપ?

કારેલાં ડાયાબિટીઝ માટે અત્યંત અસરકારક છે એ જાણીતું સત્ય છે. આ સત્ય ભારતના આયુર્વેદમાં જ નહીં, વિદેશોમાં થયેલાં અઢળક રિસર્ચ દ્વારા પણ સાબિત થયેલું છે. પરંતુ એનો ઉપયોગ કઈ રીતે, કેટલો અને ક્યારે કરવો જોઈએ એ સમજ્યા વગર જયારે વ્યક્તિ મંડી પડે ત્યારે આપણે જોયા એવા કેસ બને છે. શરીરને ફાયદો થવાને બદલે વધુ ને વધુ નુકસાન થાય છે. કારેલાં કઈ રીતે ડાયાબિટીઝમાં ઉપયોગી છે એ પહેલાં સમજીએ તો રિસર્ચે સાબિત કર્યું છે કે કારેલાંને કારણે લોહીમાં રહેલી શુગર ઓછી થાય છે અને એ ભૂખને પણ ઓછી કરવામાં મદદરૂપ છે. આમ એ ઇન્સ્યુલિન જેવું જ કામ કરે છે. કારેલાં કડવાં છે એટલે એ શુગરને ઘટાડવામાં મદદરૂપ થાય છે એવું નથી. કારેલાંની કડવાશ સાથે એના ગુણોને લેવાદેવા નથી. કારેલાંમાં ઍન્ટિડાયાબેટિક પ્રૉપર્ટી છે, જેમ કે ચેરેન્ટિન નામનું તત્વ છે જે શુગરને કન્ટ્રોલમાં રાખવામાં મદદરૂપ થાય છે. આ સિવાય વિસિન અને ઇન્સ્યુલિન જેવું પોલિપેપ્ટાઇડ-પી નામનું તત્વ હોય છે, જે એકસાથે શુગર ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ તkવોને લીધે જ કારેલાં ડાયાબિટીઝ માટે મદદરૂપ બને છે.

ઉપયોગિતા

કારેલાંના આ ગુણો સાથે સહમત થતાં બેલી વ્યુ હૉસ્પિટલ અને મધર્સ કૅર ક્લિનિક, અંધેરીનાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને સર્ટિફાઇડ ડાયાબિટીઝ એજ્યુકેટર શિલ્પા વર્મા કહે છે, ‘ફક્ત આપણે જ નહીં, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પણ એ માનેલું છે કે રોગના ઇલાજ માટે પ્લાન્ટ બેઝ્ડ વસ્તુઓ અસરકારક સાબિત થાય છે અને એનો દવા તરીકે ઉપયોગ કરી શકાય. પરંતુ અહીં આપણે એ સમજવું જરૂરી છે કે એ એક સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે. દવાઓ ન લઈને ફક્ત એના વડે ઠીક થઈ જવું અઘરું છે. દવાઓ સાથે એનો ઉપયોગ કરી ઇચ્છનીય પરિણામો મેળવી શકાય છે. આ પ્રયોગ પણ તમે નિષ્ણાતની દેખરેખ હેઠળ કરો એ જરૂરી છે. ડાયાબિટીઝ લાઇફ-સ્ટાઇલમાં સુધાર કરવાથી કન્ટ્રોલમાં આવી શકે છે અને લાઇફ-સ્ટાઇલનો એક મોટો ભાગ ડાયટ છે. પરંતુ કેટલું, ક્યારે અને કઈ રીતે લેવું એ સમજવું અનિવાર્ય છે.’

પ્રમાણ

જર્નલ ઑફ એથનોફાર્માકોલૉજી અનુસાર દરરોજ ૨૦૦૦ મિલીગ્રામ કારેલાનો જૂસ એટલે કે લગભગ ૧૦ મિલી જેટલો જૂસ લોહીમાંના ગ્લુકોઝને ઘટાડવામાં મદદરૂપ થાય છે. નેચરોપેથીમાં પણ સવારે ઊઠીને બે ચમચી કારેલાનો જૂસ પીવાની સલાહ આપવામાં આવે છે. આ બાબતે વાત કરતાં શિલ્પા વર્મા કહે છે, ‘કારેલાંનો દવા તરીકે ઉપયોગ કરવો હોય તો વધુ માત્રામાં એને ખાવાં પડે અને એ પણ કાચાં, પકવીને નહીં. પરંતુ થાય છે એવું કે પાચનશક્તિ એટલી હોતી નથી કે એ એટલાં કારેલાંને પચાવી શકે. વધુ માત્રામાં કારેલાં ખાઓ એટલે એની સીધી અસર પેટ પર દેખાય છે. ઝાડા થઈ જાય છે. વધુ પ્રમાણમાં કારેલાં પેટને માફક આવતાં નથી. આમ એ ફાયદાને બદલે નુકસાન કરે છે. પ્રમાણસર જૂસ દરરોજ પીવાથી પણ ફાયદો થાય જ છે, પરંતુ એમાં તમે દવાઓ બંધ કરવાની ભૂલ ન કરી શકો. આમ દવાઓ સાથે એનો ઉપયોગ કરીએ તો ધીમે-ધીમે ઇચ્છનીય પરિણામો મેળવી શકાય છે. આ માટે નિષ્ણાતની મદદ લેવી જરૂરી છે, કારણ કે કોઈ પણ પ્રકારની ગફલત નુકસાનદાયક બની શકે છે.’

કારેલાના જૂસથી શુગર સિવાય બીજા અમુક ફાયદાઓ થાય છે. એ ફાયદાઓ વિશે જાણીએ

૧. એ શરીરમાં રહેલા ખરાબ કૉલેસ્ટરોલને દૂર કરે છે. બ્લડ-પ્રેશરને જાળવી રાખવામાં મદદરૂપ છે, કારણ કે એમાં ભરપૂર માત્રામાં પોટૅશિયમ છે જે વધુપડતા સોડિયમને ઍબ્ઝૉર્બ કરે છે. એમાંથી આયર્ન અને ફોલિક એસિડ પણ બહોળી માત્રામાં મળે છે. આ કારણોને લીધે સ્ટ્રોક અને હાર્ટ-ડિસીઝથી બચવા માટે પણ એ ઉપયોગી છે.

૨. સ્કિનને ચમકદાર અને હેલ્ધી બનાવે છે. કારેલાંમાં ભરપૂર માત્રામાં ઍન્ટિઑક્સિડન્ટ્સ હોય છે, જેને કારણે સ્કિનને લગતા પ્રૉબ્લેમ્સ થતા નથી.

૩. લિવરને સાફ રાખે છે. પેટને સાફ કરીને લિવરને હેલ્ધી રાખવામાં એ મદદરૂપ થાય છે.

૪. વજન ઉતારવામાં પણ મદદરૂપ છે. એ ફૅટને જમા થતી અટકાવે છે એટલે ઓબેસિટીનો એ પ્રાકૃતિક ઇલાજ છે.

૫. રોગપ્રતિકારક શક્તિ વધારે છે એટલું જ નહીં, એમાં ઍન્ટિ-કાર્સિનોજન પ્રૉપર્ટી છે; જે કૅન્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે.

૬. આંખો માટે ખૂબ જ ગુણકારી છે, કારણ કે એમાં બિટા કૅરોટિન અને વિટામિન A છે; જે આંખ માટે ઘણાં ઉપયોગી છે.

સૌજન્ય : મિડ-ડે

શેર કરો તમારા દરેક મિત્રો સાથે અને દરરોજ વધુ ઉપયોગી માહિતી મેળવવા લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી